ભાજપ સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત તેમજ યોગ ગુરુ બાબા રામદેવ વચ્ચે ઘેરાયેલો વિવાદ સતત વકરી રહ્યો છે. કંગનાના ‘ગટર જેન-ઝી’ વાળા નિવેદનથી શરૂ થયેલા આ વિવાદમાં હવે એક્ટ્રેસે બાબા રામદેવ પર ફરીથી તીખો પ્રહાર કર્યો છે. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કંગનાએ વળતો પ્રશ્ન કરતાં કહ્યું હતું કે, ‘શું બાબા રામદેવ મારા રૂમમાં ચામાચીડિયું બનીને ઊંધા લટકતા હતા? તેમણે મારી જવાનીમાં એવું તે શું જોયું છે, તે સ્પષ્ટપણે જણાવવું જોઈએ.
‘યોગ-આયુર્વેદથી ગારમેન્ટ્સ સુધીનો વેપાર
ઈન્ટરવ્યૂ દરમિયાન બાબા રામદેવ પર નિશાન સાધતા કંગનાએ કહ્યું હતું કે, ‘જ્યારે બાબા રામદેવનો સ્વદેશીનો વિચાર ચાલતો હતો ત્યારે સરકારે પણ તેમને પૂરતો સહયોગ આપ્યો હતો. પરંતુ એક તબક્કે પહોંચ્યા પછી સનાતની વિચારધારા મૂડીવાદ (Capitalism) સામે ટકરાવા લાગે છે. યોગ અને આયુર્વેદથી શરૂઆત કર્યા બાદ હવે તેઓ બનિયાન અને અંડરગાર્મેન્ટ્સ વેચી રહ્યા છે અને પૂર્ણપણે એક વેપારી બની ચૂક્યા છે.’ આ સાથે જ કંગનાએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે તબીબી અસરો અંગેના ખોટા અને ગેરમાર્ગે દોરનારા દાવા બદલ સુપ્રીમ કોર્ટ દ્વારા બાબા રામદેવને સખત ઠપકો આપવામાં આવ્યો હતો.

‘ગટર જનરેશન’ વાળા નિવેદનથી વિવાદ
આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે CJP પ્રોટેસ્ટ દરમિયાન કંગના રનૌતે Gen Z માટે ‘ગટર જનરેશન’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. જોકે, વિવાદ વધતાં કંગનાએ સ્પષ્ટતા કરી હતી કે તેણે સમગ્ર પેઢીને નહીં પરંતુ અભદ્ર ભાષા વાપરનારા કેટલાક પ્રદર્શનકારીઓને જ આવું કહ્યું હતું.
પરંતુ આ નિવેદન પર બાબા રામદેવે એક કાર્યક્રમમાં કંગના પર વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે, ‘કંગનાનું બાળપણ કેવું રહ્યું છે, જવાની કેવી રહી છે અને ભૂતકાળના કારનામા કેવા રહ્યા છે તે સૌ જાણે છે. હું આવી વિકૃત માનસિકતા ધરાવતા લોકો વિશે વાત કરવા નથી માગતો અને તેમની પાર્ટીએ આ બાબતે ગંભીરતાથી નોંધ લેવી જોઈએ.’
સોશિયલ મીડિયા પર ઈન્સ્ટાગ્રામ સ્ટોરીથી શરૂ થયેલો યુદ્ધ
બાબા રામદેવના આ આક્ષેપો બાદ કંગનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા પલટવાર કરતાં લખ્યું હતું કે, ‘બાબાજી, મારી જવાની કે બેડરૂમ અંગે દિવસના સપના જોવાનું બંધ કરો. મને તબીબી અસરોના ખોટા અને છેતરપિંડીભર્યા દાવા કરવા બદલ સુપ્રીમ કોર્ટની ફટકાર તો નથી જ મળી.’ કંગનાના આકરા પ્રહાર સામે બાબા રામદેવે ફરી પ્રતિક્રિયા આપતાં સ્પષ્ટ કર્યું હતું કે, ‘હું આવા ક્ષુલ્લક અને નીચા સ્તરના લોકો વિશે વધુ કોઈ ટિપ્પણી કરવા માગતો નથી.’ હાલમાં આ બંને અગ્રણી હસ્તીઓ વચ્ચેની આ તકરાર વધુ ઘેરી બની રહી છે.


