ગીર સોમનાથના કોડીનાર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરે તેવી એક ઘટના સામે આવી છે. શહેરની વ્યસ્ત ગણાતી રોણાજ રોડ ચોકડી પાસે ચશ્મા વેચવાનું કામ કરતા અવતારસિંઘ નામના યુવાન પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો.
ગીર સોમનાથના કોડીનાર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરે તેવી એક ઘટના સામે આવી છે. શહેરની વ્યસ્ત ગણાતી રોણાજ રોડ ચોકડી પાસે ચશ્મા વેચવાનું કામ કરતા અવતારસિંઘ નામના યુવાન પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. ધોળે દિવસે થયેલી આ હિંસક ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે ભય અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે. હુમલાખોરો એટલી બેરહેમીથી તૂટી પડ્યા હતા કે ઈજાગ્રસ્ત યુવાન લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ઢળી પડ્યો હતો.

આ ઘટના અંગે ઈજાગ્રસ્તની પત્નીએ અત્યંત ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આ હુમલો કોઈ અકસ્માત કે તાત્કાલિક વિવાદનું પરિણામ નથી, પરંતુ જૂની અદાવત રાખીને આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યો છે. વિરોધીઓએ સુપારી આપીને આ જીવલેણ હુમલો કરાવ્યો છે. કારમાં સવાર થઈને આવેલા 3થી 4 શખ્સોએ અચાનક ગાડી ઉભી રાખી લાકડી અને ધોકા જેવા હથિયારો વડે અવતારસિંઘને માર મારવાનું શરૂ કર્યું હતું. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઘટનાની જાણ થતા જ કોડીનાર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની કામગીરી હાથ ધરી છે, જેથી હુમલાખોરો જે કારમાં આવ્યા હતા તેની ઓળખ કરી શકાય. પત્નીના નિવેદનના આધારે જૂની દુશ્મનીના પાસા પર પણ તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે. ધોળે દિવસે થયેલા આ હુમલાને પગલે સ્થાનિક વેપારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


