ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે ઉત્તરપ્રદેશ, ઝારખંડ તથા ઉત્તરાખંડમાં ભારે તબાહી સર્જાવાની સાથે જ સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે. વરસાદના કારણે બે દિવસમાં ઉત્તરપ્રદેશમાં 20 લોકોના મોત નિપજ્યાં છે. અનરાધાર વરસાદને કારણે સર્જાયેલી વિષમ પરિસ્થિતિને પગલે ચાર ધામની યાત્રા પણ 27 સપ્ટેમ્બર સુધી અટકાવી દેવાાની ફરજ પડી છે.
ઉત્તરપૂર્વીય મધ્યપ્રદેશ તથા છત્તીસગઢ પર સર્જાયેલા ભારે દબાણને પગલે ઉત્તરપ્રદેશમાં સતત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 63થી વધુ જિલ્લાઓમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે કેટલાંકમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ, વાવોઝોડું તથા તીવ્ર પવનોને કારણે ઉત્તરપ્રદેશના અનેક ગ્રામીણ વિસ્તારોમાં પાકને ખાસ્સું નુકસાન થયું છે. આ ઉપરાંત 100થી વધુ ઘરોને પણ વધતું-ઓછું નુકસાન થયું છે. સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં સામાન્ય કરતાં 19 ગણો વધુ વરસાદ નોંધાયો છે. લખનઉમાં 21 કલાકમાં 125.8 મી.મી., ફર્રુખાબાદમાં સામાન્ય કરતાં 200 ગણો, કાનપુર નગરમાં 160 ગણો, કનૌજ તથા કાનપુર દેહાત અને હરદોઈમાં 130 ગણો વધુ વરસાદ નોંધાયો હતો.

ઝારખંડમાં પણ ભારે વરસાદ તથા તીવ્ર પવનને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે વાહન-વ્યવહાર અસર થઈ હતી અને કેટલીક નદીઓમાં પાણી જોખમના સ્તરથી ઉપર પહોંચી ગયું છે. ખરાબ હવામાનને પગલે રાજ્યના બિરસા મુંડા એરપોર્ટ પરની છ ફ્લાઈટ્સ રદ કરવાની ફરજ પડી હતી. રાજ્યના રાંચી તથા જમશેદપુર સહિતના કેટલાંક જિલ્લાઓમાં શાળાઓ બંધ રખાઈ હતી. ઉત્તરાખંડમાં પણ સતત વરસાદ અને ખરાબ હવામાનને કારણે ચાર ધામ યાત્રા 27 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ કરાયો હતો.


