દિવાળી એટલે દીવડાંનો ઝગમગાટ, રંગોળીની રંગીન છટા, મીઠાઈઓની મીઠાશ અને પરિવાર સાથે ઉજવણીનો આનંદ. પરંતુ દિવાળી માત્ર રોશની અને ઉત્સવનો તહેવાર નથી. તેની સાથે અનેક ધાર્મિક માન્યતાઓ, ઐતિહાસિક ઘટનાઓ અને વિવિધ સમુદાયોની પરંપરાઓ જોડાયેલી છે. ભારતના જુદા જુદા પ્રદેશોમાં દિવાળી અલગ અલગ રીતે ઉજવાય છે. ક્યાંક ભગવાન શ્રીરામના અયોધ્યા આગમનની ખુશી વ્યક્ત થાય છે, તો ક્યાંક ભગવાન મહાવીરના નિર્વાણ અને શીખ ગુરુના મુક્તિદિનને યાદ કરવામાં આવે છે. આવો જાણીએ દિવાળી સાથે જોડાયેલી જાણી-અજાણી રસપ્રદ વાતો.
ભગવાન શ્રીરામના અયોધ્યા આગમનની ઉજવણી
દિવાળી સાથે જોડાયેલી સૌથી જાણીતી કથા રામાયણની છે. ભગવાન શ્રીરામે 14 વર્ષનો વનવાસ પૂર્ણ કર્યા પછી રાવણ પર વિજય મેળવ્યો અને પત્ની સીતા તથા ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પાછા ફર્યા. તેમના આગમનથી અયોધ્યાવાસીઓમાં આનંદની લહેર પ્રસરી ગઈ હતી. લોકોએ પોતાના પ્રિય રાજકુમારના સ્વાગત માટે ઘેરઘેર દીવડાં પ્રગટાવ્યાં હતાં. આ પરંપરાને અનિષ્ટ પર સારા તત્ત્વના વિજય અને અંધકાર પર પ્રકાશના પ્રતીક તરીકે જોવામાં આવે છે. આજે પણ ઘરમાં દીવા પ્રગટાવવાની પરંપરા આ જ ભાવનાને જીવંત રાખે છે.
શીખ સમુદાય માટે દિવાળી એટલે બંદી છોડ દિવસ
દિવાળીનું મહત્ત્વ માત્ર હિન્દુ ધર્મ પૂરતું સીમિત નથી. શીખ સમુદાય માટે પણ આ દિવસ ઐતિહાસિક અને ધાર્મિક રીતે વિશેષ છે. શીખ ધર્મમાં દિવાળીના દિવસે બંદી છોડ દિવસ ઉજવવામાં આવે છે. શીખ પરંપરા અનુસાર, છઠ્ઠા શીખ ગુરુ, ગુરુ હરગોવિંદ સાહિબજી ગ્વાલિયર કિલ્લામાંથી મુક્ત થયા હતા. તેમની સાથે અન્ય રાજાઓની મુક્તિની વાત પણ આ પ્રસંગ સાથે જોડાયેલી છે. ત્યારબાદ તેઓ અમૃતસર પહોંચ્યા ત્યારે તેમના સ્વાગતની ખુશીમાં પ્રકાશ કરવામાં આવ્યો હોવાની પરંપરા પ્રચલિત છે. બંદી છોડનો અર્થ થાય છે કેદમાંથી મુક્ત કરાવનાર. આ દિવસ સ્વતંત્રતા, ન્યાય અને બીજાના કલ્યાણ માટે ઊભા રહેવાની ભાવનાનું પ્રતીક છે. આ પ્રસંગે શીખ સમુદાયના લોકો ગુરુદ્વારામાં પ્રાર્થના કરે છે અને ખાસ કરીને અમૃતસરના સુવર્ણ મંદિરને દીવડાં તથા રોશનીથી શણગારવામાં આવે છે.
જૈન ધર્મમાં દિવાળીનું વિશેષ મહત્ત્વ
જૈન ધર્મના અનુયાયીઓ માટે દિવાળી આનંદની સાથે આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતો દિવસ છે. જૈન પરંપરા અનુસાર, ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરે બિહારમાં આવેલા પાવાપુરીમાં કારતક અમાસના દિવસે નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. નિર્વાણ એટલે જન્મ-મરણના બંધનમાંથી મુક્તિ મેળવવી. ભગવાન મહાવીરના નિર્વાણની યાદમાં જૈન ધર્મના અનુયાયીઓ દિવાળી ઉજવે છે. તેમના ઉપદેશોમાં આત્મજ્ઞાન, અહિંસા, સત્ય અને સંયમને મહત્ત્વ આપવામાં આવ્યું છે. જૈન સમુદાયમાં દિવાળી પછીના દિવસથી નવા વર્ષની શરૂઆત પણ થાય છે. આથી દિવાળી જૈનો માટે આધ્યાત્મિક ચિંતન અને નવી શરૂઆતનો અવસર છે.

દક્ષિણ ભારતમાં નરકાસુરના વધની કથા
ઉત્તર ભારતમાં દિવાળીને ભગવાન શ્રીરામના અયોધ્યા આગમન સાથે જોડવામાં આવે છે, જ્યારે દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં નરક ચતુર્દશીનું વિશેષ મહત્ત્વ છે. પૌરાણિક માન્યતા પ્રમાણે, ભગવાન શ્રીકૃષ્ણે નરકાસુર નામના અસુરનો વધ કરીને લોકોને તેના અત્યાચારથી મુક્ત કર્યા હતા. આ વિજયની યાદમાં નરક ચતુર્દશી ઉજવવામાં આવે છે.
માતા લક્ષ્મીનો પ્રગટ દિવસ
પૌરાણિક માન્યતા અનુસાર, સમુદ્ર મંથન દરમિયાન કારતક મહિનાની અમાસે માતા લક્ષ્મી ક્ષીરસાગરમાંથી પ્રગટ થયા હતા. આથી દિવાળીના દિવસે લક્ષ્મી પૂજનનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુએ પોતાના પાંચમાં અવતાર વામન સ્વરૂપ રાજા બલીની કેદમાંથી લક્ષ્મી અને અન્ય દેવતાઓને મુક્ત કરાવ્યાં હતાં.
પાંડવોનું પરત ફરવું
મહાભારત અનુસાર કૌરવો સામે જુગારમાં હાર્યા બાદ 12 વર્ષના વનવાસ અને એક વર્ષના અજ્ઞાતવાસ પછી પાંડવો કારતક મહિનાની અમાસના દિવસે હસ્તિનાપુર પરત ફર્યા હતા. પ્રજાએ દીવો પ્રગટાવી તેમનું સ્વાગત કર્યું હતું.
સમ્રાટ વિક્રમાદિત્યનો રાજ્યાભિષેક
હિન્દુ કેલેન્ડર એટલે કે વિક્રમ સંવતની શરૂઆત પણ દિવાળી સાથે જોડાયેલી છે. આ દિવસે મહાન રાજા વિક્રમાદિત્યનો રાજ્યાભિષેક થયો હતો અને તેમણે વિક્રમ સંવતની શરૂઆત કરી હતી.
દિવાળીમાં દીવો પ્રગટાવવો એ માત્ર ઘરને પ્રકાશિત કરવાની ક્રિયા નથી. તે અજ્ઞાન પર જ્ઞાનનો, નિરાશા પર આશાનો અને નકારાત્મકતા પર સકારાત્મકતાનો વિજય દર્શાવે છે. દિવાળી આપણને શીખવે છે કે જીવનમાં પ્રકાશનું મહત્ત્વ માત્ર બહારના અંધકારને દૂર કરવામાં નથી, પરંતુ આપણા વિચારો અને વર્તનમાં પણ સારા ગુણોનો વિકાસ કરવામાં છે. ભગવાન શ્રીરામના આગમનની કથા હોય, ગુરુ હરગોવિંદ સાહિબજીના મુક્તિદિનની ઉજવણી હોય કે ભગવાન મહાવીરના નિર્વાણનું સ્મરણ હોય, દરેક પરંપરામાં માનવતા, મુક્તિ અને સદાચારનો સંદેશ છુપાયેલો છે.


