HomeGujaratAnand : ગણેશ ચોકડી પાસે રસ્તો બંધ કરાતા વાહનચાલકો લાલઘૂમ, પોલીસને હાંસિયામાં...

Anand : ગણેશ ચોકડી પાસે રસ્તો બંધ કરાતા વાહનચાલકો લાલઘૂમ, પોલીસને હાંસિયામાં ધકેલી જનતાએ જાતે જ રસ્તો ખોલી નાખ્યો

આણંદ શહેરમાં ટ્રાફિકથી સતત ધમધમતી ગણેશ ચોકડી પાસે આજે સવારે ભારે હોબાળો મચી ગયો હતો. ઓવરબ્રિજની કામગીરી માટે વહીવટી તંત્ર દ્વારા અચાનક રસ્તો બંધ કરી દેવામાં આવતા વાહનચાલકો અને તંત્ર સામસામે આવી ગયા હતા. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે રોષે ભરાયેલા નાગરિકોએ પોલીસની હાજરીમાં જ બેરિકેટ્સ હટાવી રસ્તો ખોલી નાખ્યો હતો.

મળતી માહિતી મુજબ, ગણેશ ચોકડીથી અમૂલ ડેરી રોડ પર બની રહેલા ઓવરબ્રિજના પીલ્લર પર ગડર બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 6 એપ્રિલથી 11 એપ્રિલ સુધી આ માર્ગ બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જોકે, આજે સવારથી અમલ શરૂ થતા જ અંધાધૂંધી ફેલાઈ હતી.

વાહનચાલકોનો મુખ્ય વિરોધ એ હતો કે માત્ર 200 મીટરનું અંતર કાપવા માટે તેમને 2 કિલોમીટરનો લાંબો ફેરો ખાવાની ફરજ પાડવામાં આવી હતી. અગાઉથી કોઈ જાણકારી વિના અચાનક ડાયવર્ઝન આપી દેતા નોકરિયાતો અને વિદ્યાર્થીઓ અટવાયા હતા. આ મુદ્દે ટ્રાફિક પોલીસ અને વાહનચાલકો વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી.

લોકોનો આક્રોશ એટલો તીવ્ર હતો કે વાહનચાલકોએ જાતે જ રસ્તા પર લગાવેલા આડશ અને બેરિકેટ્સ હટાવવાનું શરૂ કર્યું હતું. સ્થળ પર તૈનાત ટ્રાફિક પોલીસ લાચાર બની આ દ્રશ્યો જોતી રહી હતી અને અંતે વાહનચાલકોએ બળપૂર્વક રસ્તો ખુલ્લો કરાવી દીધો હતો. હાલ આ વિસ્તારમાં ભારે તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે અને વહીવટી તંત્ર હવે શું વચલો રસ્તો કાઢે છે તેના પર સૌની નજર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments