એક તરફ દેશમાં ખાંડના ભાવ બેકાબૂ બન્યાં છે. સરકારે ખાંડના ભાવોને નિયંત્રણમાં રાખવા માટે ઈમ્પોર્ટ ડયૂટી હટાવી દીધી છે અને ૧૦ વર્ષમાં પહેલી વખત ખાંડ આયાત કરવાની જાહેરાત કરી દીધી છે. બીજી તરફ ડુંગળીના ભાવ આસમાને પહોંચી જતાં લોકોના ઘરનું રોજિંદું બજેટ ખોરવાઈ ગયું છે. દિલ્હી, ચેન્નાઈ જેવા મોટા શહેરોમાં ડુંગળીનો એક કિલોનો ભાવ ૬૫થી ૭૦ રૂપિયા બોલાવા લાગ્યો હતો. એક વર્ષ પહેલાં ડુંગળીનો એક કિલોનો ભાવ ૩૩ રૂપિયા હતો. છેલ્લાં થોડાં મહિનામાં ડુંગળી ૪૫ ટકા મોંઘી થઈ છે અને વર્ષમાં ૫૯ ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. છેલ્લાં એક-બે સપ્તાહમાં જ ડુંગળીના ભાવમાં ૧૫થી ૨૦ રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે. એકાએક ખાંડ પછી ડુંગળીના ભાવ બેકાબૂ બનતા સરકાર ભીંસમાં આવી ગઈ હતી.
કેન્દ્ર સરકારના જ આંકડાં પ્રમાણે એક વર્ષ પહેલાં બરાબર આવા સમયે ડુંગળીનો ભાવ કિલોએ ૨૭ રૂપિયા હતો. ડુંગળીનો એવરેજ હોલસેલ ભાવ ૨૧થી વધીને ૩૫ રૂપિયા થઈ ગયો છે. ચેન્નાઈ, દિલ્હી, કોલકાત્તામાં ડુંગળીનો એક કિલોનો ભાવ ૬૦થી ૬૫ રૂપિયા સુધી પહોંચી જતાં લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. કન્ઝ્યૂમર અફેર્સ સેક્રેટરી નિધિ ખરેએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે કાંદા એક્સપ્રેસના ભાગરૂપે ડુંગળીનો સ્ટોક ધરાવતા નાસિકથી આ શહેરોમાં મોટો જથ્થો મોકલવાનું શરૂ કરી દીધું છે. ડુંગળીના સ્ટોકનો કોઈ પ્રશ્ન નથી. સરકાર પાસે અને ખેડૂતો પાસે ડુંગળીનો પૂરતો સ્ટોક છે. નાસિકમાં જે બફર સ્ટોક છે એમાંથી મહત્ત્વના કન્ઝમ્શન સેન્ટર્સ જેવા કે ચેન્નાઈ, મદુરાઈ, દિલ્હી, ઈર્નાકુરમ, ગુવાહાટીમાં મોકલી દેવાયો છે. સરકાર ડુંગળીના પૂરવઠા અને ભાવવધારા પર નજર રાખી રહી છે.

કેન્દ્ર સરકારના કહેવા પ્રમાણે ચાલુ વર્ષમાં કેન્દ્ર પાસે ૧.૨૧ લાખ ટનનો ડુંગળીનો બફર સ્ટોક પડયો છે. સરકારે બચાવમાં કહ્યું એ પ્રમાણે ડોમેસ્ટિક ડિમાન્ડને પહોંચી વળવા જરૂરી છે એટલો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ૨૦૨૫-૨૬ના વર્ષમાં ડુંગળીનું પ્રોડક્શન ૩૦૭.૩૭ લાખ ટન હતું, જે તેના આગલા વર્ષે ૩૦૭.૬૭ લાખ ટન હતું. એટલે કે ઉત્પાદનમાં ફરક પડયો નથી.
જોકે, એક તર્ક એવો પણ રજૂ થઈ રહ્યો છે કે આ વર્ષે ડુંગળીના ઉત્પાદનમાં ફટકો પડશે. ખાસ તો ભારે વરસાદના કારણે જે ડુંગળીની ખેતી અત્યારે થઈ રહી છે તેના ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતો પાસે જે જૂનો સ્ટોક પડયો છે એ સતત ભેજથી સડવા લાગ્યો છે. સરકારી ગણતરીમાં ઉત્પાદનના આંકડાંમાં ભલે એ સ્ટોક ગણાતો હોય, પરંતુ જો એ સડી જવા લાગે તો કંઈ કામ આવે નહીં. આ બધા કારણથી સપ્લાયમાં અસર થવા માંડી હતી અને તેના કારણે હોલસેલર વેપારીઓએ ભાવમાં વધારો ઝીંકી દીધો છે.
ડુંગળીના ભાવોને નિયંત્રણમાં રાખવા કાંદા એક્સપ્રેસ શરૂ થઈ હતી
કેન્દ્ર સરકારે ૨૦૨૪માં કાંદા એક્સપ્રેસ નામનો એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. નાસિકના બફર સ્ટોકમાંથી દેશના જુદા જુદા ભાગોમાં ડુંગળી રેલવે મારફતે પહોંચે તે માટે ખાસ ટ્રેનની વ્યવસ્થા ગોઠવાઈ હતી. ૨૦૨૪-૨૫ના વર્ષમાં ૧૪ ટ્રેનની મદદથી ૧૨ હજાર ટનનો બફર સ્ટોક પાંચ શહેરોમાં પહોંચાડાયો હતો. ૨૦૨૫-૨૬ના વર્ષમાં ૮૬ ટ્રેનથી ૮૮ હજાર ટન ડુંગળીનો જથ્થો દેશના ૧૬ શહેરો સુધી પહોંચાડાયો. તે છતાં ભાવ કાબૂમાં રહ્યા નહીં. ડુંગળીના ભાવો કાબૂમાં રહે, ડુંગળીની અછત ન થાય, જમાખોરીથી ભાવોમાં વધારો ન ઝીંકાય તે માટે શરૂ થયેલા આ પ્રોજેક્ટથી જો ભાવો કાબૂમાં આવે નહીં તો એ પ્રોજેક્ટ શું કામનો?
ખાંડના ભાવ સાત દિવસમાં ઘટવાનું શરૂ થશે : ઈસ્માનો દાવો
ભાવ ઉછાળા માટે સટ્ટાખોરી મોટુ પરિબળ
કેટલાક આયાત કન્સાઈનમેન્ટસ ૧૫ ઓકટોબર પહેલા આવી પહોંચવા ધારણાં
ખાંડના ભાવ આગામી સાત દિવસમાં ઘટવાનું શરૂ થશે એમ ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ઈસ્મા) દ્વારા અપેક્ષા વ્યકત કરવામાં આવી છે અને તાજેતરમાં ખાંડના ભાવમાં થયેલા વધારાથી ઊભી થયેલી ચિંતાઓને તેણે હળવી કરી છે. ૧૫ ઓકટોબર પહેલા દેશમાં કેટલાક ટન આયાતી ખાંડ આવી પહોંચવાની પણ ધારણાં મુકાઈ છે.
દેશમાં ખાંડની કોઈ અછત નથી અને હાલમાં સ્ટોકનું પ્રમાણ સાનુકૂળ સ્તરે છે. હાલનો ભાવ વધારો બજારના માનસ, તહેવારો નિમિત્તેની માગ તથા ખરીદી પદ્ધતિને પરિણામે છે અને નહીં કે પૂરવઠા ખેંચને કારણે. હાલમાં ખાંડના ઊંચા ભાવ માટે ઈથેનોલને જવાબદાર ગણાવી શકાય નહીં. હવામાનની સ્થિતિએ શેરડીની ઉપજ પર અસર કરી છે અને મહારાષ્ટ્રમાં ઊંચા પિલાણ દરો તથા ઉત્તર પ્રદેશમાં વિવિધ મુદ્દાઓએ બજારને અસર કરી છે.
ઈસ્માના પ્રમુખ નિરજ શ્રીગાઁવકરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તહેવારોની મોસમ શરૂ થવા સાથે માગમાં વધારો થયો છે. બ્રાઝિલમાં પૂરવઠા સ્થિતિએ પણ દબાણમાં વધારો કર્યો છે. જો રે તાજેતરના ભાવ ઉછાળા માટે સટ્ટાખોરી મોટુ પરિબળ બની રહ્યું હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. બલ્ક ખરીદદારોએ સ્ટોક કરવાનું શરૂ કર્યું છે, જેને કારણે બજારમાંથી ખાંડનો પૂરવઠો ખોરવાઈ ગયો છે અને કૃત્રિમ અછત ઊભી થઈ છે. ટૂંક સમયમાં બજારના માનસમાં સુધારો થશે અને આગામી સાત દિવસમાં ભાવ નીચે ઊતરવાનું શરૂ થશે તેવી ઈસ્માએ અપેક્ષા વ્યકત કરી છે. નવી ખાંડ મોસમમાં ઓપનિંગ સ્ટોક ૩૫ લાખ ટન રહેવાની પણ ધારણાં છે.
દરમિયાન ધ નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેકટરીઝે પણ દેશમાં ખાંડનો પૂરતો સ્ટોક હોવાનું જણાવ્યું હતું. ફેડરેશનના પ્રમુખ પ્રકાશ નાઈકનવારેએ જણાવ્યું હતું કે, ખાંડના કેટલાક કન્સાઈનમેન્ટસ ૧૫ ઓકટોબર પહેલા ભારત ખાતે આવી પહોંચશે. બ્રાઝિલ ખાતેથી શિપમેન્ટસ ભારત ખાતે પહોંચતા ૪૦થી ૪૫ દિવસ લાગી જાય છે.


