[મુખપત્ર – પાક્કો ગુજરાત]*
ગુજરાતના ગૃહવિભાગ અને મુખ્યમંત્રીને સંબોધીને લખાયેલો સુરતના આરટીઆઈ કાર્યકર સંજય ઈઝાવાનો પત્ર માત્ર એક કાગળ નથી, પણ સત્તાના નશામાં ચૂર તંત્ર સામે એક સળગતો સવાલ છે. ગુજરાત IPS અસોસિએશને સોશિયલ મીડિયા પર અધિકારીઓ વિરુદ્ધ “પાયાવિહોણા આરોપો” સામે પગલાં લેવાનો જે ઠરાવ કર્યો છે, તે સાંભળવામાં શિસ્તબદ્ધ લાગે છે, પરંતુ તેની ઊંડાઈમાં ઉતરો તો લોકશાહીના પાયામાં પડેલી તિરાડ સ્પષ્ટ દેખાય છે.

કાયદો બધા માટે સમાન, તો આ સ્પેશિયલ ‘ટ્રીટમેન્ટ’ કેમ?
ભારતીય સંવિધાનના અનુચ્છેદ 19(1) મુજબ દરેક નાગરિકને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. જો કોઈ નાગરિક ખોટા આરોપ લગાવે, તો બદનક્ષીની કલમો અને અદાલતો હાજર જ છે. તો પછી IPS અસોસિએશન જેવી સંસ્થાએ અલગથી ઠરાવ કરીને કોને ડરાવવાની કોશિશ કરી છે? શું આ ઠરાવ એ વાતનો પુરાવો નથી કે લોકશાહીમાં હવે કેટલાક લોકો “વધુ સમાન” (More Equal) બની ગયા છે?
ભ્રષ્ટાચારના પહાડો સામે મૌન કેમ?
જ્યારે રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર સામે 75 લાખના તોડના આક્ષેપો ભાજપના જ નેતાઓએ લગાવ્યા, ત્યારે આ અસોસિએશન ક્યાં હતું? જ્યારે જેલના વડાએ આજીવન કેદના કેદીને ટપાલ ટિકિટની જેમ મુક્ત કરી દીધો અને સુપ્રીમ કોર્ટે તેને ફટકાર લગાવી, ત્યારે અસોસિએશનને પોતાની છબી ખરડાતી નહોતી દેખાઈ?
- સવાલ: શું અસોસિએશન ફક્ત અધિકારીઓના ‘પાપ’ ઢાંકવા અને જનતાનો અવાજ દબાવવા માટે જ સક્રિય થાય છે?
- સત્ય: સતિષ વર્મા, રજનીશ રાય કે રાહુલ શર્મા જેવા નિષ્ઠાવાન અધિકારીઓ જ્યારે હેરાન થતા હતા, ત્યારે આ અસોસિએશનના હોઠ સિવાઈ ગયા હતા.
ખાખીમાં પણ ભેદભાવ: નાના કર્મચારીઓનું કોણ?
સૌથી મોટો વિરોધાભાસ તો એ છે કે ટોચના અધિકારીઓ પાસે અસોસિએશન છે, જે સરકારને પણ ધમકાવી શકે છે. બીજી તરફ, રાત-દિવસ રસ્તા પર ઊભા રહીને ફરજ બજાવતા કોન્સ્ટેબલ કે હેડ-કોન્સ્ટેબલને પોતાનું યુનિયન બનાવવાનો અધિકાર પણ નથી!
ઉપરી અધિકારીઓના અને નેતાઓના જૂતા સાફ કરવાથી માંડીને તેમનો ઓર્ડર ઉઠાવતા નાના કર્મચારીઓ જ્યારે પોતાના હક માટે અવાજ ઉઠાવે, ત્યારે તેમને શિસ્તના નામે ડામી દેવામાં આવે છે.
“અંધેરી નગરી ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા” – આ કહેવત આજે ગુજરાતના વહીવટી તંત્ર પર સચોટ બેસે છે.
નિષ્કર્ષ: જાગતે રહો!
સંજય ઈઝાવાએ ઉઠાવેલો અવાજ એ દરેક ગુજરાતીનો અવાજ છે જે કાયદાના શાસનમાં માને છે. જો આજે IPS અસોસિએશનના આ સામંતશાહી ઠરાવ સામે અવાજ નહીં ઉઠાવવામાં આવે, તો કાલે સોશિયલ મીડિયા પર અન્યાય વિરુદ્ધ બોલવું પણ ગુનો બની જશે.
સત્તાના દંડૂકાથી ડરવાની જરૂર નથી, કારણ કે લોકશાહીમાં આખરી સત્તા જનતાના હાથમાં છે. ‘પાક્કો ગુજરાત’ આ મુદ્દે પોતાની કલમ લડાવતું રહેશે.
– પવન માકન
ગ્રુપ એડિટર, ધાની મીડિયા (પાક્કો ગુજરાત)


