ભારતમાતાના અનેક સપૂતોએ પોતાની જવાની દેશના નામે કુરબાન કરી દીધી છે, પણ દિલ્હીના રહેવાસી કેપ્ટન અનુજ નૈયરની વાર્તા આજે પણ દેશના યુવાનોના રુંવાડા ઉભા કરી દે છે. 17 જાટ રેજિમેન્ટના આ જાંબાઝ અધિકારીએ માત્ર 22 વર્ષની ઉંમરે કારગિલ યુદ્ધમાં જે બહાદુરી બતાવી, તે ભારતીય સૈન્યના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગઈ છે.
જ્યારે ‘પિમ્પલ-2’ પર મોત તાંડવ કરતું હતું
કારગિલ યુદ્ધ દરમિયાન કેપ્ટન અનુજ નૈયરને અતિ મહત્વના એવા પોઈન્ટ 4875 (જે પિમ્પલ-2 તરીકે ઓળખાય છે) પરથી પાકિસ્તાની ઘૂસણખોરોને હાંકી કાઢવાની જવાબદારી સોંપવામાં આવી હતી. 6 જુલાઈ 1999ના રોજ, કોઈપણ હવાઈ મદદ વગર કેપ્ટન અનુજ અને તેમની ચાર્લી કંપની 16 હજાર ફૂટની સીધી ચઢાણ ચઢીને દુશ્મનના ગઢમાં ત્રાટક્યા હતા.
એકલા હાથે 9 પાકિસ્તાનીઓને કર્યા ઠાર
દુશ્મનોએ પહાડ પર મજબૂત બંકરો બનાવ્યા હતા અને ઉપરથી સતત ગોળીબાર થઈ રહ્યો હતો. આવી સ્થિતિમાં કેપ્ટન અનુજે અપ્રતિમ સાહસ બતાવીને એકલા હાથે પાકિસ્તાની સેનાના 9 જવાનોને મોતને ઘાટ ઉતાર્યા અને ત્રણ મશીનગન બંકરોને તોડી પાડ્યા હતા. ચોથા બંકરને નષ્ટ કરતી વખતે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા, છતાં એક ડગલું પાછળ ન હઠ્યા.

લગ્નના મુગટને બદલે શહાદતનો કફન પસંદ કર્યો
કેપ્ટન અનુજ નૈયરની આ વીરતા પાછળ એક ભાવુક પાસું એ પણ છે કે તેમના લગ્ન નક્કી થઈ ગયા હતા. થોડા જ દિવસોમાં તેમના માથે લગ્નનો મુગટ શોભવાનો હતો, પરંતુ આ વીરે દેશપ્રેમને સર્વોપરી ગણ્યો. 7 જુલાઈના રોજ દુશ્મનનો એક RPG (રોકેટ ગ્રેનેડ) સીધો તેમની પાસે આવીને પડ્યો અને ભારતમાતાનો આ વીર સપૂત હંમેશા માટે અમર થઈ ગયો.
મરણોપરાંત ‘મહાવીર ચક્ર’
કેપ્ટન અનુજ નૈયર અને તેમના સાથીઓની બહાદુરીને કારણે જ પાકિસ્તાની સેનાને ભારે નુકસાન થયું અને ભારત તે શિખર પર વિજય મેળવી શક્યું. તેમની આ સર્વોચ્ચ બહાદુરી બદલ ભારત સરકાર દ્વારા તેમને મરણોપરાંત ‘મહાવીર ચક્ર’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.આજે પણ જ્યારે કારગિલ વિજયની વાત નીકળે છે, ત્યારે 22 વર્ષના એ યુવાનનો ચહેરો નજર સામે આવે છે, જેણે દેશ માટે હસતા મુખે મોતને વહાલું કર્યું હતું.
સલામ એ શહીદને – પાક્કો ગુજરાત ન્યૂઝ


