Home Blog Page 158

National : PM મોદી 14 એપ્રિલે દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસ વે જનતાને કરશે સમર્પિત, 12 કિલોમીટર લાંબો વાઈલ્ડલાઈફ કોરિડોર છે ખાસ

0

સુરક્ષા અને ટેકનોલોજીની દૃષ્ટિએ પણ આ એક્સપ્રેસવે અદ્યતન છે. સમગ્ર માર્ગ પર CCTV કેમેરા, સોલર લાઈટિંગ અને ઈમરજન્સી માટે 1033 હેલ્પલાઈન ઉપલબ્ધ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 એપ્રિલના રોજ દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવે જનતાને સમર્પિત કરશે. અંદાજે રૂપિયા 12,000 કરોડના ખર્ચે બનેલો આ આધુનિક એક્સપ્રેસવે દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન માનવામાં આવે છે. 210 કિલોમીટર લાંબા આ એક્સપ્રેસવેના શરૂ થતા દિલ્હીથી દેહરાદૂન વચ્ચેનું અંતર નોંધપાત્ર રીતે ઘટશે. અગાઉ 5થી 6 કલાકનો સમય લાગતો પ્રવાસ હવે માત્ર 2.5થી 3 કલાકમાં પૂર્ણ થઈ શકશે.

આ માર્ગ દિલ્હીમાંથી શરૂ થઈ બાગપત, શામલી, મુઝફ્ફરનગર અને સહારનપુર જેવા મહત્વના જિલ્લાઓને જોડીને ઉત્તરાખંડની રાજધાની સાથે સીધી કનેક્ટિવિટી આપે છે. આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે તેમાં સહારનપુર નજીક 12 કિલોમીટર લાંબો એલિવેટેડ વાઈલ્ડલાઈફ કોરિડોર બનાવવામાં આવ્યો છે, જે રાજાજી નેશનલ પાર્ક પરથી પસાર થાય છે. આ કોરિડોર પ્રાણીઓની અવરજવર પર કોઈ અસર ન થાય તે રીતે ડિઝાઈન કરાયો છે. તેમાં સાઉન્ડ બેરિયર અને ખાસ લાઈટિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.

સુરક્ષા અને ટેકનોલોજીની દૃષ્ટિએ પણ આ એક્સપ્રેસવે અદ્યતન છે. સમગ્ર માર્ગ પર CCTV કેમેરા, સોલર લાઈટિંગ અને ઈમરજન્સી માટે 1033 હેલ્પલાઈન ઉપલબ્ધ છે. ડાટ કાલી મંદિર પાસે બનાવાયેલી ટનલ અને શિવાલિક પહાડીઓ વચ્ચેથી પસાર થતો માર્ગ મુસાફરોને અનોખો અનુભવ આપશે. આ એક્સપ્રેસવેના કારણે મસૂરી, ઋષિકેશ અને હરિદ્વાર જેવા પ્રવાસન સ્થળો માટે મુસાફરી વધુ સરળ બનશે અને પર્યટન, શિક્ષણ અને આરોગ્ય સેવાઓમાં પણ વૃદ્ધિ થશે.

Entertainment : આથિયા શેટ્ટીએ આશા ભોંસલેના નિધન પર લગાવી દીધી લતા મંગેશકરની તસવીર, યુઝર્સ થયા લાલચોળ!

0

આખા દેશમાં દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેના નિધનથી શોકનું મોજું ફરી વળ્યું છે. મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં આશા ભોંસલેનું યોગદાન ઘણું મોટું રહ્યું છે, તેથી ઇન્ડસ્ટ્રીથી લઈને સામાન્ય લોકો સુધીના તમામે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ આથિયા શેટ્ટીની એક પોસ્ટ પર લોકોનું ધ્યાન ખેંચાયું છે, જેના કારણે તેને ટ્રોલનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલો જોતજોતામાં ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ગયો છે.

આથિયા શેટ્ટીએ આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, પરંતુ તેમાં ભૂલથી તેણે તેમની મોટી બહેન લતા મંગેશકરની તસવીર લગાવી દીધી હતી. ત્યારથી યુઝર્સ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે તેને બેદરકારી ગણાવી, તો કેટલાક લોકોએ રમુજી અંદાજમાં પણ ટિપ્પણી કરી. પોસ્ટ વાયરલ થતા જ આથિયા શેટ્ટીએ તેને હટાવી દીધી અને બાદમાં સાચી તસવીર સાથે નવી પોસ્ટ શેર કરી. જોકે ત્યાં સુધીમાં સ્ક્રીનશોટ્સ ફેલાઈ ગયા હતા અને લોકો આ બાબતે સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે આટલી મોટી હસ્તીને શ્રદ્ધાંજલિ આપતી વખતે ઓછામાં ઓછું એક વાર જોવું જોઈતું હતું.

આશા ભોંસલે હિન્દી સિનેમાની સૌથી સફળ અને લોકપ્રિય ગાયિકાઓમાંની એક હતા. તેમણે આઠ દાયકાથી પણ લાંબી કારકિર્દીમાં હજારો ગીતો ગાયા અને અનેક ભાષાઓમાં પોતાનો અવાજ આપ્યો. તેમને અનેક મોટા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ફિલ્મફેર એવોર્ડ, નેશનલ એવોર્ડ અને દેશનું સર્વોચ્ચ ફિલ્મ સન્માન દાદાસાહેબ ફાળકે પુરસ્કાર સામેલ છે. વર્ષ 2008માં તેમને પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા. તેમના ગાયેલા ગીતો આજે પણ લોકોના હૃદયમાં વસેલા છે. તેમના નિધન બાદ આખો દેશ તેમને યાદ કરી રહ્યો છે અને તેમના વારસાને સલામ કરી રહ્યો છે.

Gir Somnath : કેસર કેરીના રસિયાઓ માટે ખુશખબર, તાલાલા માર્કેટિંગ યાર્ડમાં આ તારીખથી શરૂ થશે હરાજી

0

ગીરની પ્રખ્યાત કેસર કેરીની હરાજી 19 એપ્રિલથી તાલાલા માર્કેટિંગ યાર્ડમાં શરૂ થશે. આ વર્ષે સિઝન લાંબી ચાલવાની અને સારા ભાવ મળવાની ખેડૂતોને આશા છે.

ગીરની શાન અને જેનો સ્વાદ સમગ્ર વિશ્વમાં વખણાય છે, તેવી ગીરની પ્રખ્યાત કેસર કેરીના રસિયાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. એશિયાના સૌથી મોટા ગણાતા તાલાલા માર્કેટિંગ યાર્ડમાં આગામી 19 એપ્રિલથી કેસર કેરીની હરાજીનો વિધિવત પ્રારંભ કરવામાં આવશે. કેરીના આગમનની જાહેરાત થતા જ ખેડૂતો અને વેપારીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ વર્ષે કેસર કેરીના ઉત્પાદન અંગે મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. હવામાનમાં ફેરફારને કારણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉત્પાદન થોડું ઘટવાની સંભાવના સેવાઈ રહી છે. જોકે, એક મહત્વની બાબત એ છે કે, ગત વર્ષે કેસર કેરીની સિઝન અંદાજે 45 દિવસ ચાલી હતી, જેની સરખામણીએ આ વર્ષે સિઝન થોડી લાંબી ચાલે તેવી શક્યતા છે. આ લાંબી સિઝનથી કેરીના શોખીનોને લાંબો સમય સુધી ગીરની કેસરનો સ્વાદ માણવા મળશે.

તાલાલા યાર્ડના રેકોર્ડ મુજબ, ગત વર્ષે અંદાજે 4,49,000 બોક્સની આવક નોંધાઈ હતી. આ વર્ષે ભલે ઉત્પાદન ઓછું હોય, પરંતુ કેસર કેરીની ગુણવત્તા સારી હોવાથી ખેડૂતોને આશા છે કે તેમને ભાવ ખૂબ જ સારા મળશે. માર્કેટિંગ યાર્ડમાં હરાજીની પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે ચાલે તે માટે યાર્ડના સત્તાધીશો દ્વારા અત્યારથી જ પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે.

કેસર કેરી એ ગીરના ખેડૂતો માટે આર્થિક કરોડરજ્જુ સમાન છે. 19 એપ્રિલના રોજ જ્યારે કેસર કેરીના પ્રથમ બોક્સની હરાજી થશે, ત્યારે પરંપરાગત રીતે પૂજન વિધિ બાદ હરાજી શરૂ કરવામાં આવશે. સિઝન શરૂ થતા જ તાલાલા પંથક કેરીની મીઠી સુગંધથી મહેકી ઉઠશે.

Entertainment : અર્શદીપ સિંહપહેલી વાર કથિત ગર્લફ્રેન્ડ સાથે મળ્યો જોવા…

0

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર IPL 2026માં પંજાબ કિંગ્સ તરફથી રમી રહ્યો છે. ત્યાં તેનું પ્રદર્શન અત્યાર સુધી મિશ્ર રહ્યું છે. અર્શદીપ તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે.

અર્શદીપ સિંહ હાલમાં IPL રમી રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે તેની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં છે. તે IPL 2026માં પંજાબ કિંગ્સ માટે રમી રહ્યો છે, જ્યાં તેનું પ્રદર્શન અત્યાર સુધી સારું રહ્યું છે.અર્શદીપ સિંહનું નામ એક પંજાબી મોડેલ અને એક્ટ્રેસ સાથે જોડવામાં આવી રહ્યું છે. અર્શદીપ તાજેતરમાં જ એરપોર્ટ પર આ પંજાબી મોડેલ સાથે જોવા મળ્યો છે, જેનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

પંજાબ કિંગ્સના સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી, જેમાં તે એક છોકરીનો હાથ પકડી રહ્યો હતો. છોકરીના હાથ પરનું ટેટૂ જોઈને ફેન્સે માની લીધું હતું કે તે પંજાબી મોડેલ અને એક્ટ્રેસ સમરીન કૌર છે. હવે એરપોર્ટ પર અર્શદીપ સિંહનો સમરીન સાથેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે બંને પંજાબ કિંગ્સ ટીમ સાથે જોવા મળી રહ્યા છે.

ફેન્સ માને છે કે સાથે મુસાફરી કરીને તેઓએ તેમના સંબંધની પુષ્ટિ કરી છે. પરંતુ બંને પક્ષે સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ કરી નથી. સમરીન કૌર પણ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સની મેચ જોતી જોવા મળી હતી. આ પહેલીવાર છે જ્યારે અર્શદીપ સિંહનું નામ કોઈની સાથે જોડાયું છે.

સમરીન કૌર જમ્મુ અને કાશ્મીરમાં ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા હતી. પરંતુ તેને પંજાબી મ્યુઝિક વીડિયો દ્વારા ઓળખ મળી. તેણે બોલીવુડ ફિલ્મ 83માં પણ એક નાનો રોલ ભજવ્યો હતો. તેણે વેબ સિરીઝ નેઈલ પોલીશમાં પણ અભિનય કર્યો હતો. સમરીન હજુ પણ બોલીવુડમાં પોતાની ઓળખ બનાવી રહી છે. અર્શદીપ સિંહ પંજાબ કિંગ્સ ટીમનો મુખ્ય સભ્ય છે. પંજાબ કિંગ્સ IPL 2026માં એક પણ મેચ હાર્યું નથી.

National : અશોક ખરાટ ઉર્ફે ભોંદુ બાબા પર ED નો સકંજો, અંધશ્રદ્ધાની આડમાં ચાલતા સેક્સ ટ્રાફિકિંગ નેટવર્કનો પર્દાફાશ

0

મહારાષ્ટ્રના નાસિકમાં તંત્ર-મંત્ર અને જ્યોતિષના નામે મહિલાઓનું શોષણ કરનાર અશોક ખરાટ ઉર્ફે ભોંદુ બાબા પર તપાસ એજન્સીઓએ પકડ મજબૂત કરી છે.

મહારાષ્ટ્રના નાસિકમાં તંત્ર-મંત્ર અને જ્યોતિષના નામે મહિલાઓનું શોષણ કરનાર અશોક ખરાટ ઉર્ફે ભોંદુ બાબા પર તપાસ એજન્સીઓએ પકડ મજબૂત કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ, સેક્સ ટ્રાફિકિંગ અને બ્લેકમેઇલિંગના આરોપો હેઠળ નાસિક, પુણે અને શિરડીમાં અશોક ખરાટના 11 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહીથી સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.

અશોક ખરાટનો કેસ દેશના સૌથી મોટા અને ભયાનક સેક્સ ટ્રાફિકિંગ અને બ્લેકમેઇલિંગ સ્કેન્ડલ્સમાંનો એક બની ગયો છે. ભોંડુ બાબા તંત્ર-મંત્રના બહાને મુશ્કેલીમાં રહેલી મહિલાઓને પોતાની જાળમાં ફસાવતો હતો. ત્યારબાદ તેમના અશ્લીલ વીડિયો બનાવી, તે વીડિયોને પોર્નોગ્રાફિક વેબસાઇટ્સ પર અપલોડ કરવાની ધમકી આપીને લાખો રૂપિયા પડાવતો હતો. અત્યાર સુધીમાં 58 થી વધુ અશ્લીલ વીડિયો ક્લિપ્સ મળી આવી છે, જે અંદાજે 170 જેટલી વેબસાઇટ્સ પર અપલોડ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

મહારાષ્ટ્ર પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ પહેલાથી જ આ કેસની તપાસ કરી રહી છે, જે અંતર્ગત અશોક ખરાટ સામે અત્યાર સુધીમાં 11 FIR દાખલ કરવામાં આવી છે. ED એ હવે આ કેસમાં આર્થિક ગેરરીતિઓની તપાસ શરૂ કરી છે. દરોડા દરમિયાન અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ખરાટની ૫૨ મિલકતો અત્યારે એજન્સીઓના નિશાના પર છે, જે બ્લેકમેઇલિંગ અને છેતરપિંડીના નાણાંથી ખરીદવામાં આવી હોવાની શંકા છે.

ચોંકાવનારી બાબત એ છે કે અત્યાર સુધીમાં 100 થી વધુ મહિલાઓએ SIT સમક્ષ ફોન દ્વારા પોતાની આપવીતી જણાવી છે. પીડિતોનો આરોપ છે કે બાબાએ તેમની અંગત સમસ્યાઓ ઉકેલવાનું વચન આપીને તેમનું શારીરિક શોષણ કર્યું હતું. અત્યાર સુધીમાં 10 થી વધુ બળાત્કારના કેસ સત્તાવાર રીતે નોંધાયા છે. તે મહિલાઓના ડર અને સામાજિક શરમનો ઉપયોગ કરીને લાંબા સમય સુધી પોતાનું આ નાપાક સામ્રાજ્ય ચલાવતો રહ્યો.

Entertainment : ફિરોઝી સાડી, ગળે માળા અને માથે બિંદી…અંતિમ દર્શન માટે આશા ભોંસલેને આ રીતે કરાયા તૈયાર, તસવીરો રડાવી દેશે!

0

પોતાના સુરીલા અવાજથી દુનિયાને મોહિત કરનાર આશા ભોંસલેનું નિધન થયું છે. તેઓ છેલ્લે તેમની મનપસંદ ફિરોઝી સાડી, મોતીનો હાર અને કપાળ પર બિંદી પહેરેલા જોવા મળ્યા હતા.

સુરોની મલિકા અને ભારતીય સંગીત જગતનો એક ચમકતો સિતારો હંમેશ માટે વિદાય થઈ ગયો છે. આશા ભોંસલે, જેમનો અવાજ દાયકાઓ સુધી કરોડો હૃદય પર રાજ કરતો હતો, તે હવે માત્ર યાદો બનીને આપણી સાથે રહેશે. પોતાની અંતિમ સફર પર નીકળેલા આશા ભોંસલેની જે તસવીરો સામે આવી છે, તેણે દરેક સંગીત પ્રેમીની આંખો ભીની કરી દીધી છે.

આશા તાઈને સાડીઓ ખૂબ પસંદ હતી, તૈયાર થવાનો તેમને ઘણો શોખ હતો. તેમની અંતિમ સફર માટે તેમને એ જ સાદગી અને ગરિમા સાથે તૈયાર કરવામાં આવ્યા હતા, જેના માટે તેઓ આખી જિંદગી જાણીતા રહ્યા. આશા ભોંસલેને તેમની પસંદગીની ફિરોઝી (વાદળી) રંગની સાડી પહેરાવવામાં આવી હતી, તેમના ગળામાં મોતીની માળા સાથે ફૂલોનો હાર પહેરાવવામાં આવ્યો હતો. તેમના કપાળ પર સજેલી બિંદી તેમના એ અંદાજને અકબંધ રાખતી જોવા મળી રહી છે, જેને દુનિયાએ હંમેશા વખાણી છે. તેમને જોઈને એવું લાગતું હતું જાણે તેઓ ગાઢ નિદ્રામાં સૂતા હોય. તેમના ચહેરા પર એ જ શાંતિ હતી જે તેમના ગાયેલા ભજનો અને ગઝલોમાં સંભળાતી હતી.

આશા ભોંસલેના અંતિમ દર્શન માટે મનોરંજન અને રમતગમત જગતની તમામ દિગ્ગજ હસ્તીઓ મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચી હતી. આ દરમિયાન સૌથી ભાવુક ક્ષણ એ હતી જ્યારે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર ત્યાં પહોંચ્યા. સચિન, આશા તાઈની ખૂબ નજીક હતા અને તેમને પોતાની માતા જેવું સન્માન આપતા હતા. સચિન ભાવુક થઈ ગયા હતા.

1933માં જન્મેલા આશા ભોંસલેએ માત્ર 10 વર્ષની ઉંમરે ગાયકીની શરૂઆત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત મરાઠી, બંગાળી, ગુજરાતી અને અંગ્રેજી સહિત ૨૦થી વધુ ભાષાઓમાં હજારો ગીતો ગાયા. તેમના જવાથી માત્ર મંગેશકર પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર સંગીત જગતને એવી ખોટ પડી છે, જેની ભરપાઈ અશક્ય છે.

Baroda : પ્રોડક્ટ પનીર છે કે એનાલોગ તે લખવા સરકારી વિભાગ દ્વારા પરિપત્ર બાદ વડોદરાની હોટેલ, રેસ્ટોરન્ટ ખાતે ચેકિંગ

0

ખાદ્ય સુરક્ષા અંગે વધુ પારદર્શિતા લાવવા માટે સરકારી વિભાગ દ્વારા તાજેતરમાં પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. પરિપત્ર મુજબ હોટેલ, રેસ્ટોરન્ટ અને ફૂડ મેન્યુફેક્ચરિંગ યુનિટોએ તેમના મેનુમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવો પડશે કે વાનગીમાં વપરાતું પનીર ખરેખર પનીર છે કે પછી એનાલોગ પનીર છે. સૂચનાના અનુસંધાનમાં પાલિકા કમિશનર અરુણ મહેશ બાબુની સુચના હેઠળ અધિક આરોગ્ય અમલદાર મુકેશ વૈદ્યના માર્ગદર્શનમાં આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટરોએ છેલ્લા અઠવાડિયાથી વિવિધ વિસ્તારોમાં ચેકિંગ શરૂ કર્યું છે.

14 મેન્યુફેક્ચરિંગ યુનિટ અને 150થી વધુ હોટલો અને રેસ્ટોરન્ટને આવરી લઈ આરોગ્ય વિભાગની ટીમોએ તપાસ કરી હતી. તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, કાચા માલનો ઉપયોગ તેમજ ગ્રાહકોને આપવામાં આવતી માહિતી અંગે ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, ઘણી જગ્યાએ ગ્રાહકોને જાણ કર્યા વિના એનાલોગ પનીરનો ઉપયોગ થતો હોવાની ફરિયાદો મળી હતી. આને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડીને હોટેલ અને રેસ્ટોરન્ટને મેનુ કાર્ડમાં સ્પષ્ટ લખવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

અભિયાન દરમિયાન અંદાજે દોઢસો જેટલી હોટેલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગે તમામ સંચાલકોને સૂચના આપી છે કે તેઓ પોતાના મેનુમાં “પનીર” કે “એનાલોગ પનીર”નો સ્પષ્ટ ઉલ્લેખ કરે જેથી ગ્રાહકોને સાચી માહિતી મળી રહે. પનીર મીડિયમ કે લો ફેટનું છે તેવું પેકિંગમાં પ૨ દર્શાવવું પડશે અને આવા પેકિંગવાળી વસ્તુઓ જ વેચી શકાશે. પાલિકા અધિકારીઓએ ચેતવણી આપી છે કે, જો કોઈ સંસ્થા સૂચનાનું પાલન નહીં કરે તો તેના સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે. પગલાંથી ગ્રાહકોને યોગ્ય માહિતી મળશે અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવામાં મદદ મળશે.

Rajkot : રાજકોટમાં ફોર્મ મુદ્દે મામલો મેદાને, વોર્ડ નં. 14 માં BJPના ફોર્મ સામે કોંગ્રેસને વાંધો

0

રાજકોટમાં વોર્ડ નંબર 14માં ભાજપના કેતન પટેલના ઉમેદવારી ફોર્મમાં અધૂરી વિગતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ કરવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારી ચાંદની પરમાર સામે પણ સવાલો ઉઠ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં ફોર્મ ચકાસણીના દિવસે જ રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. રાજકોટ શહેરના વોર્ડ નંબર 14માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કેતન પટેલના ઉમેદવારી ફોર્મ સામે કોંગ્રેસ દ્વારા લેખિતમાં વાંધા લેવામાં આવતા ચૂંટણી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

કોંગ્રેસના નેતાઓએ કેતન પટેલના ફોર્મ પર નિશાન સાધતા આરોપ લગાવ્યો છે કે, ઉમેદવારે રજૂ કરેલા સોગંધનામામાં વિગતો છુપાવવામાં આવી છે. ખાસ કરીને શૈક્ષણિક લાયકાત અંગેની કોલમમાં અધૂરી માહિતી ભરવામાં આવી હોવાનો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. નિયમ મુજબ જો કોઈ વિગત અધૂરી હોય તો ફોર્મ રદબાતલ ગણાય, તેવી માગ કોંગ્રેસે ચૂંટણી અધિકારી સમક્ષ કરી છે.

આ વિવાદ માત્ર ફોર્મ પૂરતો મર્યાદિત ન રહેતા, કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી પ્રક્રિયા પર પણ સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ચૂંટણી અધિકારીઓ તટસ્થ રહીને કામ કરવાને બદલે સત્તાધારી પક્ષ ભાજપના એજન્ટ હોય તેવું વર્તન કરી રહ્યા છે. ચૂંટણી અધિકારી ચાંદની પરમારની કામગીરી સામે પણ કોંગ્રેસે સીધા આક્ષેપો કર્યા છે અને તંત્ર પર દબાણ હોવાનું જણાવ્યું છે.

કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે, જો સામાન્ય નાગરિકના ફોર્મમાં નાની ભૂલ હોય તો પણ તેને રદ કરવામાં આવે છે, તો ભાજપના ઉમેદવારના કિસ્સામાં કેમ ઉદારતા રાખવામાં આવે છે? અધૂરી વિગતો ધરાવતા ફોર્મ તાત્કાલિક અસરથી રદ કરવા જોઈએ તેવી માંગ સાથે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે. હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી અધિકારી આ વાંધાઓ પર શું નિર્ણય લે છે.

Business : સસ્તુ થયુ સોનું ચાંદી, જાણી લો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

0

સોનું અને ચાંદી હાલમાં તેમના રેકોર્ડ ઊંચા દરથી નીચે કારોબાર કરી રહ્યા છે. એક તરફ, ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹1.96 લાખનો ઘટાડો થયો છે; તો બીજી તરફ, સોનાના ભાવમાં ₹50,000નો ઘટાડો જોવા મળ્યો છે.

ગયા અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જોકે, બંને કોમોડિટીઝ હાલમાં તેમના સર્વકાલીન ઐતિહાસિક ઊંચાઈથી નોંધપાત્ર રીતે નીચે ટ્રેડ કરી રહી છે. ખાસ કરીને, ચાંદી તેના ટોચના સ્તરની તુલનામાં ઘણી ઓછી કિંમતે ટ્રેડ કરી રહી છે, જ્યારે સોનું – તાજેતરના વધારા છતાં – તેના સર્વકાલીન ઊંચાઈથી નીચે રહે છે.

સોમવાર બુલિયન બજાર માટે આંચકાથી ઓછો સાબિત થયો નહીં. વૈશ્વિક અનિશ્ચિતતાના સમયે – જ્યારે રોકાણકારો સામાન્ય રીતે સોનાને સૌથી સુરક્ષિત આશ્રય અથવા “સલામત આશ્રય” માને છે – આજે તેની ચમક ઝાંખી પડી હોય તેવું લાગ્યું. અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે, બંને કિંમતી ધાતુઓ – સોનું અને ચાંદી – પર ભારે વેચાણ દબાણ જોવા મળ્યું. MCX થી આંતરરાષ્ટ્રીય હાજર બજારો સુધી, લાલ નિશાનો પ્રભુત્વ ધરાવે છે.

ભારતીય વાયદા બજાર (MCX) માં આજે વેપાર સુસ્ત નોંધ સાથે શરૂ થયો, જે ઝડપથી તીવ્ર ઘટાડામાં પરિણમ્યો. સોનાના ભાવમાં આશરે ₹1,084.00નો ઘટાડો થયો, જેના કારણે દર ₹10 ગ્રામ દીઠ ₹1,51,568 ના સ્તરે આવી ગયો. જોકે, મંદીનો માર ચાંદી પર પડ્યો. ધાતુમાં ₹5,309 નો મોટો ઘટાડો જોવા મળ્યો, જે ₹2,39,699 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો.

શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ 1,52,890 1,40,150
વડોદરા 1,52,890 1,40,150
રાજકોટ 1,52,890 1,40,150
સુરત 1,52,890 1,40,150
મુંબઇ 1,52,840 1,40,100
દિલ્હી 1,52,610 1,39,900
સોના ચાંદીના ભાવ કેમ ઘટી રહ્યા છે?

હાલમાં બજારમાં જે ઉથલપાથલ ચાલી રહી છે તેના મૂળ સમુદ્ર પાર છે – યુનાઇટેડ સ્ટેટ્સ અને પશ્ચિમ એશિયામાં. હકીકતમાં, શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી, ભૂ-રાજકીય તણાવ ઓછો થવાને બદલે વધુ ગૂંચવાઈ ગયો છે. ઇરાન સામે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અપનાવવામાં આવેલા કડક વલણ, સંભવિત દરિયાઈ નાકાબંધીના સંકેતો સાથે, ડોલર ઇન્ડેક્સને નવી ઊંચાઈએ લઈ ગયા છે.

જ્યારે પણ ડોલર મજબૂત થાય છે અને યુએસ ટ્રેઝરી યીલ્ડ (બોન્ડ યીલ્ડ) વધે છે, ત્યારે બિન-ઉપજ આપતી સંપત્તિઓ – જેમ કે સોનું – નું આકર્ષણ ઘટે છે. રોકાણકારો સોનામાંથી ભંડોળ ઉપાડીને ડોલર અથવા નિશ્ચિત-આવક સંપત્તિઓમાં ફરીથી ફાળવવાને વધુ નફાકારક માને છે. આ વલણ આંતરરાષ્ટ્રીય હાજર બજારમાં પ્રતિબિંબિત થયું હતું, જ્યાં સોનું $42.81 ઘટીને $4,720.09 પ્રતિ ઔંસ પર ટ્રેડ થયું હતું, જ્યારે ચાંદી $74.4 પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી, જે 2.44% નો ઘટાડો દર્શાવે છે.

નિષ્ણાતો સૂચવે છે કે બજાર હાલમાં સંપૂર્ણપણે સમાચાર હેડલાઇન્સ અને રાજકીય નિવેદનો દ્વારા સંચાલિત છે. ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટ અને વૈશ્વિક ફુગાવા અંગેની ચિંતાઓ બજારને અસ્થિર રાખે છે. હાલમાં, સોના અને ચાંદીમાં ટૂંકા ગાળાની અસ્થિરતા જોવા મળી શકે છે. જો તમે લાંબા ગાળાના રોકાણકાર છો, તો સોનાના ભાવમાં આ ઘટાડો ખરીદીની તક રજૂ કરી શકે છે. જોકે, વેપારીઓએ હાલમાં સાવચેતી રાખવાની જરૂર છે. ટ્રમ્પ વહીવટીતંત્રના આગામી પગલાં – ડોલરના માર્ગ સાથે – આખરે નક્કી કરશે કે બુલિયન બજારમાં ક્યારે જીવંતતા પાછી આવશે. આ સંજોગોમાં, કોઈપણ નોંધપાત્ર રોકાણ કરતા પહેલા બજારના વલણોનું નજીકથી વિશ્લેષણ કરવું સમજદારીભર્યું રહેશે.

World : કળિયુગી માતા-પિતાની લાપરવાઈ, ભૂખથી ટળવળતા 2 વર્ષના બાળકે ડાયપર ખાતા મોત, દુનિયા હચમચી

0

અમેરિકાના ઇન્ડિયાના રાજ્યમાંથી માનવતાને શરમાવે તેવી એક અત્યંત દર્દનાક ઘટના સામે આવી છે. ભૂખથી ટળવળતા બે વર્ષના માસૂમ બાળકે મજબૂરીમાં ડાયપર અને દીવાલના ટુકડા ખાઈ લીધા હતા, જેના કારણે તેનું કરૂણ મોત નીપજ્યું છે.

અમેરિકાના ઇન્ડિયાનામાં એક 2 વર્ષના બાળકના મોતે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. એરિક રાઇખાર્ડ નામના આ માસૂમ બાળકની લાપરવાહી અને ભૂખના કારણે એવી હાલત થઈ હતી કે તેને ડાયપરના જેલ અને દીવાલના પોપડા (ડ્રાયવોલ) ખાવા પડ્યા હતા. પોલીસે આ મામલે બાળકના માતા-પિતાની ધરપકડ કરી છે.

પોલીસ અને કોર્ટના રેકોર્ડ મુજબ, 31 માર્ચના રોજ બપોરે 1:20 વાગ્યે પિતા ટ્રેવર રાઇખાર્ડ-હેયસ (39) એ 911 પર ફોન કરીને જાણ કરી હતી કે તેમનો પુત્ર શ્વાસ નથી લઈ રહ્યો. જોકે, તપાસમાં જાણવા મળ્યું કે દંપતીએ બાળકને છેલ્લીવાર જીવતો જોયાના 14 કલાક પછી પોલીસને જાણ કરી હતી. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે બાળકની હાલત જોઈને અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. 2 વર્ષના બાળકનું વજન માત્ર 15 પાઉન્ડ હતું, જે તેની ઉંમરના હિસાબે અત્યંત ઓછું છે. બાળકના શરીર પર અનેક ઘા અને જીવજંતુઓના કરડવાના નિશાન હતા. બાળકના પેટમાંથી ડાયપરના જેલ અને દીવાલના ટુકડા મળી આવ્યા હતા. માતાએ કબૂલ્યું હતું કે બાળક ભૂખના કારણે પોતાના ડાયપર ખાઈ રહ્યો હતો.

તપાસકર્તાઓએ જણાવ્યું કે ઘરની હાલત અત્યંત ગંદી હતી. બાળકના રૂમમાં ગંદકી, મળ-મૂત્ર અને કીડાઓ હતા, જ્યારે આશ્ચર્યજનક રીતે માતા-પિતાનો રૂમ એકદમ સાફ અને વ્યવસ્થિત હતો. ઘરમાં રહેતા અન્ય બે બાળકો પણ કુપોષણનો શિકાર હતા, જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ટ્રેવર રાઇખાર્ડ-હેયસ અને માતા કેથરીન કાર્ટર (31) પર હત્યા અને બાળકની લાપરવાઈના ગંભીર આરોપો હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.