Home Blog Page 177

National : સરસ્વતી ફાઉન્ડેશન દ્વારા વંચિત સમુદાયોના જીવનમાં ઉજાસ ફેલાવતા રાજુ પી. પુથ્રાણ

0

જાણો રાજુ પી. પુથ્રાણ અને સરસ્વતી ફાઉન્ડેશનની પ્રેરણાદાયી ગાથા. કેવી રીતે શિક્ષણ, આરોગ્ય અને સામાજિક કલ્યાણ દ્વારા તેઓ વંચિત સમુદાયોના જીવનમાં ઉજાસ ફેલાવી રહ્યા છે. ઉડુપિથી શરૂ થયેલી એક અદભૂત સેવાકીય સફર.

રાજુ પી. પુથ્રાણ એક દૃષ્ટિવાન અને સમર્પિત સામાજિક કાર્યકર છે, જેઓ વંચિત અને પછાત સમુદાયોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે નિઃસ્વાર્થ સેવા આપી રહ્યા છે.

વર્ષ 2012માં તેમણે સરસ્વતી ફાઉન્ડેશનની સ્થાપના કરી, જેનું મુખ્ય ઉદ્દેશ શિક્ષણ, આરોગ્ય, કલ્યાણ અને રોજગાર આધારિત કાર્યક્રમો દ્વારા જરૂરિયાતમંદોને સશક્ત બનાવવાનું છે. ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ, તબીબી સહાય, પુનર્વસન સહાય સાથે સાથે વૃદ્ધાશ્રમો, અનાથાશ્રમો અને કુદરતી આપત્તિ પીડિતોને સહારો આપે છે.

શિક્ષણ ફાઉન્ડેશનનું મુખ્ય કેન્દ્રબિંદુ છે. ઓરિયન્ટ ઇન્સ્ટિટ્યૂટ સાથેની ભાગીદારી દ્વારા વિદ્યાર્થીઓને ફ્રી માં રાહત આપવામાં આવે છે. સાથે સાથે બાળકો માટે સર્જનાત્મક સ્પર્ધાઓ અને આરોગ્ય શિબિરોનું આયોજન કરીને તેમની સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવામાં આવે છે.

સમુદાય વિકાસમાં પણ ફાઉન્ડેશન સક્રિય છે. વર્ષ 2013માં ઐતિહાસિક વિષ્ણુમૂર્તિ મંદિરના નવસર્જન કાર્યમાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું.

આ તમામ કાર્યો પાછળ સમર્પિત સ્વયંસેવકોની ટીમનો અવિરત સહયોગ છે, જેના કારણે સરસ્વતી ફાઉન્ડેશન આજે અનેક સમુદાયો સુધી પોતાની સેવા પહોંચાડી રહી છે.

રાજુ પી. પુથ્રાણની ઉડુપિની એક નાની ગામથી શરૂ થયેલી યાત્રા એ બતાવે છે કે બદલાવ લાવવા માટે મોટા સાધનો નહીં, પરંતુ સ્પષ્ટ હેતુ, અડગ સંકલ્પ, ટીમ વર્ક અને ફેરફાર લાવવાની ઇચ્છા જરૂરી છે.

Dakor : રણછોડરાયજી મંદિરમાં તિલક અને દક્ષિણા બાબતે ભક્ત-સેવક વચ્ચે બબાલ, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

0

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રણછોડરાયજી મંદિરના પરિસરમાં દર્શનાર્થે આવેલા એક પરિવાર અને તિલક કરનાર વ્યક્તિ વચ્ચે દક્ષિણા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેમાં બીભત્સ વર્તન અને આક્ષેપ-પ્રતિઆક્ષેપ જોવા મળી રહ્યા છે. અંતે મામલો થાળે પાડવા પોલીસને બોલાવવી પડી હતી.

મળતી માહિતી અનુસાર, એક ભક્ત પોતાના પરિવાર સાથે ઠાકોરજીના દર્શન કરવા ડાકોર આવ્યા હતા. મંદિરની બહાર તિલક કરનાર એક વ્યક્તિએ તેમને તિલક કર્યું હતું. તિલક કર્યા બાદ દક્ષિણા આપવા બાબતે બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. આ સામાન્ય ઝઘડો જોતજોતામાં ઉગ્ર બની ગયો હતો. બંને વચ્ચેની તકરાર મંદિરની બહારથી શરૂ થઈને મંદિરના અંદરના પરિસર સુધી પહોંચી હતી. મંદિરમાં પણ બંને વચ્ચે ભારે બોલાચાલી અને ઝઘડો થયો હતો. દર્શનાર્થી ભક્તે આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો અને બાદમાં તેને સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો છે. ભક્ત પરિવારનો આક્ષેપ છે કે તિલક કરનાર વ્યક્તિએ તેમની સાથે બીભત્સ વર્તન કર્યું હતું.

મામલો વધુ બિચકતા ભક્ત દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. જેને પગલે પોલીસની 112ની ટીમ તાત્કાલિક મંદિર પરિસરમાં પહોંચી હતી. પોલીસે અરજદારની રજૂઆત સાંભળ્યા બાદ, તિલક કરનાર વ્યક્તિને અટકાયતમાં લઈ પોલીસ મથકે લઈ ગઈ હતી. પોલીસ દ્વારા અરજદારની ફરિયાદ નોંધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.

આ ઘટના અંગે મંદિરના ઈન્ચાર્જ મેનેજરના જણાવ્યાનુસાર, તિલક અને દક્ષિણાને લઈને બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. તેઓ બહારથી ઝઘડતા-ઝઘડતા મંદિરની અંદર આવ્યા હતા. ત્યારબાદ ભક્તે પોલીસ બોલાવી હતી અને પોલીસની ટીમ આવીને તિલક કરનાર વ્યક્તિને લઈ ગઈ હતી.

Health Care Tips: બાળકને વારંવાર શરદી થાય છે ? તેની સામે રક્ષણ મેળવવાના આ રહ્યા 4 અસરકારક ઘરેલું ઉપાયો

0

દિલ્હી-એનસીઆર સહિત અનેક વિસ્તારોમાં ક્યારેક ધોધમાર વરસાદ તો ક્યારેક અચાનક ગરમીનો અનુભવ થાય છે. આ પ્રકારનું અનિશ્ચિત વાતાવરણ ખાસ કરીને બાળકો માટે જોખમી સાબિત થાય છે.

હાલમાં દેશભરમાં હવામાનમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. દિલ્હી-એનસીઆર સહિત અનેક વિસ્તારોમાં ક્યારેક ધોધમાર વરસાદ તો ક્યારેક અચાનક ગરમીનો અનુભવ થાય છે. આ પ્રકારનું અનિશ્ચિત વાતાવરણ ખાસ કરીને બાળકો માટે જોખમી સાબિત થાય છે. બાળકોની રોગપ્રતિકારક શક્તિ (Immunity) પુખ્ત વયના લોકોની સરખામણીએ ઓછી હોય છે, જેના કારણે બદલાતું તાપમાન તેમના શરીરને અનુકૂળ આવતું નથી અને તેઓ ઝડપથી શરદી-ઉધરસનો શિકાર બને છે. નિષ્ણાતોના મતે, કોવિડ પછી જન્મેલા બાળકોમાં રોગપ્રતિકારક શક્તિની ઉણપ વધુ જોવા મળી રહી છે, જે આ ઋતુમાં ચિંતાનો વિષય છે.

જો તમારા બાળકને પણ બદલાતી મોસમમાં વારંવાર ચેપ લાગતો હોય, તો ગભરાવાને બદલે રસોડામાં હાજર કુદરતી ઘટકોનો ઉપયોગ કરીને તમે તેમને સુરક્ષિત રાખી શકો છો. અહીં કેટલાક અસરકારક ઘરેલું ઉપાયો છે:

  1. કુદરતી વરાળ (સ્ટીમ):
    બાળકની છાતીમાં જમા થયેલો કફ સાફ કરવા માટે વરાળ આપવી એ સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ છે. સાદા પાણીને બદલે તેમાં તુલસીના પાન, તજ અને લવિંગ ઉમેરીને વરાળ આપવાથી ફેફસાં સાફ થાય છે. તુલસીમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ ગુણો ચેપ સામે લડવામાં મદદ કરે છે.
  2. જાદુઈ આયુર્વેદિક પોટલી:
    નાના બાળકો જેઓ વરાળ લેવા તૈયાર ન હોય, તેમના માટે આયુર્વેદિક પોટલી ખૂબ જ અસરકારક છે. તજ, લવિંગ, અજમો અને જાયફળને તવા પર શેકી લો. ત્યારબાદ તેમાં કપૂરનો નાનો ટુકડો ઉમેરી સુતરાઉ કાપડમાં બાંધી લો. બાળક જ્યારે સૂતું હોય ત્યારે તેની નજીક આ પોટલી રાખવાથી તેની સુગંધ શ્વાસ દ્વારા અંદર જશે અને શરદીમાં ત્વરિત રાહત આપશે.
  3. નાગરવેલના પાન અને અજમાનું પાણી:
    બે-ત્રણ નાગરવેલના પાન અને એક ચમચી અજમાને પાણીમાં ઉકાળી લો. આ પાણી ઠંડુ થયા પછી થોડી માત્રામાં બાળકને આપો. આનાથી માત્ર છાતીનો કફ જ દૂર નથી થતો, પરંતુ બાળકની પાચનશક્તિમાં પણ સુધારો થાય છે.
  4. આદુ, મધ અને કાળા મરીનું મિશ્રણ:
    આ મિશ્રણ આયુર્વેદમાં સર્વોત્તમ મનાય છે. આદુનો રસ, એક ચમચી મધ અને ચપટી કાળા મરીનો પાવડર મિશ્ર કરીને બાળકને આપો. કાળા મરી વિટામિન-સી થી ભરપૂર હોય છે અને આદુમાં એન્ટીઑકિસડન્ટ હોવાથી તે રોગપ્રતિકારક શક્તિને અંદરથી મજબૂત બનાવે છે.

બહારની દવાઓ લેતા પહેલા આ કુદરતી ઉપાયો અજમાવવાથી બાળકના શરીર પર કોઈ આડઅસર થતી નથી અને તે લાંબા ગાળા સુધી સ્વસ્થ રહી શકે છે. જો સમસ્યા વધુ ગંભીર હોય, તો ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે.

National : CBSEનો મોટો નિર્ણય: ધોરણ 6થી ‘ત્રીજી ભાષા’ ફરજિયાત, શાળાઓને 7 દિવસમાં નિયમ લાગુ કરવા આદેશ

0

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(CBSE) દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ(NEP) અંતર્ગત એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ હવે ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે ‘ત્રીજી ભાષા'(R3) ભણવી અનિવાર્ય બનશે. બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના સર્ક્યુલર અનુસાર, તમામ સંબધિત શાળાઓને આગામી 7 દિવસમાં આ આદેશનો અમલ કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે.

‘નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન 2023′(NCF-SE) પર આધારિત આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ભાષાકીય કૌશલ્ય, સાંસ્કૃતિક સમજ અને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવાનો છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે સત્તાવાર અભ્યાસક્રમ હજુ ઉપલબ્ધ ન હોવા છતાં, શિક્ષણ કાર્ય તાત્કાલિક શરૂ કરવું ફરજિયાત છે.

શાળાઓને સૂચના આપવામાં આવી છે કે જ્યાં સુધી પાઠ્યપુસ્તકો જાહેર ન થાય ત્યાં સુધી સ્થાનિક સ્તરે ઉપલબ્ધ અભ્યાસ સામગ્રીનો ઉપયોગ કરીને ભણાવવાનું શરૂ કરી દેવું. આ માટે શાળાઓએ પસંદ કરેલી ભાષાની વિગતો OASIS પોર્ટલ પર અપડેટ કરવાની રહેશે અને પ્રાદેશિક કચેરીઓને પણ આ અંગે જાણ કરવાની રહેશે. નોંધનીય છે કે ધોરણ 6માં જે ભાષાની પસંદગી કરવામાં આવશે, તે જ ભાષા ધોરણ 9 અને 10માં પણ વિકલ્પ તરીકે ઉપલબ્ધ રહેશે. CBSEના પ્રાદેશિક અધિકારીઓ આ અમલીકરણની પ્રક્રિયા પર સીધી દેખરેખ રાખશે અને ડેટા એકત્ર કરશે.

ત્રિભાષા(R3) મોડેલ મુજબ, ધોરણ 6થી 10ના વિદ્યાર્થીઓએ ત્રણ ભાષાઓ ભણવી પડશે. આ મોડેલની સૌથી મહત્ત્વની શરત એ છે કે પસંદ કરવામાં આવેલી ત્રણ ભાષાઓમાંથી ઓછામાં ઓછી બે ભાષાઓ ભારતીય મૂળની હોવી જોઈએ, જ્યારે ત્રીજી ભાષા તરીકે અંગ્રેજી અથવા કોઈપણ વિદેશી ભાષાની પસંદગી કરી શકાશે. આ નવી શિક્ષણ પદ્ધતિને તબક્કાવાર રીતે લાગુ કરીને વર્ષ 2031ની બોર્ડ પરીક્ષા સુધીમાં સંપૂર્ણપણે પ્રભાવી બનાવવાની યોજના છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં બહુભાષવાદ અને વિવિધ સંસ્કૃતિઓ પ્રત્યેનો આદર વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

શિક્ષણ બોર્ડે R1, R2, R3થી ત્રણ લેગ્વેજ ફોર્મ્યુલા બનાવી છે…

R1(Language 1): આમાં તે ભાષાનો સમાવેશ કરાયો, જે બાળક વધુ જાણે છે(જેમ કે ગુજરાતી) આ ભાષાને ઉચ્ચ સ્તરે ભણાવવામાં આવશે.

R2(Language 2): આમાં સ્ટાન્ડર્ડ લેવલની બીજી ભાષાનો સમાવેશ કરાયો છે અને આ ભાષા મધ્ય સ્તરે ભણાવવામાં આવશે.

R3(Language 3): આમાં નવી ફરજિયાત ભાષા સામેલ છે, જેની ધોરણ-6થી શરૂઆત થશે.

સૌથી ચોંકાવનારો ફેરફાર એ છે કે, નવા નિયમોમાં અંગ્રેજીને વિદેશી ભાષા ગણવામાં આવી છે. આનો અર્થ એ થયો કે, જો તમે બાળકને અંગ્રેજી ભણાવવા ઈચ્છો તો તેણે બે ભારતીય ભાષા (જેમ કે હિન્દી-ગુજરાતી અથવા હિન્દી-મરાઠી) ફરજિયાત પસંદ કરવી પડશે.

Ahmedabad : ‘બાળક તમારું નથી’ કહી સાસરિયાઓએ જમાઈને આપી જાનથી મારી નાખવાની ધમકી, મેઘાણીનગર પોલીસ મથકે ફરિયાદ

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં પિતૃત્વના વિવાદને લઈને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક 32 વર્ષીય યુવકે તેના સાસરિયાઓ સામે માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પત્નીએ ‘બાળક તમારું નથી’ તેવી ટિપ્પણી કર્યા બાદ શરૂ થયેલો આ પારિવારિક વિવાદ હવે પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

પોલીસ ફરિયાદ અનુસાર, કુબેરનગરના રહેવાસી 32 વર્ષીય મોહિત ખટનાએ ડિસેમ્બર 2024માં નાગપુરની ખુશી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. આ બંનેની મુલાકાત એક ઓનલાઈન મેટ્રિમોનિયલ પ્લેટફોર્મ દ્વારા થઈ હતી. લગ્ન બાદ પત્ની અમદાવાદ રહેવા આવી હતી. પત્ની ગર્ભવતી થતા ડિલિવરી માટે નાગપુર તેના પિયર ગઈ હતી. આ દરમિયાન 28મી જાન્યુઆરી 2026ના રોજ પુત્રીના જન્મ બાદ જ્યારે મોહિત નાગપુર ગયો, ત્યારે તેની પત્નીએ એવું કહીને ચોંકાવી દીધો હતો કે ‘આ બાળક તમારું નથી’. આ નિવેદન બાદ બંને પરિવારો વચ્ચે ભારે તણાવ સર્જાયો હતો.

મોહિત ખટનાએ પોતાની ફરિયાદમાં ગંભીર આરોપો લગાવતા જણાવ્યું છે કે, છઠ્ઠી ફેબ્રુઆરી 2026ના રોજ સાસુ લલિતા મોટઘરેએ ફોન પર અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે 19મી માર્ચના રોજ સસરા મોહન મોટઘરેએ ફોન કરીને ધમકી આપી હતી કે જો તે નાગપુર આવશે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે. પત્નીને પરત મોકલવાનો ઈનકાર કરીને સાસરિયાઓ સતત ફોન પર હેરાનગતિ કરી રહ્યા હોવાનો પણ દાવો કરાયો છે.

આ સમગ્ર મામલો આઠમી એપ્રિલના રોજ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં આ મામલે વિધિવત ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે પિતૃત્વના વિવાદ અને ધમકીના આરોપો અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને જરૂરી પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે.

Ahmedabad : અમદાવાદમાં વ્યાજખોરનો 30 હજાર સામે રૂ.13 લાખ પડાવ્યા, છતાં વેપારીને માર માર્યો

અમદાવાદ શહેરમાં વ્યાજખોરીનું દૂષણ ડામવા માટે પોલીસની કડક કાર્યવાહી છતાં વ્યાજખોરો બેફામ બન્યા છે. જેમાં નવરંગપુરા વિસ્તારમાં એક વેપારીને ધંધા માટે નાણાં ઉછીના આપ્યા બાદ માસિક 10 ટકા જેટલા ઊંચા વ્યાજની ઉઘરાણી કરીને 13 લાખ પડાવી લીધા હોવા છતાં વધુ નાણાં માટે વેપારીને માર મારી ધમકી આપવાની ઘટના સામે આવી છે. નવરંગપુરા પોલીસે આ મામલે ગુનો નોંધી વ્યાજખોર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નારણપુરા વિસ્તારમાં રહેતા અને સોલર સિસ્ટમનો વ્યવસાય કરતા 55 વર્ષીય જયેશભાઈ ડાહ્યાભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, નવેમ્બર 2024માં ધંધાના વિસ્તરણ માટે તેમને નાણાંની જરૂર હતી. આ દરમિયાન તેમની મુલાકાત ગીરીશ કોલ્ડ્રિંક્સ ચાર રસ્તા પાસે ચેહરભાઈ ઉર્ફે લાભુભાઈ રબારી સાથે થઈ હતી. શરૂઆતમાં જયેશભાઈએ 1.5 ટકા વ્યાજે 30,000 રૂપિયા લીધા હતા, જેના બદલામાં વ્યાજખોરે સિક્યોરિટી તરીકે સહી કરેલો કોરો ચેક પડાવી લીધો હતો.

ધીમે-ધીમે વ્યાજખોર લાભુભાઈએ વ્યાજનો દર વધારીને માસિક 10 ટકા કરી દીધો હતો. વેપારીએ કટકે-કટકે 2.5 લાખ અને ત્યારબાદ 1 લાખ એમ વધુ રકમ ઉછીની લીધી હતી. આ સામે વ્યાજખોરે અનેક કોરા ચેક અને પ્રોમિસરી નોટ લખાવી લીધી હતી. વેપારી વ્યાજ અને મુદ્દલ પેટે અત્યાર સુધીમાં આશરે રૂ.13 લાખ ચૂકવી ચૂક્યા છે, તેમ છતાં વ્યાજખોરની ભૂખ સંતોષાઈ નહોતી.

ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, 13 લાખની ચુકવણી બાદ પણ આરોપી લાભુભાઈ વધુ 4.10 લાખ રૂપિયાની માંગણી કરી રહ્યો હતો. આ નાણાં ન આપતા વ્યાજખોરે વેપારીને ફોન પર બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, એક વખત સામસામે મુલાકાત દરમિયાન આરોપીએ વેપારી પર હુમલો કરી શારીરિક ઈજાઓ પણ પહોંચાડી હતી.

વેપારીએ વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આખરે બેંક સ્ટેટમેન્ટ અને ટ્રાન્ઝેક્શનની વિગતો સાથે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ચેહરભાઈ ઉર્ફે લાભુભાઈ રબારી વિરુદ્ધ છેતરપિંડી, ધમકી, હુમલો અને ગુજરાત નાણાં ધીરનાર અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ તપાસમાં એવું પણ ખૂલ્યું છે કે, આરોપી લાયસન્સ વગર ગેરકાયદે રીતે પાન પાર્લર અને જાહેર રસ્તાઓ પર બેસીને વ્યાજ વટાવનો ધંધો કરતો હતો.

Maharashtra : બારામતીમાં સુનેત્રા પવારની બિનહરીફ જીત નિશ્ચિત! અજિત દાદાના સન્માનમાં કોંગ્રેસે ઉમેદવારી પાછી ખેંચી

0

મહારાષ્ટ્રના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બારામતી વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવારી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નિથલાએ ગુરુવારે જાહેરાત કરી હતી કે, પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજીત પવારના આકસ્મિક નિધન પ્રત્યે સન્માન વ્યક્ત કરતા પાર્ટી આ પેટાચૂંટણી નહીં લડે.

આ નિર્ણય પાછળ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP)ના સુપ્રીમો શરદ પવાર, સુપ્રિયા સુલે અને રોહિત પવારની મહત્વની ભૂમિકા રહી છે. આ નેતાઓએ કોંગ્રેસને વિનંતી કરી હતી કે, અજીત પવારના નિધનથી ખાલી પડેલી આ બેઠક પર તેમની પત્ની અને વર્તમાન નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવાર સામે કોઈ ઉમેદવાર ન ઉતારી ચૂંટણી બિનહરીફ કરાવવી જોઈએ. શરદ પવારે કહ્યું હતું કે, મહારાષ્ટ્રે એક કુશળ નેતા ગુમાવ્યા છે ત્યારે આ શ્રદ્ધાંજલિ રૂપે ઉચિત રહેશે.

ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપના નેતા ચંદ્રશેખર બાવનકુલેએ કોંગ્રેસને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો કોંગ્રેસ સુનેત્રા પવારને બિનહરીફ જીતવા નહીં દે તો તેનું પતન બારામતીથી જ શરૂ થશે. બીજી તરફ, કોંગ્રેસે અગાઉ એવી શરત મૂકી હતી કે, વિમાન દુર્ઘટનામાં અજીત પવારના મોત મામલે FIR નોંધાય તો જ તેઓ પીછેહઠ કરશે.

નોંધનીય છે કે, કોંગ્રેસના આકાશ મોરેએ ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ હાઈકમાન્ડની સૂચના બાદ તેઓ આજે ફોર્મ પરત ખેંચશે. 9 એપ્રિલ ઉમેદવારી પત્રો ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી હવે સુનેત્રા પવાર માટે બારામતીનો માર્ગ લગભગ સ્પષ્ટ થઈ ગયો છે. આ નિર્ણય મહારાષ્ટ્રમાં બદલાતા રાજકીય સમીકરણો અને સહાનુભૂતિના વમળ તરફ નિર્દેશ કરે છે.

National : મિડલ ઈસ્ટમાં સીઝફાયર બાદ હવે કતાર જશે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ, LNG સપ્લાય અંગે થશે વાતચીત

0

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંકટ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી આજથી કતારની બે દિવસની સત્તાવાર યાત્રા કરવાના છે. તાજેતરમાં જ ઈરાને ભયાનક હુમલા કરીને કતારના ગેસ ઉત્પાદનને ભારે નુકસાન પહોંચાડ્યું છે, ત્યારે હરદીપ સિંહ પુરીની આ મુલાકાત બંને દેશો માટે અને ભારતના ગેસ ઉદ્યોગ માટે ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે. ભારત કતાર પાસેથી મોટાપાયે લિક્વિડ નેચરલ ગેસ (LNG) કરીદે છે, તેથી પેટ્રોલિયમ મંત્રી ત્યાં LNGની સપ્લાયને લઈ મહત્ત્વની વાતચીત કરશે.

રિપોર્ટ મુજબ, ભારત પોતાની જરૂરીયાતમાંથી લગભગ 40 ટકા એલએનજી કતારથી આયાત કરે છે. તાજેતરના યુદ્ધમાં ઈરાને કતારના મોટા ગેસ પ્લાન્ટ પર મિસાઈલ હુમલા કર્યા હતા, જેના કારણે 17 ટકા નિકાસ કરવાની ક્ષમતાને અસર થઈ છે. કતરએનર્જીના રિપોર્ટ મુજબ નુકસાનગ્રસ્ત પ્લાન્ટને રિપેરિંગ કરવામાં ત્રણથી પાંચ વર્ષનો સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં ભારત તરફ આવતો ગેસ સપ્લાય ન અટકે તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. તેથી આ મુદ્દે ચર્ચા કરવા માટે હરદીપ સિંહ પુરી કતારના અધિકારીઓ સાથે મુલાકાત કરશે.

ભારતમાં ગેસ સપ્લાયનો સંકટ સર્જાવાન અફવાઓ વચ્ચે પેટ્રોલિય મંત્રાલયે મહત્ત્વની માહિતી આપી છે. મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે, દેશમાં રાબેતા મુજબ LPG સિલિન્ડરની સપ્લાય કરવામાં આવી રહી છે. સાત એપ્રિલે એક જ દિવસમાં 53.5 લાખથી વધુ એલપીજી સિલિન્ડરની સપ્લાય કરવામાં આવી છે. ગેસનું ઓનલાઈન બુકિંગ 95 ટકા પર પહોંચી ગયું છે, જેનાથી ઉત્પાદનથી લઈને ગ્રાહક સુધીની સપ્લાય ચેનમાં કોઈ સમસ્યા ન હોવાની સ્પષ્ટ થઈ ગયું છે. સિલિન્ડરની કાળાબજારી અટકાવવા માટે ‘ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ (DAC)’નો ઉપયોગ 91 ટકા વધી ગયો છે.

કેન્દ્ર સરકાર હવે દેશને માત્ર એક દેશ પર નિર્ભર રાખવા માંગતી નથી. સંકટ સમયે કોઈપણ અડચણ વગર પેટ્રોલ-ગેસ સપ્લાય ચાલુ રહે તે માટે ભારતે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને રશિયા જેવા નવા દેશો સાથે હાથ મિલાવ્યા છે. આ ઉપરાંત દેશમાં PNG કનેક્શનનો વિસ્તાર ઝડપથી વધારવામાં આવી રહ્યો છે. માર્ચ-2026 સુધીમાં લગભગ 3.87 લાખ ગ્રાહકોએ LPG છોડીને PNG કનેક્શન અપનાવ્યા છે. જ્યારે 4.21 લાખ ગ્રાહકોએ PNG કનેક્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

માર્ચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કતારના અમીર શેખ તમીમ બિન અમદ અલ થાની સાથે ફોન પર વાતચીત કરી હતી. પીએમ મોદીએ ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થયેલા હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી હતી. આ ઉપરાંત બંને દેશોના નેતાઓ વચ્ચે હોર્મુઝ જળમાર્ગેથી જહાજો સુરક્ષિત આવન-જાવન થાય, તે અંગે પણ વાતચીત થઈ હતી. ભારતે વર્ષ 2030 સુધીમાં કુલ ઊર્જા વપરાશમાં પ્રાકૃતિક ગેસનો ઉપયોગ 15 ટકા વધારવાનું લક્ષ્યાંક રાખ્યું છે.

Gandhinagar : રાજ્યમાં શિક્ષકોના પગારના ફાંફા, ગ્રાન્ટના અભાવે હજારો પરિવારોની મુશ્કેલી વધી, શૈક્ષિક સંઘે કરી રજૂઆત

રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા હજારો શિક્ષકો માટે ચાલુ માસ આર્થિક સંકટ લઈને આવ્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં શિક્ષકોનો ચાલુ માસનો પગાર હજુ સુધી થયો નથી, જેને પગલે શિક્ષકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. ગ્રાન્ટના અભાવે પગાર અટકી પડતા હવે આ મામલો રાજ્ય સરકારના દ્વારે પહોંચ્યો છે.

પગાર ન થવાને કારણે શિક્ષકોના ઘરના બજેટ ખોરવાયા છે, અને લોનના હપ્તા તેમજ અન્ય ખર્ચાઓ ચૂકવવામાં મુશ્કેલી પડી રહી છે. આ ગંભીર સ્થિતિને ધ્યાને લઈને ‘પ્રાથમિક શૈક્ષિક સંઘ’ દ્વારા રાજ્ય સરકારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. સંઘે માગ કરી છે કે, તાત્કાલિક ધોરણે પગાર માટેની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવે જેથી શિક્ષકોના ખાતામાં જમા થઈ શકે.

વારંવાર ઉભા થતા આ પ્રશ્નના કાયમી ઉકેલ માટે પણ સંઘે સરકાર સામે પ્રસ્તાવ મૂક્યો છે. રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, ભવિષ્યમાં આવી સ્થિતિ ફરીથી પેદા ન થાય તે માટે સરકારે દર મહિને એડવાન્સમાં ગ્રાન્ટ ફાળવવી જોઈએ. જો સમયસર ગ્રાન્ટ મળે તો વહીવટી પ્રક્રિયાને કારણે થતો વિલંબ ટાળી શકાય છે. અત્યારે તો હજારો શિક્ષકો આશા ભરી નજરે સરકાર તરફ જોઈ રહ્યા છે કે, ક્યારે તેમના મહેનતાણાની રકમ તેમના ખાતામાં જમા થાય છે. જો આગામી દિવસોમાં ગ્રાન્ટ રિલીઝ નહીં થાય તો શૈક્ષિક સંઘ દ્વારા આંદોલનાત્મક પગલાં લેવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે.

Sports : પાકિસ્તાન સુપર લીગમાં કોહલીનું નામ સાંભળીને ભડકી ઉઠ્યો બાબર આઝમ, કહ્યું,-‘આ અહીં જ ખતમ કરો’

0

પાકિસ્તાન સુપર લીગ (PSL) 2026માં બુધવારે 8 એપ્રિલ કરાચીના નેશનલ સ્ટેડિયમમાં પેશાવર જાલ્મીનો સામનો હૈદરાબાદ કિંગ્સમેન સામે થયો હતો. આ મુકાબલામાં બાબર આઝમની આગેવાનીમાં પેશાવર જાલ્મીએ 146 રનનો લક્ષ્યાંક છ વિકેટ ગુમાવીને છેલ્લી બોલે હાંસલ કર્યો હતો. મેચ બાદ કોહલી સાથે બાબર આઝમની સરખામણી કરવામાં આવતા તે નારાજ થઈ ગયો હતો.

મેચ બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પત્રકારે બાબર આઝમને પૂછ્યું કે તેમની સરખામણી અવારનવાર વિરાટ કોહલી સાથે કરવામાં આવે છે, પરંતુ કોહલી મેચ ફિનિશ કરવામાં વધુ સફળ માનવામાં આવે છે. આ સવાલ સાંભળતા જ બાબર ખૂબ જ નારાજ થઈ ગયો. બાબરે જવાબ આપતા કહ્યું, ‘આ અહીં જ ખતમ કરો, આવી વાતો તમારી પાસે રાખો. સરખામણી બંધ કરો. આ તમારી ગેરસમજ છે કે મેં મેચ ફિનિશ નથી કરી.’ બાબરનો આ જવાબ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ ગયો અને ચાહકો વચ્ચે ચર્ચા છેડાઈ ગઈ.

આ મુકાબલામાં બાબર આઝમે પેશાવર જાલ્મીને મજબૂત શરૂઆત અપાવી હતી. બાબરે 37 બોલમાં 43 રન બનાવ્યા હતા, જેમાં 6 ચોગ્ગા સામેલ હતા. બાબરે આ દરમિયાન કુસલ મેન્ડિસ સાથે મળીને બીજી વિકેટ માટે 51 રનની ભાગીદારી કરી હતી. જો કે 15મી ઓવરના છેલ્લા બોલ પર બાબર આઝમ આઉટ થયા બાદ મેચ રોમાંચક મોડ પર પહોંચી ગઈ હતી. અંતમાં ઈફ્તિખાર અહેમદની (અણનમ 15 રન) શાનદાર બેટિંગે ટીમને જીત અપાવી હતી.

પાકિસ્તાન સુપર લીગની ચાલુ સિઝનમાં બાબર આઝમે અત્યાર સુધી 2 મેચમાં 41.00ની સરેરાશ અને 126.15ના સ્ટ્રાઈક રેટથી 82 રન બનાવ્યા છે. આ જીત સાથે પેશાવર જાલ્મી પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે. હવે પેશાવર જાલ્મીનો આગામી મુકાબલો કરાચી કિંગ્સ સામે થવાનો છે.

બાબર આઝમ અને વિરાટ કોહલીની સરખામણી લાંબા સમયથી થતી રહી છે. બંને બેટ્સમેનો તેમની ક્લાસિક બેટિંગ, સાતત્ય અને મોટા રેકોર્ડ્સ માટે જાણીતા છે. 2021માં બાબરે ODI રેન્કિંગમાં કોહલીને પાછળ છોડી દીધો હતો. ત્યારબાદ 2023માં સૌથી ઝડપી 5000 ODI રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. જો કે બાબર ઘણી વખત કોહલી પ્રત્યે સન્માન વ્યક્ત કરી ચૂક્યો છે અને તેમને વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક માને છે.

પેશાવર જાલ્મીની જીત છતાં બાબર આઝમનો આ ગુસ્સો દર્શાવે છે કે સતત સરખામણીનું દબાણ ખેલાડીઓ પર કેટલી અસર કરે છે. PSL 2026માં આ મામલો હવે ચર્ચાનો વિષય બની ગયો છે અને ચાહકો વચ્ચે ચર્ચા ચાલુ છે કે શું દરેક ખેલાડીની સરખામણી કરવી યોગ્ય છે.