અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક એવા શાતિર ગુનેગારની ધરપકડ કરી છે, જેની કહાની કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ જેવી જ રસપ્રદ છે. છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી મુંબઈમાં કલાકાર તરીકે ઓળખ બનાવીને નાસતો ફરતો આજીવન કેદની સજાનો પાકો કેદી આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે. ઘી કાંટા મેટ્રો સ્ટેશન પાસેથી ઝડપાયેલા હેમંત મોદી નામના ગુજરાતી કલાકારની અસલી ઓળખ સામે આવતાં ખુદ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે.
મળતી માહિતી અનુસાર, આ સમગ્ર ગુનાઈત મામલાની શરૂઆત વર્ષ 2005માં થઈ હતી, જ્યારે હેમંત મોદીએ અમદાવાદના નરોડા વિસ્તારમાં એક ઘાતકી હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો. આ મામલે કોર્ટે તેને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારતા તેને મહેસાણા જેલમાં મોકલી અપાયો હતો. જેલવાસ દરમિયાન માનસિક રીતે તૂટી ગયેલા હેમંતે પોતાની પત્ની સાથે છૂટાછેડા પણ લઈ લીધા હતા, કારણ કે તેને લાગતું હતું કે હવે તેની આખી જિંદગી જેલના સળિયા પાછળ જ પૂરી થઈ જશે. જો કે, વર્ષ 2014માં તેને કોર્ટ તરફથી પેરોલ મળ્યા હતા. જેલની બહાર આવતાં જ તેણે પાછા ફરવાને બદલે કાયમ માટે ગાયબ થઈ જવાનો પ્લાન બનાવી લીધો હતો.
પેરોલ જમ્પ કરીને ભાગ્યા બાદ હેમંત સીધો મુંબઈ પહોંચ્યો હતો. ત્યાં તેણે પોતાનો લોહિયાળ ભૂતકાળ છુપાવીને એક સામાન્ય સ્ટ્રગલિંગ એક્ટર તરીકે નાટકો અને ફિલ્મી દુનિયામાં નસીબ અજમાવવાનું શરૂ કર્યું હતું. એવું કહેવાય છે કે, આ દરમિયાન તેણે પોતાની ઓળખ છુપાવીને ‘સ્પંદન મોદી’ નામ રાખી લીધું હતું. ઈન્ટરનેટ ડેટા બેઝમાં પણ તેણે કરેલી ફિલ્મોમાં આ જ નામની ક્રેડિટ અપાઈ હોવાનું જોવા મળે છે.

નવાઈની વાત એ છે કે, જે પોલીસ રેકોર્ડમાં તે એક મોટો વોન્ટેડ ગુનેગાર હતો, તે જ સમયે તે મોટા પડદા પર બોલિવૂડની ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’, ‘જયેશભાઈ જોરદાર’ અને ‘53મું પાનું’ જેવી ફિલ્મોમાં રણવીર સિંહ, આમિર ખાન અને અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું. આ ઉપરાંત અનેક હિન્દી સીરિયલો અને નાટકોમાં પણ નાની-મોટી ભૂમિકાઓ કરી. આશ્ચર્યની વાત એ છે કે, આ દરમિયાન તેણે ગુજરાતી ફિલ્મમાં પણ કામ કર્યું, પરંતુ કોઈને અણસાર સુદ્ધા ના આવ્યો કે, આ શખસ ગંભીર ગુનામાં ફરાર ગુનેગાર છે.
લાંબા સમયથી ગુમ થયેલો આ પાકો કેદી અમદાવાદમાં જ ક્યાંક છુપાયો હોવાની અને કોઈને મળવા આવવાનો હોવાની ચોક્કસ બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. આ માહિતીના આધારે પોલીસે ટેક્નિકલ સર્વેઇલન્સ ગોઠવ્યું અને તેના જૂના સંપર્કોની કડીઓ જોડીને વોચ રાખવાનું શરૂ કર્યું હતું. આખરે ઘી કાંટા મેટ્રો સ્ટેશન નજીક ક્રાઈમ બ્રાન્ચે ગોઠવેલી જાળમાં હેમંત મોદી આબાદ ફસાઈ ગયો હતો. તે ઝડપાયો ત્યારે પણ તેણે ‘અભિનય કળા’ના જોરે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, આ કારીગરી ચાલી નહીં અને તેણે પોલીસ સમક્ષ તમામ કબૂલાત કરી લીધી. હવે પોલીસે તેને ફરી જેલ ભેગો કરવાની તજવીજ હાથ ધરી છે.
છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામ ખાતે આવેલું સ્થાનિક તળાવ હાલમાં એક મોટા ગંભીર વિવાદનું કેન્દ્ર બન્યું છે. સરકારની સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવને ઊંડું કરવાની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ખોદકામના કારણે સ્થાનિક પ્રજાપતિ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. વર્ષોથી આ તળાવની માટીમાંથી માટલા અને પરંપરાગત માટીના વાસણો બનાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારો હવે આક્ષેપ કરી રહ્યા છે કે વિકાસના નામે તેમની રોજીરોટી છીનવી લેવામાં આવી છે. આ ગંભીર મામલો હવે સ્થાનિક વહીવટી તંત્રના દ્વાર સુધી પહોંચ્યો છે.
સ્થાનિકોના જણાવ્યાનુસાર, જબુગામના પ્રજાપતિ સમાજના લોકોને પરંપરાગત વ્યવસાય માટે રોજગારી મળી રહે તે હેતુથી સરકાર દ્વારા આ તળાવમાંથી માટી મેળવવાનો કાયદેસરનો હક્ક પણ આપવામાં આવેલો છે. જોકે, સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ઊંડું કરવાનો કોન્ટ્રાક્ટ ધરાવતા કોન્ટ્રાક્ટરે નિયમોને નેવે મૂકીને મનસ્વી રીતે તોતિંગ ખોદકામ કરી નાખ્યું છે.
સમાજના લોકોનો આક્ષેપ છે કે તળાવના તળિયામાંથી બધી જ કિંમતી ચીકણી માટી ખોદીને બહાર કાઢી લેવામાં આવી છે અને હવે અંદર માત્ર રેતી જ બચી છે. આ પરિસ્થિતિમાં માટી વગર પોતાનો પરંપરાગત ધંધો અને ગૃહ ઉદ્યોગ કેમ કરીને કરવો તે સૌથી મોટો યક્ષ પ્રશ્ન બની ગયો છે.
તળાવની માટી ચોરી અને ગેરકાયદે ખોદકામ મુદ્દે પ્રજાપતિ સમાજના લોકો ગ્રામ પંચાયતની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવી રહ્યા છે. લોકોના કહેવા મુજબ, તળાવ ઊંડું કરવા માટેનો ઠરાવ નિયમ મુજબ ગ્રામસભા બોલાવીને ગામલોકોની સંમતિથી કરવાનો હોય છે, પરંતુ અહીં માત્ર પંચાયત બોડીએ બંધ બારણે જ ઠરાવ પાસ કરી દીધો હતો.
ગામના લોકોને કે વર્ષોથી નિર્ભર પ્રજાપતિ સમાજને વિશ્વાસમાં લીધા વિના જ આ લેવાયેલા નિર્ણયથી ભારે નારાજગી છે. આક્ષેપ છે કે પ્રજાપતિ સમાજનો હક્ક છીનવીને આ કિંમતી માટી બાજુમાં ચાલી રહેલા નેશનલ હાઈવેના કામમાં વાપરવા માટે મોકલી દેવામાં આવી છે. પ્રજાપતિ સમાજ ન્યાયની ગુહાર લગાવતા સ્પષ્ટ કહી રહ્યો છે કે, જે માટી કોન્ટ્રાક્ટર ગેરકાયદેસર રીતે અહીંથી ઉપાડી ગયો છે તે માટી તાત્કાલિક પંપ અથવા પંચાયત દ્વારા અમને પાછી અપાવવામાં આવે.
જબુગામ ખાતે રહેતા લગભગ 40 જેટલા પ્રજાપતિ પરિવારો સંપૂર્ણપણે આ તળાવની માટી પર જ નિર્ભર છે. તેમની પાસે ખેતી કે મજૂરી સિવાય રોજગારીનો અન્ય કોઈ વૈકલ્પિક સ્ત્રોત નથી. પરિવારના મોભીઓ ચિંતા વ્યક્ત કરતા જણાવી રહ્યા છે કે, ‘હવે માટી વિના અમારો ગૃહ ઉદ્યોગ કેવી રીતે ચાલશે? ટૂંક સમયમાં જ ઘરમાં રહેલી થોડી ઘણી માટી પણ પૂરી થઈ જશે, ત્યારબાદ બાળકોની સ્કૂલની ફી કેમ ભરવી અને ઘરનું રસોડું કેમ ચલાવવું?’ આ ચિંતા માત્રથી જ લોકો કમકમી ઉઠે છે. આ મામલે ઉચ્ચ અધિકારીઓને વારંવાર લેખિત રજૂઆતો અને આવેદનપત્રો આપવામાં આવ્યા હોવા છતાં આજદિન સુધી વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર નિકાલ લાવવામાં આવ્યો નથી.
જબુગામનો આ તળાવ માટી ખોદકામનો મુદ્દો હવે માત્ર જળસંચય કે વિકાસની કામગીરી સુધી સીમિત રહ્યો નથી, પરંતુ પછાત વર્ગના અનેક ગરીબ પરિવારોના અસ્તિત્વ, રોજગાર અને કાનૂની અધિકાર સાથે જોડાયેલો સંવેદનશીલ પ્રશ્ન બની ગયો છે. હવે જોવાનું એ રહે છે કે જિલ્લાનું ઉચ્ચ વહીવટી તંત્ર ગરીબોની આ આજીવિકાની ચીસને કેટલી ગંભીરતાથી લે છે અને કોન્ટ્રાક્ટર સામે કેવા પગલાં ભરે છે.


