HomeIndiaDiwali 2026 : આ પ્રખ્યાત મંદિરોમાં થાય છે દિવાળીની ભવ્ય ઉજવણી, જાણો...

Diwali 2026 : આ પ્રખ્યાત મંદિરોમાં થાય છે દિવાળીની ભવ્ય ઉજવણી, જાણો ધાર્મિક મહત્ત્વ અને અનોખી પરંપરાઓ!

દિવાળીના તહેવાર પર ભક્તો આગામી વર્ષ સુખ-સમૃદ્ધિ લઇને આવે તે માટે ભક્તો મંદિરોમાં દર્શન કરવા ઉમટે છે આ ખાસ અવસરે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આજે આપણે આવા જ કેટલાક સુપ્રસિદ્ધ મંદિરોની વાત કરીએ જ્યાં પરંપરા અને શ્રદ્ધાની સાથે દિવાળીની વિશેષ ઉજવણી કરવામાં આવે છે,

શ્રી રામ જન્મભૂમિ મંદિર (અયોધ્યા,ઉત્તર પ્રદેશ)
ભગવાન શ્રી રામ ૧૪ વર્ષના વનવાસ અને લંકા વિજય બાદ સીતાજી અને લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા તેની ખુશીમાં દિવાળી ઉજવાય છે. અહીંનો દીપોત્સવ વિશ્વપ્રસિદ્ધ છે,જેમાં સરયૂ તટ અને સમગ્ર પરિસરમાં લાખો દીવા પ્રગટાવીને ગિનીસ બુક રેકોર્ડ સર્જાય છે. ભવ્ય મહાઆરતી,લેસર શો,પુષ્પવર્ષા અને રામલીલાના જીવંત પ્રદર્શનથી સમગ્ર ધર્મનગરી અલૌકિક તેજથી ઝળહળી ઊઠે છે. ભક્તો માટે આ દિવ્ય ક્ષણ જીવનભરનું સંભારણું બની રહે છે.

સુવર્ણ મંદિર (અમૃતસર,પંજાબ)

શીખ સમુદાય દિવાળીને ‘બંદી છોડ દિવસ’તરીકે ભક્તિભાવથી ઉજવે છે. મુગલ બાદશાહ જહાંગીરની કેદમાંથી છઠ્ઠા ગુરુ હરગોબિંદ સાહિબ ૫૨ હિન્દુ રાજાઓ સાથે ગ્વાલિયર કિલ્લામાંથી મુક્ત થઈ અમૃતસર પધાર્યા હતા. આ પાવન દિવસે સમગ્ર હરમંદિર સાહિબ પરિસર અને સરોવરની પાળ પર હજારો માટીના દીવા પ્રગટાવવામાં આવે છે. સરોવરના જળમાં પ્રતિબિંબિત થતી ઝગમગતી રોશની,વિશેષ કીર્તન દરબાર અને અદ્ભુત આતશબાજી ભક્તોને મંત્રમુગ્ધ કરી દે છે.

મહાલક્ષ્મી મંદિર (કોલ્હાપુર,મહારાષ્ટ્ર)

શક્તિપીઠ તરીકે પૂજાતા આ મંદિરમાં ધનતેરસ,કાળી ચૌદશ અને લક્ષ્મીપૂજનના દિવસે મા અંબાબાઈ (મહાલક્ષ્મી)ની વિશેષ તાંત્રિક અને વૈદિક પૂજા-અર્ચના થાય છે. માતાજીને પ્રાચીન સોના-હીરાના અલંકારો તથા વિશેષ રેશમીવસ્ત્રોથી શણગારવામાં આવે છે. આ દિવસો દરમિયાન યોજાતી ભવ્ય દીપમાળા,વિશેષ મહાઆરતી અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારના દર્શન કરવા દેશભરમાંથી લાખો ભક્તો આવે છે. આ પવિત્ર દિવસોમાં દેવીના આશીર્વાદથી ઘરમાં અખૂટ ધન,વૈભવ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ (ઉજ્જૈન,મધ્ય પ્રદેશ)
બાર જ્યોતિર્લિંગોમાં મોક્ષદાયક ગણાતું મહાકાલેશ્વર મંદિર દિવાળી પર્વે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે. દિવાળીની વહેલી સવારે બાબા મહાકાલની ભસ્મ આરતીમાં ગરમ જળથી અભિષેક કરાવી,સુગંધિત ઉબટન લગાવીને શાહી સ્નાન કરાવાય છે. ત્યારબાદ પ્રભુને નવા રેશમી વસ્ત્રો અને સુવર્ણ આભૂષણો અર્પણ કરી છપ્પન ભોગ ધરાવાય છે. સમગ્ર મંદિર સંકુલમાં હજારો દીવાઓની રોશની પ્રગટાવીને ભવ્ય આતશબાજી સાથે આ પવિત્ર પર્વની અનોખી ઉજવણી કરવામાં આવે છે.

મીનાક્ષી અમ્મન મંદિર (મદુરાઈ,તમિલનાડુ)
દક્ષિણ ભારતમાં દીપાવલી નિમિત્તે ઐતિહાસિક મીનાક્ષી મંદિરમાં અનોખો ધાર્મિક ઉત્સાહ જોવા મળે છે. મંદિરના વિશાળ આકાશી ગોપુરમ,સ્તંભો અને પ્રાગણને હજારો પરંપરાગત તેલના દીવાઓથી દીપાયમાન કરવામાં આવે છે. માતા મીનાક્ષી અને સુન્દરેશ્વર ભગવાનની વિશેષ સુવર્ણ પાલખી યાત્રા નીકળે છે અને પવિત્ર સ્નાન વિધિ સંપન્ન થાય છે. આ દિવસે વહેલી સવારે તેલ સ્નાન (ગંગા સ્નાનમ્) કરી નવા વસ્ત્રો પરિધાન કરીને મંદિરે દર્શન કરવાનું ખૂબ મોટું આધ્યાત્મિક મહત્વ છે.

કાશી વિશ્વનાથ મંદિર (વારાણસી,ઉત્તર પ્રદેશ)
કાશી નગરીમાં દિવાળી અને ખાસ કરીને તેના પછીનો અન્નકૂટ ઉત્સવ અત્યંત પવિત્ર ગણાય છે. બાબા વિશ્વનાથ અને માતા અન્નપૂર્ણાના અલૌકિક સુવર્ણ સ્વરૂપના દર્શન વર્ષમાં માત્ર આ દિવાળીના દિવસોમાં જ ભક્તો માટે ખુલે છે. ગંગા કિનારાના તમામ ઘાટ પર લાખો દીવા પ્રગટાવીને અનોખો દીપોત્સવ યોજાય છે. શંખનાદ,ડમરુના ગૂંજતા અવાજ અને ભવ્ય ગંગા મહાઆરતી સાથે વિશ્વનાથ ધામમાં દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે.

દક્ષિણેશ્વર કાલી મંદિર (કોલકાતા,પશ્ચિમ બંગાળ)
પશ્ચિમ બંગાળની સંસ્કૃતિમાં દિવાળીની અમાસની રાત્રે ‘શ્યામા પૂજા’એટલે કે માતા કાલીની પૂજા ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે. રામકૃષ્ણ પરમહંસની આ તપોભૂમિ દક્ષિણેશ્વરમાં માતા ભવતારિણીની આખી રાત વિશેષ તાંત્રિક અને વૈદિક વિધિથી પૂજા થાય છે. હૂગલી (ગંગા) નદીના શાંત કિનારે આવેલું આ ઐતિહાસિક મંદિર લાખો દીવાઓ અને ઝગમગતી લાઇટોથી ઝળહળી ઊઠે છે. ભક્તો અંતરના અંધકારને દૂર કરી દૈવી શક્તિ મેળવવા પ્રાર્થના કરે છે.

જગન્નાથ મંદિર (પુરી,ઓડિશા)
પુરીના જગન્નાથ ધામમાં દિવાળી પર ‘બડાબડુઆ ડાક’નામની પ્રાચીન પરંપરા અત્યંત શ્રદ્ધાપૂર્વક પાળવામાં આવે છે. ભક્તો મંદિરના સિંહદ્વાર સામે શણના સાંઠા (કાઉંરિયા કાઠી) સળગાવી આકાશ તરફ પ્રકાશ કરી પૂર્વજોને મોક્ષનો માર્ગ બતાવે છે. મહાપ્રભુ જગન્નાથ,ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને વિશેષ રાજસી વસ્ત્રો અને છપ્પન ભોગ અર્પણ કરવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતું દીપદાન પિતૃઓને સદ્ગતિ અને પરિવારને સુખ-શાંતિ અર્પે છે.

પદ્મનાભસ્વામી મંદિર (તિરુવનંતપુરમ,કેરળ)
સ્થાપત્ય કલાના બેનમૂન નમૂના સમાન આ મંદિરમાં દિવાળી પર્વે વિશેષ દીપોત્સવ અત્યંત ભવ્ય રીતે મનાવવામાં આવે છે. કેરળની પરંપરા મુજબ હજારો પિત્તળના દીવાઓ (વિલક્કુ) પ્રગટાવીને સમગ્ર પથ્થરના પ્રાકારને સુશોભિત કરવામાં આવે છે. અનંતશયન મુદ્રામાં બિરાજમાન ભગવાન પદ્મનાભને રત્નજડિત સુવર્ણ આભૂષણોથી સજાવવામાં આવે છે. વેદપાઠી બ્રાહ્મણો દ્વારા થતા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર,વિશેષ નૈવેદ્ય અને પરંપરાગત વાદ્યોના નાદ સાથે આખો માહોલ દિવ્ય અને શાંતિદાયક બને છે.

શ્રીનાથજી મંદિર (નાથદ્વારા,રાજસ્થાન)
પુષ્ટિમાર્ગીય ભક્તિ પરંપરામાં નાથદ્વારા ખાતે દિવાળી અને બેસતા વર્ષનો ‘અન્નકૂટ મહોત્સવ’અનન્ય આસ્થા સાથે ઉજવાય છે. દિવાળીની રાત્રે નવલખ દીવા પ્રગટાવીને વિશેષ હાટડી સજાવવામાં આવે છે. ગોવર્ધન પૂજાના દિવસે શ્રીનાથજી પ્રભુ સમક્ષ મણમણના ચોખાનો વિશાળ અન્નકૂટ ધરાવાય છે,જેને સાંજે આદિવાસી ભક્તો દ્વારા લૂંટવાની પ્રાચીન પરંપરા જોવા જેવી હોય છે. આ અલૌકિક ઝાંખીના દર્શન કરવા દેશ-વિદેશમાંથી લાખો વૈષ્ણવો ઉમટી પડે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments