બળાત્કારના એક ગંભીર કેસમાં દોષિત ઠેરવાયેલા પ્રખ્યાત તહલકા મેગેઝિનના ભૂતપૂર્વ સંપાદક અને પત્રકાર તરુણ તેજપાલને દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. અદાલતે તેમને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે તેમણે આગામી બે અઠવાડિયાની અંદર સરેન્ડર (આત્મસમર્પણ) કરવું પડશે. આ નિર્ણયથી તેજપાલની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે.
તરુણ તેજપાલ બળાત્કારના કેસમાં દોષિત
અગાઉ, આ મામલે બોમ્બે હાઈકોર્ટે ચુકાદો આપતા તરુણ તેજપાલને બળાત્કારના કેસમાં દોષિત ગણાવ્યા હતા અને તેમને 10 વર્ષની જેલની સજા ફટકારી હતી. હાઈકોર્ટે તેમને આત્મસમર્પણ કરવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો હતો. જો કે, તેજપાલના વકીલો દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક અપીલ દાખલ કરવામાં આવી હતી, જેમાં હાઈકોર્ટના આદેશ સામે રાહત મેળવવાની અને સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ અપીલની સુનાવણી પૂર્ણ થાય ત્યાં સુધી આત્મસમર્પણ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
પરંતુ સુપ્રીમ કોર્ટે તેમની આ અરજી ફગાવી દીધી છે અને તેમને નિર્ધારિત સમયમર્યાદામાં જેલ સમક્ષ આત્મસમર્પણ કરવા માટે કહ્યું છે. કોર્ટના આ કડક વલણથી સ્પષ્ટ થાય છે કે ન્યાયિક પ્રક્રિયામાં હવે કાનૂની દબાણ વધુ તીવ્ર બન્યું છે. આ હાઈ-પ્રોફાઈલ કેસ લાંબા સમયથી દેશભરમાં ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે.

2013ની ઘટનાનો હવે ન્યાય થયો
આ કેસની પર નજર નાખીએ તો આ સમગ્ર વિવાદ વર્ષ 2013નો છે, જ્યારે ગોવા પ્રવાસ દરમિયાન એક હોટેલની લિફ્ટમાં એક મહિલા સહકર્મી દ્વારા તરુણ તેજપાલ પર યૌન ઉત્પીડન અને બળાત્કારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ ઘટના સામે આવ્યા બાદ મીડિયા જગતમાં ભારે હોબાળો મચી ગયો હતો અને તરુણ તેજપાલે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.
કાયદાકીય લડાઇ લાંબી ચાલી
ત્યારબાદ આ કેસની લાંબી કાયાદાકીય લડાઈ નીચલી કોર્ટથી લઈને હાઈકોર્ટ સુધી ચાલી હતી. નીચલી કોર્ટે શરૂઆતમાં તેમને નિર્દોષ જાહેર કર્યા હતા, પરંતુ તે નિર્ણય સામે રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. બોમ્બે હાઈકોર્ટે પુરાવાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નીચલી કોર્ટના આદેશને ઉલટાવી દીધો અને તેમને દોષિત ઠેરવતા 10 વર્ષની જેલની સજા ફટકારી હતી.
હવે સુપ્રીમ કોર્ટના તાજા આદેશ બાદ તરુણ તેજપાલ પાસે કાનૂની વિકલ્પો અત્યંત મર્યાદિત બની ગયા છે. તેમને નિર્ધારિત સમયગાળામાં પોલીસ કે જેલ સમક્ષ શરણાગતિ સ્વીકારવી જ પડશે. આ ચુકાદો દેશમાં મહિલા સુરક્ષા અને ન્યાય પ્રણાલીની મજબૂતાઈ દર્શાવતો એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થઈ રહ્યો છે.


