આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન માટે વર્ષ 2026 ખૂબ જ મહત્વનું સાબિત થવા જઈ રહ્યું છે. જુનૈદ ખાનની આગામી ફિલ્મ ‘એક દિન’નું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના પોસ્ટરે લોકોનું ધ્યાન ખેંચ્યું છે કારણ કે તેમાં સાઉથની ફેમસ અભિનેત્રી સાઈ પલ્લવી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. જો કે જુનૈદની આ ત્રીજી ફિલ્મ છે. આમિર ખાનના પ્રોડક્શન દ્વારા સમર્થિત આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ એક એવી વાર્તા રજૂ કરે છે જ્યાં પ્રેમ ફક્ત એક જ બાજુ હોય છે.
વર્ષ 2025 માં જૂનૈદ ખાનની ફિલ્મ “લવયાપા” બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહ્યા બાદ, હવે તે ફરી એકવાર મોટા પડદા પર નસીબ અજમાવવા તૈયાર છે. આમિર ખાન પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ “એક દિન” નું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેની સાથે ફિલ્મની રિલીઝ ડેટ અને ટ્રેલર અંગેની મહત્વની વિગતો પણ સામે આવી છે. નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “પ્યાર મેં બસ એક મૌકા ચાહિયે.” આ સાથે જ ફિલ્મના ટ્રેલર લોન્ચ અને તેની રિલીઝને પણ સત્તાવાર જાહેરાત કરી.

મીડિયા અહેવાલ મુજબ જૂનૈદ ખાનની ફિલ્મ ‘એક દિન’નું 11 માર્ચ, 2006ના રોજ ટ્રેલર લોન્ચ કરવામાં આવશે. જયારે 1 મે, 2026ના દિવસે આ ફિલ્મ સિનેમાઘરમાં રિલીઝ થશે તેવી નિર્માતા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી. દક્ષિણ ભારતની જાણીતી અભિનેત્રી સાઈ પલ્લવી આ ફિલ્મ દ્વારા હિન્દી સિનેમામાં પદાર્પણ કરતી હોવાથી આ ફિલ્મ વધુ ચર્ચામાં છે. તેમજ આમિર ખાન અને મન્સૂર ખાન ઘણા લાંબા સમય પછી આ પ્રોજેક્ટ માટે સાથે આવ્યા છે. નવોદિત જુનૈદ સાથે સાઈની જોડી પડદા પર ચાહકો માટે નવો અનુભવ હશે.
“એક દિન” ની વાર્તા વર્ષ 2016 માં આવેલી લોકપ્રિય થાઈ ફિલ્મ “વન ડે” પર આધારિત છે, જેને સ્નેહા દેસાઈ અને સ્પંદન મિશ્રાએ ભારતીય પરિપ્રેક્ષ્યમાં ઢાળી છે. ફિલ્મનું સંગીત રામ સંપથે તૈયાર કર્યું છે, જ્યારે હૃદયસ્પર્શી ગીતો ઇર્શાદ કામિલ દ્વારા લખવામાં આવ્યા છે. સુનીલ પાંડે દ્વારા નિર્દેશિત આ રોમેન્ટિક ડ્રામા પાસે આમિર ખાનને ઘણી અપેક્ષાઓ છે, કારણ કે જુનૈદની છેલ્લી થિયેટર રિલીઝ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નહોતી.


