HomeHealthHealth Tips : ફિટ અને દુબળા-પાતળા લોકો પણ ગંભીર બીમારીનો બની શકે...

Health Tips : ફિટ અને દુબળા-પાતળા લોકો પણ ગંભીર બીમારીનો બની શકે છે શિકાર, જાણો શું છે કારણ!

જો તમે ઘરે બનાવેલો ખોરાક ખાતા હોવ, દરરોજ કસરત કરતા હોવ અને શારીરિક રીતે સક્રિય રહેતા હોવ, તો પણ તેનો અર્થ એ નથી કે તમે અંદરથી સંપૂર્ણપણે સ્વસ્થ છો. યુકે બાયોબેંક કોહોર્ટ સ્ટડી મુજબ, સામાન્ય BMI ધરાવતા ૧૫ માંથી ૧ વ્યક્તિ હૃદય રોગ અને મેટાબોલિક સમસ્યાઓ ધરાવે છે. અન્ય એક અભ્યાસ અનુસાર, આદર્શ વજન ધરાવતા અડધાથી વધુ લોકોમાં ઓછામાં ઓછી એક મેટાબોલિક અસામાન્યતા જોવા મળી હતી. સ્વાસ્થ્યની વાત આવે ત્યારે માત્ર બહારનું શરીર જોઈને આંતરિક રોગો જાણી શકાતા નથી, તેના માટે નિયમિત તપાસ જરૂરી છે. જો તમને શરીરમાં નીચે મુજબના લક્ષણો દેખાય તો તેને ભૂલથી પણ અવગણશો નહીં.

દુબળા-પાતળા લોકોમાં સાઈલન્ટ બીમારી
૧. સાઈલન્ટ કિલર: હાઈ બ્લડ પ્રેશર

NHS મુજબ, હાઈ બ્લડ પ્રેશરના કોઈ સ્પષ્ટ કે મોટા લક્ષણો હોતા નથી. હેલ્ધી ડાયેટ લેતા, કસરત કરતા અને આદર્શ વજન ધરાવતા લોકોને પણ હાઈ બીપી હોઈ શકે છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે હાઈપરટેન્શન, હૃદય રોગ, સ્ટ્રોક, હાર્ટ ફેલિયર અને કિડનીની બીમારીનું કારણ બની શકે છે. તેથી નિયમિતપણે બ્લડ પ્રેશર ચેક કરાવવું જરૂરી છે.

૨. વારંવાર અને ઝડપથી થાક લાગવો

અપૂરતી ઊંઘ, તણાવ, એનિમીયા (લોહીની ટકાવારી ઓછી હોવી), થાઇરોઇડ કે અતિશય કામના કારણે થાક લાગવો સામાન્ય છે. પરંતુ જો તમને વારંવાર થાક લાગવાની સાથે વારંવાર પેશાબ થવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી કે અચાનક વજન ઘટવા જેવી તકલીફો થાય તો તુરંત ડૉક્ટરની સલાહ લેવી.

૩. ચાલતી વખતે કે સીડી ચડતી વખતે હાંફ ચડવો

બહારથી ફિટ દેખાતી વ્યક્તિને જો રોજિંદા કાર્યો જેમ કે રસ્તા પર ચાલવું, સીડી ચડવી કે સામાન્ય કસરત કરતી વખતે અચાનક ક્ષમતા ઘટી જાય કે હાંફ ચડવા લાગે તો તે ચિંતાનો વિષય છે. જો શ્વાસ ચડવાની સાથે છાતીમાં દુખાવો, બેભાન થવું કે પગની ઘૂંટીઓમાં સોજો આવે તો વિલંબ કર્યા વગર ડૉક્ટરનો સંપર્ક કરવો.

૪. પૂરતી ઊંઘ લીધા પછી પણ થાક અને નસકોરાં બોલવા

જો તમે રાત્રે ભારે નસકોરાં બોલાવતા હોવ, વારંવાર જાગી જતા હોવ, સવારે માથાનો દુખાવો કે અસ્વસ્થતા અનુભવતા હોવ તો આ ‘સ્લીપ એપનિયા’ (Sleep Apnea) ના લક્ષણો હોઈ શકે છે. આ સમસ્યા કોઈપણ વજન ધરાવતા લોકોને થઈ શકે છે અને તે હાઈ બ્લડ પ્રેશર તથા હૃદય રોગના જોખમ સાથે જોડાયેલી છે.

૫. અચાનક વધુ પડતી તરસ લાગવી અને વારંવાર પેશાબ જવું

સામાન્ય કરતાં વધુ તરસ લાગવી અને વારંવાર પેશાબ થવો એ કિડનીના રોગના પ્રારંભિક સંકેતો હોઈ શકે છે. નેશનલ હેલ્થ સર્વિસ (NHS) અનુસાર, ક્રોનિક કિડની ડિસીઝના શરૂઆતના તબક્કામાં કોઈ લક્ષણો દેખાતા નથી અને તે માત્ર બ્લડ કે યુરિન ટેસ્ટ દ્વારા જ પકડાય છે. તેથી આ લક્ષણોને સામાન્ય ગણીને ઈગ્નોર ન કરો.

૬. આરામ કરતી વખતે હૃદયના ધબકારા ઝડપી થવા

તણાવ, કસરત, બીમારી કે કેફીન (કોફી) ના કારણે ક્યારેક ધબકારા વધવા સામાન્ય છે. પરંતુ જો તમે એકદમ આરામની સ્થિતિમાં હોવ (Resting state) અને તે સમયે પણ હૃદયના ધબકારા અચાનક ઝડપી થઈ જાય, તો આ કોઈ ગંભીર શારીરિક સમસ્યાનો સંકેત હોઈ શકે છે અને તેના માટે તુરંત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments