હરિવંશ નારાયણ સિંહ સતત ત્રીજી વાર રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ચૂંટાયા છે. હરિવંશનો કાર્યકાળ 9 એપ્રિલે પૂર્ણ થયા પછી આ પદ ખાલી થઈ ગયું હતું.રાજ્યસભાના નામાંકિત સાંસદ હરિવંશ નારાયણ સિંહ સતત ત્રીજી વાર રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ચૂંટાયા છે. રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે તેઓ બિનહરીફ ચૂંટાયા હતા, જોકે વિપક્ષ તરફથી કોઈ ઉમેદવાર ન ઉતારવામાં આવતાં તેમનું બિનહરીફ ચૂંટાવું પહેલેથી જ નક્કી હતું, જેની ઔપચારિક જાહેરાત આજે શુક્રવારે કરવામાં આવી છે.
હરિવંશનો કાર્યકાળ 9 એપ્રિલે પૂર્ણ થયા બાદ આ પદ ખાલી થઈ ગયું હતું. સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને ‘રાજ્યોની પરિષદમાં કાર્ય-પ્રણાલી અને કાર્ય-સંચાલન નિયમો’ના નિયમ 7 હેઠળ ચૂંટણી માટે શુક્રવારનો દિવસ નક્કી કર્યો હતો. પ્રસ્તાવોની જાણકારી જમા કરાવવાની અંતિમ સમયમર્યાદા ગુરુવારે બપોરે 12 વાગ્યા સુધી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ, હરિવંશની ઉમેદવારીના સમર્થનમાં 5 નોટિસ પ્રાપ્ત થઈ હતી, જ્યારે વિપક્ષ તરફથી કોઈ નોટિસ દાખલ કરવામાં આવી ન હતી. વિપક્ષે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. આ બહિષ્કાર મોદી સરકાર દ્વારા છેલ્લા 7 વર્ષથી લોકસભામાં ઉપસભાપતિની નિમણૂક ન કરવાના વિરોધમાં કરવામાં આવી રહ્યો છે.
રાજ્યસભામાં હરિવંશ નારાયણ સિંહના બિનહરીફ ઉપસભાપતિ તરીકે ચૂંટાવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “સતત ત્રીજી વખત ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાવું એ આ ગૃહને તમારા પર કેટલો ઊંડો વિશ્વાસ છે તે દર્શાવે છે, ભૂતકાળમાં તમારા અનુભવથી ગૃહને કેટલો ફાયદો થયો છે અને બધાને સાથે લઈ જવા માટે તમે જે પ્રયાસો કરો છો તે તેનો પુરાવો છે.”
પીએમ મોદીએ આગળ કહ્યું, “અમે સૌએ જોયું છે કે હરિવંશજીના નેતૃત્વમાં સભાની શક્તિ વધુ અસરકારક બની છે. તેઓ માત્ર સભાની કાર્યવાહીને સંચાલિત જ કરતા નથી, પરંતુ પોતાના અગાઉના અનુભવનો ઉપયોગ કરીને સભાને સમૃદ્ધ પણ બનાવે છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ઉપસભાપતિ તરીકે તેમનો આ નવો કાર્યકાળ પણ એ જ ભાવના, સંતુલન અને સમર્પણ સાથે આગળ વધશે. આપણાં સૌના પ્રયાસોથી સભાની ગૌરવતા નવી ઊંચાઈઓને સ્પર્શશે.”


