HomeGujaratGujarat : મહેસાણા મનપામાં સમાવેશ મુદ્દે અનેક ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા,...

Gujarat : મહેસાણા મનપામાં સમાવેશ મુદ્દે અનેક ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા, ગામમાં પગ ન મૂકવા અલ્ટીમેટમ

મહેસાણા મહાનગરપાલિકામાં નવા સમાવેશ કરવામાં આવેલાં 24 ગામો પૈકીના તાવડિયા, ઉચરપી, શોભાસણ, ડેલા, રામપુરા વગેરે ગામોના લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારના તાવડિયા ગામમાં ગઈકાલે ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાડવામાં આવ્યા બાદ આજે બુધવારે ઉચરપી ગામના લોકોએ પણ મહાપાલિકા સામે બાંયો ચઢાવી ચૂંટણી બહિષ્કારનો બુંગિયો ફૂંક્યો છે. ગ્રામજનોએ તો ચૂંટણીમાં પ્રચાર-પ્રસાર કરવા માટે કોઈપણ રાજકીય પક્ષોને ગામમાં નહીં પ્રવેશવાનું અલ્ટીમેટમ આપવા સાથે ચૂંટણી બહિષ્કારના બેનરો ગામના પ્રવેશ દ્વાર પર લગાવી દેતાં મહેસાણાના રાજકારણમાં ગરમાટો આવ્યો છે.

નવરચિત મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નજીકના બે ડઝન જેટલા ગામોને સમાવવામાં આવ્યા છે. જો કે, મહાપાલિકામાં સમાવેશ કરવા સામે તાવડિયા, ઉચરપી, શોભાસણ, ડેલા, રામપુરા (કુકસ) વગેરે ગામોના લોકોએ ભારે વિરોધ કર્યો છે.

દરમિયાનમાં ગઈકાલે તાવડિયા ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાડ્યા હતા. જેના પગલે આજે બુધવારે ઉચરપી ગામના લોકોએ પણ મહાપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનું એલાન કરી ગામમાં ‘કોઈપણ રાજકીય પક્ષે પ્રચાર પ્રસાર કરવા માટે પ્રવેશ કરવો નહીં’ તેવા બેનરો લગાવી દીધાં હતાં. જેના પગલે સ્થાનિક રાજકારણમાં હડકંપ મચી ગયો છે. ગોપનીય વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ રાજકીય ખેરખાઓએ તાવડિયા, ઉચરપી વગેરે ગામોના લોકોને ચૂંટણીમાં મતદાન કરવા સમજાવવા માટેની કવાયત હાથ ધરી છે. જો કે, વિકાસના નામે ખેડૂતોની ખેતીલાયક જમીનો રસ્તાઓ તથા ઔદ્યોગિક વસાહતો ઉભી કરવાના ખપ્પરમાં હોમાઈ રહી હોવાનો ચણભણાટ લોકોમાં થતો હતો.

ગ્રામજનોને ખેતીની જમીનો કપાત થતાં તેમના જીવન નિર્વાહની તકલીફની સાથે તેમના ખેડૂત તરીકેના અસ્તિત્વ સામે જોખમ ઊભું થઈ રહ્યાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક ખેડૂત આગેવાનના જણાવ્યા અનુસાર ઉચરપી ગામની ભૌગોલિક સ્થિતિ પહેલેથી જ મર્યાદિત જમીન ધરાવે છે. ગામના સીમાડા પર માંડ એકાદ કિલોમીટરના અંતરે બે હાઈવે રાધનપુર-શામળાજી-ઈડર પસાર થનાર છે. આ બંને હાઈવે વચ્ચે 80 મીટરનો રીંગ રોડ મંજૂર કરાયો છે. આટલું ઓછું હોય તેમ 24 મીટરના ટી.પી. રોડ પણ મંજૂર કરવામાં આવ્યા છે. તેમજ ખેડૂતોની ખેતીલાયક જમીનોને ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં સમાવી લેવા આવી છે. ગ્રામજનોએ બળાપો ઠાલવતાં કહ્યું કે, જો જીઆઈડીસીમાં ઈન્ડસ્ટ્રી ઝોનની પરવાનગી મેળવ્યા બાદ આખરે તો શોપિંગ સેન્ટર તથા રહેણાંકી મકાનો બનાવવાના હોય તો નવા ઝોન માટે ખેતીલાયક જમીનોને છીનવી લઈને ખેડૂતોને બરબાદ નહીં કરવા અનુરોધ કર્યો હતો.

ઉચરપી ગામના ખેડૂત અગ્રણીએ હૈયાવરાળ ઠાલવતાં કહ્યું કે, ઉચરપી ગામના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય પર નભી રહ્યાં છે. અહીં આશરે 240 ફૂટ એટલે કે, 80 ફૂટ પહોળા રસ્તાઓ અને જુદી જુદી ટી.પી. સ્કીમોના લીધે ગ્રામજનોની 50% થી વધુ જમીન કપાતમાં જઈ રહી છે. ખોબા જેવડા ગામના ખેડૂતોને પાયમાલી તરફ ધકેલતાં વર્ષ 2047ના આયોજન સામે લોકોનો વિરોધ જાગ્યો છે.

જો જમીન જ નહીં હોય તો પશુપાલન પર નભતા લોકોનો દૂધનો વ્યવસાય ભાંગી પડવાની સાથે આજીવિકા પણ છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. ગામની કપાત થતી જમીનમાં નવા રસ્તાઓ, ઔદ્યોગિક વસાહત નિર્માણને રદ કરવા અને ફરીથી એગ્રિકલ્ચર ઝોનમાં સમાવવાની માંગણી લોકો કરી રહ્યાં છે. જ્યાં સુધી ઉચરપી ગામના લોકોની માગણી સામે હકારાત્મક વલણ દાખવવામાં નહીં આવે તો માત્ર મહાનગરપાલિકા જ નહીં પરંતુ આગામી વિધાનસભા સહિતની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો અને રાજકીય નેતાઓને ગામમાં નહીં પ્રવેશવા દેવામાં આવે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments