સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રણછોડરાયજી મંદિરના પરિસરમાં દર્શનાર્થે આવેલા એક પરિવાર અને તિલક કરનાર વ્યક્તિ વચ્ચે દક્ષિણા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેમાં બીભત્સ વર્તન અને આક્ષેપ-પ્રતિઆક્ષેપ જોવા મળી રહ્યા છે. અંતે મામલો થાળે પાડવા પોલીસને બોલાવવી પડી હતી.
મળતી માહિતી અનુસાર, એક ભક્ત પોતાના પરિવાર સાથે ઠાકોરજીના દર્શન કરવા ડાકોર આવ્યા હતા. મંદિરની બહાર તિલક કરનાર એક વ્યક્તિએ તેમને તિલક કર્યું હતું. તિલક કર્યા બાદ દક્ષિણા આપવા બાબતે બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. આ સામાન્ય ઝઘડો જોતજોતામાં ઉગ્ર બની ગયો હતો. બંને વચ્ચેની તકરાર મંદિરની બહારથી શરૂ થઈને મંદિરના અંદરના પરિસર સુધી પહોંચી હતી. મંદિરમાં પણ બંને વચ્ચે ભારે બોલાચાલી અને ઝઘડો થયો હતો. દર્શનાર્થી ભક્તે આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો અને બાદમાં તેને સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો છે. ભક્ત પરિવારનો આક્ષેપ છે કે તિલક કરનાર વ્યક્તિએ તેમની સાથે બીભત્સ વર્તન કર્યું હતું.

મામલો વધુ બિચકતા ભક્ત દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. જેને પગલે પોલીસની 112ની ટીમ તાત્કાલિક મંદિર પરિસરમાં પહોંચી હતી. પોલીસે અરજદારની રજૂઆત સાંભળ્યા બાદ, તિલક કરનાર વ્યક્તિને અટકાયતમાં લઈ પોલીસ મથકે લઈ ગઈ હતી. પોલીસ દ્વારા અરજદારની ફરિયાદ નોંધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.
આ ઘટના અંગે મંદિરના ઈન્ચાર્જ મેનેજરના જણાવ્યાનુસાર, તિલક અને દક્ષિણાને લઈને બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. તેઓ બહારથી ઝઘડતા-ઝઘડતા મંદિરની અંદર આવ્યા હતા. ત્યારબાદ ભક્તે પોલીસ બોલાવી હતી અને પોલીસની ટીમ આવીને તિલક કરનાર વ્યક્તિને લઈ ગઈ હતી.


