લોકસભા સાંસદ પપ્પુ યાદવ તેમના તાજેતરના એક વિવાદિત નિવેદનને કારણે ફરીથી ચર્ચામાં છે. બિહાર રાજ્ય મહિલા આયોગે તેમને નોટિસ પાઠવી આ મુદ્દે સ્પષ્ટતા માંગી છે. યાદવે રાજકારણમાં સક્રિય મહિલાઓ વિશે આપત્તિજનક ટિપ્પણી કરી હતી, જેના લીધે દેશભરમાં ભારે હોબાળો મચી ગયો છે.

યાદવે દાવો કર્યો હતો કે, “ભારતમાં મહિલાઓને દેવી ગણાય છે, પણ અહીં તેમને ક્યારેય સન્માન મળતું નથી. 90% ટકા મહિલાઓ નેતાઓના રૂમમાં ગયા વિના રાજકારણ કરી શકતી નથી; અહીં તેમનું શોષણ કરવાની એક સંસ્કૃતિ બની ગઈ છે.”
જોકે, નોટિસ મળ્યા પછી પણ પપ્પુ યાદવના તેવર શાંત પડ્યા નથી. બુધવારે તેમણે નોટિસ મોકલનારાઓ પર જ આકરા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું, “મેં સદનમાં પણ કહ્યું છે કે 70-80% રાજનેતાઓ પોર્ન જુએ છે, તેથી, બધાની તપાસ કરાવો. જો મારા ફોનમાં પોર્ન મળે, તો મારી પણ તપાસ કરો.”
આયોગની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠાવતા તેમણે ઉમેર્યું, “આ લોકો કોણ છે જેમણે મને નોટિસ મોકલી છે? પૂર્વ મંત્રીઓ સાથે તેમની ઘણી તસવીરો છે.” યાદવે તીખો પ્રહાર કરતા જણાવ્યું, “જે લોકો કાચના ઘરોમાં રહે છે, તેમણે બીજાના ઘર પર પથ્થર ન ફેંકવા જોઈએ.” પોતાનો બચાવ કરતા પપ્પુ યાદવે દાવો કર્યો કે, “પુરુષ રાજનેતાઓ મહિલાઓનું શોષણ કર્યા વિના તેમને રાજકારણમાં આવવા દેતા નથી. શું આ વાત ખોટી છે? હું મહિલાઓની લડાઈ લડી રહ્યો છું. 755 પુરુષ રાજનેતાઓ વિરુદ્ધ યૌન શોષણના કેસ નોંધાયા છે અને 155 વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરાઈ છે, આખો ભારત જ ડાઘી છે.” મહિલા આયોગના ઉદ્દેશ્ય પર સવાલ કરતા તેમણે વધુમાં કહ્યું, “જો હું પુરુષ રાજનેતાઓની વાત કરું છું, તો તેમને આટલી તકલીફ કેમ થાય છે? આ રાજનેતાઓ મહિલાઓનું શોષણ કરે છે અને પછી મહિલા આરક્ષણ બિલની વાત કરે છે.”
ચાલો હવે પપ્પુ યાદવના રાજકીય પ્રવાસ પર એક નજર કરીએ. બિહારના પૂર્ણિયા બેઠક પરથી સંસદસભ્ય પપ્પુ યાદવનું પૂરું નામ રાજેશ રંજન છે. 24 ડિસેમ્બર 1967ના રોજ મધેપુરામાં જન્મેલા યાદવ બિહારની રાજનીતિના જાણીતા અને વિવાદાસ્પદ નેતાઓમાંના એક છે. તેમણે 1990ના દાયકામાં રાજકારણમાં પ્રવેશ કરી ઝડપથી પકડ જમાવી, 1991, 1996, 1999, 2004, 2014 અને 2024માં લોકસભા માટે ચૂંટાયા. તેમણે અપક્ષ તેમજ સમાજવાદી પાર્ટી, લોક જનશક્તિ પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ જેવા પક્ષો હેઠળ વિવિધ મતવિસ્તારોનું પ્રતિનિધિત્વ કર્યું, પરંતુ તેમની સફળતા હંમેશા પોતાની તાકાત પર વધુ આધારિત રહી છે. 2015માં પપ્પુ યાદવે પોતાની ‘જન અધિકાર પાર્ટી (લોકતાંત્રિક)’ની સ્થાપના કરી, જેનું 20 માર્ચ 2024ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં વિલિનીકરણ થયું. તાજેતરની લોકસભા ચૂંટણીમાં, પૂર્ણિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લડી તેમણે 23,000થી વધુ મતોના માર્જિનથી જીત મેળવી. આ જીતમાં તેમણે જનતા દળ (યુનાઈટેડ)ના ઉમેદવાર સંતોષ કુશવાહા અને રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવાર બીમા ભારતીને હરાવી એક મોટો રાજકીય અપસેટ સર્જ્યો હતો.


