નાસિક / અમદાવાદ
કહેવાય છે કે જ્યારે શ્રદ્ધા આંધળી બને છે, ત્યારે તે વિનાશ નોતરે છે. મહારાષ્ટ્રના નાસિકમાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે, જેણે આખા દેશને હચમચાવી દીધો છે. મર્ચન્ટ નેવીમાં 22 વર્ષ નોકરી કરનાર અને પોતાને ‘દિવ્ય દ્રષ્ટા’ ગણાવતો 67 વર્ષીય અશોક ખરાત (Ashok Kharat) ઉર્ફે ‘કેપ્ટન’ આજે પોલીસના સકંજામાં છે. આ ‘ઢોંગી બાબા’એ આસ્થાના નામે જે ખેલ ખેલ્યા છે, તે સાંભળીને રૂંવાડા ઉભા થઈ જશે.

PCO ચલાવતો શખ્સ કેવી રીતે બન્યો ‘દિવ્ય જ્યોતિષ’?
ત્રણ દાયકા પહેલા નાસિકમાં એક નાનકડા ગાળામાં STD-PCO ચલાવતા અશોક ખરાતે ધીરે-ધીરે જમીન-મકાનનો વ્યવસાય શરૂ કર્યો. અંકશાસ્ત્ર અને જ્યોતિષનો અભ્યાસ કરી તેણે મફત સલાહ આપવાનું શરૂ કર્યું. શરૂઆતમાં ભવિષ્યવાણીઓ સાચી પડતા લોકોનો વિશ્વાસ વધ્યો અને જોતજોતામાં ‘ઈશાન્યેશ્વર મહાદેવ મંદિર’ અને ‘શિવનિકા સંસ્થાન ટ્રસ્ટ’ ઉભા કરી દીધા. તે પોતાની વેબસાઈટ પર નેવીનો અનુભવ અને 154 દેશોના પ્રવાસનો દમ ભરી લોકોને આંજી દેતો હતો.
ભયનું સામ્રાજ્ય અને ‘વિશેષ પૂજા’ના નામે ઉઘાડી લૂંટ
તપાસમાં બહાર આવ્યું છે કે, અશોક ખરાત ભક્તોને મનોવૈજ્ઞાનિક રીતે ડરાવવામાં માહિર હતો.
- ડરનો વેપાર: પ્લાસ્ટિકના સાપ અને વાઘની ચામડી જેવા પ્રોપ્સનો ઉપયોગ કરી મંદિરમાં ભયાનક વાતાવરણ ઉભું કરતો.
- મર્સિડીઝની ખંડણી: પુણેના એક બિલ્ડરને મોતનો ડર બતાવીને 5 કરોડ રૂપિયા પડાવ્યા અને મજબૂરીમાં મર્સિડીઝ કાર પણ ખરીદાવી.
- અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા: ‘પારસ’ શક્તિ મેળવવા માટે 21 દેશોની માટીમાં પૂજા કરવાના નામે બિલ્ડરના ખર્ચે વિદેશ પ્રવાસ કર્યા.
મહિલાઓ સાથે ક્રૂરતા: ‘પ્રસાદ’માં ડ્રગ્સ આપી આચરતો દુષ્કર્મ
સૌથી ભયાનક ખુલાસો મહિલા શ્રદ્ધાળુઓના શોષણને લઈને થયો છે. - બ્લેકમેલિંગનો ખેલ: વશીકરણ અને પૂજાના નામે મહિલાઓને નશાકારક પીણું પીવડાવી તેમની સાથે દુષ્કર્મ આચરતો.
- વીડિયો રેકોર્ડિંગ: રૂમમાં છુપા કેમેરા લગાવી વીડિયો ઉતારતો અને પછી બ્લેકમેલ કરતો. પોલીસને તપાસમાં આવા 58થી 100 જેટલા આપત્તિજનક વીડિયો મળી આવ્યા છે.
1500 કરોડનું સામ્રાજ્ય અને હથિયારોનો જથ્થો
SITની તપાસ મુજબ, આ પાખંડીની સંપત્તિનો આંકડો 200 કરોડથી લઈને 1500 કરોડ સુધી હોઈ શકે છે. તેના ઘરેથી રિવોલ્વર, જીવતા કારતૂસ અને રોકડ રકમ મળી આવી છે. 18 માર્ચે એક પીડિત મહિલાની ફરિયાદ બાદ તેની ધરપકડ થઈ અને અત્યાર સુધીમાં તેની સામે 8 FIR નોંધાઈ છે. શંકા તો એવી પણ છે કે આ શખ્સે અઘોરી પૂજામાં બલી પણ આપી હોઈ શકે છે.
સાવધાન રહેવાની જરૂર
આ કિસ્સો સાબિત કરે છે કે ચમત્કારના નામે ભય બતાવનારા લોકો ક્યારેય તમારા હિતેચ્છુ હોતા નથી. ‘પાક્કો ગુજરાત’ જનતાને અપીલ કરે છે કે અંધશ્રદ્ધામાં આવીને આવા લેભાગુ તત્વોના શરણે ન જશો.
અહેવાલ: પાક્કો ગુજરાત ન્યૂઝ ડેસ્ક


