ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પર તોળાઈ રહેલા કાનૂની સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે આજે (10મી એપ્રિલ) મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની 27 ટકા ઓબીસી (OBC) અનામત નીતિ સામે ચૂંટણી પ્રક્રિયા પર રોક લગાવવાની માંગને ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હાલના તબક્કે ચૂંટણી અટકશે નહીં.
જાણો શું છે મામલો
પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયા દ્વારા કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) પર આજે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 27 ટકા OBC અનામતની નીતિને પડકારીને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર સ્ટે મૂકવાની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પર રોક લગાવવાનો ઇનકાર કર્યો છે અને અરજદારને આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવા આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ હવે અનામતના આ જટિલ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. હાઈકોર્ટ જે પણ નિર્ણય લેશે, તે આ ચૂંટણી માટે માન્ય ગણાશે. રાજ્ય સરકાર 27 ટકા OBC અનામત આપવા માટે મક્કમ છે અને તેને કાયદાકીય રીતે યોગ્ય ઠેરવવા પ્રયાસ કરી રહી છે.
રાજ્યમાં પંચાયતો, નગરપાલિકાઓ અને મહા નગરપાલિકામાં અપાયેલી 27% અનામત સામે પિટિશનમાં મુખ્યત્ત્વે ત્રણ મુદ્દા ઉઠાવાયા
ટ્રિપલ ટેસ્ટનું પાલન: સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્દેશ મુજબ અનામત નક્કી કરતા પહેલા ટ્રિપલ ટેસ્ટના માપદંડોનું ચુસ્તપણે પાલન થયું છે કે નહીં તેની ચકાસણી.
50 ટકાની મર્યાદા: શું કુલ અનામત (SC/ST અને OBC મળીને) 50 ટકાની નિર્ધારિત મર્યાદા વટાવે છે?
ઝવેરી કમિશનનો અહેવાલ: જસ્ટિસ ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે કરવામાં આવેલી બેઠકોની ફાળવણી કેટલી તર્કસંગત અને બંધારણીય છે તે અંગે પણ સવાલો ઊભા થયા છે.
રણવીર સિંહની ‘ધુરંધર 2’ બોક્સ-ઓફિસ પર ખરેખર ધુરંધર બની ગઈ છે. આ ફિલ્મે ઇતિહાસમાં પોતાનું એક અલગ નામ બનાવી દીધું છે. આ ફિલ્મે ભારતના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે જે આજ સુધી કોઈ પણ ફિલ્મ પાસે નથી. તેમાં રિજનલ ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. બોક્સ ઓફિસ પર ફક્ત 3 અઠવાડિયાની અંદર આ ફિલ્મે ફક્ત એક જ ભાષા એટલે કે હિન્દીમાં જ 1000 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. આજ સુધી કોઈ પણ ફિલ્મે એક જ ભાષામાં આટલું બધું બિઝનેસ નથી કર્યું. ત્રીજા અઠવાડિયામાં પણ ‘ધુરંધર 2’ દ્વારા ખૂબ જ સારો દેખાવ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ હવે ‘પુષ્પા 2’નો રેકોર્ડ તોડવા માટે પણ જઈ રહી છે.
રણવીરની ‘ધુરંધર 2’ માટે ત્રીજું અઠવાડિયું ખૂબ જ સારું રહ્યું છે. આ ફિલ્મે વીકએન્ડમાં જ 75 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કરી લીધું છે. આ ફિલ્મ ચાલુ દિવસોમાં સ્લો પડતાં કલેક્શનમાં રોડબ્રેકર આવી ગયું હતું. સોમવારે દસ કરોડ રૂપિયા અને ત્રીજું અઠવાડિયું પૂરું થાય ત્યાં આ ફિલ્મે ફક્ત 7 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. એક રિપોર્ટ અનુસાર ‘ધુરંધર 2’ દ્વારા ગુરુવારે 7.15 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
ત્રીજા અઠવાડિયામાં ‘ધુરંધર 2’ દ્વારા 110 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ત્રીજા અઠવાડિયામાં ‘પુષ્પા 2’ દ્વારા 107 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો અને ‘ધુરંધર 2’ હવે એ આંકડો ક્રોસ કરીને 110 કરોડ રૂપિયાનો વકરો કર્યો છે. ‘ધુરંધર 2’એ ભલે ‘પુષ્પા 2’નો રેકોર્ડ તોડ્યો હોય, પરંતુ પોતાની પહેલી ફિલ્મ ‘ધુરંધર’નો જ રેકોર્ડ નથી તોડી શકી. આ ફિલ્મે ત્રીજા અઠવાડિયામાં 189 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો જે ‘ધુરંધર 2’ નથી કરી શકી.
બોક્સ-ઓફિસના આંકડાને ટ્રેક કરવામાં આવતા રિપોર્ટ અને મેકર્સ દ્વારા આપવામાં આવતા આંકડા વચ્ચે થોડો તફાવત તો રહે છે. રવિવારે ‘ધુરંધર 2’એ ઓફિશિયલ આંકડા અનુસાર 974 કરોડ રૂપિયાનો બિઝનેસ હિન્દીમાં કર્યો હતો. એક રિપોર્ટ અનુસાર ‘ધુરંધર 2’એ સોમવારથી ગુરુવાર સુધીમાં 33 કરોડ રૂપિયાથી વધુનું નેટ કલેક્શન કરી લીધું છે.
ઓફિશિયલ આંકડામાં આ ચાર દિવસનું કલેક્શન 33 કરોડથી તો વધુ જ હશે. આથી ‘ધુરંધર 2’ દ્વારા અત્યાર સુધી કોઈ ફિલ્મ જે નથી કરી શકી એ તેણે કરીને દેખાડ્યું છે. આ ફિલ્મ 1000 કરોડ રૂપિયાનો આંકડો ક્રોસ કરી ચૂકી છે. આ આંકડો ક્રોસ કરનારી તે હિન્દીમાં એકમાત્ર ફિલ્મ છે. હિન્દીમાં જ નહીં, પરંતુ ભારતની કોઈ પણ ભાષામાં ક્યારેય પણ કોઈ ફિલ્મ દ્વારા આટલો બિઝનેસ કરવામાં નથી આવ્યો. 2017માં આવેલી સાઉથ ઇન્ડિયાની પેન ઇન્ડિયા ફિલ્મ ‘બાહુબલી 2’એ પહેલી વાર હિન્દીમાં 500 કરોડ રૂપિયાનો આંકડો ક્રોસ કર્યો હતો.
સાઉથની ‘બાહુબલી 2’ બાદ બોલીવુડમાં પહેલી વાર આટલી જંગી કમાણી કરનારી ફિલ્મ શાહરુખ ખાનની ‘પઠાન’ રહી હતી. શાહરુખની ફિલ્મે 500 કરોડ રૂપિયાનો આંકડો ક્રોસ કર્યો હતો. ‘ધુરંધર 2’ દ્વારા 9 વર્ષમાં હિન્દીમાં અને 3 વર્ષની અંદર બોલીવુડની ફિલ્મોના આંકડાને ડબલ કરવાની ક્ષમતા દેખાડી છે. થોડા સમય પહેલાં સાઉથની તમામ ફિલ્મો હિટ રહેતી હતી અને બોલીવુડની ફિલ્મો ન ચાલતાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું પતન થઈ ગયું હોવાની ચર્ચા ખૂબ જ ચાલી હતી. જોકે ‘ધુરંધર 2’, ‘છાવા’, ‘ગદર 2’ અને ‘સ્ત્રી 2’ જેવી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જોરદાર પર્ફોર્મન્સ આપીને બોલીવુડ દ્વારા પણ અદ્ભુત કમબેક કરવામાં આવ્યું હતું.
ઉત્તર પ્રદેશના કાનપુરમાં ભ્રષ્ટાચારના એક ચોંકાવનારા કિસ્સામાં વિજિલન્સ વિભાગે મોટી સફળતા મેળવી છે. વેચાણવેરા (Sales Tax) વિભાગના નિવૃત્ત એડિશનલ કમિશનર કેશવ લાલ સામે અપ્રમાણસર સંપત્તિ રાખવાના ગુના હેઠળ એફ.આઈ.આર. નોંધવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના કાનપુરમાં ભ્રષ્ટાચારના એક ચોંકાવનારા કિસ્સામાં વિજિલન્સ વિભાગે મોટી સફળતા મેળવી છે. વેચાણવેરા (Sales Tax) વિભાગના નિવૃત્ત એડિશનલ કમિશનર કેશવ લાલ સામે અપ્રમાણસર સંપત્તિ રાખવાના ગુના હેઠળ એફ.આઈ.આર. નોંધવામાં આવી છે. આ કેસની તપાસમાં જે આંકડા બહાર આવ્યા છે તે જોઈને ભ્રષ્ટાચારની ઊંડાઈનો અંદાજ લગાવી શકાય છે.
વિજિલન્સ વિભાગની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કેશવ લાલની તેમની સમગ્ર સેવા દરમિયાન કાયદેસરની આવક આશરે 1.34 કરોડ રૂપિયા હતી. જોકે, જ્યારે તેમની મિલકતો અને ખર્ચનો હિસાબ લેવામાં આવ્યો, ત્યારે તે આશ્ચર્યજનક રીતે 100 કરોડ રૂપિયા થી વધુ નીકળ્યો હતો. પોતાની કાયદેસરની આવક કરતા ૧૩ ગણી વધારે સંપત્તિ હોવાના પુરાવા મળતા જ તપાસ એજન્સીએ કાર્યવાહી તેજ કરી છે.
ઓગસ્ટ 2023 થી શરૂ થયેલી આ તપાસમાં વિજિલન્સ ટીમને ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં કેશવ લાલની કિંમતી મિલકતોના દસ્તાવેજો મળ્યા છે. તપાસમાં બહાર આવેલી મિલકતોમાં લખનૌ: બે આલીશાન મકાનો,નોઈડા અને ગાઝિયાબાદમાં કરોડોની કિંમતના પ્લોટ અને મિલકતો,કાનપુર અને પ્રયાગરાજમાં વ્યવસાયિક અને રહેણાંક પ્લોટ્સ,ચંદૌલીમાં તેમના વતન જિલ્લામાં પણ અનેક બેનામી સંપત્તિઓ મળી આવી છે.
કેશવ લાલના શંકાસ્પદ વલણને કારણે સરકારે તેમને મે ૨૦૧૭ માં જ ફરજિયાત નિવૃત્તિ (Compulsory Retirement) આપી દીધી હતી. લાંબી તપાસ બાદ, વિજિલન્સ વિભાગે પોતાનો અહેવાલ સરકારને સોંપ્યો હતો. સરકાર તરફથી લીલી ઝંડી મળતા જ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાનપુરમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટીયાઝોલ પુલ પર આજે એક વિચિત્ર અને શરમજનક ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશથી ગુજરાત તરફ આવી રહેલી લીલા નારિયેળ ભરેલી એક લોડિંગ ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જોકે, અકસ્માત બાદ ઇજાગ્રસ્તોની મદદ કરવાને બદલે સ્થાનિક લોકોમાં નારિયેળ લૂંટવાની દોડધામ મચી ગઈ હતી.મળતી માહિતી મુજબ, પાટીયાઝોલ પુલ પર ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી. ટ્રકમાં ભરેલા સેંકડો લીલા નારિયેળ રસ્તા પર વેરાઈ ગયા હતા. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, પણ ઇજાગ્રસ્ત ડ્રાઈવર કે કંડક્ટરને મદદ કરવાને બદલે લોકો જે હાથમાં આવે તે રીતે નારિયેળ લૂંટીને ભાગવા લાગ્યા હતા.
ઘટનાની જાણ થતા જ ગરબાડા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને લાઠીના જોરે લૂંટ ચલાવી રહેલા લોકોને ભગાડી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માતમાં ઘવાયેલા ડ્રાઈવર અને કંડક્ટરને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પાટીયાઝોલ પુલ પર અવારનવાર અકસ્માતો સર્જાતા હોવા છતાં લોકોની આવી સંવેદનહીનતા ચર્ચાનો વિષય બની છે.
યુએસ, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત બાદ ક્રૂડ તેલના ભાવમાં થોડો ઘટાડો થયો છે. જોકે, વિશ્લેષકો માને છે કે ભાવ હજુ પણ યુદ્ધ પહેલાના સ્તરોથી ઉપર રહી શકે છે. ૨૮ ફેબુ્રઆરી, ૨૦૨૬ ના રોજ લશ્કરી સંઘર્ષ શરૂ થયા પછી આ પહેલી વાર છે જ્યારે નોંધપાત્ર નરમાઈ જોવા મળી છે.
જાણકારોના મતે બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવ, જે ૨ એપ્રિલના રોજ પ્રતિ બેરલ ૧૨૮ ડોલરની આસપાસ પહોંચ્યા હતા, તે હવે ૯૫ અને ૯૭ ડોલરની વચ્ચે આવી ગયા છે. હુમલાઓમાં ઘટાડાથી સંઘર્ષ પ્રીમિયમ ઘટયું છે, પરંતુ સપ્લાય ચેઇન નુકસાનને કારણે ભાવ ઊંચા રહેશે.
તેમના મતે, સંઘર્ષ ધીમે ધીમે એક મોટા પ્રાદેશિક સંકટમાં ફેરવાઈ ગયો છે. ઈરાને ગલ્ફ દેશોના ઉર્જા માળખા, જહાજો અને યુએસ બેઝ પર હુમલો કર્યો હતો. ૧૯૭૩ ના તેલ સંકટ પછી આ સૌથી મોટો ફટકો છે. ઈમરાને સમજાવ્યું કે સંઘર્ષ શરૂ થયો ત્યારથી તેલના ભાવમાં લગભગ ૬૦ ટકાનો વધારો થયો છે અને હજુ પણ યુદ્ધ પહેલાના સ્તરથી લગભગ ૩૫ ટકા વધારે છે. આનાથી વૈશ્વિક વિકાસ પર ૦.૨૦ થી ૦.૩૦ ટકાનો પ્રભાવ પડી શકે છે અને ફુગાવો ૦.૭૦ થી ૦.૯૦ ટકા વધી શકે છે.હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી ગલ્ફ દેશોમાં તેલ ઉત્પાદન પર મોટી અસર પડી હતી. તેલ નિકાસ કરવામાં અસમર્થતાને કારણે, ઉત્પાદન ઘટાડવું પડયું છે. ૭ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ પ્રકાશિત થયેલા રિપોર્ટમાં પુરવઠા અને માંગના અંદાજોમાં નોંધપાત્ર ફેરફારો થયા છે કારણ કે કટોકટી અપેક્ષા કરતા વધુ સમય સુધી ચાલી હતી. તેઓ માને છે કે હાલ કિંમતોમાં થોડી રાહત છે, પરંતુ ભવિષ્યમાં ક્રૂડ ઓઇલના ભાવ યુદ્ધ પહેલાના સ્તરે પાછા ફરવા મુશ્કેલ બનશે.
અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)નું ઓરાયન અવકાશયાને તેના ત્રણ અવકાશયાત્રીઓ (રીડ વાઇઝમેન, વિક્ટર ગ્લોવર, ક્રસ્ટિના હેમ્મોક કોચ, જેરેમી હેન્સન) ને લઇને પૃથ્વી તરફની યાત્રા શરૂ કરી દીધી છે.
નાસાનાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે અમારું સમાનવ ઓરાયન અવકાશયાન ૨૦૨૬ની ૧૦, એપ્રિલ, શુક્રવારે, સાંજે ૫ : ૦૭ (૮: ૦૭ ઇસ્ટર્ન ટાઇમ) વાગે પેસિફિક મહાસાગરના સાન ડિએગો સમુદ્રમાં ઉતરશે. ( ભારતીય સમય : ૧૧, એપ્રિલ, શનિવાર, વહેલી સવારે ૫ : ૩૭ વાગે). ઓરોયન અવકાશયાને પૃથ્વીથી સૌથી દૂરના એટલે કે ૪૦૦,૧૭૧ કિલોમીટરના અંતરે જવાનો નવો, રેકોર્ડ કર્યો છે. પૃથ્વીથી ચંદ્ર વચ્ચેનું અંતર ૩,૮૫,૦૦૦ લાખ કિલોમીટર છે. જોકે ઓરાયન અવકાશયાન કાંઇ ચંદ્રની ધરતી પર ઉતર્યું નથી પણ ચંદ્રથી દૂર જઇને મોટા અંતરનો ઘેરાવો લઇને પૃથ્વી પર પાછું ફરી રહ્યું છે.
નાસાનાં સૂત્રોએ સ્પષ્ટતા સાથે એવી માહિતી આપી છે કે અર્ટિમેસ -૨ મિશન ૨૦૨૬ની ૧, એપ્રિલે ચંદ્ર ફરતેની ૧૦ દિવસની યાત્રાએ ગયું છે. જોકે અમારું ઓરાયન અવકાશયાન કાંઇ ચંદ્રની ધરતી પર ઉતર્યું નથી પણ ચંદ્ર ફરતેની ગોળ ગોળ યાત્રા કરી છે. ઓરાયન અવકાશયાને ચંદ્રની ધરતીથી ૪,૭૦૦ થી ૬,૦૦૦ માઇલ્સ(૭,૬૦૦ કિલોમીટર)ના દૂરના અંતરે રહીને ગોળ ગોળ પ્રદક્ષિણા કરી છે. આમ ઓરાયનના અવકાશયાત્રીઓ ચંદ્રની અંધારી બાજુ(જેને ફાર સાઇડ ઓફ ધ મૂન કહેવાય છે)ને પણ બહુ સ્પષ્ટપણે જોઇ શક્યા છે. અમારા અગાઉનાં કોઇ મિશનના અવકાશયાત્રીઓને ચંદ્રની અંધારીબાજુ જોવાની યાદગાર તક નથી મળી.
આમ તો નાસાના જ અર્ટિમસ -૧ મિશન અંતર્ગત ઓરાયન અવકાશયાન ૨૦૨૨માં ચંદ્રની યાત્રાએ ગયું હતું પણ તે મિશન માનવહીન હતું. એટલે કે તેમાં નાસાનો કોઇ અવકાશયાત્રી નહોતો. ૨૦૨૨નું માનવહીન ઓરાયન અવકાશ ચંદ્રની ધરતીથી ૬૦ માઇલ્સના નજીકના અંતરે ગયું હતું, જ્યારે ચંદ્રની ધરતીથી ૪૦,૦૦૦ માઇલ્સ દૂરના અંતરે ગયું હતું.
ઓરાયન અવકાશયાને ૨૦૨૬ની ૭, એપ્રિલે, મંગળવારે, રાતે ૧૦ : ૫૫(ભારતીય સમય) વાગે ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળમાંથી બહાર નીકળીને પૃથ્વી ભણી આવવાની યાત્રા શરૂ કરી દીધી છે. ઓરાયન અવકાશયાને પૃથ્વી ભણીની યાત્રા માટે ફ્રી રિટર્ન ટ્રેજેક્ટરી(પૃથ્વી તરફની યાત્રા માટે અવકાશયાન ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળનો ઉપયોગ કરે તેને ખગોળશાસ્ત્રની ભાષામાં ફ્રી રિટર્ન ટ્રેજેક્ટરી કહેવાય છે) નો ઉપયોગ કર્યો છે. ચંદ્રથી પૃથ્વી સુધીની યાત્રા ત્રણ દિવસની હશે. હાલ ચારેય અવકાશયાત્રીઓ તેમની પૃથ્વી તરફની યાત્રા દરમિયાન રેડિયેશન પ્રોટેક્શન ચેક( સૂર્યમાંથી ફેંકાતા કિરણોત્સર્ગનું પરીક્ષણ), મેન્યુલ પાયલોટ ટેસ્ટ(ઓરોયન અવકાશયાનનું સંચાલન પરીક્ષણ), અંતરિક્ષની અદભુત અને મનમોહક તસવીરો લેવાની ખાસ કામગીરી કરી રહ્યાં છે.
નાસાનાં સૂત્રોએ બહુ મહત્વની માહિતી આપતાં કહ્યું છે કે અમારું ઓરાયન અવકાશયાન ૧૦, એપ્રિલે સાંજે ચારેય અવકાશયાત્રીઓ સાથે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે ત્યારે તેની ગતિ ૪૦,૦૦૦ કિલોમીટર(પ્રતિ કલાક) જેટલી અતિ તીવ્ર — ધસમસતી હશે. આ પ્રક્રિયા દરમિયાન ઓરાયનનું ક્રૂ મોડયુલ( જેમાં ચારેય અવકાશયાત્રીઓ હશે) મૂળ સર્વિસ મોડયુલથી છૂટું પડીને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે. આ અતિ જોખમી તબક્કે ૨,૭૦૦ સેલ્સિયસ ડિગ્રી જેટલું અતિ અતિ ધગધગતું તાપમાન પણ સર્જાશે.
કોઇપણ અવકાશયાન માટે આ તબક્કો અતિ જોખમી હોય છે કારણ કે પૃથ્વીના વાતાવરણ સાથેના પ્રચંડ ઘર્ષણથી જે અતિ ધગધગતું તાપમાન સર્જાવાથી અવકાશયાન બળીને ભસ્મ થઇ જવાની શક્યતા રહે. જોકે આ પરિબળને ધ્યાનમાં રાખીને અવકાશયાનની અને અવકાશયાત્રીઓની સલામતી માટે હીટશિલ્ડ સહિતની જરૂરી બધી આધુનિક વ્યવસ્થા કરી છે.
ગુજરાતનું ‘છોટા કાશી’ ગણાતું જામનગર અત્યારે માત્ર તેના ઉદ્યોગો કે બાંધણી માટે નહીં, પરંતુ રાજકીય ગરમાવાને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે એવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે, જે લોકશાહીની મૂલ્યનિષ્ઠા સામે અનેક સવાલો ઉભા કરે છે. જામનગરના રાજકીય ફલક પર પ્રથમ વખત એવા ત્રણ આગેવાનો નસીબ અજમાવવા જઈ રહ્યા છે, જેમના પર રાજ્યના સૌથી કડક કાયદા પૈકીના એક એવા ‘ગુજસીટોક’ હેઠળ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં જે પ્રકારની ઉમેદવારોની પસંદગી થઈ રહી છે, તે જોતા સ્પષ્ટ લાગે છે કે રાજકીય પક્ષો માટે જીત એ જ એકમાત્ર માપદંડ બની ગયો છે. કોંગ્રેસ દ્વારા વોર્ડ નં.૧૬માં પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરીની પસંદગી કરવામાં આવી છે. તેમનો રાજકીય પ્રવાસ પક્ષપલટાથી ભરેલો રહ્યો છે. સૌપ્રથમ કોંગ્રેસ, પછી ભાજપ અને હવે ફરી કોંગ્રેસ. જો કે, તેમની ઓળખ માત્ર પક્ષપલટા પૂરતી મર્યાદિત નથી. અગાઉ ગુજસીટોક પ્રકરણમાં સંડોવાયેલા હતા અને જેલવાસ પણ ભોગવી ચૂક્યા છે. હાલ જામીન પર મુક્ત થતાં જ તેમને પક્ષે ટિકિટ આપતા રાજકીય વર્તુળમાં ભારે ગણગણાટ જોવા મળી રહ્યો છે.
બીજી તરફ કોંગ્રેસના જ પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી પણ આ વખતે ચૂંટણી મેદાનમાં છે. તેમનું નામ પણ ગુજસીટોકના ગંભીર ગુનાઓમાં ઉછળ્યું હતું. પક્ષના પૂર્વ હોદ્દેદાર હોવાના નાતે તેમની પકડ મજબૂત મનાય છે, પરંતુ અપરાધના ઓછાયા હેઠળની તેમની ઉમેદવારી વિરોધ પક્ષ માટે મોટું હથિયાર બની રહી છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ ‘રાજકારણના અપરાધીકરણ’ની રેસમાં પાછળ નથી. ‘આપ’ તરફથી પૂર્વ કોર્પોરેટર અસલમ ખિલજી મેદાનમાં છે. નોંધનીય છે કે, તેમની સામેના કેસો એટલા ગંભીર છે કે તેમને ચૂંટણી લડવા માટે રાજકોટની કોર્ટ પાસેથી ખાસ મંજૂરી મેળવવી પડી છે.
માત્ર ગુજસીટોક જ નહીં, ભ્રષ્ટાચારના કેસો પણ આ ચૂંટણીમાં મુખ્ય મુદ્દો છે. વોર્ડ નં. 6માં ગત ટર્મમાં બસપાના સિમ્બોલ પરથી ચૂંટાયેલા પૂર્વ કોર્પોરેટર, જેઓ મનપાની કચેરીમાં જ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા, તેઓ પણ હવે પંજાના સહારે મેદાનમાં ઉતરે તેવી પૂરેપૂરી શક્યતા છે. જેલમાં જઈ આવ્યા બાદ બે દિવસ પહેલા જ તેમનું કોંગ્રેસમાં સ્વાગત કરવામાં આવ્યું છે, જે પક્ષની નૈતિકતા સામે મોટા પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કરે છે.
મહિલાઓ જો બરોબરીની વાત કરતી હોય તો થોડી શારીરિક તકલીફો વેઠીને પણ કામ કરવું જોઈએ. મહિલાઓ પિરિયડસનાં બહાના કાઢે એ ચાલે નહિ તેવાં વિધાનોને કારણે શ્રીલીલા ભારે ટ્રોલ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે શ્રીલીલા પોતે એક ક્વોલાઈફ્ડ ડોક્ટર છે.
શ્રીલીલાએ પોતાની એક ફિલ્મનાં સંદર્ભમાં કહ્યું હતું કે મેં પિરિયડસ ચાલુ હોય ત્યારે પણ ઘણું શૂટિંગ કર્યું છે. મહિલાઓ પોતાના સમાન અધિકારોની વાત કરતી હોય તો આવાં શારીરિક કે માનસિક કારણોને આગળ ધરીને છૂટછાટ માગી શકે નહિ. લોકોએ શ્રીલીલાને એમ કહીને ટ્રોલ કરી હતી કે તેણે એક ડોક્ટર તરીકે સમજવું જોઈએ કે દરેક મહિલાની શારીરિક ક્ષમતા એકસમાન હોતી નથી. શ્રીલીલાને આ સમયમાં થાક ન લાગતો હોય તેથી અન્ય મહિલાઓ પણ એવી જ એનર્જી ધરાવતી હોય તે શક્ય નથી.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મિતિયાળામાં ભૂકંપોનો સિલસિલો શાંત થવાનું નામ લેતો નથી. ગઈકાલે પરોઢીયે 3.3ના તીવ્ર ભૂકંપ બાદ ફરી રાત્રિના 1.14 વાગ્યે 3.0નો તીવ્ર ભૂકંપ એક જ વિસ્તારમાં ઉદ્ભવ્યો હતો અને ગત 30 કલાકમાં ભૂકંપના નાના-મોટા 14 આંચકા નોંધાયા છે.
અમરેલીથી વિશેષ અહેવાલ મૂજબ લોકો પરોઢીયે ચારેક વાગ્યે અને ગત મોડી રાત્રે તીવ્ર ભૂકંપથી લોકો ભરઉંઘમાંથી જાગી ગયા હતા અને ઘરબહાર દોડી ગયા હતા. આ ભૂકંપ પછી 1.37 વાગ્યે, સવારે 4.18 વાગ્યે, 8.58 વાગ્યે, 4.16 વાગ્યે, 4.24 વાગ્યે, 4.57 વાગ્યે, 7 વાગ્યે, 7.15 વાગ્યે, 7.51 વાગ્યે એમ ઉપરાઉપરી કૂલ 14આંચકા અને ત્યારબાદ પણ કંપન ચાલુ રહ્યું છે. સતત ભૂકંપો કે જેની ધ્રુજારી અનુભવાય છે તેનાથી લોકોમાં ભયની વ્યાપક લાગણી પ્રસરી છે. વર્ષોથી અમરેલીના આ વિસ્તારમાં સેંકડો ભૂકંપો આવી રહ્યા છે જેનું કેન્દ્રબિંદુ અમરેલીથી 35થી 45 કિ.મી. દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમ દિશાએ મિતિયાળા આસપાસ રહ્યું છે અને આ ભૂકંપોની ઉંડાઈ 8- 9 કિ.મી. એટલે કે ધરતીની ઉપરી સપાટીએ ઉદ્ભવે છે.
ભાજપમાં એક તરફ સાદગીપૂર્ણ જીવનશૈલી સાથે સમાજમાં સક્રિય કાર્યકરો છે અને બીજી તરફ પક્ષમાં વર્ચસ્વ સ્થાપીને આમ નાગરિક તરીકે રાજકારણમાં આવીને પછી કરોડો-અબજોમાં આળોટતા નેતાાઓ છે. ભૂતકાળમાં પદ મળ્યો તેનો પૂરો ઉપયોગ પક્ષ અને પ્રજા કરતા પોતાના માટે વધુ કરનારા નેતાઓ હવે પૈસાદાર અને પાવરફૂલ થયા છે જેમના પત્તા કપાવાની વાતે પક્ષમાં ભારે ધમાસાણ મચ્યું છે અને જે રીતે પાર્ટી ઉપર ટિકીટ માટે જાતજાતની દલીલો સાથે તીવ્ર દબાણ થઈ રહ્યું છે તે જોતા ભાજપના ધોરણો બદલાય તેવી શક્યતા સર્જાઈ છે.
રાજકોટ મનપામાં મેયર,ચેરમેન બની ચૂકેલા સહિત નેતાઓના નામો પણ ફાઈનલ થઈ ગયાની ચર્ચાએ જોર પકડયું હતું જો કે સત્તાવાર યાદી આજે રાત્રિ સુધી જાહેર કરાઈ નથી. અનેક વગદાર અને પૈસાદાર પૂર્વ પદાધિકારીઓએ પોતે નહીં તો પોતાનાના નામ પક્ષમાં ભારપૂર્વક રજૂ કર્યા છે.પક્ષના કેટલાક મોવડીઓ સાથે આ નેતાઓ ઘનીષ્ઠ સંબંધો ધરાવે છે.
આ સ્થિતિમાં ભાજપની યાદી જાહેર થાય તેમાં (1) નો-રિપિટ થિયરીને અમુક વગદારો માટે પડતી મુકાય (2) મામકાવાદ અર્થાત્ પદ ભોગવનારાના પરિવારના સભ્યને પણ ટિકીટ અપાય કે નેતાના માનીતાને ટિકીટ અપાય (3) 5 વર્ષમાં પ્રજાની સુવિધામાં નિષ્ફળ પણ પોતાના આર્થિક-રાજકીય વિકાસમાં સફળ નેતાઓને પણ ટિકીટ મળે, કરોડોના કાંડમાં જેના સામે આંગળી ચિંધાઈ હોય તે પણ લેટ ગો કરાય (4) ઈ. 205થી 2025 સુધીના 20 વર્ષમાં મેયર, ડે.મેયર ઉપરાંત સ્થાયી સમિતિ ચેરમેન જેવું મલાઈદાર પદ ભોગવ્યું હોય તેને જ ફરી ટિકીટ આપી અન્ય સમર્પિત,શિક્ષિત કાર્યકરની અવગણના થાય (5) પક્ષના નામે જીત મળી હોવા છતાં ફલાણા નેતાથી જીત મળતી હોય તેવું ચિત્ર ઉપસાવી ટિકીટ અપાય….આવી અનેક શક્યતા જોવાય છે.