સોશિયલ મીડિયામાં અત્યારે ૮૦ના દશકાનો નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોકો ચેટજીપીટીને પ્રોમ્પ્ટ આપીને પોતાની તસવીરોમાં ૮૦ના દશકાનો લૂક બનાવે છે અને પછી તેને ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, એક્સ અને વોટ્સએપમાં શેર કરે છે. આ ટ્રેન્ડ હવે જાણે ભાજપ-કોંગ્રેસ વચ્ચે સોશિયલ મીડિયામાં જંગનું મેદાન બની ગયો છે. બંને પાર્ટીઓએ ૮૦ના દશકાના આ ટ્રેન્ડમાં રાજકીય રંગ ભેળવ્યો છે.
કેરળ કોંગ્રેસે ૮૦ના દશકાના આ ટ્રેન્ડમાં ઝંપલાવીને એક ફોટો પોસ્ટ કર્યો હતો. એના કેપ્શનમાં લખ્યું હતું – ૮૦ના દશકામાં ગુજરાતનો એક રસ્તો. તસવીરમાં એક વ્યક્તિ દેખાય છે, જેના ભરાવદાર ચહેરા પર કાળી દાઢી છે, માથામાં વાળ નથી, તિલક કર્યું છે અને તે જૂની હિન્દી ફિલ્મોમાં વિલનો વાન ચલાવતા એ રીતે વાન ચલાવે છે. કેરળ કોંગ્રેસે જ પછી તો કોઈ રેલવે સ્ટેશન બતાવીને ચાની લારીએ લોકોના ખીસ્સામાંથી પોકેટ મારતો એક નેતા પણ બતાવ્યો.

આ પછી તેલંગણા ભાજપે ચેટજીપીટીમાંથી ૮૦ના દશકાના ટ્રેન્ડનો એક ફોટો બનાવ્યો હતો. એમાં બાર ડાન્સર લાલ કપડાંમાં ટેબલ પર ડાન્સ કરી રહી છે. તેની પાછળ દારૂની બોટલો દેખાય છે. ચાર પુરુષો અને એક મહિલા એ ડાન્સને જુએ છે. તેલંગણા ભાજપે કેરળ કોંગ્રસના ફોટોને રિપોસ્ટ કરીને બાર ડાન્સરની ઈમેજ સાથે કેપ્શનમાં લખ્યું: લુસિયાના, ઈટલી. અંદાજે ૧૯૭૦નો સમયગાળો. પોસ્ટમાં કોઈનું નામ લખ્યું ન હતું.
આ બે-ત્રણ પોસ્ટ થઈ તે પછી ભાજપ અને કોંગ્રેસની વિવિધ પ્રદેશ કમિટીઓના સોશિયલ મીડિયામાંથી પણ સામ-સામી આવી પોસ્ટ જુદા જુદા કેપ્શન સાથે થઈ હતી. એકબીજાના નેતાઓને ટાર્ગેટ કરીને થયેલી આ પોસ્ટ પછી ૮૦ના દશકાના આ ટ્રેન્ડમાં જાણે રાજકીય રંગ ચડી ગયો હતો.


