પાકિસ્તાનના લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદી રિઝવાન હનીફનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે જાહેરમાં કબૂલાત કરતો જોવા મળે છે કે છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં તેના સંગઠનના 30થી વધુ માણસો માર્યા ગયા છે. જેના માટે તેણે ભારતીય એજન્સીઓના માણસો અને ‘અજ્ઞાત બંદૂકધારીઓ’ને દોષ આપ્યો.
હનીફે દાવો કર્યો હતો કે પેશાવર, કરાંચી, રાવલપિંડી, મુઝફ્ફરાબાદ અને રાવલકોટ જેવાં પાકિસ્તાનનાં વિવિધ શહેરો અને PoKમાં આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા છે. તેનું કહેવું છે કે આ હત્યાઓ પાછળ ભારતીય ગુપ્તચર એજન્સીઓના માણસો છે, જેઓ અજ્ઞાત બંદૂકધારી બનીને આવે છે અને હત્યાઓને અંજામ આપે છે.

ભારતીય સુરક્ષા એજન્સીઓએ આ વાયરલ વિડીયોની સત્યતા ચકાસીને પુષ્ટિ કરી છે કે વિડીયોમાં દેખાતો શખ્સ ભારતનો મોસ્ટ વૉન્ટેડ આતંકવાદી રિઝવાન હનીફ જ છે. અહીં ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને અગાઉ પણ ભારતીય એજન્સીઓ પર આવા ટાર્ગેટેડ કિલિંગના આક્ષેપો કર્યા છે.
સંબોધન દરમિયાન હનીફે હિંદુઓ અને યહૂદીઓ વિશે અત્યંત વાંધાજનક અને વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી. તેણે એવો દાવો કરવાનો પ્રયાસ કર્યો હતો કે તેના માણસોને માત્ર મજહબના આધારે જ નિશાન બનાવાઈ રહ્યા છે.
અહીં એ નોંધનીય છે કે ભારત, અમેરિકા વગેરે દેશો અને સંયુક્ત રાષ્ટ્ર જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પણ લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠન જાહેર કરીને તેની ઉપર પ્રતિબંધ મૂક્યો છે. હાફિઝ સઈદ તેનો ચીફ છે. ભારતમાં થયેલા અનેક આતંકવાદી હુમલાઓમાં લશ્કર-એ-તૈયબાનો હાથ હતો. જેમાં 2008નો મુંબઈ આતંકવાદી હુમલો પણ સામેલ છે, જ્યારે પાકિસ્તાની આતંકવાદીઓ દરિયાઈ માર્ગે મુંબઈ સુધી ધસી આવ્યા હતા અને અનેક ઠેકાણે આતંક મચાવ્યો હતો. આ જ લશ્કરનો આતંકવાદી કસાબ પછીથી જીવતો પકડાયો હતો, જેને 2012માં ફાંસી અપાઈ હતી.


