Home Blog Page 157

Vadodara : વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનની દુર્ઘટના: શેડ ધરાશાયી થવાની ઘટનાના ચોંકાવનારા CCTV ફૂટેજ સામે આવ્યા

0

વડોદરાના આંતરરાષ્ટ્રીય સ્તરના સેન્ટ્રલ બસ ટર્મિનલમાં ગત 10મી એપ્રિલ, 2026ના રોજ બસ સ્ટેશનના ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક તૂટી પડતા મોટી દુર્ઘટના ઘટી હતી. જેમાં ટર્મિનલના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પાસે સ્લેબનો એક ભાગ ધરાશાહી થતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ ઘટનાએ કરોડોના ખર્ચે બનેલા આ પ્રોજેક્ટની ગુણવત્તા અને તેની જાળવણી કરી રહેલી એજન્સીની ગંભીર બેદરકારી ખુલ્લી પાડી છે, ત્યારે શેડ ધરાશાયી થવાની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનના ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક તૂટી પડતા અફરાતફરી મચી ગઈ હતી. જેમાં બસ સ્ટેશનના ઉપરના હિસ્સાનું બાંધકામ અચાનક તૂટી પડ્યું હતું. ભારેખમ સ્ટ્રક્ચર નીચે આવતા ત્યાં હાજર મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા કાટમાળ ખસેડીને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

વડોદરાનું આ બસ ટર્મિનલ ગુજરાતના આધુનિક પ્રોજેક્ટ્સમાંનું એક ગણાય છે, અંદાજે 110 કરોડના ખર્ચે 20,300 ચોરસ મીટરમાં ફેલાયેલું આ ટર્મિનલ PPP(Public-Private Partnership) મોડલ હેઠળ બનાવાયું છે. Sphere Cube Infrastructure Pvt. Ltd. નામની કંપનીને આગામી 31 વર્ષ સુધી આ ટર્મિનલના સંચાલન અને જાળવણીની જવાબદારી સોંપવામાં આવી છે. સિંગાપુર, શાંઘાઈ અને હોંગકોંગ જેવા આંતરરાષ્ટ્રીય શહેરોના બસ સ્ટેશનોનો અભ્યાસ કરીને આ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી.

આ ઘટનાએ ટર્મિનલની મેન્ટેનન્સ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા અને આંતરરાષ્ટ્રીય ધોરણો ધરાવતા ટર્મિનલમાં આવી ઘટના બનતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ઘટનાને લઈને હવે જવાબદારી કોની તે અંગે સવાલો ઊભા થયા છે અને બેદરકારી અંગે તપાસની માગ ઉઠી રહી છે.

Asha Bhosle Funeral : રાજકીય સન્માન સાથે આશા ભોંસલેના અંતિમ સંસ્કાર, સંગીત જગતનો એક યુગ આથમ્યો!

0

બોલીવુડમાં શોકની લહેર છે. સિનેમા અને સંગીત જગતે એક દિગ્ગજ ગાયિકા ગુમાવ્યા છે. આશા ભોંસલે દાયકાઓથી ફિલ્મો માટે ગીતો ગાતા આવ્યા હતા. 92 વર્ષની વયે આશા ભોંસલેએ આ દુનિયાને અલવિદા કહી દીધું. આજે એટલે કે 13 એપ્રિલના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. મુંબઈના શિવાજી પાર્કમાં અંદાજે 5 વાગ્યે રાજકીય સન્માન સાથે આશા ભોંસલેના અંતિમ સંસ્કાર થયા.

આશા ભોંસલેનું નિધન 12 એપ્રિલે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં થયું હતું. તબિયત બગડ્યા બાદ 11 એપ્રિલે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના તમામ ચાહકો તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા હતા. જોકે, 12 એપ્રિલે તેમના નિધનના સમાચાર સામે આવ્યા, જેણે દરેકનું દિલ તોડી નાખ્યું. આખા બોલીવુડમાં માતમ છવાઈ ગયો. દરેક વ્યક્તિ તેમને યાદ કરવા લાગી અને સોશિયલ મીડિયા દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવા લાગી.

13 એપ્રિલની સવારે આશા ભોંસલેનો નશ્વર દેહ મુંબઈમાં કાસા ગ્રાન્ડે સ્થિત તેમના ઘરે રાખવામાં આવ્યો હતો, જ્યાં તેમના ચાહકો તેમના અંતિમ દર્શન માટે પહોંચી રહ્યા હતા. રણવીર સિંહ, સચિન તેંડુલકર, મોહમ્મદ સિરાજ, પાપોન, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત અન્ય અનેક હસ્તીઓએ તેમના ઘરે પહોંચીને તેમના અંતિમ દર્શન કર્યા. સ્મશાન ભૂમિમાં પણ આશા ભોંસલેને અંતિમ વિદાય આપવા આમિર ખાન અને વિકી કૌશલ પહોંચ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ પહોંચીને આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપી હતી.

આશા ભોંસલેનું નામ ભારતીય સિનેમાના ઇતિહાસના દિગ્ગજ સિંગર્સમાં શુમાર હતું. માત્ર 10 વર્ષની ઉંમરથી તેમણે ગાવાનું શરૂ કરી દીધું હતું. પહેલીવાર તેમણે વર્ષ 1943માં આવેલી એક મરાઠી ફિલ્મ માટે ગીત ગાયું હતું. ત્યારબાદ પોતાના અવાજથી તેમણે ઇન્ડસ્ટ્રીની સાથે-સાથે કરોડો હૃદયમાં ખાસ જગ્યા બનાવી લીધી હતી. તેમણે પોતાની કરિયરમાં 12 હજારથી પણ વધુ ગીતો ગાયા હતા.

National : કેન્સરમાં ‘જાદુઈ’ ગણાતી દવાના કાળા બજાર, જાણો દર્દીના મોત બાદ કેવી રીતે કૌભાંડ ઝડપાયું

0

ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ સ્થિતિમાં કિટ્રુડા (Keytruda) નામની એક દવા અનેક દર્દીઓ માટે વરદાનરૂપ સાબિત થઈ રહી છે. તેનો 100 મિલિગ્રામની એક બોટલનો ભાવ રૂ. 1.5 લાખ જેટલી ઊંચી કિંમત ધરાવે છે. આટલી મોંઘી દવા સામાન્ય પરિવારને પરવડે જ નહીં, પણ જે લોકોને પરવડે એમ છે એ લોકો પણ એને ખરીદવામાં છેતરાઈ રહ્યા છે. તેનું કારણ છે કીટ્રુડાના કાળા બજાર! કેન્સર નિવારક આ દવાની શીશીમાં ભળતી જ દવા આપીને લાચાર દર્દીઓ સાથે છેતરપિંડી થઈ રહી છે, જેના કારણે તેઓ જીવનદાન પામવાને બદલે મોતને ભેટી રહ્યા છે.

ચંદીગઢનો કિસ્સો: 16 લાખમાં ખરીદેલી દવા નીકળી ‘નકલી’

વર્ષ 2022માં ચંદીગઢ નજીક રહેતી એક 56 વર્ષીય મહિલાને લિવર કેન્સર હતું. ડોક્ટરોએ તેને કિટ્રુડાના ડોઝ લેવાની સલાહ આપી. જો કે, તેમના માટે આ દવા ખૂબ મોંઘી હતી. આમ છતાં તેમણે ગમેતેમ કરીને નાણાંની વ્યવસ્થા કરીને સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2022 વચ્ચે એક મેડિકલ સ્ટોરમાંથી કિટ્રુડાની 12 બોટલ ખરીદી અને આ માટે રૂ. ₹16 લાખનો ખર્ચ કર્યો. થોડા દિવસો બાદ તેમના પર દિલ્હી પોલીસનો ફોન આવ્યો ત્યારે તેમને ખબર પડી કે જે દવા તેમણે લીધી હતી એ નકલી હતી. તેમાં કિટ્રુડા નહીં, પરંતુ એન્ટિ ફંગલ દવા હતી.

દર્દીઓને નકલી દવા પધરાવી દેવાની મોડસ ઓપરેન્ડી

આ કૌભાંડની પોલીસ તપાસમાં એક ખતરનાક સાંઠગાંઠ બહાર આવી છે. આ નેટવર્ક કેવી રીતે કામ કરતું હતું તે વિગતવાર સમજીએ.

  1. સૌથી પહેલા કૌભાંડીઓ હોસ્પિટલોમાં કામ કરતા ફાર્માસિસ્ટ અને સ્ટાફ પાસેથી દર્દીઓએ ઉપયોગમાં લીધેલી કિટ્રુડાની ખાલી બોટલ અને બોક્સ એકત્રિત કરતા હતા.
  2. પછી આ બોટલોમાં સસ્તી એન્ટિ ફંગલ દવા અથવા ક્યારેક તો ફક્ત સાદા પાણીથી ફરીથી ભરી દેવાતી હતી.
  3. બોટલમાં નકલી દવા ભરીને અધિકૃત લેબલ, બેચ નંબર (દા.ત. X018554, W031928) અને પેકેજિંગનો ઉપયોગ કરીને આ નકલી દવાને ‘અસલી’નો દેખાવ અપાતો.
  4. છેલ્લે ડિસ્કાઉન્ટની લાલચ અપાતી. એટલે કે, નકલી દવા બજાર ભાવ કરતા 40% સુધી સસ્તી (આશરે ₹90,000માં) વેચી દેવાતી, જે અનેક લાચાર દર્દીઓ ખરીદી લેતા.

હોસ્પિટલના કર્મચારીઓ જ ગેરકાયદે વેપારમાં સામેલ

વર્ષ 2024માં આ કૌભાંડની પોલીસ તપાસ દિલ્હીની ટોચની કેન્સર હોસ્પિટલો સુધી પહોંચી, જેમાં ‘રાજીવ ગાંધી કેન્સર ઇન્સ્ટિટ્યૂટ’ (RGCIRC) અને ‘વેંકટેશ્વર હોસ્પિટલ’ પણ સામેલ હતી. તપાસ અધિકારીઓને જાણવા મળ્યું કે, હોસ્પિટલના કર્મચારીઓ જ આ ગેરકાયદે વેપારમાં સામેલ હતા. અત્યાર સુધીની તપાસમાં ઘણાં પર્દાફાશ થઈ ચૂક્યા છે, જે પોલીસ ચોપડે નોંધાયા છે. જેમ કે…

  • RGCIRCમાંથી બે ફાર્માસિસ્ટ કોમલ તિવારી (39) અને અભિનય (30), અર્ધ-ભરેલી કિટ્રુડાની બોટલો અને ખાલી બોક્સ લઈ જતા પકડાયા.
  • પરવેઝ (33) નામનો એક પૂર્વ ફાર્માસિસ્ટ હોસ્પિટલ છોડ્યા બાદ પણ જૂના સંપર્કોની મદદથી આ રેકેટ ચલાવતો. તે હોસ્પિટલ સ્ટાફને દરેક ખાલી બોટલ માટે રૂ. 3000 આપતો. ભરેલી બોટલ કે ઇન્જેક્શન માટે તે રૂ. 40થી 50 હજાર પણ ખર્ચી નાંખતો. આ રીતે કોમલે પરવેઝને લગભગ 10-12 ભરેલી અને 120-125 ખાલી બોટલ આપી હતી.
  • રોહિત સિંહ બિષ્ટ (36) નામનો નર્સિંગ ટીમ લીડર તેની દેખરેખ હેઠળના વોર્ડમાંથી દવાઓ ચોરતો હતો.
  • સ્ટાફના સભ્યોને હોસ્પિટલોમાંથી ખાલી બોટલો અને બોક્સ બહાર લઈ જવામાં કોઈ મુશ્કેલી નહોતી પડતી કારણ કે, વપરાયેલી બોટલોની ગણતરી માટે કોઈ સત્તાવાર પ્રક્રિયા કે પ્રોટોકોલ ન હતા.
  • આ કેસમાં પોલીસે નીરજ ચૌહાણ (38) નામના ડિસ્ટ્રિબ્યુટર અને પરવેઝને મુખ્ય આરોપી બનાવીને અન્ય 9 લોકોની ધરપકડ કરી હતી. નીરજના ઘરમાં એક કબાટમાંથી કિટ્રુડાના લેબલ ધરાવતી 46 બોટલ, 165 ખાલી બોટલ અને 239 પેકિંગ બોક્સ મળ્યા છે.

હવે પ્રશ્ન એ થાય એમ છે કે આટલી મોંઘી દવાઓ પર કોઈ નજર કેમ નથી રાખતું? હોસ્પિટલના અધિકારીઓએ પોલીસને જણાવ્યું કે દરેક વપરાયેલી બોટલોની ગણતરી કરવી ‘વ્યવહારિક રીતે શક્ય’ નહોતી. આ જ ખામીએ આ સિન્ડિકેટને તક આપી. જો કે, હવે હોસ્પિટલોમાં કેટલાક ચોક્કસ નિયમો બનાવાયા છે. હવે મોંઘી દવાઓનો ઉપયોગ દર્દી કે તેના સંબંધીઓની સામે જ કરાય છે, જ્યારે ખાલી બોટલોને લોક કરીને રખાય છે.

કિમોથેરાપી સીધા કેન્સરના કોષોને મારે છે, જ્યારે કિટ્રુડા એક એવી ઇમ્યુનોથેરેપી દવા છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને કેન્સર કોષોને શોધવા અને લડવામાં મદદ કરે છે. કિટ્રુડા (પેમ્બ્રોલિઝુમાબ) શરીરની રોગપ્રતિકારક શક્તિ (T-Cells) ને ‘ઓળખ’ આપે છે. કેન્સરના કોષો PD-L1 નામનું પ્રોટીન બનાવીને T-Cells ને ‘હું તમારો પોતાનો છું, મારા પર હુમલો ન કરશો’ એવો સંદેશ આપીને છેતરે છે. કિટ્રુડા આ ‘છેતરપિંડી’ને અટકાવે છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિને કેન્સરના કોષો પર હુમલો કરવા માટે સક્રિય કરે છે. કિટ્રુડાને સૌપ્રથમ વર્ષ 2014માં સ્કિન કેન્સરની સારવાર માટે મંજૂરી મળી હતી. હવે, તેનો ઉપયોગ વિશ્વભરમાં વિવિધ પ્રકારના કેન્સરની સારવાર માટે થઈ રહ્યો છે.

અમેરિકામાં મર્ક નામની કંપની દ્વારા શોધાયેલી આ દવાની વૈશ્વિક સ્તરે અલગ અલગ કિંમત છે. અમેરિકામાં તેની કિંમત $6,000 (લગભગ રૂ. 5 લાખ) પ્રતિ બોટલ સુધી પહોંચી શકે છે, જ્યારે ઇન્ડોનેશિયામાં તે $850 (લગભગ રૂ. 70,000 ) છે. આટલો તફાવત કેમ? આ માટે જવાબદાર છે પેટન્ટ (એકાધિકાર). ‘મર્ક’ કંપની પાસે કિટ્રુડાની પેટન્ટ છે, એટલે કે અન્ય કોઈ કંપની આ દવાની નકલ કરીને સસ્તી દવા નથી બનાવી શકતી. મર્કનો દાવો છે કે તેણે આ દવા બનાવતા $46 બિલિયનનું રોકાણ કર્યું છે, જ્યારે સ્વતંત્ર સંશોધનો કહે છે કે એ માટેનો ખર્ચ માત્ર $1.9 બિલિયન હતો.

કિટ્રુડાની ઊંચી કિંમતે વિશ્વમાં એક મોટી અસમાનતા ઊભી કરી છે. સમૃદ્ધ દેશોમાં જ્યાં વીમો છે, ત્યાં લોકો આ દવા લઈ શકે છે. ગરીબ અને વિકાસશીલ દેશોમાં સરેરાશ વ્યક્તિની એક વર્ષની આવક પણ કિટ્રુડાના એક ડોઝ જેટલી નથી હોતી. તેથી લાચાર અને મજબૂર દર્દીઓ તેમની પ્રોપર્ટી વેચી રહ્યા છે, ક્રાઉડફંડિંગ કરી રહ્યા છે અથવા તો કાળા બજારમાં મળતી સસ્તી દવાનો આશરો લઈ રહ્યા છે. જો કે, એ સસ્તી દવાઓ સાચી હોવાની ખાતરી નથી હોતી.

કિટ્રુડાની મુખ્ય પેટન્ટ 2028માં સમાપ્ત થઈ રહી છે, પરંતુ ‘મર્ક’ કંપનીએ તેના માટે અલગ અલગ ફોર્મ્યુલા અને ઉપયોગોની 1,200થી વધુ પેટન્ટ ફાઇલ કરી છે, જે 2042 સુધી ટકી શકે છે. આને ‘પેટન્ટ ફોર્ટ્રેસ’ (કિલ્લો) કહેવામાં આવે છે, જે સસ્તી જેનરિક દવાઓને બજારમાં આવતા રોકે છે.

જો કે, આર્જેન્ટિનાની સ્થાનિક કંપનીએ પેટન્ટ સંબંધિત લૂપ હોલ્સનો ફાયદો ઉઠાવીને ‘પેમ્બ્રોક્સ’ નામની દવા બજારમાં મૂકી છે. તેમણે ‘મર્ક’ને પડકાર ફેંક્યો છે, જેને લીધે ત્યાં કિટ્રુડાના ભાવમાં 50% જેટલો ઘટાડો થયો છે. આ કારણથી આશા છે કે એક દિવસ આ ‘જાદુઈ’ દવા દરેક દર્દી માટે સુલભ બનશે અને એના કાળા બજારને કારણે કોઈ દર્દી મોતને નહીં ભેટે.

Sports : IPLની મેચ દરમિયાન મોબાઈલ વાપરવો RRના મેનેજરને ભારે પડ્યો! BCCIએ કરી કડક કાર્યવાહી

0

રાજસ્થાન રોયલ્સના મેનેજરનો મેચ દરમિયાન ડગઆઉટમાં બેસીને મોબાઈલ ફોન વાપરવાનો મામલો વિવાદે ચઢ્યા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એક્શન લીધા છે. રિપોર્ટ મુજબ, BCCIએ રોયલ્સના ટીમ મેનેજર રોમી ભિન્ડરને નોટિસ મોકલીને ફોનના ઉપયોગ માટે જવાબ માંગ્યો છે. આ નોટિસ તેમને બોર્ડની એન્ટી કરપ્શન એન્ડ સિક્યુરિટી યુનિટ (ACSU) તરફથી મોકલવામાં આવી છે.

ગુવાહાટીમાં ગત 10 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેની મેચ દરમિયાન આ ઘટના સામે આવી હતી. રાજસ્થાનની બેટિંગ દરમિયાન ટીમ મેનેજર ભિન્ડર ડગઆઉટ પાસે બેસીને પોતાનો મોબાઈલ ફોન ચલાવી રહ્યા હતા. આ દરમિયાન તેમની બાજુમાં જ ટીમના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પણ બેઠો હતો, જે તેમની સાથે ફોન જોઈ રહ્યો હતો. મેચના થોડા સમય બાદ જ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો, જેના પછી BCCI સચિવ દેવજિત સૈકિયાએ ઘટના પર ઉચિત કાર્યવાહી કરવાની વાત કહી હતી.

ક્રિકબઝના રિપોર્ટ મુજબ, BCCIએ સોમવાર 13 એપ્રિલે ભિન્ડરને નોટિસ મોકલીને આ ઘટના માટે જવાબ માંગ્યો છે. એન્ટી કરપ્શન યુનિટ દ્વારા મોકલવામાં આવેલી આ નોટિસમાં ભિન્ડર પાસે 48 કલાકની અંદર જવાબ માંગવામાં આવ્યો છે કે તેમણે ડગઆઉટ પાસે બેસીને કેમ મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો. જો કે વીડિયોમાં એ સ્પષ્ટ છે કે તેઓ ફોન પર કોઈની સાથે વાત કરતા દેખાઈ રહ્યા ન હતા.

પરંતુ તેમ છતાં ફોનનો ઉપયોગ PMOA (પ્લેયર્સ એન્ડ મેચ ઓફિશિયલ્સ એરિયા) ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન છે અને તેથી તેમની પાસે આ જવાબ માંગવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે IPL માટે PMOA હેઠળ માત્ર ટીમ મેનેજર અને સિક્યુરિટી મેનેજરને ફોન રાખવાની પરવાનગી હોય છે. પરંતુ આ પરવાનગી માત્ર ડ્રેસિંગ રૂમ સુધી મર્યાદિત હોય છે. ડગઆઉટમાં ફોનનો ઉપયોગ કરી શકાતો નથી. તેને એન્ટી-કરપ્શન કોડનું ઉલ્લંઘન માનવામાં આવે છે.

જો કે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભિન્ડરે થોડા સમય પહેલા જ પોતાની સાથે ડગઆઉટમાં ફોન રાખવાની છૂટ BCCI પાસેથી લીધી હતી. તેનું કારણ તેમનું સ્વાસ્થ્ય છે. હકીકતમાં IPL શરૂ થતા પહેલા ભિન્ડર ખૂબ જ બીમાર હતા. તેઓ ફેફસાની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા અને તેમની હાલત ગંભીર હતી, જેના કારણે તેઓ લાંબો સમય ICUમાં રહ્યા હતા. તેમાંથી સાજા થયા પછી તેઓ ફરીથી રાજસ્થાન સાથે જોડાયા હતા. તેમણે આ આધારે છૂટ લીધી હતી કે સ્વાસ્થ્યના કારણોસર તેઓ વારંવાર ફોન માટે ડગઆઉટથી ડ્રેસિંગ રૂમ જઈ શકે તેમ ન હતા. તેમને આ છૂટ મળી પણ હતી. પરંતુ તેઓ ફોનનો ઉપયોગ કઈ રીતે કરી રહ્યા હતા અને શું તે કાયદાનું ઉલ્લંઘન હતું, હવે તેમને જ પોતાના જવાબમાં જણાવવાનું છે અને તેના આધારે જ આગળનો નિર્ણય લેવાશે.

Gujarat : 77 કરોડનું દેશવ્યાપી ‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી તાર જોડાયા

0

રાજ્યમાં વધી રહેલા સાયબર ક્રાઈમના બનાવો વચ્ચે ગાંધીનગર CID ક્રાઈમની ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ની ટીમે દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સાયબર છેતરપિંડી અને ઓનલાઈન ગેમિંગના કાળા નાણાંને સગેવગે કરવા માટે ભાડે રખાતા ‘મ્યુલ એકાઉન્ટ્સ’ ચલાવતી ગેંગના 16 સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે. તપાસનીશોના મતે, આ ટોળકીએ દેશભરમાં અંદાજે 77 કરોડ રૂપિયાથી વધુના સાયબર ફ્રોડ આચર્યા છે અને આ રેકેટની કડીઓ દુબઈ સુધી જોડાયેલી હોવાની આશંકા છે. આ ઉપરાંત, 260થી વધુ બેંક ખાતાઓનો ડેટા અને 375 સાયબર ફ્રોડ સાથે છેડો જોડાયેલો હોવાનું ખૂલ્યું છે.

વડોદરામાંથી આ રેકેટનો મુખ્ય સૂત્રધાર કિરણ કરશનભાઈ જોશી(રહે.થરાદ), સિદ્ધરાજ ગણપતભાઈ શિરવાડિયા, કાંકરેજના મહેશ લાલજીભાઈ જોષી, પાલનપુરના જીગર રાજુભાઈ સોલંકી અને ઓગડના પ્રકાશ રામજીભાઈ જોષીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ ‘શિવમ એજન્સી’, ‘શિવધારા મસાલા બિઝનેસ’ અને ‘એમઆર વોટર’ જેવી બોગસ કંપનીઓ બનાવી તેના નામે બેંક ખાતા ખોલાવતા હતા. આ ખાતાઓના ચેકબુક, ડેબિટ કાર્ડ અને સિમ કાર્ડ તેઓ સાયબર ઠગોને સોંપી દેતા હતા. જેમાં પોલીસે 13 મોબાઈલ ફોન, 13 ચેકબુક, બે પાસબુક અને 4 બ્લેન્ક ચેક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પાલનપુરમાંથી મીત રતિલાલ શ્રીમાળી અને મેહુલ બાબુભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. મીત દ્વારા અનેક બેંક ખાતા ખોલાવી તેને મુખ્ય નેટવર્ક સુધી પહોંચાડવામાં આવતા હતા. પોલીસને અહીંથી મોટી માત્રામાં બેંક વિગતો, આધાર અને પાન કાર્ડની માહિતી સહિતના ડિજિટલ રેકોર્ડ મળી આવ્યા છે.

તકનીકી વિશ્લેષણના આધારે પોલીસે ગોવામાં દરોડો પાડી પાટણના જીતુભાઈ ભુરાભાઈ ઠક્કર સહિત 9 આરોપીની ધરપકડ કરી છે. ગોવાથી આ ગેંગનું મુખ્ય સંચાલન થતું હતું. અહીંથી 15 લેપટોપ, 72 મોબાઈલ, 126 સિમ કાર્ડ, 115 ડેબિટ કાર્ડ અને અનેક ક્યુઆર(QR) કોડ મળી આવ્યા છે. લેપટોપમાંથી સાયબર ક્રાઈમની ફરિયાદોની પીડીએફ અને ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીનો મસમોટો ડેટા મળી આવ્યો છે.

આ ગેંગ ‘ડિજિટલ એરેસ્ટ’, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, યુપીઆઈ સ્કેમ અને પાર્ટ-ટાઈમ જોબના નામે લોકો સાથે ઠગાઈ કરતી હતી. ગેંગ પાસે 260થી વધુ બેંક એકાઉન્ટ્સની વિગતો મળી હતી, જેના દ્વારા નાણાંની હેરાફેરી થતી હતી. રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ પોર્ટલ(1930) મુજબ, આ ખાતાઓ સાથે દેશભરની 375 ફરિયાદો જોડાયેલી છે, જેમાં કુલ 77.72 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે.

આરોપીઓના વોટ્સએપ અને ટેલિગ્રામ ચેટની તપાસમાં દુબઈ અને અન્ય દેશોના સંપર્કો મળી આવ્યા છે. વિદેશમાં બેઠેલા હેન્ડલર્સ સાથે બેંક ખાતાની વિગતો શેર કરવામાં આવતી હતી. આ રેકેટમાં હજુ પણ કેટલાક મોટા માથાઓની સંડોવણી હોવાની શક્યતાને પગલે CIDએ તપાસ તેજ કરી છે.

National : ”90 લાખ આપો, તો જ…”, સુહાગરાત પર પત્નીની ડિમાન્ડ સાંભળતા જ પતિ દંગ

0

ઉત્તર પ્રદેશના આગ્રામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં લગ્ન પછી તરત જ એક સંબધમાં તિરાડ પડી ગઈ હતી અને આ વિવાદ હવે અપરાધિક આરોપોના સ્તરે પહોંચી ગયો છે. એવો આરોપ છે કે સુહાગરાતની રાત્રિ દરમિયાન, દુલ્હને તેના પતિ પાસેથી 90 લાખ રુપિયાની માંગણી કરી હતી, જેમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે તે પૈસા મેળવ્યા પછી જ પોતાનો પડદો ઉઠાવશે અને આગળની વિધિઓમાં નિભાવશે. આ માંગણીથી સાસરિયાઓ સ્તબ્ધ થઈ ગયા, જેનાથી આગામી વિવાદની શરૂઆત થઈ.

પીડિત પરિવારનું કહેવું છે કે, પૈસા આપવાનો ઇનકાર કરવામાં આવતા, દુલ્હન તેના ઘરેણાં લઈને તેના પિયર પાછી ફરી. ત્યારબાદ, બંને પક્ષો વચ્ચે તણાવ વધતો ગયો. પરિવારના જણાવ્યા મુજબ, જુલાઈ 2025 માં, તેમને ધમકી મળી હતી કે જો પૈસા ચૂકવવામાં નહીં આવે તો આખા પરિવારને ગંભીર નુકસાન પહોંચાડવામાં આવશે.

આરોપ છે કે 3 સપ્ટેમ્બર, 2025 ના રોજ, વોટ્સએપ દ્વારા બેંક વિગતો મોકલીને ભંડોળ ટ્રાન્સફર કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. 25 માર્ચ, 2026 ના રોજ જ્યારે દુલ્હન તેના સાતથી આઠ સંબંધીઓ સાથે તેના સાસરિયાના ઘરે પહોંચી ત્યારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ. પીડિતોનો દાવો છે કે ઘર બહારથી બંધ હતું, અને PNG ગેસ લાઇન સાથે છેડછાડ કરીને આખા પરિવારને જીવતો સળગાવી દેવાનો કથિત પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ઘટના સમયે, પરિવારે કોઈક રીતે પોલીસ હેલ્પલાઈન (112) પર ફોન કરીને મદદ મેળવી. ઘટનાસ્થળે પહોંચીને, પોલીસે તાળું ખોલ્યું અને બધાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. આ સમગ્ર ઘટનાક્રમ બાદ, પરિવારે સ્થાનિક પોલીસ પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો અને ત્યારબાદ કોર્ટનો દરવાજો ખખડાવ્યો.

કોર્ટના નિર્દેશ બાદ, જગદીશપુરા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે, અને આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ જણાવે છે કે તમામ આરોપોની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે, અને તથ્યોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

સિકંદરાના રહેવાસીના જણાવ્યા અનુસાર, તેમના ભાઈના લગ્ન હાથરસની વતની કલ્પના સાથે 29 એપ્રિલ, 2025ના રોજ થયા હતા. લગ્નની રાત્રે જ દુલ્હને 90 લાખ રુપિયાની માંગણી કરી હતી, જેના કારણે ભારે હોબાળો મચી ગયો હતો. હાલમાં, આ કેસ અનેક પ્રશ્નો ઉભા કરે છે. શું આ ફક્ત પૈસાનો વિવાદ છે કે, પછી કોઈ અન્ય કારણ છે? આનો જવાબ પોલીસ તપાસ પછી જ બહાર આવશે.

Gujarat : ગાંધીનગરના સાંતેજ PI સામે કોંગ્રેસનો મોરચો, મોટી ભોંયણના ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા ધમકાવતા હોવાનો આક્ષેપ

0

સાંતેજ PI દ્વારા મોટી ભોંયણના કોંગી ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા ધમકાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે નિશિથ વ્યાસ સહિતના કોંગ્રેસ નેતાઓએ કલેક્ટરને રજૂઆત કરી છે.

ગાંધીનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના માહોલ વચ્ચે રાજકીય ખળભળાટ મચી ગયો છે. સાંતેજ પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર પર કોંગ્રેસ પક્ષ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. કોંગ્રેસનો આરોપ છે કે, પોલીસ અધિકારી સત્તાધારી પક્ષના ઈશારે વિપક્ષના ઉમેદવારોને ડરાવી-ધમકાવી રહ્યા છે.

આ વિવાદ મોટી ભોંયણ બેઠકના કોંગ્રેસના ઉમેદવારને લઈને સર્જાયો છે. કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ છે કે, સાંતેજ PI દ્વારા મોટી ભોંયણના કોંગી ઉમેદવાર પર ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, ઉમેદવારને ધમકાવવામાં આવતા હોવાના આક્ષેપને પગલે કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા નિશિથ વ્યાસની આગેવાનીમાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યું હતું. કોંગ્રેસના નેતાઓએ કલેક્ટરને રૂબરૂ મળીને લેખિતમાં રજૂઆત કરી હતી અને સાંતેજ PI સામે કડક પગલાં લેવાની માગ કરી હતી. કોંગ્રેસે ચીમકી આપી છે કે, જો પોલીસ અધિકારીની જોહુકમી બંધ નહીં થાય, તો તેઓ ચૂંટણી પંચ સુધી આ મામલે રજૂઆત કરશે.

કોંગ્રેસ નેતા નિશિથ વ્યાસે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પોલીસ તટસ્થ રહીને કામ કરવાને બદલે ભાજપના એજન્ટની જેમ વર્તી રહી છે. અમારા ઉમેદવારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સાંતેજ PI જે રીતે મોટી ભોંયણના ઉમેદવારને ધમકાવી રહ્યા છે તે લોકશાહીની હત્યા સમાન છે. અમે કલેક્ટર પાસે ન્યાયની માગ કરી છે.

Bihar : દરભંગામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં પતિ-પત્ની અને 3 મહિનાના બાળકનું દર્દનાક મોત

0

બિહારના દરભંગા જિલ્લાના સુંદરપુર મહોલ્લામાં ઘરમાં ભીષણ આગ લાગવાની અને સિલિન્ડર બ્લાસ્ટ થતા ત્રણ લોકોના મોત થયા હોવાની કરુણ ઘટના બની છે. રિપોર્ટ મુજબ સાંજે રસોડામાં ભોજન બનાવતી વખતે સિલિન્ડરમાં આગ લાગી હતી અને પછી ભયાનક વિસ્ફોટ થયો હતો, જેના કારણે આગ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી. આ ઘટનામાં પતિ-પત્ની અને ત્રણ મહિનાના બાળકનું દર્દનાક મોત થયું છે.

આ દુર્ઘટનામાં ગોવિંદ (પતિ), રિષિ કુમારી (પત્ની) અને તેમના માત્ર ત્રણ મહિનાના માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત, અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની અડધો ડઝન ગાડીઓ અને સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી સલીમ અખ્તર પણ સ્થળ પર પહોંચ્યા હતા અને ત્રણ મોતોની પુષ્ટિ કરી હતી. સ્થાનિક કાઉન્સિલર પ્રતિનિધિ ભગવાન લાલ ઠાકુરના જણાવ્યા અનુસાર, ગેસ સિલિન્ડર બોમ્બની જેમ ફાટતા આખો વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો. જે ઘરમાં ખુશીનો માહોલ હોવો જોઈએ ત્યાં માતમ છવાઈ ગયો છે. હાલ વહીવટી તંત્ર દ્વારા રાહત અને સહાયની કામગીરી શરૂ કરવામાં આવી છે.

Entertainment : સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ: ફિલ્મ કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ, ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર

0

દિગ્ગજ ગાયિકા આશા ભોસલેની અંતિમ સફર શરૂ થઈ ગઈ છે. મુંબઈના શિવાજી પાર્કમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સવારે તેમના નશ્વર દેહને અંતિમ દર્શન માટે મુંબઈ સ્થિત નિવાસસ્થાન ‘કાસા ગ્રાન્ડ’ ખાતે રાખવામાં આવ્યો હતો. જ્યાં અનેક બૉલીવુડ અને રાજકીય હસ્તીઓએ તેમણે શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. તેમને તિરંગામાં લપેટીને સલામી આપવામાં આવી હતી.

બહેન ઉષા મંગેશકર આશા ભોસલેના અંતિમ સંસ્કારમાં પહોંચી

દિવંગત આશા ભોસલેના અંતિમ સંસ્કાર માટે બહેન ઉષા મંગેશકર શિવાજી પાર્ક પહોંચી.

ગાયિકા આશા ભોસલે તેમની અંતિમ સફર પર નીકળ્યા છે, ફૂલોથી સજાવેલા મોક્ષ રથમાં તેમના પાર્થિવ દેહને સ્મશાન ઘાટની તરફ લઈ જવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં તેમના ચાહકો અને બૉલીવુડ જગતના કલાકારો અંતિમ યાત્રામાં જોડાયા છે.

તેમની અંતિમ યાત્રા માટે ‘મોક્ષ રથ’ સજાવવામાં આવ્યો છે. આશા તાઈને સફેદ અને પીળા રંગના ફૂલો પસંદ હતા, તેથી મોક્ષ રથને રજનીગંધા અને ગલગોટાના પીળા ફૂલોથી શણગારવામાં આવ્યો છે. આશા ભોસલેએ તેમની 82 વર્ષના સિંગિંગ કરિયરમાં 9 ફિલ્મફેર સહિત 100થી વધુ એવોર્ડ જીત્યા હતા. તેમને દેશના બીજા સૌથી મોટા નાગરિક સન્માન ‘પદ્મ વિભૂષણ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્ર કેબિનેટે આશા ભોસલેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેમની અમર વિરાસતને સન્માન આપવા માટે કેબિનેટે તેમના નામે એક ચેરિટેબલ ટ્રસ્ટ અથવા સામાજિક સંસ્થા સ્થાપવાના પ્રસ્તાવને મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ આશા ભોસલેને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

ઝનાઈ ભોસલેના માનીતા ભાઈ અને ક્રિકેટર મોહમ્મદ સિરાજ પણ આશા ભોસલેને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. ભાઈને જોઈને જનાઈ તેમને ભેટીને રડી પડી હતી. આ દરમિયાન સિરાજે ઝનાઈને સંભાળી હતી.

રવિવાર 12 એપ્રિલના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર દરમિયાન 92 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. શનિવારે રાત્રે તેમને શ્વાસ લેવામાં તકલીફ બાદ તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા.

ભારતીય સિનેમાના સૌથી સફળ અને લોકપ્રિય ગાયિકા આશા ભોસલેનું સંગીત જગતમાં કદ તેમની મોટી બહેન સ્વ. લતા મંગેશકર જેટલું જ ઊંચું હતું. વર્ષ 1933માં સંગીત પ્રેમી મંગેશકર પરિવારમાં જન્મેલા આશા તાઈએ માત્ર દસેક વર્ષની ઉંમરે ગાયકીની શરૂઆત કરી હતી. 1943માં પ્રથમ ગીત રેકોર્ડ કર્યા બાદ, 50ના દાયકા સુધીમાં તેમણે બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવી લીધી હતી. શરૂઆતમાં તેમને માત્ર કેબરે ગીતો માટે જ ઓળખવામાં આવતા હતા, પરંતુ ‘ઉમરાવ જાન’ની ગઝલો ગાઈને તેમણે સાબિત કરી દીધું કે તેઓ દરેક પ્રકારના ગીતોમાં માહેર છે. તેમને 7 ફિલ્મફેર એવોર્ડ અને ‘દિલ ચીઝ ક્યા હૈ’ તેમજ ‘મેરા કુછ સામાન’ ગીતો માટે બે નેશનલ એવોર્ડ મળ્યા હતા.

ભારતીય સંગીત જગતના દિગ્ગજ ગાયિકા આશા ભોસલેએ માત્ર 10 વર્ષની નાની ઉંમરે 1943માં મરાઠી ફિલ્મ ‘માઝા બાલ’ના ગીત ‘ચલા ચલા નવબાલા’ દ્વારા ગાયકીની સફર શરૂ કરી હતી, જ્યારે હિન્દી સિનેમામાં તેમને 1948માં ફિલ્મ ‘ચુનરિયા’ના ગીત ‘સાવન આયા રે’થી સફળતા મળી હતી. આશા તાઈએ ફિલ્મ સંગીત, પૉપ, ગઝલ અને શાસ્ત્રીય સંગીત જેવી વિવિધ શૈલીઓમાં 20થી વધુ ભાષાઓમાં 12,000થી વધુ ગીતો ગાઈને પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.

તેમની અદભૂત કારકિર્દી દરમિયાન તેમને અનેક પ્રતિષ્ઠિત સન્માન મળ્યા છે, જેમાં વર્ષ 2000માં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અને 2008માં પદ્મ વિભૂષણનો સમાવેશ થાય છે. વર્ષ 1997માં તેઓ ગ્રેમી એવોર્ડ માટે નામાંકિત થનારા પ્રથમ ભારતીય ગાયિકા બન્યાં હતાં, જ્યારે 2011માં તેમનું નામ સૌથી વધુ સ્ટુડિયો રેકોર્ડિંગ માટે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું હતું. સંગીત ક્ષેત્રે તેમનું પ્રદાન હંમેશા મહત્ત્વનું રહેશે.

Up : યુવકની અજીબ બીમારી અને પોલીસનો ગજબ ઈલાજ, પટ્ટો કાઢ્યો અને પળવારમાં ભાગ્યો જીન!

0

ઉત્તર પ્રદેશના ઉન્નાવથી એક અજીબ કિસ્સો સામે આવ્યો છે, જેણે સૌને હેરાન કરી દીધા છે. અહીં પોલીસ સ્ટેશનમાં બેસાડવામાં આવેલો એક યુવક અચાનક બૂમો પાડવા લાગ્યો અને કહેવા લાગ્યો….

યુપીમાં કાયદાનું શાસન એવું કાયમ થયું છે કે હવે અપરાધીઓ તો ઠીક, ભૂત-પ્રેત અને જીન પણ પોલીસ સ્ટેશનમાં પોલીસના ડરથી ભાગતા જોવા મળી રહ્યા છે. આવો જ એક કિસ્સો ઉન્નાવથી સામે આવ્યો છે, જ્યાં પોલીસ સ્ટેશનની અંદર જમીન વિવાદના લેણદેણ મામલે બેઠેલા આરોપી પર જીન સવાર થઈ ગયું. ત્યારબાદ તે બૂમો પાડવા લાગ્યો. તેના આ કૃત્યથી અન્ય લોકોમાં ભય ફેલાઈ ગયો અને તેઓ ભાગવા લાગ્યા. વળી, જ્યારે પોલીસકર્મી પટ્ટો ઉઠાવીને તેની ‘પૂજા’ કરવા ઈચ્છી તો જીન પોલીસ સ્ટેશનથી ભાગી ગયું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયો ઉન્નાવના બિહાર પોલીસ સ્ટેશનનો હોવાનું કહેવાય છે અને આ વીડિયો અંદાજે બે મહિના જૂનો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ સ્ટેશનની અંદર બે વ્યક્તિ બેઠેલા દેખાય છે. તેમાંથી એક વ્યક્તિ અચાનક ચીસો પાડવા લાગે છે. એવામાં પાસે બેઠેલો એક વ્યક્તિ તેને જોઈને ભાગી છૂટે છે. વ્યક્તિ બૂમો પાડીને જણાવી રહ્યો છે કે તેના પર જીન અને ઓઘડ આવી ગયા છે. વ્યક્તિની બૂમો સાંભળતા જ પોલીસ સ્ટેશનમાં દોડધામ મચી ગઈ અને પોલીસકર્મી રાહુલ સિંહ પણ પોતાના રૂમમાંથી નીકળીને વર્દી વગર પોલીસ સ્ટેશન પહોંચી ગયા. ત્યારબાદ બૂમો પાડી રહેલા વ્યક્તિને પોલીસકર્મી એ પૂછ્યું કે શું થયું? આના પર વ્યક્તિ બોલ્યો કે હું જીન અને ઓઘડ છું. બે લોકો હંમેશા સાથે રહે છે, ક્યારેય જતા નથી. પડોશીઓએ તેના પર આ કરાવ્યું છે.

માહિતી અનુસાર, પોલીસ સ્ટેશનની અંદર જેના પર જીન આવ્યું છે, તેનું નામ પંકજ કુમાર છે અને તે દુર્ગા ગંજનો રહેવાસી છે. તેની પાસેથી રાજેશ કુમારે જમીન ખરીદવા માટે દસ હજાર રૂપિયા બાના પેટે આપ્યા હતા. જમીનનો સોદો નક્કી થઈ ગયો હતો, પરંતુ જ્યારે રાજેશે જમીનના પેપર ચેક કરાવ્યા તો તે જમીન વિવાદિત હતી. ત્યારબાદ રાજેશે જમીન લેવાની ના પાડી દીધી અને પોતાના આપેલા દસ હજાર રૂપિયા પાછા માંગવા લાગ્યો.

આ બાબતે પંકજ અને રાજેશ વચ્ચે વિવાદ થયો અને બંને પોલીસ સ્ટેશન પહોંચી ગયા. પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી ન હોવાથી બંને પક્ષોને અંદર અલગ-અલગ બેસાડી દેવામાં આવ્યા હતા. ત્યારે અચાનક પંકજ પર જીન આવી ગયું, જે જોઈને પોલીસ સ્ટેશનમાં હોબાળો મચી ગયો. પોલીસકર્મીને જાણ થતા તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. જ્યારે પંકજે બૂમો પાડીને પોતાના પર જીન હોવાની વાત કહી તો પોલીસકર્મી પહેલા તેને સમજાવતા રહ્યા. પરંતુ જ્યારે તે ન માન્યો તો પોલીસકર્મી એ પટ્ટો માંગ્યો. જેને જોઈને અચાનક પંકજ પરથી બંને ભૂત ભાગી ગયા.

આ દરમિયાન પંકજ પોલીસકર્મી સાથે આડું-અવળું પણ બોલી રહ્યો હતો, જેના કારણે પોલીસકર્મી તેને એક થપ્પડ પણ મારી દીધી હતી. પોલીસકર્મી રાહુલ સિંહે ફોન પર માહિતી આપતા જણાવ્યું કે વીડિયો બે મહિના જૂનો છે, જે પાસે જ બેઠેલી એક મહિલા પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ વીડિયો હવે કોઈના દ્વારા વાયરલ કરવામાં આવી રહ્યો છે.