Home Blog Page 163

Gujarat : નસવાડીમાં કરુણ ઘટના, કાંધા ગામે ધાબા પર કામ કરતા શ્રમિકને હાઈ ટેન્શન લાઈનનો કરંટ લાગતા મોત

0

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કાંધા ગામે કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. મકાનના ધાબા પર કામ કરતી વખતે શ્રમિકને માથા પરથી પસાર થતી હાઈ ટેન્શન લાઇનમાંથી જોરદાર કરંટ લાગતા તેનું ધાબા પર જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં વીજ કંપની પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી અનુસાર, મૃતકની ઓળખ નસવાડી તાલુકાના કાળીદોરી ગામના ખુશાલ રાઠવા તરીકે થઈ છે. ઘટના સમયે ખુશાલ સાથે એક મિસ્ત્રી પણ હાજર હતો. મિસ્ત્રીના જણાવ્યા અનુસાર, ધાબા પર કામ કરતી વખતે નડતરરૂપ ઝાડની ડાળખી તોડવાનો પ્રયાસ કરતા તે ડાળખી હાઈ ટેન્શન લાઇનને અડી ગઈ હતી, જેના કારણે ખુશાલને જોરદાર કરંટ લાગ્યો હતો. અન્ય એક શ્રમિકે પાવડાના હાથા વડે તેને બચાવવા માટે મરણિયો પ્રયાસ કર્યો હતો, પરંતુ કરંટ એટલો ભયાનક હતો કે ડરના માર્યા તે પણ લાચાર બની ગયો હતો.

આ અકસ્માતે મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL)ની કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક દુકાનદારે અગાઉ અનેકવાર આ જોખમી વીજ લાઇન હટાવવા માટે રજૂઆત કરી હતી. જોકે, અધિકારીઓએ લાઇન હટાવવા માટે રૂપિયા દોઢ લાખ ભરવાનું મૌખિકમાં જણાવ્યું હતું. એક નાનો વેપારી આટલી મોટી રકમ ભરી શકે તેમ ન હોવાથી લાઇન હટાવી શકાઈ નહોતી, અને આજે એ જ જીવતા વાયરોએ એક મજૂરનો જીવ લીધો છે.

ઘટનાની જાણ થતા જ મૃતક ખુશાલ રાઠવાના પરિવારજનો કાંધા ગામે દોડી આવ્યા હતા. વ્હાલસોયાના મોતના સમાચારથી પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. રોષે ભરાયેલા પરિવારજનોએ જ્યાં સુધી ન્યાય અને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી ધાબા પરથી મૃતદેહ ઉઠાવવાનો ઇનકાર કરી દીધો હતો.

બનાવની જાણ થતા જ નસવાડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને થાળે પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હાલ તો આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને લોકો વીજ કંપનીના જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

Gujarat : રાજુ કરપડાએ રજૂ કરેલા સોગંદનામાથી ખળભળાટ, મારપીટ અને હથિયારથી ઈજા પહોંચાડવાના ગુના

0

ભાજપમાં જોડાયા બાદ રાજુ કરપડા મુળી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. તેમણે રજૂ કરેલા સોગંદનામામાં ઈતિહાસનો ખુલાસો થતાં રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે.

આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને ખેડૂત આગેવાન રાજુ કરપડાએ તાજેતરમાં જ કેસરિયા કર્યા હતાં. ભાજપમાં જોડાયા બાદ રાજુ કરપડાએ કહ્યું હતું કે, ખેડૂતોની સ્થિતિ સારી નથી અને સત્તા પક્ષ ખેડૂતોને સહાય કરશે. ત્યારે ભાજપમાં જોડાયા બાદ રાજુ કરપડા મુળી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. તેમણે રજૂ કરેલા સોગંદનામામાં ઈતિહાસનો ખુલાસો થતાં રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે.

રાજુ કરપડાના સોગંદનામામાં અનેક પોલીસ કેસ થયા હોવાનો ઉલ્લેખ કરાયો છે. મારપીટ અને હથિયારથી ઈજા પહોંચાડવાના ગુના તેમની સામે નોંધાયા છે. તેમની સામે મુળી અને થાનગઢ સહિત ભાવનગર અને પાળીયાદમાં પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તેમણે મુળી બેઠક પરથી ઉમેદવારી કરી છે. હવે તેમના સોગંદનામા પ્રમાણે મૂળી, થાનગઢ, ભાવનગર અને પાળીયાદમાં તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાયાનો ઉલ્લેખ કરાયો છે.

જ્યારે તેમણે આમ આદમી પાર્ટી છોડી ત્યારે ગોપાલ ઈટાલિયાએ તેમની પર ગંભીર આક્ષેપ કર્યા હતાં. ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, રાજુ કરપડા પર કુલ ત્રણ કેસો નોંધાયેલા છે. 2022ની ચૂંટણીનાં એફિડેવિટમાં તેમણે ત્રણ કેસોનો ઉલ્લેખ કર્યો એ મુજબ, તેમના પર એક કેસ 326 એટલે કે પગ ભાંગી નાખવાનો કેસ, જેમાં તેમને 5 વર્ષની સજા થઈ છે. જ્યારે અન્ય બે કેસ જાનથી મારી નાખવાની કોશિશના છે. જેલ જવાથી બચવા તેમણે આ પગલું ભર્યું છે.

Surat : સુરત પાલિકા અને પોલીસને પડકાર: દબાણ કરનારાઓએ તાપી બ્રીજ પર જ રવિવારી બજાર શરુ કરી દીધું

0

સુરત શહેરમાં દબાણ કરનારાઓ પાલિકા અને પોલીસને પડકાર ફેંકતા હોય તેમ ટ્રાફિકથી ધમધમતા તાપી બ્રિજ પર જ રવિવારી બજાર શરુ કરી દીધું હતું. લો લેવલ બ્રિજની બન્ને બાજુએ માથાભારે તત્વોએ દુકાન શરુ કરી દીધું હતું અને લોકો પણ ખરીદી કરનારાઓએ બ્રિજ પર જ વાહનો પાર્ક કરી ટ્રાફિક સમસ્યા ઉભી કરી દીધી હતી. બ્રિજના બન્ને છેડે CCTV કેમેરા છે અને આ કેમેરા નીચે જ માથાભારે તત્વોએ દબાણ કરી દીધા હોવા છતાં પાલિકા અને પોલીસ તંત્રએ કોઈ કામગીરી ન કરતા દબાણ કરનારની હિંમત વધી રહી છે.

સુરતના સામાન્ય લોકો પાસે કાયદાનો અમલ કરાવવા માટે પાલિકા અને પોલીસ વાઘ બનીને કામગીરી કરે છે પરંતુ કાયદાનો છડેચોક કાયદાનો ભંગ કરનારાઓ સામે પાલિકા- પોલીસ બિલાડી બની ગઈ રહી છે. પાલિકા- પોલીસની આવી વિવાદી કામગીરી સામે પ્રજામાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સુરતમાં વાહન ચાલકો હેલ્મેટ કે સીટબેલ્ટ પહેર્યા ન હોય કે કચરો નાખતા હોય તો શહેરમાં મુકેલા સીસી કેમેરા થી લોકોને દંડ કરવામાં આવે છે. પરંતુ આ કેમેરાનો ઉપયોગ કાયદાનો છડેચોક ભંગ કરી સ્વામી વિવેકાનંદ લો લેલવ બ્રિજ પર જ સામુહિક દબાણ કરી દીધું હોવા છતાં આ સીસી કેમેરાની આંખ બંધ થઈ ગઈ છે.

સામાન્ય રીતે રવિવારી બજાર તાપી નદીના કિનારે ભરાય છે પરંતુ માથાભારે તત્વો આ રવિવારી બજાર લો લેવલ બ્રિજ પર વધારી રહ્યાં છે. આજે સવારથી જ એક બાદ એક માથાભારે દબાણ કરનારાઓએ બ્રિજ પર રવિવારી બજાર શરુ કરી દીધું હતું. એક બાદ એક દબાણ થવા છતાં CCTV ની નજરમાં આ દબાણ ન આવતાં જોત જોતામાં આખો બ્રિજ રવિવારી બજારના દબાણના કારણે ઉભરાઈ ગયો હતો.

આ બ્રિજ પર પાલિકા અને પોલીસ દ્વારા મુકાયેલા કેમેરાની સામે જ માથાભારે તત્વો સમુહમાં દબાણ કરતા હોવા છતાં પાલિકા કે પોલીસે કોઈ કામગીરી કરી નથી. જેના કારણે બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાલિકા અને પોલીસની નબળી કામગીરી ના કારણે હવે માથાભારે દબાણ કરનારા જાહેર મિલ્કતોને બાપીકી મિલકત સમજીને દબાણ કરી રહ્યાં છે. જો પાલિકા કે પોલીસે બ્રિજ પર મુકાયેલા CCTV કેમેરાનું પ્રમાણિકતાથી મોનીટરીંગ કર્યું હોત તો જાહેર બ્રિજ પર આવા પ્રકારના દબાણ કરવું શક્ય ન હતું.

Entertainment : 16 વર્ષની ઉંમરમાં લગ્ન, પુત્રીનો આપઘાત અને પુત્રનું મોત… સંઘર્ષો છતાં જીવનભર અડગ રહ્યા આશા ભોસલે

0

ભારતીય સંગીત જગત માટે આજે એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સુરોની મલિકા ગણાતા અને હજારો ગીતો દ્વારા ઇતિહાસ રચનાર દિગ્ગજ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત નાજુક હોવાને કારણે તેમને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં 12 એપ્રિલના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની વિદાય સાથે ભારતીય સંગીતના એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે. જોકે તેમનું વ્યાવસાયિક કરિયર જેટલું સફળ રહ્યું, તેમની અંગત જિંદગી એટલી જ સંઘર્ષ અને ઉતાર-ચઢાવથી ભરેલી રહી હતી.

આશા ભોસલેનો જન્મ 1933માં મહારાષ્ટ્રના સાંગલીમાં થયો હતો. સંગીતના સંસ્કારો તેમને પિતા દીનાનાથ મંગેશકર પાસેથી વારસામાં મળ્યા હતા, પરંતુ જ્યારે તેઓ માત્ર 10 વર્ષના હતા ત્યારે પિતાનું નિધન થતા પરિવારની જવાબદારી તેમના અને મોટી બહેન લતા મંગેશકરના ખભા પર આવી ગઈ હતી. આ નાની ઉંમરે જ તેમણે પરિવારના ભરણપોષણ માટે ગાવાનું શરૂ કર્યું હતું. આર્થિક સંકડામણ અને જવાબદારીઓએ તેમને નાનપણથી જ મજબૂત બનાવી દીધા હતા.

તેમની અંગત જિંદગીના નિર્ણયો પણ ઘણા પડકારજનક રહ્યા હતા. માત્ર 16 વર્ષની ઉંમરે તેમણે પરિવારની મરજી વિરુદ્ધ જઈને પોતાનાથી 15 વર્ષ મોટા ગણપતરાવ ભોસલે સાથે ભાગીને લગ્ન કર્યા હતા. કમનસીબે, આ લગ્નજીવન સુખદ ન રહ્યું અને તેમને સાસરીમાં ઘરેલું હિંસાનો સામનો કરવો પડ્યો. સ્થિતિ એટલી હદે વણસી હતી કે પ્રેગ્નેન્સી દરમિયાન જ તેમને પતિનું ઘર છોડીને બાળકો સાથે પિયર પરત ફરવું પડ્યું હતું. ત્યારબાદ તેમણે એકલા હાથે બાળકોના ઉછેરની જવાબદારી ઉપાડી હતી.

જીવનના સંઘર્ષો અહીં જ અટક્યા નહોતા. સંતાનોના સુખમાં પણ કુદરતે તેમની આકરી કસોટી કરી હતી. વર્ષ 2012માં તેમની પુત્રી વર્ષા ભોસલેએ આત્મહત્યા કરી લીધી હતી, જ્યારે 2015માં તેમના મોટા પુત્ર હેમંત ભોસલેનું કેન્સરને કારણે અવસાન થયું હતું. આ બંને ઘટનાઓએ તેમને અંદરથી હચમચાવી દીધા હતા. જોકે, આટલા ઊંડા જખમ હોવા છતાં તેમણે હિંમત હાર્યા વગર પોતાનું કામ ચાલુ રાખ્યું હતું.

સંગીતની દુનિયામાં કામ કરતી વખતે તેમને આર.ડી. બર્મન(પંચમ દા)નો સાથ મળ્યો અને પ્રથમ લગ્નના બે દાયકા બાદ તેમણે ફરી લગ્ન કર્યા. આ જોડીએ સંગીત જગતને અનેક યાદગાર ગીતો આપ્યા, પરંતુ પંચમ દાના અકાળ અવસાનથી તેઓ ફરી એકલા પડી ગયા હતા. આમ, અનેક વિઘ્નો અને અંગત દુઃખો વચ્ચે પણ આશા ભોસલેએ પોતાની ગાયકીનો જાદુ ઓઝલ થવા દીધો નહીં અને કરોડો ચાહકોના દિલમાં અનોખું સ્થાન બનાવ્યું.

Ahmedabad : અમદાવાદમાં બેફામ રફ્તારનો કહેર: શાહપુરમાં કારચાલકે ડીવાઈડર કૂદાવ્યું, અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ તોડફોડ કરી

અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં આવેલા શાહપુરમાં મોડી રાત્રે પૂરપાટ ઝડપે દોડતી એક કારે અકસ્માત સર્જતા અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માત બાદ કારચાલક પ્રત્યેનો લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો અને મામલો તોડફોડ સુધી પહોંચ્યો હતો.

મળતી માહિતી અનુસાર, કારના ચાલકે ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. બેફામ કારે રસ્તે પસાર થતા એક બાઈક સવારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે કાર ડીવાઈડર કૂદાવી ગઈ હતી અને લોખંડની રેલિંગ તોડી નાખી હતી. આ રેલિંગ સીધી જ કાર પર ખાબકતા કારને પણ ભારે નુકસાન થયું હતું.

આ દુર્ઘટનામાં બાઈક સવાર યુવાનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

અકસ્માતની જાણ થતા જ શાહપુર વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. નિર્દોષ બાઈક સવારને અડફેટે લેનાર કારચાલક સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ અકસ્માત સર્જનાર કારમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. રાત્રિના સમયે થયેલા આ હોબાળાને કારણે સમગ્ર વિસ્તારમાં તંગદિલી સર્જાઈ હતી.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. પોલીસે અકસ્માત મામલે ગુનો નોંધી કારચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

National : અબ્દુલ કલામે જેની કલ્પના કરી હતી એ ‘ધ્રૂવાસ્ત્ર’ સૈન્યમાં જોડાશે, પાકિસ્તાન ફફડી ઊઠશે

0

ભારતીય સેનાની તાકાતમાં ટૂંક સમયમાં જબરદસ્ત વધારો થવા જઈ રહ્યો છે. DRDO દ્વારા વિકસિત અને સંપૂર્ણપણે સ્વદેશી એવી એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ ધ્રુવાસ્ત્ર હવે સેનાના બેડામાં સામેલ થવા માટે તૈયાર છે. આ મિસાઈલ ખાસ કરીને લદ્દાખ જેવા ઊંચાઈવાળા પહાડી વિસ્તારોમાં ચીન અને પાકિસ્તાનના ટેન્કોનો કાળ સાબિત થશે.

ધ્રુવાસ્ત્ર એ પ્રખ્યાત નાગ મિસાઈલનું હવાઈ સંસ્કરણ (HELINA) છે. જેને હેલિકોપ્ટર પરથી લોન્ચ કરવામાં આવશે. તેની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે. એકવાર લક્ષ્ય નક્કી થયા પછી આ મિસાઈલ જાતે જ દુશ્મનના ટેન્કનો પીછો કરીને તેને નેસ્તનાબૂદ કરે છે. તે ફાયર એન્ડ ફરગેટ ટેક્નોલોજી ધરાવે છે. દુનિયાના આધુનિક ટેન્કોનું ઉપરનું પડ સૌથી નબળું હોય છે. ધ્રુવાસ્ત્ર હવામાં ઊંચાઈ પર જઈને સીધો ઉપરથી હુમલો કરે છે. 43 કિલો વજનની આ મિસાઈલ 800 મીમી જાડી સ્ટીલ પ્લેટને પણ આરપાર ચીરી નાખવાની ભારે મારક ક્ષમતા ધરાવે છે. તે 7 કિલોમીટર દૂર બેઠેલા દુશ્મનને પણ સચોટ રીતે નિશાન બનાવી શકે છે.

આ મિસાઈલને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા નિર્મિત રુદ્ર અને પ્રચંડ જેવા એટેક હેલિકોપ્ટર્સ પર તૈનાત કરવામાં આવશે. સરકાર દ્વારા તાજેતરમાં 156 પ્રચંડ હેલિકોપ્ટરનો ઓર્ડર આપવામાં આવ્યો છે. જેમાં ધ્રુવાસ્ત્રની હાજરી ભારતીય વાયુસેના અને થલ સેનાને પહાડી યુદ્ધમાં અજેય બનાવશે.

સરકારે 700 કરોડ રૂપિયાના ખર્ચે 200 થી વધુ ધ્રુવાસ્ત્ર મિસાઈલોની ખરીદીને મંજૂરી આપી દીધી છે. ખાસ વાત એ છે કે, એક મિસાઈલની કિંમત 1 કરોડથી પણ ઓછી હોવાનો અંદાજ છે. આ સફળતા બાદ હવે ભારતને રશિયા કે યુરોપ પર નિર્ભર રહેવું નહીં પડે અને વિદેશી મુદ્રાની પણ બચત થશે.

ધ્રુવાસ્ત્રની સફળતા બાદ હવે DRDO SANT (Stand-off Anti-Tank) મિસાઈલ પર કામ કરી રહ્યું છે. તેની રેન્જ ધ્રુવાસ્ત્ર કરતા પણ વધુ હશે અને તે રડાર સેન્સરથી સજ્જ હશે, જે ભારતીય સરહદોને વધુ સુરક્ષિત બનાવશે.

Gujarat : નંદેશરી જીઆઈડીસીમાં વરસાદી નાળામાં જોખમી કેમિકલનો નિકાલ, બે ટેન્કર ઝડપાયા, GPCBએ સેમ્પલ લઈ તપાસ હાથ ધરી

0

નંદેશરી જીઆઈડીસીમાં વરસાદી નાળામાં જોખમી કેમિકલનો નિકાલ, બે ટેન્કર ઝડપાયા, GPCBએ સેમ્પલ લઈ તપાસ હાથ ધરી 1 – image
નંદેશરી જીઆઈડીસી વિસ્તારમાં વરસાદી પાણીના કાચા નાળામાં ગેરકાયદે રીતે જોખમી કેમિકલ ઠાલવવાની પ્રવૃત્તિ ઝડપાઈ છે. નંદેશરી પોલીસે દરોડો પાડી બે ટેન્કરને ઝડપી પાડી છે. ઘટનાની જાણ થતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી.

નંદેશરી જીઆઈડીસીમાં વરસાદી પાણી વહી જવા માટે બનાવેલા કાચા નાળામાં ટેન્કર દ્વારા કેમિકલ ઠાલવવામાં આવી રહ્યું હતું, તે દરમિયાન નંદેશરી પોલીસને બાતમી મળતાં ઝડપી કાર્યવાહી કરી બંને ટેન્કરને ઘટનાસ્થળ પર જ ઝડપી લેવામાં આવ્યા છે. આ ગેરકાયદે પ્રવૃત્તિ ક્યારથી ચાલી રહી હતી અને તેમાં કયા એકમો તથા વ્યક્તિઓ સંડોવાયેલ છે તે દિશામાં પોલીસ વિસ્તૃત તપાસ હાથ ધરી રહી છે.

ઘટનાની જાણ થતાં GPCBના પ્રાદેશિક અધિકારી માર્ગી પટેલ પોતાની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. કેમિકલની પ્રકૃતિ અને ડિસ્ચાર્જ થઈ રહેલા પ્રવાહી અંગે ચોક્કસ માહિતી મેળવવા માટે બંને ટેન્કરમાંથી સેમ્પલ લઈ લેબોરેટરીમાં એનાલિસિસ માટે મોકલી આપવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે.

GPCBના પ્રાદેશિક અધિકારી માર્ગી પટેલે જણાવ્યું છે કે, આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલ એકમ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના પર્યાવરણ માટે ગંભીર ખતરો છે, કારણ કે વરસાદી નાળા દ્વારા ઝેરી કેમિકલ જમીન અને ભૂગર્ભ જળ સ્ત્રોતોને પ્રદૂષિત કરી શકે છે. પોલીસ અને GPCB સંયુક્ત રીતે આ પ્રવૃતિની તપાસ કરી રહ્યા છે.

Business : સોનું-ચાંદી મોંઘું થયું છતાં રોકાણની તક: ચાંદી હાઈ લેવલથી ₹1.96 લાખ, સોનું ₹50,000 સસ્તું!

0

Gold-Silver Weekly Update: વીતેલા સપ્તાહમાં સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે, તેમ છતાં રોકાણકારો અને ખરીદદારો માટે હજુ પણ રાહતના સમાચાર છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદી તેના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તર (Life Time High) થી ₹1.96 લાખથી વધુ સસ્તી મળી રહી છે, જ્યારે 24 કેરેટ સોનું પણ તેના હાઈ લેવલથી ₹50,000 જેટલું ઓછું છે.

ચાંદીની ચમક વધી, પણ હજુ પહોંચમાં

છેલ્લા એક અઠવાડિયામાં ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. MCX પર ચાંદી ₹2,32,495 પ્રતિ કિલોથી વધીને ₹2,43,300 પર બંધ થઈ હતી, એટલે કે એક જ અઠવાડિયામાં ચાંદી ₹10,805 મોંઘી થઈ છે. જોકે, ચાંદીનો લાઈફ ટાઈમ હાઈ રેટ ₹4,39,337 પ્રતિ કિલો છે, જેની સરખામણીએ વર્તમાન ભાવ ₹1,96,037 જેટલો ઓછો છે.

સોનાના ભાવમાં પણ સાપ્તાહિક વધારો

સોનાની વાત કરીએ તો, 24 કેરેટ સોનાનો વાયદો ભાવ એક અઠવાડિયામાં ₹3,010 વધીને ₹1,52,690 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે. સ્થાનિક માર્કેટમાં પણ ભાવ ₹1,50,330 પ્રતિ 10 ગ્રામની આસપાસ રહ્યો છે. સોનું તેના સર્વોચ્ચ સ્તર ₹2,02,984 ની સરખામણીએ હજુ પણ ₹50,294 પ્રતિ 10 ગ્રામ સસ્તું ટ્રેડ થઈ રહ્યું છે.

સ્થાનિક બજારમાં વિવિધ ક્વોલિટીના રેટ (GST અને મેકિંગ ચાર્જ વિના)

ગોલ્ડ ક્વોલિટી ભાવ (પ્રતિ 10 ગ્રામ)
24 કેરેટ ગોલ્ડ ₹1,50,330
22 કેરેટ ગોલ્ડ ₹1,46,720
18 કેરેટ ગોલ્ડ ₹1,21,770
14 કેરેટ ગોલ્ડ ₹96,960

Baroda : કારેલીબાગ વિસ્તારની સ્કૂલમાં પરીક્ષા બાદ વિધાર્થીઓ વચ્ચે મારામારી, એક વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો

0

હવે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ સાવ નાની બાબતમાં હિંસક બનીને મારા મારી પર ઉતરી આવતા હોય છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી સરદાર વિનય મંદિર સ્કૂલમાં શનિવારે પરીક્ષા પૂરી થયા બાદ વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઝઘડામાં એક વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો કરાવતા દોડધામ મચી ગઈ હતી.

મળતી વિગતો પ્રમાણે ધોરણ નવ ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી બહાર નીકળી રહ્યા હતા ત્યારે ધક્કો વાગી જવાના કારણે કે પછી બેગ લેવાના બાબતે બે વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને પછી મારામારી શરૂ થઈ હતી .આ દરમિયાન ગેટ પાસેથી પસાર થઈ રહેલો શાળાનો અન્ય એક વિદ્યાર્થી છોડાવવા માટે વચ્ચે પડતા તેને ઝઘડો કરી રહેલા વિદ્યાર્થીઓ ચાકુ જેવું તીક્ષ્ણ હથિયાર મારી દીધું હતું .જેના કારણે તે લોહીલુહાણ થઈ ગયો હતો. એ પછી 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને વિદ્યાર્થીને સ્થળ પર સારવાર અપાઈ હતી.

Valsad : ઉંમરગામની સોમનાથ ઓર્થોકેર કંપનીમાં ભીષણ આગ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા; કામદારોનું દિલધડક રેસ્ક્યુ

0

વલસાડ જિલ્લાના ઉંમરગામમાં આવેલી સોમનાથ ઓર્થોકેર કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ફાયર વિભાગની 3 ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો છે.

વલસાડ જિલ્લાના ઉદ્યોગ નગર ગણાતા ઉંમરગામમાં આજે એક મોટી આગની દુર્ઘટના સામે આવી છે. ઉંમરગામ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ‘સોમનાથ ઓર્થોકેર’ નામની કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગ લાગી ત્યારે કંપનીમાં અનેક કામદારો ફરજ પર હતા. આગની જ્વાળાઓ જોઈને કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે, સમયસૂચકતા વાપરીને તમામ કામદારોને તાત્કાલિક સુરક્ષિત રીતે કંપનીની બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે.

ઘટનાની જાણ થતા જ ઉંમરગામ ફાયર વિભાગની ત્રણથી વધુ ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે, તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

પ્રાથમિક માહિતી મુજબ, આગ કયા કારણોસર લાગી છે, તે હજુ જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ સત્તાવાર કારણ આગ બુઝાયા બાદ તપાસમાં જ બહાર આવશે. આ દુર્ઘટનામાં કંપનીની મશીનરી અને કાચા માલને મોટું નુકસાન થયું હોવાનો અંદાજ છે.