Home Blog Page 172

Entertainment : માળા વેચનારી મોનાલિસા નીકળી સગીર, પતિ ફરમાન ખાનને થશે 10 વર્ષની જેલ!

0

2025ના મહા કુંભ મેળામાં માળા વેચવા આવેલી મોનાલિસા રાતોરાત વાયરલ થઈ ગઈ. ત્યારબાદ તેને ફિલ્મમાં ભૂમિકા મળી. જોકે, તેણે મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા.

મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસા જ્યારે પણ મુસ્લિમ બોયફ્રેન્ડ ફરમાન ખાન સાથે લગ્ન કર્યા છે, ત્યારથી તે ચર્ચામાં છે. મોનાલિસાના લગ્નને લઈને શરૂઆતથી જ ઘણો વિવાદ ચાલી રહ્યો છે. એક તરફ મોનાલિસા પ્રેસ કોન્ફરન્સમાં કંઈક અલગ કહી રહી હતી, તો બીજી તરફ તેના પરિવારના સભ્યો અલગ જ વાત કરી રહ્યા હતા.

ફિલ્મ ડાયરેક્ટર સનોજ મિશ્રાએ દાવો કર્યો હતો કે મોનાલિસાએ 18 વર્ષની ઉંમર પહેલા જ લગ્ન કરી લીધા હતા. હવે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ (NCST) ની તપાસમાં આ વાત સાચી સાબિત થઈ છે. તપાસમાં બહાર આવ્યું છે કે મોનાલિસા સગીર છે. રિપોર્ટ મુજબ, જ્યારે તેના લગ્ન થયા ત્યારે તેની ઉંમર માત્ર 16 વર્ષ 2 મહિના અને 12 દિવસની હતી.

આ સત્ય સામે આવ્યા બાદ ફરમાન ખાનની મુશ્કેલીઓ વધી ગઈ છે. રિપોર્ટ અનુસાર, ફરમાન ખાન સામે પોક્સો એક્ટ (POCSO Act) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેની સામે અપહરણ અને એસસી-એસટી એક્ટની કલમો પણ લગાવવામાં આવી છે. ડોક્યુમેન્ટ્સ સાથે છેડછાડ કરવા બદલ તેને જેલ પણ થઈ શકે છે.

મોનાલિસાના પરિવારે પહેલા જ કહ્યું હતું કે તેનું બ્રેનવોશ કરીને આ લગ્ન કરાવવામાં આવ્યા છે. આ ખુલાસા બાદ ડાયરેક્ટર સનોજ મિશ્રાએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. જો પોક્સો એક્ટ હેઠળ ગુનો સાબિત થાય તો ફરમાન ખાનને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

World : પાકિસ્તાન જોતું રહી ગયું અને ભારત-અમેરિકાનો મોટો ખેલ! આતંકવાદ પર થશે એક્શન, દિલ્હી આવી શકે છે રૂબિયો

0

ઈરાન અને અમેરિકા વચ્ચે પાકિસ્તાનમાં યોજાનારી સંભવિત શાંતિ વાટાઘાટો પહેલા ભારત અને અમેરિકાએ પોતાની ભાગીદારી વધુ મજબૂત કરી છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ વોશિંગ્ટન પ્રવાસ દરમિયાન અમેરિકી વિદેશ મંત્રી (સેક્રેટરી ઓફ સ્ટેટ) માર્કો રુબિયો સાથે મુલાકાત કરી હતી. જેમાં વેપારથી લઈને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સુધીના મુદ્દે સહમતિ બની છે.

ભારતીય વિદેશ સચિવે અમેરિકી વિદેશ મંત્રી સાથે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં મુખ્યત્વે ક્રિટિકલ મિનરલ્સ અને ડિફેન્સ બાબતો પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. બંને દેશો વ્યૂહાત્મક ખનિજો અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા સંમત થયા છે. આ ઉપરાંત ક્વાડ ગ્રુપિંગને વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા થઈ. AI અને મહત્વપૂર્ણ ટેકનોલોજી ક્ષેત્રે પેક્સ સિલિકા (Pax Silica) હેઠળ સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો.

અમેરિકામાં ભારતના રાજદૂત સર્જિયો ગોરે આ બેઠકને અત્યંત ફળદાયી ગણાવી હતી. તેમણે સંકેત આપ્યો હતો કે, વિદેશ મંત્રી માર્કો રુબિયો આવતા મહિને ભારતની મુલાકાતે આવી શકે છે. આ હાઈ-લેવલ મુલાકાત ભારત-અમેરિકાની વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને નવી ગતિ આપશે.

વિદેશ સચિવે અમેરિકી તપાસ એજન્સી FBIના ડાયરેક્ટર કાશ પટેલ સાથે પણ અલગથી બેઠક કરી હતી. આ બેઠકમાં મુખ્યત્વે આતંકવાદ વિરોધી અભિયાન, સંગઠિત ગુનાખોરી અને માદક દ્રવ્યોની હેરાફેરી (નાર્કોટિક્સ) રોકવા માટે મજબૂત સહયોગ પર ચર્ચા કરવામાં આવી હતી.

મિસરીએ અન્ય વરિષ્ઠ અમેરિકી અધિકારીઓ સાથે પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) અને ફારસની ખાડીની વર્તમાન તણાવભરી સ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી. વિશ્વના ઝડપથી બદલાતા ઘટનાક્રમ વચ્ચે ઊર્જા સુરક્ષા અને આર્થિક સુરક્ષા માટે ભારત અને અમેરિકાનું સાથે રહેવું અનિવાર્ય હોવાનું બંને પક્ષોએ સ્વીકાર્યું હતું. આ બેઠકો સાબિત કરે છે કે ભારત હવે માત્ર સંરક્ષણ જ નહીં, પરંતુ એઆઈ અને ક્રિટિકલ મિનરલ્સ જેવા ભવિષ્યના મહત્વના ક્ષેત્રોમાં પણ અમેરિકાનો સૌથી ભરોસાપાત્ર ભાગીદાર બની રહ્યો છે.

Vadodara : ટિકિટ ન મળતા સાવલીના ભાજપ મહિલા મોરચાના મહામંત્રીનું રાજીનામું, કેમેરા સામે રડી પડ્યા વૈશાલી પુરોહિત

0

વડોદરા જિલ્લાના સાવલી નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરાય તે પહેલા જ ભારતીય જનતા પાર્ટીમાં ભંગાણના સંકેતો મળી રહ્યા છે. વોર્ડ નંબર 5 ની ટિકિટ ન મળતા મહિલા મોરચાના મહામંત્રી વૈશાલી પુરોહિતે પક્ષ સામે બગાવત કરી છે. અન્યાયનો આક્ષેપ કરી તેમણે પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે.

વૈશાલી પુરોહિતે પક્ષના નિર્ણય સામે ભારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ વર્ષોથી પાયાના કાર્યકર તરીકે પક્ષની સેવા કરી રહ્યા છે, તેમ છતાં ટિકિટ ફાળવણીમાં તેમની ધરાર અવગણના કરવામાં આવી છે. પોતાની નારાજગી વ્યક્ત કરતા સમયે તેઓ ભાવુક થઈ ગયા હતા અને કેમેરા સામે જ રડી પડ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે પક્ષે ઉમેદવારોની પસંદગીમાં ભારે ગેરરીતિ કરી છે.

વૈશાલીબેને ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, “એક વોર્ડના સભ્યને બીજા વોર્ડમાં ટિકિટ ફાળવીને સ્થાનિક દાવેદારોનો હક છીનવવામાં આવ્યો છે.” આ પ્રકારની નીતિને કારણે પક્ષના નિષ્ઠાવાન કાર્યકરોમાં ભારે રોષ છે. સાવલી ભાજપમાં મહિલા નેતાનું આ રાજીનામું અને જાહેરમાં આક્રોશ આગામી ચૂંટણીના પરિણામો પર મોટી અસર કરી શકે છે. હાલમાં સ્થાનિક સંગઠન આ મામલે મૌન સેવી રહ્યું છે, પરંતુ કાર્યકરોમાં ચાલતી ચર્ચાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે.

Sports : પરિવારની પરિસ્થિતિના કારણે મારા પિતા…, IPLમાં રાતોરાત સ્ટાર બન્યા બાદ મુકુલ ચૌધરી થયો ભાવુક!

0

આઈપીએલ 2026ની સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચમાં એક નવો સિતારો ઉભરી આવ્યો છે. 21 વર્ષીય વિકેટકીપર બેટ્સમેન મુકુલ ચૌધરીએ માત્ર 27 બોલમાં 7 સિક્સર અને 1 ચોગ્ગાની મદદથી અણનમ 54 રન ફટકારીને લખનૌને 3 વિકેટથી યાદગાર જીત અપાવી છે. મેચ બાદ મુકુલે પોતાની સફળતા અને પિતાના બલિદાનની ભાવુક કરી દે તેવી વાત શેર કરી હતી.

મેચ બાદ આપેલા એક ઈન્ટરવ્યુમાં મુકુલ ચૌધરીએ જણાવ્યું કે, હું હંમેશા મહેન્દ્ર સિંહ ધોનીને જોઉં છું કારણ કે હું પણ એક ફિનિશર છું. તેમનો આઈકોનિક હેલિકોપ્ટર શોટ મારો ફેવરિટ છે. જે રીતે તેમણે 2011માં વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું, તે દરેક માટે પ્રેરણારૂપ છે. હું પણ ધોની જેવો બનીને મારી ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી જીતાડવા માંગુ છું.

મુકુલનો ક્રિકેટર બનવા સુધીનો પ્રવાસ અત્યંત સંઘર્ષમય રહ્યો છે. મુકુલના પિતા અત્યંત ગરીબ પરિવારમાંથી આવતા હતા અને પોતે વ્યવસાયિક ક્રિકેટ રમી શક્યા નહોતા. મુકુલે જણાવ્યું કે, તેમના પિતા જ્યારે કોલેજમાં ભણાવતા હતા ત્યારે તેઓ RAS (રાજસ્થાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) ની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ, દીકરાને ક્રિકેટ એકેડેમીમાં પ્રવેશ અપાવવા અને પ્રોફેશનલ ક્રિકેટર બનાવવા માટે તેમણે પોતાની અધિકારી બનવાની તૈયારી અધવચ્ચે જ છોડી દીધી હતી. પૈસાની વ્યવસ્થા કરવા માટે તેમણે પ્રોપર્ટીનું કામ શરૂ કર્યું. જેથી મુકુલની ફી અને ક્રિકેટ કિટનો ખર્ચ ઉઠાવી શકાય.

મુકુલના જણાવ્યા અનુસાર, વર્ષ 2015માં તેના જન્મદિવસના દિવસે જ તે અને તેના પિતા એકેડેમીની શોધમાં નીકળ્યા હતા. ચુરુ, ઝુંઝુનુ અને સીકર એમ ત્રણ જિલ્લાઓમાં તપાસ કર્યા બાદ, સીકરની નવી શરૂ થયેલી એસબીએસ ક્રિકેટ એકેડેમીમાં તેમણે એડમિશન લીધું હતું. તે સમયે મુકુલને ક્રિકેટ વિશે કંઈ જ ખબર નહોતી અને તેના પરિવારમાંથી પણ કોઈ આ રમત સાથે જોડાયેલું નહોતું. આજે મુકુલની મહેનત અને તેના પિતાનું બલિદાન રંગ લાવ્યું છે. આઈપીએલના મંચ પર તેના શાનદાર પ્રદર્શનથી હવે તે ભારતીય ક્રિકેટના આગામી મોટા ફિનિશર તરીકે જોવામાં આવી રહ્યો છે.

Vadodara : વડોદરાના વેપારીનું અપહરણ કરી કેનાલમાં ફેંક્યો, આખી રાત પીલર પકડી રાખી મોતના મુખમાંથી બચ્યા

0

‘રામ રાખે તેને કોણ ચાખે’ આ કહેવત વડોદરાના છાણી વિસ્તારના એક પાન પાર્લરના સંચાલક માટે સાચી ઠરી છે. લૂંટના ઈરાદે વેપારીનું અપહરણ કરી, મધરાતે સોજીત્રા કેનાલના ઊંડા પાણીમાં ફેંકી દેવા છતાં, વેપારીએ મક્કમ મનોબળ અને કુદરતની મહેરબાનીથી આખી રાત કેનાલનો પીલર પકડી રાખી પોતાનો જીવ બચાવ્યો છે.

મળતી માહિતી અનુસાર, છાણીના નંદનગરમાં રહેતા અને પાન પાર્લર ચલાવતા ગીરીશભાઈ પટેલ સાથે આઠમી એપ્રિલની રાત્રે આ ઘટના બની હતી. ગીરીશભાઈ રાત્રે દુકાન બંધ કરી સ્કૂટર પર ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે છાણી-સોખડા રોડ પર એક કાર ચાલકે જાણીજોઈને ટક્કર મારી તેમને પાડી દીધા હતા. કારમાંથી ઉતરેલા બે શખસોએ તેમને ખેંચીને કારમાં બેસાડી દીધા હતા. લૂંટારાઓએ તેમનો મોબાઈલ, રોકડ ભરેલું પર્સ અને એટીએમ કાર્ડ લૂંટી લીધું હતું. ડરાવી-ધમકાવીને એટીએમનો પિન નંબર પણ મેળવી લીધો હતો.

પીડિત ગીરીશભાઈના જણાવ્યાનુસાર, લૂંટારાઓ કારમાં સતત કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યા હતા અને 20થી 25 હજારની રકમ ટ્રાન્સફર કરવાની હિલચાલ કરી રહ્યા હતા. ગીરીશભાઈએ પોલીસને જણાવ્યું કે, ‘આરોપીઓ અંદરોઅંદર વાતો કરતા હતા કે આજે મને પતાવી જ દેવો છે. લૂંટારાઓએ મને દેણા હાઈવે અને જીએસએફસી રોડ પર ફેરવ્યા બાદ મધરાતે સોજીત્રા કેનાલ પર લઈ ગયા હતા.’

ગીરીશભાઈએ પોલીસને જણાવ્યું કે, ‘લૂંટારાઓએ મને કેનાલના બ્રિજ પરથી ઊંચકીને સીધા પાણીમાં ફેંકી દીધો હતો. પાણીમાં પડતા જ હું ડૂબવા લાગ્યા હતા, પરંતુ અંધારામાં મારા હાથમાં કેનાલનો પીલર આવી ગયો હતો અને મે જીવના જોખમે આ પીલર પકડી રાખ્યો હતો. આ દરમિયાન લૂંટારાઓ થોડીવાર ઉપર ઊભા રહી તપાસ કરતા રહ્યા, પરંતુ હું દેખાયો નહીં એટલે તે ‘વેપારી ડૂબી ગયો છે’ તેમ માનીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.’

પીડિત ગીરીશભાઈએ જણાવ્યું કે, ‘ભીના કપડે, ધ્રૂજતી કાયા સાથે હું આખી રાત કેનાલના પાણીમાં પીલર પકડીને પસાર કરી હતી. સવાર પડતા જ હું હિંમત કરીને બહાર નીકળ્યો અને નજીકના મકાનો સુધી પહોંચ્યા હતા. ત્યાંના સ્થાનિક લોકોની મદદથી મેં પત્નીને ફોન કર્યો અને લોકેશન મોકલ્યું હતું. પરિવાર આવી પહોંચતા મને તાત્કાલિક સારવાર અપાવી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી હતી.’ હાલમાં સમગ્ર મામલે વડોદરા પોલીસે લૂંટ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આ નિર્દયી લૂંટારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Vadodara : ગમે ત્યારે નામ જાહેર થવાના પગલે વડોદરા ભાજપ કાર્યાલય ખાતે 50 વકીલોની લીગલ સેલ તૈનાત

0

વડોદરા કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપ દ્વારા હવે ગમે ત્યારે શહેરના ઉમેદવારોની યાદી જાહેર થવાની શક્યતાના પગલે કારેલીબાગ સ્થિત ભાજપના નમો કમલમ કાર્યાલય ખાતે લીગલ સેલની ટીમ તૈનાત કરવામાં આવી છે. જેમાં 10 નોટરી, 10 ટાઇપીસ્ટ સાથે 50 વકીલોની ટીમ અહીં બેસાડી દેવામાં આવી છે. કોર્પોરેશનની ચૂંટણી માટે આજે ભાજપની અંતિમ યાદી તેમજ કોંગ્રેસની પણ બાકી યાદી જાહેર કરવામાં આવશે.

ઉમેદવારોની છેલ્લી ઘડીએ થતી પસંદગીના કારણે કોઈ કાયદાકીય વિવાદ ન સર્જાય તે માટે ભાજપ કાર્યાલય ખાતે 10 નોટરી, 10 ટાઇપીસ્ટ સાથે 50 વકીલોની એક ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. જેવી યાદી જાહેર થશે તે સાથે જ ઉમેદવારોને તાત્કાલિક ભાજપ કાર્યાલય ખાતે બોલાવી આ લીગલ ટીમ સમક્ષ રજૂ કરાશે. જેના આધારે તમામ ઉમેદવારોના બાયોડેટા સાથે તેઓની ઉમેદવારી પત્ર રજૂ કરવા સુધીની પ્રક્રિયા અહીં આટોપવામાં આવશે.

Entertainment : હંસિકાએ એક્સ ભાભી મુસ્કાન સામે બદનક્ષીનો કેસ કર્યો

0

મુંબઇ : એકટ્રેસ હંસિકા મોટવાણીએ તેની એક્સ ભાભી તથા ટીવી કલાકાર મુસ્કાન નેન્સી જેમ્સ પર બદનક્ષીનો દાવો કર્યો છે. હંસિકાના ભાઈ પ્રશાંત તથા મુસ્કાને ૨૦૨૦માં લગ્ન કર્યાં હતાં.

જોકે, ૨૦૨૨માં તેઓ છૂટાં પડી ગયાં હતાં. તે પછી મુસ્કાને પ્રશાંત, હંસિકા તથા તેના પરિવારજનો સામે ઘરેલુ હિંસાનો કેસ કર્યો હતો.

હંસિકાએ મુંબઈની એક અદાલતમાં આ દાવો દાખલ કરતાં જણાવ્યું છે કે મુસ્કાનનાં વિધાનોને કારણે તેની બદનામી થઈ છે. તેણે મુસ્કાન પાસેથી બે કરોડનાં વળતર તથા જાહેર માફીની માગણી કરી છે. આ ઉપરાંત મુસ્કાનને તેની વિરુદ્ધ કોઈપણ નિવેદન કે સોશિયલ મીડિયા પોસ્ટ નહિ કરવાના આદેશની પણ માગણી કરી છે.

હંસિકાના દાવા મુજબ મુસ્કાને તેની તથા તેના ભાઈ પ્રશાંત વિરુદ્ધ બદનક્ષીકારક વિધાનો કર્યાં છે. હંસિકાના જણાવ્યા અનુસાર પ્રશાંત અને મુસ્કાનનાં દામ્પત્ય જીવનમાં તેની કોઈ દખલ ન હતી અને તે બંનેની સાથે રહેતી ન હતી. આમ છતાં પણ મુસ્કાન દ્વારા તેની સામે ખોટી રીતે ઘરેલુ હિંસાનો કેસ કરાયો હતો.

Recipe : આ રીતે બનાવશો પનીર ફ્રાઈડ રાઈસ, તો ઘરના બધા આંગળા ચાટતા રહી જશે

0

વીકેન્ડ હોય કે કોઈ ખાસ પ્રસંગ, ફ્રાઈડ રાઈસ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. પરંતુ ઘણીવાર આપણે વિચારીએ છીએ કે ઘરે રેસ્ટોરન્ટ કે લારી જેવો સ્વાદ કેવી રીતે લાવવો? આજે તમારા માટે એક એવી સરળ રેસીપી લાવ્યા છીએ, જે ઘરે બનાવવી ખૂબ જ સરળ છે. આ રીતે જ્યારે તમે પનીર ફ્રાઈડ રાઈસ બનાવશો, ત્યારે બાળકો હોય કે મોટા, બધા આંગળા ચાટતા રહી જશે અને તમારા વખાણ કરતા થાકશે નહીં.

રાંધેલા ભાત: 2 કપ (બાસમતી ચોખા હોય તો ફ્રાઈડ રાઈસ એકદમ છૂટા બનશે)
પનીર: 200 ગ્રામ (નાના ટુકડામાં સમારેલું)
શાકભાજી: 1 કપ (ઝીણી સમારેલી ગાજર, કેપ્સિકમ, ફણસી અને કોબીજ)
ડુંગળી: 1 મધ્યમ કદની (ઝીણી સમારેલી)
આદુ-લસણ: 1-1 ચમચી (એકદમ ઝીણું સમારેલું)
લીલા મરચાં: 2 (ઝીણા સમારેલા)
સોયા સોસ: 1 મોટી ચમચી
વિનેગર: 1 નાની ચમચી
મરી પાવડર: અડધી ચમચી
મીઠું: સ્વાદ મુજબ
તેલ: 2 થી 3 મોટી ચમચી
લીલી ડુંગળી: ગાર્નિશ કરવા માટે

બનાવવાની રીત

પનીર ફ્રાય કરો: એક પેન કે કડાઈમાં થોડું તેલ ગરમ કરો. તેમાં પનીરના ટુકડા નાખો અને તેને હળવા સોનેરી થાય ત્યાં સુધી સાંતળી લો. આમ કરવાથી પનીર ક્રિસ્પી થશે અને ભાતમાં ભેળવતી વખતે તૂટશે નહીં. પનીર તૈયાર થઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લો.

વઘાર કરો: હવે તે જ કડાઈમાં 2 ચમચી તેલ ઉમેરો (ચાઈનીઝ વાનગી હંમેશા ફાસ્ટ આંચ પર બને છે, એટલે ગેસની આંચ તેજ રાખવી). તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ, આદુ અને લીલા મરચાં નાખો. તેને 10-15 સેકન્ડ સાંતળો જેથી તેલમાં સરસ સુગંધ બેસી જાય. ત્યારબાદ ડુંગળી ઉમેરીને હળવું ગુલાબી થાય ત્યાં સુધી પકાવો.

શાકભાજી ઉમેરો: જ્યારે ડુંગળી સંતળાઈ જાય, ત્યારે તેમાં બધા સમારેલા શાકભાજી (ગાજર, કેપ્સિકમ, ફણસી, કોબીજ) ઉમેરો. શાકભાજીને તેજ આંચ પર 2 થી 3 મિનિટ સતત હલાવતા રહીને સાંતળો. યાદ રાખો કે શાકભાજીને સાવ ગળવા દેવાના નથી, ફ્રાઈડ રાઈસમાં શાકભાજીનો ક્રંચ સારો લાગે છે.

સોસ અને મસાલા: શાકભાજી સંતળાઈ જાય એટલે આંચ ધીમી કરી દો. હવે તેમાં સોયા સોસ, વિનેગર, મરી પાવડર અને મીઠું ઉમેરો. બધી વસ્તુઓને બરાબર મિક્સ કરો. ધ્યાન રાખો કે સોયા સોસમાં પણ મીઠું હોય છે, એટલે મીઠું પ્રમાણસર નાખવું.

ભાત ઉમેરો: હવે કડાઈમાં પહેલાથી રાંધેલા ઠંડા ભાત અને ફ્રાય કરેલું પનીર ઉમેરો. હવે એકદમ હળવા હાથે બધી સામગ્રી મિક્સ કરો જેથી ભાતના દાણા તૂટે નહીં. તેને 2 મિનિટ સુધી તેજ આંચ પર ટોસ કરો (ઉલાળો) જેથી ભાતમાં સોસનો સ્વાદ બરાબર બેસી જાય.

તમારા ગરમાગરમ, છૂટા અને સ્વાદિષ્ટ પનીર ફ્રાઈડ રાઈસ તૈયાર છે! ગેસ બંધ કરી ઉપરથી ઝીણી સમારેલી લીલી ડુંગળી નાખો. તમે તેને એમનેમ પણ ખાઈ શકો છો અથવા મનપસંદ મંચુરિયન ગ્રેવી કે ચીલી પનીર સાથે સર્વ કરી શકો છો.

Gujarat : ગુજરાત પોલીસે ડ્રગ્સના કેસોની તપાસ મજબૂત થાય અને કન્વિક્શન રેટ વધે તે માટે AI ટૂલ લોન્ચ કર્યું

0

રાજ્યમાં નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતા ગુજરાત પોલીસે ‘NARIT AI’ નામનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટૂલ લોન્ચ કર્યુ છે.આ પહેલનો હેતુ નાર્કોટિક્સ સંબંધિત તપાસને અસરકારક બનાવવાનો છે

રાજ્યમાં નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતા ગુજરાત પોલીસે ‘NARIT AI’ નામનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટૂલ લોન્ચ કર્યુ છે.આ પહેલનો હેતુ નાર્કોટિક્સ સંબંધિત તપાસને અસરકારક બનાવવાનો છે અને કોર્ટમાં ટ્રાયલ દરમિયાન કેસને વધુ મજબૂત બનાવી આરોપીઓને સજા અપાવવાનો છે.NARIT AI RAG આધારિત સિસ્ટમ છે જે NDPS કાનૂની માળખા હેઠળના જટિલ નાર્કોટિક્સ કેસોને હેન્ડલ કરવામાં તપાસ કરનાર અધિકારી અને એજન્સીને મદદરૂપ થાય છે.આ ટૂલ દરેક કેસ સંદર્ભે કાનૂની જોગવાઈઓ, કાયદા અને તપાસ પ્રક્રિયાઓને એકઠી કરીને તપાસ અધિકારીઓને રિયલ-ટાઈમ વિશ્લેષણ કરી કાનુની સલાહ પણ આપે છે.

ભારતમાં કોઈપણ રાજ્ય પોલીસ અથવા કાયદાનો અમલ કરતી એજન્સી દ્વારા ઉપયોગમાં લેવાતું આ પ્રથમ પ્રકારનું AI આધારિત ટૂલ છે. આ એપ્લિકેશન પશ્ચિમ રેલવે પોલીસ, વડોદરા વિભાગ દ્વારા મુંબઈ સ્થિત AI સ્ટાર્ટઅપના સહયોગથી વિકસાવવામાં આવી છે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે,ગુજરાત રાજ્ય ડ્રગ્સ સબંધિત ગુનાઓને નેસ્તનાબૂદ કરવા માટે મક્કમ છે.આ સમગ્ર નેટવર્ક તોડી પાડવા માટે જે કંઇ પણ કરવુ પડે તે માટે અમે કટિબદ્ધ છીએ.ડ્રગ્સ સંબંધિત ગુનાઓની અસરકારક તપાસ થાય અને આરોપીઓ સામે અસરકારક કાનુની ગાળિયો બંધાય તે માટે અમે જરૂરી તમામ વ્યવસ્થા ઉભી કરી છે અને ટેકનોલોજીની મદદથી આ કાર્ય બધુ મજબૂત બનશે.

આ એપ્લિકેશન ગુજરાત રાજ્ય પોલીસ વડા કે.એલ.એન.રાવ અને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી છે અને પશ્ચિમ રેલવે, વડોદરાના પોલીસ અધિક્ષક અભય સોનીની આ પહેલ છે.ગુજરાત સરકારે નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને આવા ગંભીર ગુનાઓને રોકવા માટે અને તેની કડક તપાસ થાય તે માટે તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.અગાઉ તપાસ માત્ર વિશેષ તાલીમ પ્રાપ્ત પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરાતી હતી, જેના કારણે કામનો ભાર અને વહીવટી વિલંબ સર્જાતો હતો.આ ટૂલ નવીન RAG આધારિત AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ‘ફોર્સ મલ્ટિપ્લાયર તરીકે કાર્ય કરશે અને દરેક તપાસ અધિકારીને નિયમો મુજબ યોગ્ય તપાસ કરવાની સક્ષમતા આપશે.જેના કારણે NDPS કેસોમાં કન્વિક્શન રેટ સુધરશે.

સૌપ્રથમ પોલીસ અધિકારીએ FIR આ એપ્લિકેશનમાં અપલોડ કરવી પડશે. અપલોડ થયા પછી સિસ્ટમ વિશ્લેષણ રિપોર્ટ તૈયાર કરશે. આ રિપોર્ટ કેસની મજબૂતીઓ અને નબળાઈઓનું મૂલ્યાંકન કરશે અને કાનૂની ઉપાયો સૂચવશે.આ ટેક્નોલોજી NDPS સંબધિત કેસોમાં પોલીસ કર્મચારીઓને તપાસમાં માર્ગદર્શન પૂરુ પાડશે, જેમાં હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓના આધારે સૂચનો, કાનૂની પ્રક્રિયાનો પાલન, FIRની કાનૂની દ્રષ્ટિએ નબળાઈઓની ઓળખ, શુ કરવુ અને શુ ન કરવુ તેની સલાહ આપશે અને પુરાવાઓનું ચેકલિસ્ટ પણ આપશે. આ એપ્લિકેશન તપાસ અધિકારીઓને પ્રક્રિયાત્મક ભૂલો ટાળવામાં મદદરૂપ થશે.

આ એપ્લિકેશન FIRની માહિતી ઇનપુટ તરીકે લઈ કેસનું વિગતવાર વિશ્લેષણ કરે છે અને રિપોર્ટ જનરેટ કરે છે. આ મોડલ નવીન RAG આધારિત AI ટેક્નોલોજી પર આધારિત છે અને NDPS કેસોમાં જામીન અને ટ્રાયલ સંબંધિત હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાઓ, BNS, BNSS, BSAના બેર એક્ટ્સ, NDPS એક્ટ, 1985 તેમજ સરકારી માર્ગદર્શિકા અને સર્ક્યુલર્સ પર આધારિત છે. RAG ટેક્નોલોજી આધારિત આ AI સિસ્ટમ માત્ર તેને આપેલા ડેટાબેઝનો ઉપયોગ કરીને FIRનું વિશ્લેષણ કરે છે અને ઓપન ઇન્ટરનેટ સર્ચ પર આધાર રાખતી નથી, જેના કારણે ‘હેલ્યુસિનેશન’ની શક્યતા દૂર થાય છે.

Breaking News : યમુનામાં હોડી પલટી જતાં 8થી વધુ શ્રદ્ધાળુઓના મોત, 15નું રેસ્ક્યૂ: યુપીના વૃંદાવનમાં મોટી દુર્ઘટના

ઉત્તર પ્રદેશના મથુરામાં હૃદય હચમચાવી દે તેવી દુર્ઘટના સર્જાઈ છે. શુક્રવારે બપોરે વૃંદાવનના પ્રખ્યાત કેસી ઘાટ પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી એક હોડી યમુના નદીમાં પલટી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 8 શ્રદ્ધાળુઓના ડૂબી જવાથી મોત થયા છે, જ્યારે અનેક લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની ગંભીરતાને જોતાં મૃત્યુઆંક હજુ પણ વધે તેવી આશંકા છે.

મળતી માહિતી મુજબ, હોડી વૃંદાવન અને માન વચ્ચે મુસાફરોને લઈ જઈ રહી હતી. હોડીમાં ક્ષમતા કરતા વધુ એટલે કે અંદાજે 25 જેટલા લોકો સવાર હતા. કેસી ઘાટ પાસે નદીમાં બનેલા લોખંડના પેન્ટૂન પુલ સાથે હોડી જોરદાર રીતે અથડાઈ હતી અને સંતુલન ગુમાવતા નદીના ઉંડા પાણીમાં પલટી ગઈ હતી.

અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને તરવૈયાઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ઓપરેશનમાં 15 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, કમનસીબે 8 લોકોના જીવ બચાવી શકાયા નથી. વહીવટીતંત્રે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને આ મામલે તપાસના આદેશ આપ્યા છે.