કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ દેશની રાજનીતિમાં ભારે ગરમાવો આવ્યો છે. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ખડગેએ મોદીને ‘આતંકવાદી’ કહી સંબોધ્યા હતા, જેને લઈને ભારે વિવાદ ઊભો થયો છે. જોકે, બાદમાં તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તેમના શબ્દોનો તે અર્થ નહોતો અને તેઓ કહેવા માગતા હતા કે વડાપ્રધાન લોકો અને રાજકીય પક્ષોને ‘ડરાવે છે’.
આ નિવેદન પર ભારતીય જનતા પાર્ટી (BJP)એ કડક પ્રતિક્રિયા આપી છે. પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ આ નિવેદનને નિંદનીય ગણાવી કહ્યું કે આ માત્ર જીભ લપસી જવાની ઘટના નથી, પરંતુ કોંગ્રેસ પાર્ટીની માનસિકતા દર્શાવે છે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ નેતાઓ વારંવાર વડાપ્રધાન વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરે છે.

સંબિત પાત્રાએ વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ અગાઉ પણ વિવાદાસ્પદ વ્યક્તિઓ અંગે નરમ વલણ રાખતી આવી છે અને હવે વડાપ્રધાન અંગે આવી ટિપ્પણીઓ કરીને પોતાની રાજકીય દિશા સ્પષ્ટ કરી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે દેશની જનતા આવા નિવેદનોનો યોગ્ય જવાબ આપશે. ખડગેએ તમિલનાડુમાં આપેલા નિવેદનમાં AIADMK સાથે જોડાણ અંગે પણ સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જે લોકો સમાનતા અને ન્યાયમાં વિશ્વાસ નથી કરતા, તેમની સાથે ગઠબંધન કરવું લોકશાહી માટે ખતરનાક છે. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર રાજકીય ભાષા અને જવાબદારી અંગે ચર્ચા તેજ કરી છે.


