જૂનાગઢ શહેરમાં આજે આંબેડકર જયંતિની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી હતી, ત્યારે શહેરના મુખ્ય એવા કાળવા ચોક વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો જ્યારે ઉજવણીમાં વ્યસ્ત હતા.
જૂનાગઢ શહેરમાં આજે આંબેડકર જયંતિની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી હતી, ત્યારે શહેરના મુખ્ય એવા કાળવા ચોક વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો જ્યારે ઉજવણીમાં વ્યસ્ત હતા, ત્યારે અચાનક બે તોતિંગ આખલાઓ એકબીજા સાથે ભીષણ રીતે બાખડી પડ્યા હતા. આખલાઓ વચ્ચેના આ યુદ્ધને કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. રખડતા ઢોરની આ સમસ્યાને કારણે ઉજવણીનો માહોલ થોડીવાર માટે ભયમાં પલટાઈ ગયો હતો.

આખલાઓ લડતા-લડતા રસ્તાની વચ્ચે આવી ગયા હતા અને ત્યાંથી પસાર થઈ રહેલી એક રિક્ષા સાથે જોરદાર રીતે ભટકાયા હતા. આ અથડામણને કારણે રિક્ષા પલટી ખાતા સહેજમાં બચી હતી અને રિક્ષામાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. આસપાસના દુકાનદારો અને લોકોએ આ દ્રશ્યો જોઈને જીવ તાળવે ચોંટ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને નુકસાન પહોંચ્યું હતું. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે શહેરના મુખ્ય ચોકમાં આ પ્રકારે ઢોરનો ત્રાસ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી નિકાલ કરવામાં આવતો નથી.
સ્થિતિ કાબૂ બહાર જતી જોઈ તાત્કાલિક ધોરણે તંત્રને જાણ કરવામાં આવી હતી. આખલાઓ એટલા ઉગ્ર હતા કે સામાન્ય લોકો તેમને છૂટા પાડવાની હિંમત કરી શકતા નહોતા. અંતે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને લડતા આખલાઓ પર પાણીનો મારો ચલાવી તેમને મહામુસીબતે છૂટા પાડ્યા હતા. આખલાઓ દૂર જતા જ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, આ ઘટનાએ જૂનાગઢ મહાનગરપાલિકાની રખડતા ઢોર પકડવાની કામગીરી સામે ફરી એકવાર મોટા સવાલો ઊભા કર્યા છે.


