અમેરિકા અને ઈરાન વચ્ચે બુધવારે (આઠમી એપ્રિલ) થયેલા બે અઠવાડિયાના યુદ્ધવિરામ (સીઝફાયર) બાદ હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી કાર્યરત થવાની આશા જાગી હતી, પરંતુ હવે ત્યાં લેન્ડમાઈન્સનું નવું સંકટ ઊભું થયું છે. ઈરાને આ મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પરથી પસાર થતા જહાજો માટે નવી નેવિગેશન એડવાઈઝરી જાહેર કરી છે, જેથી સમુદ્રના પેટાળમાં બિછાવેલી લેન્ડમાઈન્સથી જહાજોને બચાવી શકાય.
અહેવાલો અનુસાર, ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ નિર્દેશ આપ્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા તમામ જહાજોએ દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઈરાન દ્વારા નિર્ધારિત નવા કોરિડોર અને પેટર્નનું પાલન કરવું પડશે. ઈરાનનો દાવો છે કે યુદ્ધ દરમિયાન બિછાવેલી દરિયાઈ ખાણો (Sea Mines) જહાજો માટે જોખમી બની શકે છે, તેથી પ્રવેશ અને બહાર નીકળવા માટે ચોક્કસ રૂટ નક્કી કરવામાં આવ્યા છે.

અમેરિકા-ઈરાન સમજૂતી બાદ આ માર્ગ ખુલવાની જાહેરાત થઈ હતી, પરંતુ તાજેતરના અહેવાલો મુજબ સ્થિતિ વણસી છે. ઈરાનનો આરોપ છે કે ઈઝરાયલે લેબનોન પર હુમલા ચાલુ રાખીને યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કર્યું છે. કેટલાક અહેવાલો સૂચવે છે કે ઈઝરાયલી હુમલાના વિરોધમાં ઈરાને ફરીથી આ માર્ગ પર નિયંત્રણો લાદવાની શરૂઆત કરી છે.
નોંધનીય છે કે, 28મી ફેબ્રુઆરીથી શરૂ થયેલા યુદ્ધ દરમિયાન ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી. આ માર્ગ વૈશ્વિક ઉર્જા સુરક્ષા માટે અત્યંત મહત્વનો છે કારણ કે, વિશ્વના કુલ તેલ અને ગેસના પુરવઠાના લગભગ ૨૦ ટકા આ સાંકડી ગલીમાંથી પસાર થાય છે. જો આ માર્ગ ફરી બંધ થાય અથવા લેન્ડમાઈન્સને કારણે જહાજોને નુકસાન થાય, તો વૈશ્વિક સ્તરે ઈંધણના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે.
કરાર મુજબ ઈરાન અને અમેરિકા એકબીજા પર હુમલા ન કરવા અને શિપિંગ માર્ગ ખુલ્લો રાખવા સંમત થયા હતા. જોકે, આ કરારમાં ઈઝરાયલની ભૂમિકા અને લેબનોનમાં તેની સૈન્ય કાર્યવાહી હાલમાં સૌથી મોટો અવરોધ બની રહી છે. જો ઈઝરાયલ હુમલા બંધ નહીં કરે, તો આ 14 દિવસનો યુદ્ધવિરામ સમય પહેલા જ તૂટી શકે તેવી ભીતિ છે.


