બુધવારે સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર બજાર ખુલતાંની સાથે જ આ કિંમતી ધાતુઓ સસ્તી થઈ હતી, પરંતુ થોડી જ મિનિટોમાં તેના ભાવમાં મોટો બદલાવ જોવા મળ્યો છે.
બજાર ખુલતાંની સાથે જ સોના-ચાંદીના ભાવ ઘટ્યા
બુધવારે વાયદા બજારની શરૂઆત થતાં જ MCX પર સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. 4 ડિસેમ્બરની એક્સપાયરી વાળી ચાંદીનો ભાવ 494 રૂપિયા ઘટીને 2,38,933 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગયો હતો. જ્યારે 5 ઓક્ટોબરની એક્સપાયરીવાળું સોનું ઘટીને 1,52,101 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું હતું.
થોડી જ વારમાં ભાવ રેડમાંથી ગ્રીન ઝોનમાં
શરૂઆતી કારોબારમાં સોના-ચાંદી ઘટાડા સાથે ખુલ્યા હતા, પરંતુ થોડી જ વારમાં બજાર પલટાયું અને રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહેલી આ ધાતુઓએ ઝડપ પકડીને ગ્રીન ઝોનમાં એન્ટ્રી કરી લીધી. સમાચાર લખાય છે ત્યાં સુધીમાં 24 કેરેટ સોનાનો ભાવ 800 રૂપિયાથી વધુ વધીને 1,53,599 રૂપિયા પર પહોંચી ગયો હતો. જ્યારે 1 કિલો ચાંદીની કિંમત વધીને 2,41,320 રૂપિયા થઈ ગઈ હતી.

રૅકોર્ડ હાઇ સ્તરથી હજુ પણ ઘણી સસ્તી છે ચાંદી
ચાંદીના ભાવમાં ભલે બુધવારે મોટો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હોય, પરંતુ આ તેજી છતાં ચાંદી તેના ઓલ-ટાઇમ હાઇ લેવલથી ઘણી સસ્તી મળી રહી છે. જાન્યુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયામાં ચાંદી 4,20,048 રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી, જ્યાંથી તે હજુ પણ 1,78,728 રૂપિયા પ્રતિ કિલો જેટલી સસ્તી મળી રહી છે.
ઘરેલુ બજારમાં સોના-ચાંદીના ભાવ
એમસીએક્સ બાદ ઘરેલુ બજારની વાત કરીએ તો, ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન(IBJA)ની વેબસાઇટ મુજબ 10 ગ્રામ 24 કેરેટ સોનું સામાન્ય વધારા સાથે 1,53,432 રૂપિયા પર ખુલ્યું હતું. જ્યારે ચાંદીની કિંમતમાં મોટો ઉછાળો આવ્યો છે અને તે 2,35,717 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે.
દુકાનેથી ખરીદી કરતી વખતે લાગશે આ ચાર્જ
ઘરેલુ બજારમાં સોના-ચાંદીના ભાવ IBJAના રેટ્સ પર આધારિત હોય છે અને દેશભરમાં સમાન રહે છે. પરંતુ જ્યારે તમે શરાફા બજારમાં જ્વેલરી ખરીદવા જાઓ છો, ત્યારે ગ્રાહકોએ જીએસટી અને મેકિંગ ચાર્જ પણ ચૂકવવો પડે છે, જેના કારણે કિંમત વધી જાય છે. દેશના અલગ-અલગ શહેરોમાં મેકિંગ ચાર્જ અલગ હોઈ શકે છે.


