મુંબઇ ઝવેરી બજારમાં શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં મંદી આગળ વધી હતી. વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓના ભાવ વધુ ગબડતાં ઘર આંગણે ઇમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં દિવાળી પૂર્વે દેશના ઝવેરી બજારોમાં ભાવમાં ઝડપી કડાકો બોલાઇ જતાં આગળ ઉપર હવે તહેવારો ટાંણે બજારમાં માગ વધવાની આશા પણ જાણકારો બતાવી રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૩૯૬૭થી ૩૯૬૮ વાળા વધુ ઘટી નીચામાં ભાવ છેલ્લે ૩૮૭૪થી ૩૮૭૫ ડોલર રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજાર પાછળ ઘર આંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામ દીઠ વધુ રૂા. ૨૫૦૦ તુટી ૯૯૯ના રૂા. ૧૪૨૨૦૦ તથા ૯૯૯ના રૂા. ૧૪૨૫૦૦ બોલાયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના આજે વધુ રૂા. ૪૦૦૦ ગબડી રૂા. ૧૮૨૦૦૦ બોલાયા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંસના ૫૦.૨૫ વાળા તૂટી નીચામાં ભાવ ૪૯.૦૫ થઇ છેલ્લે ભાવ ૪૯.૧૦થી ૪૯.૧૧ ડોલર રહ્યા હતા. મુંબઇ બીલીયન બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ વધુ રૂા. ૨૩૦૦ તૂટી ૯૯૫ના રૂા. ૧૩૭૨૦૦ તથા ૯૯૯ના રૂા. ૧૩૭૮૦૦ બોલાયા હતા. મુંબઇ ચાંદીના ભાવ જીએસટી વગર આજે વધુ રૂા. ૧૪૦૦ તૂટી રૂા. ૧ લાખ ૮૦ હજાર રહ્યા હતા.

ભારતમાં આયાત તથા સોના- ચાંદીની ઇમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચ માર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં સરકારે નોંધપાત્ર ઘટાડો કર્યાના સમાચાર મળ્યા હતા. સોનાની આવી ટેરીફ વેલ્યુ ૧૦ ગ્રામના ડોલરના સંદર્ભમાં ૧૩૧૬થી ઘટાડી ૧૨૯૫ ડોલર કરી છે જ્યારે ચાંદીની આવી ટેરીફ વેલ્યુ કિલોદીઠ ડોલરના સંદર્ભમનાં ૧૯૦૭થી ઘટાડી ૧૭૧૧ ડોલર કર્યાના સમાચાર હતા. વિશ્વ બજારમાં શેર બજારો ગબડતાં તેના પેમેન્ટ માટે અમુક વર્ગ ગોલ્ડ વેંચી રહ્યાની ચર્ચા પણ બજારમાં સંભળાઇ રહી હતી.
દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધ્યા મથાળે અથડાતા રહ્યા હતા. બ્રેન્ટના ભાવ બેરલના ૧૧૭.૪૦ ડોલર તથા યુએસના ભાવ ૧૦૪.૧૨ ડોલર રહ્યા હતા. ભારતમાં ઓક્ટોબરમાં ક્રૂડની ઇમ્પોર્ટ દૈનિક ૫૪ લાખ બેરલ્સ તથા નવો રેકોર્ડ થયો છે.


