ઝારખંડ અને આસપાસના વિસ્તારોમાં સર્જાયેલા લો-પ્રેશર એરિયાની સીધી અસર હેઠળ દેશભરમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 26 ઑગસ્ટથી ઉત્તર, પૂર્વ અને મધ્ય ભારતના વિવિધ રાજ્યોમાં ભારે વરસાદનું જોર વધશે. આ સમયગાળા દરમિયાન ગાજવીજ, વીજળીના કડાકા અને તેજ પવન ફૂંકાવાની વકી છે. બીજી તરફ, દ્વીપકલ્પીય ભારતના મોટા ભાગના વિસ્તારોમાં આગામી એક સપ્તાહ સુધી વરસાદી ગતિવિધિ સામાન્ય કરતાં ઓછી રહેશે.
ઝારખંડ અને આસપાસ સર્જાયું લો-પ્રેશર
હવામાન વિભાગના ડેટા મુજબ ગંગા કિનારાના પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓડિશા અને ઝારખંડ આસપાસ બનેલું લો-પ્રેશર આગામી 24 કલાકમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે. નીચલા ટ્રોપોસ્ફેરિક સ્તરે ઉત્તર-પૂર્વ આસામ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જ્યારે ઉત્તરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ રચાયેલું છે.
ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદનું ઍલર્ટ
ઉત્તરાખંડમાં 26 ઑગસ્ટે ભારે વરસાદની શક્યતા છે, જ્યારે 27થી 29 ઑગસ્ટ વચ્ચે છૂટોછવાયો વરસાદ ચાલુ રહેશે. 30 અને 31 ઑગસ્ટે રાજ્યમાં ફરી વ્યાપક ભારે વરસાદનું અનુમાન છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં 26 અને 27 ઑગસ્ટે ભારે વરસાદ સાથે ગાજવીજની શક્યતા છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પૂર્વી રાજસ્થાનમાં 26 ઑગસ્ટે કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં 26થી 31 ઑગસ્ટ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની ગતિવિધિ રહેશે.

મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશામાં તોફાની વરસાદ
પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 26 અને 27 ઑગસ્ટે ભારે વરસાદની આગાહી છે, ત્યારબાદ 31 ઑગસ્ટ સુધી મધ્યમ વરસાદ રહેશે. પૂર્વી મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં 26થી 29 ઑગસ્ટ દરમિયાન વીજળીના ચમકારા સાથે ભારે વરસાદનું જોર જોવા મળશે, જ્યારે વિદર્ભમાં 26થી 28 ઑગસ્ટ સુધી સારો વરસાદ રહેશે. ગંગાના મેદાની પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 26થી 29 ઑગસ્ટ દરમિયાન ભારે વરસાદ સાથે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેની ઝડપ વધીને 50 કિમી સુધી પહોંચી શકે છે. ઓડિશામાં 28થી 30 ઑગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
પૂર્વોત્તર રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં 26થી 31 ઑગસ્ટ દરમિયાન સતત વરસાદી માહોલ રહેશે, જેમાં 28 ઑગસ્ટ પછી વરસાદનું જોર વધશે. નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 26થી 31 ઑગસ્ટ દરમિયાન વરસાદ વ્યાપક રહેશે, ખાસ કરીને 29 અને 30 ઑગસ્ટે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.
પશ્ચિમ અને દક્ષિણ ભારતનું હવામાન
ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં 26 થી 31 ઑગસ્ટ દરમિયાન હળવોથી મધ્યમ છૂટોછવાયો વરસાદ ચાલુ રહેશે. મધ્ય મહારાષ્ટ્રમાં 26 ઑગસ્ટે ભારે વરસાદની શક્યતા છે, જ્યારે કોંકણ અને ગોવામાં 31 ઑગસ્ટ સુધી સારો વરસાદ રહેશે. કોસ્ટલ કર્ણાટક, કેરળ અને માહેમાં 26થી 28 ઑગસ્ટ દરમિયાન વ્યાપક વરસાદ થશે. આંધ્ર પ્રદેશ, રાયલસીમા, તેલંગાણા અને તમિલનાડુમાં 26થી 29 ઑગસ્ટ દરમિયાન 40થી 50 કિમીની ઝડપે પવન સાથે છૂટોછવાયો વરસાદ થઈ શકે છે.
દિલ્હી-NCRમાં આગામી 3 દિવસ હવામાન કેવું રહેશે?
દિલ્હી-NCRમાં 26 ઑગસ્ટે વાદળછાયા આકાશ વચ્ચે સવારથી બપોર દરમિયાન હળવો વરસાદ થવાની શક્યતા છે. 27 ઑગસ્ટે બપોરે હળવા ઝાપટાં પડી શકે છે, જ્યારે 28 ઑગસ્ટે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે અને તાપમાનમાં સામાન્ય વધારો થઈ શકે છે.
મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પૂરનું જોખમ
હવામાન વિભાગ અનુસાર 26 ઑગસ્ટ સુધી પૂર્વી મધ્ય પ્રદેશના રીવા, સતના, છતરપુર, ટીકમગઢ, પન્ના તેમજ પશ્ચિમ મધ્ય પ્રદેશના ભિંડ અને દતિયામાં અચાનક પૂર આવવાનું મધ્યમ જોખમ છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર, વારાણસી, પ્રયાગરાજ, જૌનપુર, ચિત્રકૂટ, કૌશામ્બી, પ્રતાપગઢ, બાંદા, રાયબરેલી, અમેઠી, કાનપુર, ઉન્નાવ, મહોબા, ઝાંસી, હમીરપુર, જાલૌન, ઔરૈયા, ઇટાવા અને મૈનપુરી જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું સંકટ રહેશે.
દરિયો તોફાની રહેવાની શક્યતા
અરબી સમુદ્રમાં સોમાલિયા અને ઓમાન કિનારે 30 ઑગસ્ટ સુધી તેમજ કર્ણાટક, કેરળ અને લક્ષદ્વીપ કાંઠે 27 ઑગસ્ટ સુધી દરિયો તોફાની રહેશે. બંગાળની ખાડીમાં મન્નારની ખાડી અને અંદમાન સમુદ્રમાં 30 ઑગસ્ટ સુધી દરિયો તોફાની રહેવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
ખેડૂતો અને પશુપાલકો માટે જરૂરી માર્ગદર્શિકા
મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, છત્તીસગઢ અને ઓડિશાના ખેડૂતોને કપાસ, સોયાબીન, મકાઈ, શાકભાજી અને ડાંગરના ખેતરોમાંથી વધારાનું પાણી તાત્કાલિક બહાર કાઢવા જણાવાયું છે. વરસાદ અને જમીનની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ખાતર નાખવાનું કે દવા છંટકાવ કરવાનું ટાળવું. તેજ પવનની શક્યતાને જોતા ખેતરમાં પડેલો પાક તાડપત્રીથી ઢાંકવો અને બાગાયતી પાક તેમજ વેલાવાળા શાકભાજીને ટેકો આપવો. પશુધનને સુરક્ષિત શેડમાં રાખવા અને પશુઆહાર પલળે નહીં તેની કાળજી રાખવી.


