HomeGujaratAhmedabadAhmedabad : નવા વાડજમાં પરિણીતાનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત, પતિના ત્રાસથી...

Ahmedabad : નવા વાડજમાં પરિણીતાનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત, પતિના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું

અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક પરિણીતાએ સાસરિયાના અને પતિના અસહ્ય ત્રાસથી કંટાળીને બિલ્ડિંગના છઠ્ઠા માળેથી પડતું મૂકી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ગત 20મી માર્ચના રોજ બનેલી આ ઘટના અંગે મૃતકના ભાઈએ રવિવારે (પાંચમી એપ્રિલ) પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી અનુસાર, મૃતક રીનાબેન (નામ બદલ્યું છે) ના લગ્ન અંદાજે 15 વર્ષ પૂર્વે રાજસ્થાનના ચિત્તોડગઢ ખાતે રહેતા વિપુલ શર્મા સાથે થયા હતા. સુખી લગ્નજીવનની આશા સાથે શરૂ થયેલી આ સફરમાં તેમને એક પુત્ર પણ છે. જોકે, લગ્નના થોડા સમય બાદથી જ પતિ વિપુલ શર્મા દ્વારા રીનાબેનને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દેવાયું હતું. સામાજિક મર્યાદા અને બદનામીના ડરે રીનાબેન વર્ષો સુધી આ બધું જ સહન કરતા રહ્યા હતા.

સતત મળતા ત્રાસને કારણે નવેમ્બર-2025માં રીનાબેનની માનસિક સ્થિતિ કથળી હતી, જેથી તેમને અમદાવાદ સ્થિત પિયરમાં લાવવામાં આવ્યા હતા. અહીં સાયકોલોજિસ્ટ પાસે તેમની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન પણ 13મી ફેબ્રુઆરીએ પતિ વિપુલ શર્માએ અમદાવાદ આવીને પત્નીને સાથે રાખવાની ના પાડી ડિવોર્સની ધમકી આપી હતી.

આપઘાતના એક દિવસ પહેલા, એટલે કે 19મી માર્ચના રોજ ફરીથી પતિએ ફોન પર ડિવોર્સ લેવાની જીદ કરી માનસિક ત્રાસ આપ્યો હતો. આ સતત ટોર્ચરથી હતાશ થઈને રીનાબેને બીજે દિવસે (20મી માર્ચ) સવારે છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી હતી. હોસ્પિટલમાં બે-ત્રણ કલાકની ટૂંકી સારવાર બાદ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

બહેનની અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ આઘાતમાંથી બહાર આવેલા ભાઈએ હવે ન્યાય માટે પોલીસના દ્વાર ખખડાવ્યા છે. પોલીસે આરોપી પતિ વિપુલ શર્મા વિરુદ્ધ આપગાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments