Home Blog Page 176

Amreli : રાજુલામાં હનીટ્રેપના રેકેટનો પર્દાફાશ, મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ

0

અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં હનીટ્રેપ આચરીને નિર્દોષ લોકોને ફસાવતી ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. હિંડોરણા ગામની સીમમાં એક યુવકને લઈ જઈ, મહિલા સાથે વીડિયો ઉતારીને તેને બદનામ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવવાનું કાવતરું પોલીસે નિષ્ફળ બનાવ્યું છે.

હિંડોરણા ગામની સીમમાં રચાયું હતું કાવતરું

મળતી માહિતી અનુસાર, થોડા દિવસો પહેલા એક મહિલા સહિત પાંચ શખસોએ હનીટ્રેપનું કાવતરું ઘડ્યું હતું. ફરિયાદી યુવકને રાજુલાના હિંડોરણા ગામની સીમમાં બાવળની કાંટમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં પૂર્વ આયોજિત કાવતરા મુજબ મહિલા સાથે યુવકનો વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો. આ દરમિયાન અન્ય શખસોએ ત્યાં ધસી આવી યુવકને મૂંઢમાર મારી ડરાવી-ધમકાવીને લૂંટ ચલાવી હતી.

આરોપીઓએ યુવક પાસેથી બળજબરીથી 1950 રોકડ રૂપિયા અને તેનો મોબાઈલ ફોન પડાવી લીધા હતા. આટલેથી ન અટકતા, વીડિયો વાઈરલ ન કરવાના બદલામાં આરોપીઓએ 5 લાખ રૂપિયાની વધુ માંગણી કરી હતી. આરોપીઓએ યુવકને ઘરેથી પૈસા લેવા માટે મોકલ્યો હતો, પરંતુ ફરિયાદી ગભરાવાને બદલે સીધો રાજુલા પોલીસ મથકે પહોંચ્યો હતો અને સમગ્ર આપવીતી જણાવી હતી.

પોલીસની કાર્યવાહી અને ધરપકડ

આ મામલે રાજુલા પોલીસ તાત્કાલિક એક્શન આવી હતી. પોલીસે હનીટ્રેપના આ રેકેટમાં સામેલ મુખ્ય એક મહિલા સહિત કરણ પટાટ, જિતેન્દ્ર ચૌહાણ અને એક અન્ય આરોપીની ધરપકડ કરી છે.

DySP નયના ગોરડીયાએ આ સફળ ઓપરેશન બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે જણાવ્યું કે ‘આ કેસમાં હજુ એક અજાણ્યો આરોપી ફરાર છે, જેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જો રાજુલા પંથકમાં અન્ય કોઈ વ્યક્તિ પણ આ પ્રકારે હનીટ્રેપનો શિકાર બની હોય, તો ડર્યા વગર રાજુલા પોલીસનો સંપર્ક કરે જેથી આ ટોળકીના અન્ય ગુનાઓનો પણ પર્દાફાશ થઈ શકે.’

Article : મેરેજ એનિવર્સરી

0

​સાંજનો સમય હતો. આકાશમાં કેસરી રંગની છાયા પથરાયેલી હતી. રોહન ઓફિસેથી આવ્યો ત્યારે ઘર એકદમ શાંત હતું. એણે જોયું તો રાગીણી રસોડામાં રાતની તૈયારી કરી રહી હતી. સફેદ સાડી અને માથે નાની બીંદી માં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
​રોહન ધીમે પગલે પાછળથી આવીને રાગીણી ને પોતાની બાહોમાં જકડી લીધી. તેના ગળા પર રોહનના ગરમ શ્વાસ સ્પર્શતા જ રાગીણી થથરી ગઈ.
​છોડો ને રોહન પ્લીઝ, જૂઓ બાળકો ગમે ત્યારે આવશે… રોહીણી એ થોડા ગભરાટ અને થોડા વહાલ સાથે કહ્યું.
​ના રાગીણી, *આજે નહીં છોડું… છેલ્લા પચ્ચીસ વર્ષ થી મને નશો છે તારો, અને તારા આ મહેનત ના અત્તર જેવા પરસેવાની સુગંધનો, રોહન ના અવાજમાં એક અજીબ ઘેન હતું. એણે રાગીણીના ગાલ પર એક હળવું ચુંબન કર્યું.
​રાગીણી એ પોતાનો હાથ રોહન ના હાથ પર મૂક્યો, “હા રોહન , મને ખબર છે પણ… અત્યારે કામ છે અને રીયા અને શીવાન રમવા ગયા છે, પાછા આવતા જ હશે.”
​પણ-બણ કંઈ નહીં યાર આજે ઓફિસમાં આખો દિવસ બસ તારા જ વિચાર આવતા હતા, રોહનએ રાગીણીને પોતાની તરફ ફેરવી અને તેની આંખોમાં આંખ પરોવી.
​રાગીણી ની નજરો ઝૂકી ગઈ. રોહનનો આ અંદાજ આજે કંઈક અલગ જ હતો. તે એક જીદ્દી પ્રેમી જેવો લાગતો હતો.
રૂમમાં હળવો અંધકાર હતો. રોહન જાણે ભાન ભૂલી ગયો હોય તેમ રાગીણી ને વળગી પડ્યો. રાગીણી ને સમજાઈ ગયું હતું કે આજે રોહનને પ્રેમ સિવાય બીજું કશું જ દેખાતું નથી.
​રોહન ગાંડોતૂર બનીને રાગીણી ને નિહાળી રહ્યો હતો. તેણે રાગીણી ને બચકું ભર્યું અને ધીમેથી કહ્યું, તું આજે પણ એટલી જ નવી લાગે છે જેટલી આપણી પહેલી રાત્રે લાગતી હતી.
​રાગીણી ના ચહેરા પર સ્મિત આવી ગયું. તેણે પોતાના હાથ રોહનના ગળા અને માથે ફેરવવા લાગી. રોહન સમજી ગયો.. બાહર શોરબકોર હતો, પણ આ ચાર દીવાલોની વચ્ચે અત્યારે ફક્ત બે પ્રેમી હૃદયોના ધબકારા સંભળાતા હતા..
​એ સાંજે, ઘરમાં વસંત આવી હતી. બાળકોના આવતા પહેલાની એ સાંજ ની થોડી પળો તેમના લગ્નજીવનના સૌથી સુંદર સંભારણામાં કેદ થઈ ગઈ.
​જ્યારે છેવટે રાગીણી એ રોહનની સુંવાળી છાતી પર માથું મૂક્યું, ત્યારે તેને સમજાયું કે જવાબદારીઓના બોજ નીચે પણ આ પ્રેમનો નશો જ છે જે જિંદગીને જીવવા જેવી બનાવે છે.
આ છે પતિ પત્ની ની સાચી મેરેજ એનિવર્સરી, કોઈ મોંધી ગીફ્ટ કે ભેટ સોંગાદ ની જરૂર નથી બસ રોહન અને રાગીણી ની જેમ, જીવન ને સમજો, એકબીજા ને સાથ આપો, પ્રેમની કોઈ ઉંમર હોતી નથી, ખાલી કદર કરો તો રોજ વસંત ની જેમ પ્રેમ ખીલી ઉઠશે..

✍️ ભરત પટેલ ઉમીયા ✍️

Rashi : 10 એપ્રિલ 2026નું રાશિ ભવિષ્ય

0

મેષ : નોકરી- ધંધાના કામ અંગે કે અન્ય કામકાજ અંગે આપે બહાર કે બહારગામ જવાનું બને. નોકર- ચાકર વર્ગ આપને મદદરૂપ થાય.

વૃષભ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી- બેચેની જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઇચ્છા થાય નહીં

મિથુન : આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. પરદેશના કામ અંગે મિલન- મુલાકાત થઈ શકે. કામનો ઉકેલ આવતો જાય.

કર્ક : આપના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર- દોડધામ- શ્રમમાં વધારો થાય.

સિંહ : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય, વાણીની મીઠાશથી લાભ- ફાયદો જણાય, મહત્ત્વના નિર્ણય લઈ શકો.

કન્યા : નોકરી- ધંધે જાવ તો ઘર- પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો આપને નોકરી- ધંધાની ચિંતા સતાવ્યા કરે. ખર્ચ જણાય.

તુલા : અડોશ- પડોશના કામમાં, ભાઈભાંડુના કામમાં આપે વ્યસ્ત રહેવાનું થાય. ધંધામાં કોઈ નવી વાતચીત આવે કે ઓર્ડર મળી રહે.

વૃશ્ચિક : આપના કામકાજની સાથે કૌટુંબિક- પારિવારિક કામ અંગે વ્યસ્તતા દોડધામ જણાય. બેંકના, વીમા કંપનીના કામ થાય.

ધન : આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી રાહત અનુભવાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય.

મકર : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ- મુશ્કેલીનો અનુભવ થાય. આકસ્મિક ખર્ચ- ખરીદીના લીધે નાણાંભીડ અનુભવાય.

કુંભ : આપના દોડધામ- શ્રમમાં ધીમે ધીમે ઘટાડો થતો જાય. સંતાનનો સાથ- સહકાર મળી રહેતા આપના કામનો ઉકેલ લાવી શકો.

મીન : આપના કાર્યની સાથે ઘર- પરિવાર, સગા- સંબંધી વર્ગ, મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ- શ્રમ રહે.

National : CBSEએ ખાડી દેશોની શાળાઓ માટે ઓપન કર્યું સ્પેશિયલ પોર્ટલ, વિદ્યાર્થીઓને થશે ફાયદો

વિદ્યાર્થીઓના માર્કસ શાળાઓ દ્વારા એક સમર્પિત ઓનલાઈન પોર્ટલના માધ્યમથી દાખલ કરાશે, જે દરેક શાળા માટે વ્યક્તિગત લોગિન દ્વારા ઉપલબ્ધ રહેશે. શાળાઓને બોર્ડની બીજી સૂચના મુજબ વિસ્તૃત માર્ગદર્શિકાનું કડક પાલન કરવાની શરત છે.

પશ્ચિમ એશિયાના કેટલાક દેશોમાં CBSE સાથે સંકળાયેલી શાળાના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક બોર્ડ પરીક્ષાઓ રદ થવાના પગલે પરિણામની પ્રક્રિયા હવે સુધારેલી સિસ્ટમ હેઠળ કરવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ પરીક્ષામાં થતા વિક્ષેપ વિદ્યાર્થીઓના પરિણામોની સમયસર જાહેરાત સુનિશ્ચિત કરવો છે.

કેન્દ્રીય મધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ ખાસ કરીને 12માં ધોરણના વિદ્યાર્થીઓ માટે માર્ક્સ અપલોડ કરવા માટે એક નિશ્ચિત વિન્ડો ખોલી છે. 27 માર્ચ, 2026ના રોજ બહાર આવેલી અધિકારીક સૂચના અનુસાર, પશ્ચિમ એશિયાના સૂચિત દેશોમાં આવેલા શાળાઓ 8 એપ્રિલથી 17 એપ્રિલ, 2026 સુધી આ માર્ક્સ અપલોડ કરી શકે છે. વિદ્યાર્થીઓના માર્કસ શાળાઓ દ્વારા એક સમર્પિત ઓનલાઈન પોર્ટલના માધ્યમથી દાખલ કરાશે, જે દરેક શાળા માટે વ્યક્તિગત લોગિન દ્વારા ઉપલબ્ધ રહેશે. શાળાઓને બોર્ડની બીજી સૂચના મુજબ વિસ્તૃત માર્ગદર્શિકાનું કડક પાલન કરવાની શરત છે.

શાળાઓ માર્કસ દાખલ કરતી વખતે અત્યંત સાવધાની રાખે. એકવાર ડેટા સબમિટ થઈ ગયા પછી તેમાં કોઈ સુધાર અથવા ફેરફારની મંજૂરી આપવામાં આવનાર નથી. આ પગલાથી પરિણામની પ્રક્રિયામાં કોઈ પણ વિસંગતિ ન આવે અને વિદ્યાર્થીઓને યોગ્ય અને સમયસર પરિણામ મળી શકે. આ ફેરફારથી પશ્ચિમ એશિયાના શાળા વિદ્યાર્થીઓને પણ અન્ય વિસ્તારોના વિદ્યાર્થીઓની જેમ સમયસર પરિણામ અને ગુણ મળવાની ગેરંટી મળશે. આ વ્યવસ્થા શાળા શિક્ષકો અને બોર્ડ બંને માટે પરિણામની તૈયારીને સરળ બનાવશે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સ્પષ્ટતા લાવશે.

Gujarat : નવસારી સુરત હાઇવે પર ભયાનક અકસ્માત, કાર પલટી મારી સામેના ટ્રેક પર ધસી ગઈ, એકનું મોત અને 3 ગંભીર

0

નવસારી-સુરત સ્ટેટ હાઇવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. કોલાસણા પાટીયા પાસે એક પૂરઝડપે આવતી સ્વિફ્ટ ડિઝાયર કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર પહોંચી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકો પૈકી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સ્વિફ્ટ ડિઝાયર કાર સુરતથી નવસારી તરફ આવી રહી હતી. કોલાસણા પાટીયા નજીક અચાનક ચાલકે કાબૂ ગુમાવતા કાર એટલી જોરદાર પલટી ખાઈ ગઈ હતી કે તે ઉછળીને સીધી સામેના રોડ (ટ્રેક) પર જઈ પડી હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. માર્ગ પરથી પસાર થતા અન્ય વાહનચાલકોએ તુરંત જ બચાવ કામગીરી શરૂ કરી હતી અને ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢ્યા હતા.

ઘટનાની જાણ થતા જ નવસારી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે પ્રથમ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આ મામલે કાયદેસરની તપાસ શરૂ કરી છે. હાઇવે પર અકસ્માતને પગલે થોડો સમય ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

World : હોર્મુઝ સ્ટ્રેટ ખુલતા જ નવું સંકટ: જહાજોને લેન્ડમાઈન્સથી બચાવવા ઈરાનની એડવાઈઝરી, સીઝફાયર પર જોખમ

0

અમેરિકા અને ઈરાન વચ્ચે બુધવારે (આઠમી એપ્રિલ) થયેલા બે અઠવાડિયાના યુદ્ધવિરામ (સીઝફાયર) બાદ હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી કાર્યરત થવાની આશા જાગી હતી, પરંતુ હવે ત્યાં લેન્ડમાઈન્સનું નવું સંકટ ઊભું થયું છે. ઈરાને આ મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પરથી પસાર થતા જહાજો માટે નવી નેવિગેશન એડવાઈઝરી જાહેર કરી છે, જેથી સમુદ્રના પેટાળમાં બિછાવેલી લેન્ડમાઈન્સથી જહાજોને બચાવી શકાય.

અહેવાલો અનુસાર, ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ નિર્દેશ આપ્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા તમામ જહાજોએ દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઈરાન દ્વારા નિર્ધારિત નવા કોરિડોર અને પેટર્નનું પાલન કરવું પડશે. ઈરાનનો દાવો છે કે યુદ્ધ દરમિયાન બિછાવેલી દરિયાઈ ખાણો (Sea Mines) જહાજો માટે જોખમી બની શકે છે, તેથી પ્રવેશ અને બહાર નીકળવા માટે ચોક્કસ રૂટ નક્કી કરવામાં આવ્યા છે.

અમેરિકા-ઈરાન સમજૂતી બાદ આ માર્ગ ખુલવાની જાહેરાત થઈ હતી, પરંતુ તાજેતરના અહેવાલો મુજબ સ્થિતિ વણસી છે. ઈરાનનો આરોપ છે કે ઈઝરાયલે લેબનોન પર હુમલા ચાલુ રાખીને યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કર્યું છે. કેટલાક અહેવાલો સૂચવે છે કે ઈઝરાયલી હુમલાના વિરોધમાં ઈરાને ફરીથી આ માર્ગ પર નિયંત્રણો લાદવાની શરૂઆત કરી છે.

નોંધનીય છે કે, 28મી ફેબ્રુઆરીથી શરૂ થયેલા યુદ્ધ દરમિયાન ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી. આ માર્ગ વૈશ્વિક ઉર્જા સુરક્ષા માટે અત્યંત મહત્વનો છે કારણ કે, વિશ્વના કુલ તેલ અને ગેસના પુરવઠાના લગભગ ૨૦ ટકા આ સાંકડી ગલીમાંથી પસાર થાય છે. જો આ માર્ગ ફરી બંધ થાય અથવા લેન્ડમાઈન્સને કારણે જહાજોને નુકસાન થાય, તો વૈશ્વિક સ્તરે ઈંધણના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે.

કરાર મુજબ ઈરાન અને અમેરિકા એકબીજા પર હુમલા ન કરવા અને શિપિંગ માર્ગ ખુલ્લો રાખવા સંમત થયા હતા. જોકે, આ કરારમાં ઈઝરાયલની ભૂમિકા અને લેબનોનમાં તેની સૈન્ય કાર્યવાહી હાલમાં સૌથી મોટો અવરોધ બની રહી છે. જો ઈઝરાયલ હુમલા બંધ નહીં કરે, તો આ 14 દિવસનો યુદ્ધવિરામ સમય પહેલા જ તૂટી શકે તેવી ભીતિ છે.

Ahmedabad : ‘નાની દુકાન છોડી મોટી કંપનીમાં જોડાયા’, રાજુ કરપડાના ભાજપ પ્રવેશ પર કોંગ્રેસના આકરા પ્રહાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ થયો છે. ખેડૂત નેતા તરીકે ઓળખાતા રાજુ કરપડાએ કેસરીયો ધારણ કરતા જ રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપો શરૂ થઈ ગયા છે. રાજુ કરપડાના ભાજપ પ્રવેશ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, જેઓ ખેડૂતોના હિતની વાતો કરતા હતા તે હવે સત્તાના મોહમાં ખેડૂતો સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે.

કોંગ્રેસ નેતા મનીષ દોશીએ કટાક્ષ કરતા કહ્યું કે, ‘ખેડૂત હિતની વાત કરનારા અને ખેડૂતોના નામે લાંબા સમય સુધી આંદોલન કરનારા રાજુ કરપડા હવે નાની દુકાન (આમ આદમી પાર્ટી) માંથી મોટી કંપની (ભાજપ)માં જોડાયા છે. અત્યાર સુધી જેઓ ખેડૂતોના પ્રશ્ને આંદોલનો કરતા હતા, તેઓ હવે ખેડૂતોની સમસ્યા મુદ્દે મૌન ધારણ કરી લેશે.’

કોંગ્રેસ પ્રવક્તાએ વધુમાં ઉમેર્યું કે, “અમે પહેલેથી જ કહેતા હતા કે આમ આદમી પાર્ટી એ ભાજપની ‘બી ટીમ’ છે. રાજુ કરપડાનો ભાજપ પ્રવેશ એ અમારા માટે કોઈ આશ્ચર્યની વાત નથી. કરપડાને પહેલા ‘વાયા’ મેસેજ આવતો હતો, હવે ભાજપમાં ગયા છે એટલે ‘ડાયરેક્ટ’ મેસેજ આવશે. ભાજપમાં જોડાયા બાદ તેઓ જે બોલ્યા તે બધું જ લખેલી સ્ક્રિપ્ટ મુજબનું હતું.”

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે જે લોકો ગઈકાલ સુધી સરકાર સામે ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતા હતા, તેઓ હવે એ જ સરકારના ખોળામાં જઈને બેસી ગયા છે. આ ખેડૂતોના ભરોસા સાથે મોટો વિશ્વાસઘાત છે. ભાજપમાં જોડાયા બાદ હવે તેઓ ખેડૂતોના પાયાના પ્રશ્નો ભૂલી જશે તેવો દાવો પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.

Gujarat Local Body Election 2026: નિષ્પક્ષ મતદાન માટે રાજ્ય ચૂંટણી આયોગનો મોટો નિર્ણય, 34 ઉચ્ચ અધિકારીઓની નિરીક્ષક તરીકે કરી નિમણૂક

0

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી આયોગે કમર કસી છે. ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ, મુક્ત અને ન્યાયપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી આયોગ દ્વારા રાજ્યના 34 ઉચ્ચ વહીવટી અધિકારીઓને વિવિધ જિલ્લાઓ માટે ચૂંટણી નિરીક્ષક (Election Observers) તરીકે નિયુક્ત કરવાનો મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે. આ અધિકારીઓમાં સિનિયર IAS અધિકારીઓનો પણ સમાવેશ થાય છે, જેમને અલગ-અલગ જિલ્લાઓની જવાબદારી સોંપાઈ છે.

રાજ્ય ચૂંટણી આયોગના સચિવ આર. જી. ગોહિલ દ્વારા જાહેર કરવામાં આવેલા હુકમ અનુસાર, અમદાવાદ મહાનગરપાલિકા અને જિલ્લાની જવાબદારી અવંતીકા સિંઘ ઔલખને સોંપવામાં આવી છે. તેવી જ રીતે, સુરત માટે ડૉ. વિનોદ રાવ, વડોદરા માટે લોચન સેહરા, રાજકોટ માટે આલોક કુમાર પાંડે અને ભાવનગર-બોટાદ જિલ્લા માટે કુ. આર્દ્રા અગ્રવાલની નિમણૂક કરવામાં આવી છે. આ નિરીક્ષકો મતદાન મથકોની મુલાકાત લેશે, આદર્શ આચાર સંહિતાનું પાલન કરાવશે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર સીધી દેખરેખ રાખશે.

નિયુક્ત કરાયેલા નિરીક્ષકોને મતદાનના દિવસ સુધીનો પ્રથમ અહેવાલ અને મતગણતરી બાદનો બીજો અહેવાલ આયોગને રજૂ કરવાના રહેશે. તેઓ મતદાન મથકે પ્રવેશ કરી શકશે, ઉમેદવારોના ખર્ચના રજિસ્ટર તપાસી શકશે અને EVM મશીનોના ઉપયોગ અંગેની તાલીમનું પણ નિરીક્ષણ કરશે. આ ઉપરાંત, સંવેદનશીલ વિસ્તારોમાં મતદાન દૂષિત ન થાય તેની ખાસ તકેદારી રાખવાની જવાબદારી પણ નિરીક્ષકોના શિરે રહેશે

આ ચૂંટણી નિરીક્ષકોની કામગીરી અને માર્ગદર્શન માટે તા. 10-04-2026ના રોજ બપોરે 12:00 કલાકે ગાંધીનગર સચિવાલય ખાતે એક મહત્વની બ્રીફિંગ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં તમામ અધિકારીઓને ચૂંટણીલક્ષી સાહિત્ય અને જરૂરી સૂચનાઓ પૂરી પાડવામાં આવશે. રાજ્ય ચૂંટણી આયોગના આ કડક પગલાથી ચૂંટણી પ્રક્રિયા વધુ પારદર્શક બનશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.

Surat : અમરોલીમાં 14 વર્ષની સગીરાની છેડતી કરનાર મજનૂ ઝડપાયો, રોમિયોગીરી કરનારા તત્વો પર પોલીસનો પ્રહાર

0

સુરતના અમરોલી વિસ્તારમાં દીકરીઓની સુરક્ષાને જોખમાવતી એક ઘટના સામે આવી છે, જેમાં પોલીસે સમયસર કાર્યવાહી કરીને એક મજનૂને જેલના સળિયા ગણતો કરી દીધો છે. માત્ર 14 વર્ષની સગીરા જ્યારે ટ્યુશન ક્લાસિસથી છૂટીને પોતાના ઘરે જઈ રહી હતી, ત્યારે આરોપી વિક્કી દીપકભાઈ રાઠોડ દ્વારા તેનો પીછો કરવામાં આવતો હતો. આરોપી સગીરાને રસ્તામાં આંતરીને તેની સાથે અસભ્ય વર્તન કરતો અને પજવણી કરતો હોવાની વિગતો બહાર આવી છે.

મળતી માહિતી મુજબ, આરોપી વિક્કી રાઠોડ વિદ્યાર્થિનીનો પીછો કરીને તેને પોતાની બાઈક પર બેસાડવા અને સાથે ફરવા જવા માટે સતત દબાણ કરતો હતો. સગીરા દ્વારા ઈનકાર કરવામાં આવવા છતાં આરોપી પોતાની હરકતોથી બાજ આવતો ન હતો. સતત થઈ રહેલી આ હેરાનગતિના કારણે ડરી ગયેલી માસૂમ દીકરીએ હિંમત ભેગી કરીને સમગ્ર મામલે પોતાના પરિવારને જાણ કરી હતી. પરિવારે આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

પરિવારની ફરિયાદના આધારે અમરોલી પોલીસ એક્શનમાં આવી હતી અને પીછો કરનાર આરોપી વિક્કી રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે જેથી અન્ય કોઈ આવા તત્વો દીકરીઓની છેડતી કરતા અટકે. પોલીસની આ ત્વરિત કામગીરીથી વિસ્તારના રહીશોમાં અને વાલીઓમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.

Ahmedabad : નોબલનગરમાં એરપોર્ટની દીવાલ નજીક જામી દારૂની મહેફિલ, વીડિયો વાઈરલ થતા બેની ધરપકડ

અમદાવાદ શહેરના નોબલનગરથી ભદ્રેશ્વર રોડ પર એરપોર્ટની દિવાલ નજીક જાહેરમાં દારૂની પાર્ટી કરી રહેલા શખસોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ એરપોર્ટ પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે આ મામલે ગણતરીના કલાકોમાં બે શખસોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર,નોબલનગરથી ભદ્રેશ્વર રોડ પર એરપોર્ટની દીવાલ નજીક ત્રણથી ચાર શખસોએ પોતાની કાર રસ્તા પર ઊભી રાખી હતી. અંધારાનો લાભ લઈને આ યુવકો કાર પાસે જ ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થતા એક જાગૃત નાગરિકે આ નજારો જોઈને પોતાના મોબાઈલમાં શૂટિંગ શરૂ કર્યું હતું. જ્યારે જાગૃત નાગરિકે દારૂ પી રહેલા શખસોની પૂછપરછ કરી અને વીડિયો ઉતારવાનું શરૂ કર્યું, ત્યારે શખસોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે આ યુવકો પોતાના ચહેરા છુપાવીને હાથમાં દારૂના ગ્લાસ સાથે જ અંધારામાં ભાગી રહ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા હતા.

સોશિયલ મીડિયા પર પુરાવા મળતા જ એરપોર્ટ પોલીસ સ્ટેશનની ટીમ હરકતમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને વીડિયો ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી હતી. પોલીસે મહેફિલ માણતા બે યુવકોને ઝડપી પાડ્યા છે. વીડિયોમાં દેખાતા અન્ય ફરાર શખસોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા શખસો સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.