આજકાલ દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ જાગૃત છે. કોઈ વજન ઘટાડવા માંગે છે તો કોઈ પેટની સમસ્યાઓથી પરેશાન છે. મનમાં સૌથી મોટો પ્રશ્ન એ થાય કે આપણે રોજના આહારમાં સૌથી પૌષ્ટિક અને સ્વસ્થ ખોરાક કયો ખાઈએ? ભારતમાં ભલે રોટલી વિના ચાલે તેમ ન હોય, પરંતુ શું આપણે રોજ ખાતા ઘઉંનો લોટ જ સૌથી પૌષ્ટિક છે કે પછી બજારમાં ઉપલબ્ધ અન્ય લોટ વધુ ગુણકારી છે? ચાલો વિગતવાર સમજીએ કે કયો લોટ સ્વાસ્થ્ય માટે સૌથી શ્રેષ્ઠ છે.
ઘઉંનો લોટ કે અન્ય અનાજનો લોટ
આપણે બધા બાળપણથી ઘઉંની રોટલી ખાતા આવ્યા છીએ. તે સ્વાદિષ્ટ અને પચવામાં સરળ હોય છે, પરંતુ હકીકત એ છે કે માત્ર ઘઉંનો લોટ શરીરને જરૂરી તમામ પોષક તત્વો પૂરા પાડી શકતો નથી. દરેક લોટની પોતાની વિશેષતાઓ અને પોષક ગુણો હોય છે, તો ચાલો જાણીએ કયા લોટનું સેવન ક્યારે કરવું જોઈએ.
બાજરીનો લોટ: શક્તિ અને ગરમીનો ખજાનો
જો તમારા શરીરને પૂરતી શક્તિ અને ગરમીની જરૂર હોય, તો બાજરીનો લોટ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તે આયર્ન અને ફાઇબરથી ભરપૂર હોય છે. તે એનિમિયા (લોહીની ઊણપ) સામે લડવામાં મદદ કરે છે અને શરીરને અંદરથી મજબૂત બનાવે છે. જો તમે વારંવાર થાક અનુભવતા હોવ, તો આહારમાં બાજરીની રોટલી ચોક્કસ સામેલ કરવી જોઈએ.
રાગીનો લોટ: હાડકાં મજબૂત કરવા માટે વરદાનરૂપ
જ્યારે કેલ્શિયમની વાત આવે છે, ત્યારે રાગીની સરખામણી કોઈ લોટ કરી શકે તેમ નથી. બાળકો અને વૃદ્ધોમાં હાડકાં મજબૂત કરવા માટે આ સૌથી ઉત્તમ લોટ છે. તેમાં સુગરનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન સમાન છે. આ ઉપરાંત, રાગીનું નિયમિત સેવન વજન નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.

ચણાનો લોટ: પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર
જે લોકો જીમમાં કસરત કરે છે અથવા પોતાના સ્નાયુઓ (Muscles) ને મજબૂત કરવા માગે છે, તેમના માટે ચણાનો લોટ શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમાં ઘઉંના લોટ કરતાં ઘણું વધારે પ્રોટીન અને ફાઇબર હોય છે. તે ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વારંવાર ભૂખ લાગતી અટકાવે છે. તમે તેને સરળતાથી ઘઉંના લોટમાં મિક્સ કરીને રોટલી બનાવી શકો છો.
મકાઈનો લોટ: તાત્કાલિક ઉર્જાનો સ્ત્રોત
શિયાળામાં સરસવના શાક સાથે મકાઈની રોટલી કોને ન ગમે? આ લોટ માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતો, પરંતુ તે શરીરને તાત્કાલિક ઉર્જા પ્રદાન કરે છે. તે વિટામિન ‘એ’ અને ‘બી’ થી ભરપૂર હોય છે.
સૌથી શક્તિશાળી લોટ કયો છે? ઘરે કેવી રીતે બનાવશો મલ્ટિગ્રેન લોટ?
હકીકતમાં કોઈ એક લોટ સંપૂર્ણ નથી હોતો, કારણ કે દરેકના પોષક તત્વો અલગ હોય છે. એટલા માટે જ મલ્ટિગ્રેન લોટ (Multigrain Flour) અથવા મિશ્ર લોટને સૌથી શક્તિશાળી અને ફાયદાકારક માનવામાં આવે છે.
ઘરે મલ્ટિગ્રેન લોટ વધુ ફાયદાકારક
હેલ્થ એક્સપર્ટના મતે દરેક લોટમાં જુદા-જુદા પોષકત્વો રહેલા છે. જયારે શરીરને વિટામિનથી લઈને ફાઇબર સહિતની જરૂરિયાત હોય છે. આ વસ્તુ તમને મલ્ટિગ્રેન લોટમાંથી મળી રહેશે. બજારમાં લાવવાના બદેલ તમે સરળતાથી ઘરે મલ્ટિગ્રેન લોટ બનાવી શકો છો. આ માટે સૌથી પહેલા મુખ્ય પ્રમાણમાં ઘઉંનો લોટ લો. તેમાં યોગ્ય માત્રામાં ચણાનો લોટ, બાજરી અને રાગીનો લોટ મિક્સ કરો. આ તમામ અનાજના મિશ્રણમાંથી બનેલી રોટલી ખાવાથી તમારા શરીરને એક સાથે પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ અને આયર્ન જેવા તમામ પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી રહેશે.


