ઉનાળાની કાળઝાળ ગરમીમાં મન હંમેશા કંઈક ઠંડું પીવા માટે તરસે છે. બજારમાં મળતા સોફ્ટ ડ્રિંક્સ કે કેમિકલયુક્ત પીણાં ક્ષણિક ઠંડક તો આપે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. આવા સમયે ઘરે બનાવેલી ઠંડી લસ્સી શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થાય છે. તે માત્ર શરીરને ઠંડક જ નથી આપતી, પણ તેમાં રહેલા પ્રોટીન અને વિટામિન્સ સ્ફૂર્તિ પણ જાળવી રાખે છે.
ઘરે પણ બની શકે બજાર જેવી મલાઈદાર લસ્સી
ઘણાને પ્રશ્ન હોય છે કે બજાર જેવી ઘટ્ટ અને મલાઈદાર લસ્સી ઘરે કેમ નથી બનતી? અહીં કેટલીક સરળ ટિપ્સ આપી છે જેનાથી તમે પણ માસ્ટર શેફ જેવી લસ્સી બનાવી શકશો. આ ઘરે બનાવેલા પીણું માત્ર ઠંડકની અનુભૂતિ જ નહીં પરંતુ શક્તિ પણ વધારે છે અને સારું સ્વાસ્થ્ય પણ જાળવી રાખે છે, કારણ કે તે પ્રોટીન, વિટામિન્સ અને અન્ય પોષક તત્વોથી ભરપૂર છે. યોગ્ય પદ્ધતિથી, તમે ઘરે બજાર જેવી ડિલિશિયસ અને ટેસ્ટી લસ્સી તૈયાર કરી શકો છો. આ બાબતોનું જરૂર ધ્યાન રાખો.

રજવાડી લસ્સી બનાવી શરીરને આપો ઠંડક
રજવાડી લસ્સી તેના ઘટ્ટ ટેક્સચર, કેસરની સુગંધ અને ડ્રાય ફ્રૂટ્સના ભરપૂર ઉપયોગને કારણે જાણીતી છે. ઘરે બજાર જેવી જ રાજવાડી લસ્સી બનાવવાની રીત નીચે મુજબ છે.
જરૂરી સામગ્રી:
તાજું દહીં: ૨ કપ (ઘટ્ટ અને મોળું)
દળેલી ખાંડ: ૪ થી ૫ મોટી ચમચી (સ્વાદ મુજબ)
તાજી મલાઈ: ૨ મોટી ચમચી (ઉપરથી નાખવા માટે)
કેસર: ૮-૧૦ તાંતણા (૧ ચમચી ગરમ દૂધમાં પલાળેલું)
ઇલાયચી પાવડર: ૧/૨ ચમચી
ડ્રાય ફ્રૂટ્સ: કાજુ, બદામ અને પિસ્તાની કતરણ
ગુલાબજળ: ૩-૪ ટીપાં
બરફના ટુકડા: જરૂર મુજબ
રજવાડી લસ્સી બનાવવાની રીત
સૌ પ્રથમ એક મોટા વાસણમાં ઘટ્ટ દહીં લો. યાદ રાખો કે દહીંમાંથી પાણી કાઢી લીધેલું હોય તો લસ્સી વધુ સારી બનશે. દહીંમાં દળેલી ખાંડ, એલચી પાવડર અને પલાળેલું કેસર (દૂધ સાથે) ઉમેરો. જો તમને ગુલાબની સુગંધ ગમતી હોય, તો થોડા ટીપાં ગુલાબજળ પણ ઉમેરી શકાય. હવે પરંપરાગત લાકડાના રવૈયા (જેણી) વડે દહીંને સરખી રીતે વલોવી લો. મિક્સરનો ઉપયોગ કરવાનું ટાળો, કારણ કે મિક્સરમાં ફેણ વધુ આવે છે પણ લસ્સી પાતળી થઈ જાય છે. રવૈયાથી વલોવેલી લસ્સી ઘટ્ટ અને દાણાદાર બને છે. વલોવતી વખતે જ તેમાં ૨-૩ બરફના ટુકડા ઉમેરો. લસ્સી વધુ પાતળી ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. લસ્સી તૈયાર થઈ જાય એટલે તેને કાચના ગ્લાસમાં અથવા માટીના કુલ્લડમાં કાઢો. ગ્લાસમાં ઉપરથી એક ચમચી તાજી મલાઈ મૂકો. ત્યારબાદ તેના પર કાજુ, બદામ અને પિસ્તાની કતરણ છાંટો. ઉપરથી ૨-૩ કેસરના તાંતણા મૂકીને સજાવો. યાદ રાખો કે ઘટ્ટ લસ્સીમાં જો દહીં પાતળું હોય, તો તેને મલમલના કપડામાં ૧ કલાક બાંધી રાખો (હંકર્ડ કર્ડ), જેથી વધારાનું પાણી નીકળી જાય.
લસ્સી બનાવવામાં રાખો આ બાબતનું ધ્યાન
પરફેક્ટ લસ્સી માટે દહીંની ગુણવત્તા સૌથી મહત્વની છે. હંમેશા તાજા દહીંનો ઉપયોગ કરો. દહીંને વલોવતા પહેલા ખાતરી કરો કે તેમાં કોઈ ગઠ્ઠા ના રહે. રજવાડી મીઠી લસ્સી બનાવવા માટે ગળપણ માટે ખાંડ ઉમેરો. સુગંધ અને સ્વાદ માટે એલચી પાવડર અને થોડું ગુલાબજળ ઉમેરવાથી તે શાહી લસ્સી બની જશે. લસ્સી બનાવતી વખતે તેને મિક્સરમાં વધુ પડતી ન ફેરવવી. મિક્સરના બદલે જો પરંપરાગત રવૈયા (જેણી) થી વલોવવામાં આવે, તો લસ્સી ઘટ્ટ રહે છે અને તેનો સ્વાદ બરકરાર રહે છે. વધુ બરફ લસ્સીને પાતળી અને બેસ્વાદ બનાવી દે છે. જો શક્ય હોય તો લસ્સીને કુલડી (માટીના ગ્લાસ) માં પીરસો. માટીની સોડમ લસ્સીના સ્વાદને અનેકગણો વધારી દેશે.


