બોલીવુડથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રી સુધી ઘણા એવા અભિનેતા અને અભિનેત્રીઓ છે જેમણે પોતાના ઉત્તમ અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે. તન્નાઝ ઈરાની તેમાંથી એક છે.
તન્નાઝ ઈરાનીની જિંદગી કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી. તેમણે પોતાના જીવનમાં દર્દ અને સંઘર્ષનો ખૂબ સામનો કર્યો છે. એક્ટ્રેસે માત્ર 18 વર્ષની ઉંમરે લગ્ન કરી લીધા હતા અને 20 વર્ષની ઉંમરે તે મા પણ બની ગઈ હતી. પરંતુ, પોતાના પ્રેમ માટે તેમને સમાજ સામે લડવું પડ્યું હતું. જોકે, તે લગ્ન સફળ ન રહ્યા અને છૂટાછેડા થયા. પણ પછી જીવનમાં ફરી પ્રેમની એન્ટ્રી થઈ અને બધું બદલાઈ ગયું.
જ્યારે તે 18 વર્ષની હતી ત્યારે તેણે ફરીદ કરીમ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બે વર્ષ પછી દીકરી ઝૈનીનો જન્મ થયો. આ લગ્ન દરમિયાન પારસી સમાજે તેમનો ભારે વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, એક્ટ્રેસને સમાજમાંથી બહાર પણ કરી દેવામાં આવી હતી. પરંતુ પ્રેમ માટે તેણે બધું સહન કર્યું. જોકે આ લગ્ન લાંબો સમય ટક્યા નહીં અને પછી તેણે છૂટાછેડા લઈ લીધા.
એક ઇન્ટરવ્યુમાં તન્નાઝે જણાવ્યું હતું કે તેના પતિ થિયેટરમાં કામ કરતા હતા અને તેની એક્ટિંગ તેમજ સિંગિંગ ગમવાને કારણે તેણે લગ્ન કર્યા હતા. એક્ટ્રેસ અને તેના પતિ વચ્ચે 18 વર્ષનો તફાવત હતો. તન્નાઝ એ પણ જણાવ્યું કે પારસી સમાજે તેનો બહિષ્કાર કર્યો હતો અને તેના સામુદાયિક હકો છીનવી લીધા હતા. તેને અગિયારી (પારસી મંદિર) માં જવાની પણ મનાઈ કરી દેવામાં આવી હતી.
છૂટાછેડા પછી તેણે એક્ટિંગ શરૂ કરી. કહો ના પ્યાર હૈ તેની પહેલી ફિલ્મ હતી, જેમાં તેણે અમીષા પટેલની બહેનનો રોલ કર્યો હતો. ઘણી ફિલ્મો પછી તેણે ટીવી શોમાં કામ કરવાનું શરૂ કર્યું. એક શોના શૂટિંગ દરમિયાન તેની મુલાકાત બખ્તિયાર ઈરાની સાથે થઈ, જે તેનાથી 8 વર્ષ નાના હતા. બંને વચ્ચે પ્રેમ થયો અને પછી તેણે લગ્ન કરી લીધા. બીજા લગ્નથી એક્ટ્રેસને બે બાળકો છે.
સુરતના વરાછામાં સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ અને દુષ્કર્મ આચરનાર આરોપી અલ્પેશ મધુભાઈ ગોહિલની ધરપકડ વરાછા પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે.સુરતના વરાછા વિસ્તારમાં સગીર વયની દીકરીના અપહરણ અને દુષ્કર્મની ઘટનામાં લાંબા સમયથી વોન્ટેડ આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી છે. વરાછા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં આરોપી અલ્પેશ મધુભાઈ ગોહિલને દબોચી લેવામાં આવ્યો છે.
આ સમગ્ર કેસની વિગત મુજબ, આરોપી અલ્પેશ ગોહિલે સગીરાને લગ્નની લાલચ આપી પોતાની જાળમાં ફસાવી હતી. ત્યારબાદ સગીરાને તેના વાલીના કબજામાંથી ફોસલાવીને અપહરણ કરી ગયો હતો. આરોપી સગીરાને અલગ-અલગ સ્થળોએ લઈ ગયો હતો અને ત્યાં તેની મરજી વિરૂદ્ધ અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું.
ભોગ બનનાર સગીરાના પરિવાર દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આરોપી વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતાની અપહરણની કલમો તેમજ પોક્સો (POCSO Act) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ગુનો નોંધાયા બાદ આરોપી પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. વરાછા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીને શોધી કાઢ્યો છે અને હવે તેને કાયદાનું ભાન કરાવવાની તજવીજ હાથ ધરી છે.
સમાજમાં સગીરાઓ સાથે બનતી આવી ઘટનાઓને ડામવા માટે સુરત પોલીસ દ્વારા કડક કાર્યવાહીના આદેશો આપવામાં આવ્યા છે. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે, અને તેને કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
વડોદરા જિલ્લાના રાજકારણમાં છેલ્લા 24 કલાકમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે. રાયકા ગામના નિવાસી અને જિલ્લા પંચાયતના સદસ્ય કિરણસિંહ રાઠોડે પક્ષપલટાની એવી પલટી મારી કે, બંને મુખ્ય પક્ષોના નેતાઓ પણ અચંબિત થઈ ગયા. ભાજપ છોડી કોંગ્રેસમાં ગયેલા કિરણસિંહનો માત્ર એક જ દિવસમાં મોહભંગ થયો અને ઘર વાપસી કરીને પુનઃ ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો છે.
વડોદરા જિલ્લા પંચાયતના સદસ્ય કિરણસિંહ રાઠોડ છેલ્લા ત્રણ વર્ષથી ભાજપમાં સક્રિય હતા. જોકે, તાજેતરમાં કોંગ્રેસના અગ્રણીઓએ તેમનો સંપર્ક કર્યો હતો. આરોપ છે કે, કોંગ્રેસ દ્વારા તેમને અનેક પ્રકારની લોભામણી લાલચો, વચનો અને મોટા વાયદાઓ આપવામાં આવ્યા હતા. આ લાલચમાં આવીને કિરણસિંહે ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો.
કોંગ્રેસમાં જોડાયાના ગણતરીના કલાકોમાં જ કિરણસિંહને ભાન થયું કે, તેમને આપવામાં આવેલા વચનો માત્ર ‘હથેળીમાં ચાંદ’ બતાવવા જેવી વાતો હતી. કોંગ્રેસની આંતરિક સ્થિતિ અને વ્યવસ્થા જોઈને તેમનો મોહભંગ થયો હતો. કિરણસિંહે અનુભવ્યું કે જે લાલચો આપવામાં આવી હતી તે ક્યારેય પૂરી થવાની નથી. પરિણામે, એક જ દિવસમાં તેમણે પલટી મારી અને ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને પક્ષ પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા વ્યક્ત કરી.
ભાજપમાં પુનઃ જોડાયા બાદ કિરણસિંહ રાઠોડે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી જ એક સતત વિકાસશીલ પાર્ટી છે, જે પ્રજાકીય કાર્યોમાં માને છે. ભાજપ નાનામાં નાના માણસની ચિંતા કરે છે. કોંગ્રેસે મને લાલચ આપીને બોલાવ્યો હતો, પરંતુ 24 કલાકમાં જ મને સત્ય સમજાઈ ગયું અને મેં ફરીથી માતૃસંસ્થામાં આવવાનો નિર્ણય કર્યો.
આ ઘટનાને પગલે વડોદરાના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી છે. કોંગ્રેસ માટે આ એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે એક મજબૂત સદસ્યને પોતાની તરફ ખેંચ્યાના એક જ દિવસમાં ગુમાવવો પડ્યો છે. બીજી તરફ, ભાજપે ફરી એકવાર સાબિત કર્યું છે કે તેમના સક્રિય કાર્યકરોને લાંબો સમય પક્ષથી દૂર રાખવા મુશ્કેલ છે.
આમ આદમી પાર્ટી (AAP) માંથી રાજીનામું આપનારા ગુજરાતના ફાયરબ્રાન્ડ યુવા નેતા રાજુ કરપડા આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાઈ ગયા છે. ગુજરાત વિધાનસભાની આગામી પેટાચૂંટણીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પૂર્વે આમ આદમી પાર્ટીના સંગઠનમાં ગાબડું પડ્યું છે. ‘આપ’ ના મજબૂત નેતા ગણાતા રાજુ કરપડાએ કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે. ભાજપના પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે વરિષ્ઠ નેતાઓની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા હતા.
આમ આદમી પાર્ટીના પૂર્વ ખેડૂત નેતા રાજુ કરપડા સત્તાવાર રીતે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ભાજપના આગેવાનોની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને માત્ર રાજુ કરપડા જ નહીં, પરંતુ તેમની સાથે અમૃત મકવાણા, નીતિન પટેલ, કે. ડી. ઝાલા, રાજેન્દ્ર સિંહ રાઠોડ અને ધીરુભાઈ મેલાલિયા જેવા અન્ય અગ્રણી નેતાઓએ પણ ભાજપનો સાથ સ્વીકાર્યો છે. આ નેતાઓના જોડાવાથી ભાજપનું સંગઠન વધુ મજબૂત બનશે તેમ માનવામાં આવે છે.
ભાજપમાં જોડાયા બાદ રાજુ કરપડાએ ભાવુક નિવેદન આપતા જણાવ્યું હતું કે, “મેં 2017-18થી ખેડૂત સંગઠન ચલાવીને ખેડૂતોનો અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું હતું. ૨૦૨૧માં હું એક ચોક્કસ પક્ષમાં જોડાયો જેથી ખેડૂતોનો અવાજ બુલંદ બનાવી શકાય. જ્યારે પણ કુદરતી આફતો આવી, ત્યારે મેં ખેડૂતો માટે અવાજ બનવાનો પ્રયાસ કર્યો છે.”તેમણે વધુમાં ઉમેર્યું કે, “મને સમજાયું છે કે સરકાર સામે માત્ર વિરોધ પ્રદર્શન કરવાથી ખેડૂતોનું હિત નથી થતું, તેનાથી માત્ર નેતાનો ચહેરો ચમકે છે. ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે સત્તા અને સરકારના સાથની જરૂર છે. હું જ્યારે જેલમાં હતો ત્યારે સરકારે રાહત પેકેજ આપ્યું હતું, જેનાથી ખેડૂતોને ખરેખર ફાયદો થયો હતો. આથી, ખેડૂતોના હિત માટે હું ભાજપમાં જોડાયો છું.”
રાજુ કરપડા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારના છે. 2017-18ના સમયગાળા દરમિયાન કપાસ અને મગફળીના ભાવો તેમજ પાક વીમા મુદ્દે તેમણે આક્રમક આંદોલનો કરીને ખેડૂત નેતા તરીકે ઓળખ બનાવી હતી. વર્ષ 2021માં તેઓ આમ આદમી પાર્ટી (AAP) માં જોડાયા હતા. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે ચોટીલા બેઠક પરથી ‘આપ’ની ટિકિટ પર ચૂંટણી પણ લડી હતી. ખેડૂતોના પ્રશ્ને આંદોલન કરવા બદલ તેઓ ઘણી વખત જેલ પણ જઈ આવ્યા છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી પક્ષની આંતરિક નીતિઓથી નારાજ થઈ તેમણે ‘આપ’માંથી રાજીનામું આપ્યું હતું અને હવે તેઓ સત્તાધારી પક્ષ ભાજપના સાથી બન્યા છે.
રાજુ કરપડા ગુજરાતના રાજકારણમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં એક લડાયક યુવા નેતા તરીકે જાણીતા છે.
ખેડૂત આંદોલન અને લોકપ્રશ્નો: રાજુ કરપડાએ સૌરાષ્ટ્રમાં વીમાના પ્રશ્ને અને ખેડૂતોના પડતર પ્રશ્નો માટે અનેક વખત આક્રમક આંદોલનો કર્યા હતા.
ગઢડા વિધાનસભા બેઠક: 2022 ની વિધાનસભા ચૂંટણી દરમિયાન તેઓ ગઢડા બેઠક પરથી ‘આપ’ ના મજબૂત ઉમેદવાર તરીકે મેદાનમાં હતા, જ્યાં તેમણે ભાજપ અને કોંગ્રેસ બંનેને કડી ટક્કર આપી હતી.
સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા: તેઓ પાયાના કાર્યકર તરીકે જાણીતા છે અને સોશિયલ મીડિયા પર તેમની મોટી ફેન ફોલોઈંગ છે, જે યુવા મતદારો પર પ્રભાવ પાડે છે.લડાયક મિજાજ: સરકારની નીતિઓ સામે અવારનવાર રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવાને કારણે તેમની ગણના આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી નેતા તરીકે થતી હતી.
રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને વિકાસની રાજનીતિથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાયા છે. તેમણે ઉમેર્યું કે, કાર્યકરોની ઉપેક્ષા અને પક્ષની આંતરિક કાર્યશૈલીને કારણે તેમણે ‘આપ’ સાથે છેડો ફાડ્યો છે. તેમના ભાજપમાં આવવાથી અમરેલી અને ગઢડા પંથકમાં ભાજપના સંગઠનને વધુ મજબૂતી મળવાની શક્યતા છે
ગઈકાલે ટ્રાફિક બ્રાન્ચમાં આઈજી (IG) તરીકે ફરજ બજાવતા વર્ષ 2006ની બેચના IPS અધિકારી મનોજ નિનામાએ પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે. જ્યારે તેઓ આજે સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ ગયા હતા. તેઓ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી શકે છે.
બુધવારે યોજાયેલી રોમાંચક મેચમાં ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને 1 રનથી હરાવ્યું. શુભમન ગિલ સહિત ગુજરાતના 3 બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી, જેના કારણે ટીમ 210 રનના સ્કોર સુધી પહોંચી શકી હતી. દિલ્હી તરફથી કે.એલ. રાહુલે 92 અને પથુમ નિસાંકાએ 41 રન બનાવી સારી શરૂઆત આપી હતી. ડેવિડ મિલર છેલ્લે સુધી લડ્યો પણ અંતે ગુજરાતનો વિજય થયો. મેચ બાદ ગિલ પર 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
સ્લો-ઓવર રેટને કારણે શુભમન ગિલ પર દંડ કરવામાં આવ્યો છે. IPLના નિવેદન મુજબ, દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ધીમી ઓવર ગતિ રાખવા બદલ ગુજરાતના કેપ્ટન શુભમન ગિલને દંડ થયો છે. આ સીઝનમાં ટીમનો આ પહેલો ગુનો હોવાથી ગિલ પર 12 લાખ રૂપિયાનો દંડ લાગ્યો છે. જો ગુજરાત ટાઇટન્સ ફરી આવી ભૂલ કરશે, તો કેપ્ટન પર 24 લાખ અને બાકીના ખેલાડીઓ પર 12-12 લાખનો દંડ થશે. જોકે, હવે ત્રીજી ભૂલ પર કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ મુકવાનો નિયમ હટાવી દેવામાં આવ્યો છે.
10 ઓવર પહેલા દિલ્હી કેપિટલ્સનો સ્કોર 100ને પાર પહોંચી ગયો હતો અને ટીમ જીત તરફ હતી, પણ સતત વિકેટ પડવાને કારણે દિલ્હી પાછળ રહી ગયું. ડેવિડ મિલરે અંતમાં તોફાની બેટિંગ કરીને દિલ્હીને જીતની નજીક પહોંચાડ્યું હતું, પણ છેલ્લા બોલે તે રન બનાવી શક્યો નહીં. રાશિદ ખાને શાનદાર બોલિંગ કરી, તેણે 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેણે નીતીશ રાણા (5), સમીર રિઝવી (0) અને અક્ષર પટેલ (2) ની મહત્વની વિકેટો લીધી હતી. રિઝવીએ છેલ્લી બે મેચમાં અડધી સદી ફટકારી હતી, પણ રાશિદ ખાને તેને ખાતું પણ ખોલવા દીધું નહીં.
લોસ એન્જલસની અદાલતે ‘ફ્રેન્ડ્સ’ ટીવી શોના સ્ટાર મેથ્યુ પેરીના મૃત્યુ માટે જવાબદાર મહિલાને 15 વર્ષની જેલની સજા ફટકારી છે. ‘કેટામાઇન ક્વીન’ તરીકે કુખ્યાત 42 વર્ષીય જસવીન સંઘાએ મેથ્યુને જીવલેણ ડ્રગ્સ સપ્લાય કર્યા હતા.
ભારતીય મૂળની જસવીન સંઘા બ્રિટનમાં 1983માં પંજાબી પરિવારમાં જન્મી હતી. અમેરિકા અને બ્રિટનની બેવડી નાગરિકતા ધરાવતી જસવીન હોલીવુડની હાઇ પ્રોફાઇલ સેલિબ્રિટીઓને ડ્રગ્સ પૂરા પાડતી હતી. તે પોતાને ‘VIP સેલિબ્રિટીઝ’ માટેની ‘સ્પેશિયલ ડીલર’ તરીકે ઓળખાવતી હતી.
સુપરહિટ શો ‘ફ્રેન્ડ્સ’માં ચાન્ડલર બિંગની ભૂમિકા ભજવતો મેથ્યુ પેરી લાંબા સમયથી ડ્રગ્સના વ્યસન સામે લડી રહ્યો હતો. ઓક્ટોબર, 2023માં લોસ એન્જલસ ઘરના હોટ ટબમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસમાં જણાયું હતું કે કેટામાઇનના ઓવરડોઝને કારણે તેનું મૃત્યુ થયું હતું.
જસવીન સંઘાએ મેથ્યુના મૃત્યુના ચાર દિવસ પહેલાં તેને (તેના અંગત સહાયક મારફતે) $6,000 માં કેટામાઇનની 25 બોટલો વેચી હતી. તેણીના ઘરે દરોડા દરમિયાન પોલીસને કેટામાઇનની 79 બોટલો, મેથામ્ફેટામાઇનની હજારો ગોળીઓ અને કોકેન મળી આવ્યા હતા. તેણી પાસે પૈસા ગણવાનું મશીન અને ડ્રગ્સ પેક કરવાનો સામાન પણ હતો.
મેથ્યુ પેરીની સાવકી માતા ડેબી પેરીએ કોર્ટમાં કહ્યું હતું કે, ‘જસવીનને કારણે અમને કદી ન પુરાય એવી ખોટ પડી છે. કૃપા કરીને આ નિર્દય મહિલાને મહત્તમ સજા આપો.’ મેથ્યુના સાવકા પિતાએ પણ મેથ્યુના અકાળ મૃત્યુ બાબતે બહુ અફસોસ વ્યક્ત કર્યો હતો.
જસવીન સંઘા કોર્ટમાં રડી પડી હતી. તેણે કહ્યું હતું કે, ‘હું દરરોજ માફી માંગું છું. મારા નિર્ણયોએ લોકોના જીવન બરબાદ કર્યા છે.’ જોકે, ન્યાયાધીશે એ વાતની નોંધ લીધી હતી કે તેણીએ ધરપકડ બાદ કોઈ પસ્તાવો દર્શાવ્યો ન હતો, જેના કારણે તેને 15 વર્ષની સજા કરવામાં આવી છે.
આ કેસમાં મેથ્યુ પેરીના અંગત સહાયક કેનેથ ઇવામાસા અને બે ડોકટરો (સાલ્વાડોર પ્લાસેન્સિયા અને માર્ક ચાવેઝ) સહિત કુલ 5 લોકો આરોપી હતા. ડો. પ્લાસેન્સિયાને 30 મહિનાની જેલ થઈ છે, જ્યારે ડો. ચાવેઝને હોમ ડિટેન્શનની સજા કરવામાં આવી છે.
મહેસાણા મહાનગરપાલિકામાં નવા સમાવેશ કરવામાં આવેલાં 24 ગામો પૈકીના તાવડિયા, ઉચરપી, શોભાસણ, ડેલા, રામપુરા વગેરે ગામોના લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારના તાવડિયા ગામમાં ગઈકાલે ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાડવામાં આવ્યા બાદ આજે બુધવારે ઉચરપી ગામના લોકોએ પણ મહાપાલિકા સામે બાંયો ચઢાવી ચૂંટણી બહિષ્કારનો બુંગિયો ફૂંક્યો છે. ગ્રામજનોએ તો ચૂંટણીમાં પ્રચાર-પ્રસાર કરવા માટે કોઈપણ રાજકીય પક્ષોને ગામમાં નહીં પ્રવેશવાનું અલ્ટીમેટમ આપવા સાથે ચૂંટણી બહિષ્કારના બેનરો ગામના પ્રવેશ દ્વાર પર લગાવી દેતાં મહેસાણાના રાજકારણમાં ગરમાટો આવ્યો છે.
નવરચિત મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નજીકના બે ડઝન જેટલા ગામોને સમાવવામાં આવ્યા છે. જો કે, મહાપાલિકામાં સમાવેશ કરવા સામે તાવડિયા, ઉચરપી, શોભાસણ, ડેલા, રામપુરા (કુકસ) વગેરે ગામોના લોકોએ ભારે વિરોધ કર્યો છે.
દરમિયાનમાં ગઈકાલે તાવડિયા ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાડ્યા હતા. જેના પગલે આજે બુધવારે ઉચરપી ગામના લોકોએ પણ મહાપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનું એલાન કરી ગામમાં ‘કોઈપણ રાજકીય પક્ષે પ્રચાર પ્રસાર કરવા માટે પ્રવેશ કરવો નહીં’ તેવા બેનરો લગાવી દીધાં હતાં. જેના પગલે સ્થાનિક રાજકારણમાં હડકંપ મચી ગયો છે. ગોપનીય વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ રાજકીય ખેરખાઓએ તાવડિયા, ઉચરપી વગેરે ગામોના લોકોને ચૂંટણીમાં મતદાન કરવા સમજાવવા માટેની કવાયત હાથ ધરી છે. જો કે, વિકાસના નામે ખેડૂતોની ખેતીલાયક જમીનો રસ્તાઓ તથા ઔદ્યોગિક વસાહતો ઉભી કરવાના ખપ્પરમાં હોમાઈ રહી હોવાનો ચણભણાટ લોકોમાં થતો હતો.
ગ્રામજનોને ખેતીની જમીનો કપાત થતાં તેમના જીવન નિર્વાહની તકલીફની સાથે તેમના ખેડૂત તરીકેના અસ્તિત્વ સામે જોખમ ઊભું થઈ રહ્યાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક ખેડૂત આગેવાનના જણાવ્યા અનુસાર ઉચરપી ગામની ભૌગોલિક સ્થિતિ પહેલેથી જ મર્યાદિત જમીન ધરાવે છે. ગામના સીમાડા પર માંડ એકાદ કિલોમીટરના અંતરે બે હાઈવે રાધનપુર-શામળાજી-ઈડર પસાર થનાર છે. આ બંને હાઈવે વચ્ચે 80 મીટરનો રીંગ રોડ મંજૂર કરાયો છે. આટલું ઓછું હોય તેમ 24 મીટરના ટી.પી. રોડ પણ મંજૂર કરવામાં આવ્યા છે. તેમજ ખેડૂતોની ખેતીલાયક જમીનોને ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં સમાવી લેવા આવી છે. ગ્રામજનોએ બળાપો ઠાલવતાં કહ્યું કે, જો જીઆઈડીસીમાં ઈન્ડસ્ટ્રી ઝોનની પરવાનગી મેળવ્યા બાદ આખરે તો શોપિંગ સેન્ટર તથા રહેણાંકી મકાનો બનાવવાના હોય તો નવા ઝોન માટે ખેતીલાયક જમીનોને છીનવી લઈને ખેડૂતોને બરબાદ નહીં કરવા અનુરોધ કર્યો હતો.
ઉચરપી ગામના ખેડૂત અગ્રણીએ હૈયાવરાળ ઠાલવતાં કહ્યું કે, ઉચરપી ગામના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય પર નભી રહ્યાં છે. અહીં આશરે 240 ફૂટ એટલે કે, 80 ફૂટ પહોળા રસ્તાઓ અને જુદી જુદી ટી.પી. સ્કીમોના લીધે ગ્રામજનોની 50% થી વધુ જમીન કપાતમાં જઈ રહી છે. ખોબા જેવડા ગામના ખેડૂતોને પાયમાલી તરફ ધકેલતાં વર્ષ 2047ના આયોજન સામે લોકોનો વિરોધ જાગ્યો છે.
જો જમીન જ નહીં હોય તો પશુપાલન પર નભતા લોકોનો દૂધનો વ્યવસાય ભાંગી પડવાની સાથે આજીવિકા પણ છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. ગામની કપાત થતી જમીનમાં નવા રસ્તાઓ, ઔદ્યોગિક વસાહત નિર્માણને રદ કરવા અને ફરીથી એગ્રિકલ્ચર ઝોનમાં સમાવવાની માંગણી લોકો કરી રહ્યાં છે. જ્યાં સુધી ઉચરપી ગામના લોકોની માગણી સામે હકારાત્મક વલણ દાખવવામાં નહીં આવે તો માત્ર મહાનગરપાલિકા જ નહીં પરંતુ આગામી વિધાનસભા સહિતની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો અને રાજકીય નેતાઓને ગામમાં નહીં પ્રવેશવા દેવામાં આવે.
પશ્ચિમ બંગાળની ચૂંટણીની તૈયારીઓને લઈને આયોજિત એક રિવ્યૂ મીટિંગમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ઉત્તર પ્રદેશ કેડરના IAS અધિકારી અનુરાગ યાદવ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાની ઘટના સામે આવી છે. અનુરાગ યાદવને બંગાળના કૂચ બિહારમાં ચૂંટણી નિરીક્ષક(ઓબ્ઝર્વર) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન જ્યારે મુખ્ય ચૂંટણી કમિશનરે તેમને પોલિંગ બૂથની સંખ્યા જેવા પાયાના સવાલો પૂછ્યા, ત્યારે જવાબ આપવામાં વિલંબ થતા મામલો બિચક્યો હતો. કમિશનરે કરેલી કોઈ ટિપ્પણી સામે વાંધો ઉઠાવતા IAS અનુરાગ યાદવે કડક શબ્દોમાં કહ્યું હતું કે, ‘તમે અમારી સાથે આ રીતે વાત ન કરી શકો, મેં પણ આ સેવામાં 25 વર્ષ પસાર કર્યા છે.’
આ ઘટના બાદ બેઠકમાં થોડીવાર માટે સોપો પડી ગયો હતો અને બાદમાં અન્ય વિષયો પર ચર્ચા કરીને મીટિંગ પૂર્ણ કરવામાં આવી હતી. આ વિવાદ બાદ હવે મોટા સમાચાર એ સામે આવ્યા છે કે અનુરાગ યાદવને ઓબ્ઝર્વરના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. જોકે, ચૂંટણી પંચના સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે તેમને કોઈ બહેસના કારણે નહીં, પરંતુ કામગીરીમાં અક્ષમ રહેવા બદલ હટાવવામાં આવ્યા છે. પંચના અધિકારીના જણાવ્યા અનુસાર, લાંબો સમય ક્ષેત્રમાં વિતાવ્યા બાદ પણ જો કોઈ વરિષ્ઠ અધિકારી પાયાની વિગતો ન આપી શકે તો તે ગંભીર બાબત ગણાય.
અનુરાગ યાદવ હાલમાં ઉત્તર પ્રદેશ સરકારમાં સામાજિક કલ્યાણ અને સૈનિક કલ્યાણ વિભાગમાં પ્રધાન સચિવ તરીકે કાર્યરત છે. અગાઉ તેઓ આઈટી વિભાગમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. ચૂંટણી પ્રક્રિયામાં ઓબ્ઝર્વરની ભૂમિકા અત્યંત મહત્ત્વની હોય છે, કારણ કે તેઓ પંચની આંખ અને કાન સમાન માનવામાં આવે છે. આવા જવાબદાર પદ પર હોવા છતાં માહિતી આપવામાં વિલંબ અને ત્યારબાદ સર્જાયેલા વિવાદને કારણે પંચે આ કડક પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)ની 19મી સીઝન ચાલી રહી છે અને બુધવાર સુધીમાં 14 મેચ રમાઈ ચૂકી છે. આ વચ્ચે હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ લીગ માટે કેટલાક કડક નવા નિયમો બનાવ્યા છે. બોર્ડે નવો નિયમ લાગુ કર્યો છે કે મેચ શરૂ થયા પછી એક ટીમના ફક્ત 16 લિસ્ટેડ ખેલાડીઓને જ મેદાનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. બાકી સરપ્લસ ખેલાડીઓ ટીમના ડગઆઉટમાં જ રહેશે અને તેમને સીમા રેખા (બાઉન્ડ્રી લાઈ) પાર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
આ નવા નિયમ પ્રમાણે મેચ દરમિયાન ફક્ત ટીમ શીટ પર નામ ધરાવતા ખેલાડીઓને જ મેદાનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. શીટમાં ફક્ત 16 ખેલાડીઓને લિસ્ટેડ કરવાની મંજૂરી હશે.
રિપોર્ટ પ્રમાણે નવા નિયમ પ્રમાણે દરેક ટીમ પોતાના ખેલાડીઓની શીટમાં 16 ખેલાડીઓ સામેલ કરી શકે છે. તેમાં 11 ખેલાડીઓ પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે. આ ઉપરાંત ઈમ્પેક્ટ સબના રૂપમાં 1 અને 4 ખેલાડીઓને રિઝર્વ તરીકે રાખવામાં આવી શકે છે. આ 16 ખેલાડીઓ ઉપરાંત ટીમના અન્ય કોઈ પણ સભ્યોને મેદાનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
આ નવા નિયમનો અર્થ એ થયો કે ટીમ શીટમાં સામેલ નહીં હોય તેવા ખેલાડીઓ ડ્રિંક્સ, બેટ અથવા ગ્લવ્ઝ લઈને મેદાનમાં નહીં જઈ શકશે. તેઓ અન્ય ખેલાડીઓ સુધી કોઈ મેસેજ પણ પહોંચાડી શકશે નહીં. બાઉન્ડ્રી લાઈન પર ફક્ત પાંચ ખેલાડીઓ જ બિબ પહેરીને ફરી શકશે. બાકીના ખેલાડીઓએ ડગઆઉટમાં જ રહેવું પડશે.
હાલ એ સ્પષ્ટ નથી કે, જો ફિલ્ડિંગ ટીમને વધારાના ફિલ્ડરની જરૂર પડે, તો તેણે પ્લેઈંગ ઈલેવનની યાદીમાં સામેલ ખેલાડીઓમાંથી જ પસંદગી કરવી પડશે કે પછી બાકી રહેલા અન્ય ખેલાડીઓમાંથી કોઈને ફિલ્ડિંગ માટે બોલાવી શકાશે.
આ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળતા ટીમ અને ખેલાડીઓ માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટીમ મેનેજમેન્ટને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે કે મેચ દરમિયાન સબ્સ્ટીટ્યૂટ ખેલાડીઓની બિનજરૂરી અવરજવર પર સખત પ્રતિબંધ રહેશે નહીં. બાઉન્ડ્રી લાઈન અને LED જાહેરાત બોર્ડ વચ્ચે ફક્ત મર્યાદિત ખેલાડીઓને જ રહેવાની મંજૂરી આપવામાં આવશે.
BCCI આ નિયમોને વધુ કડક બનાવવાનું વિચારી રહી છે. એવું માનવામાં આવે છે કે આ નવો નિયમ MPC (મેચ રમવાની શરતો)ની કલમ 11.5.2 અને 24.1.4ને વધુ કડકાઈથી લાગુ કરવા માટે લાવવામાં આવ્યો છે. કલમ 11.5.2 પ્રમાણે અમ્પાયરની પરવાનગી વિના મેદાન પર ડ્રિંક્સ લઈ જવું અથવા સમય બરબાર કરવો એ નિયમોની વિરુદ્ધ છે.
BCCIએ IPL 2026 દરમિયાન આ નિર્ણય કેમ લેવામાં આવ્યો, તેનું કારણ હજું સ્પષ્ટ નથી. એવું માનવામાં આવે છે કે આ નિયમ મેચ દરમિયાન શિસ્ત જાળવવા, બિનજરૂરી ભીડ અને વિક્ષેપ ઘટાડવા અને રમતની ગતિ સુધારવાના હેતુથી લાવવામાં આવ્યો છે.
જબલપુરમાં પોલીસથી બચવા માટે એક રીઢા ચોરે દેશી જુગાડથી પોતાનો જીવ બચાવ્યો, તળાવમાં કૂદેલા ચોરે કમળની ખોખલી દાંડીથી શ્વાસ લઈ 5 કલાક સુધી પાણીમાં રહ્યો.પોલીસને હંફાવ્યા બાદ અંતે પાતાળમાંથી મળી આવ્યો ચોર.
મધ્યપ્રદેશના જબલપુરમાં ફિલ્મી સ્ટોરી જેવો કિસ્સો સામે આવ્યો છે. પોલીસથી બચવા માટે એક રીઢા ગુનેગારે દેશી જુગાડનો એવો ઉપયોગ કર્યો કે પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. મહિલા મુસાફરોનો સામાન ચોરતા એક શાતિર ગુનેગારે પોલીસની પકડથી બચવા માટે સતત 5 કલાક સુધી તળાવના ઠંડા પાણીમાં કમળની દાંડીથી શ્વાસ લઈને પાણીમાં છુપાઈ રહ્યો હતો.
સિહોરા રેલવે સ્ટેશન નજીક RPFએ એક શંકાસ્પદ વ્યક્તિને પકડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને પોતાની પાછળ આવતી જોઈને આરોપીએ જીવ બચાવવા માટે દોટ મૂકી અને નજીકના એક ઊંડા તળાવમાં છલાંગ લગાવી દીધી હતી. પોલીસને એમ હતું કે તે થોડી વારમાં બહાર આવી જશે, પરંતુ કલાકો વીતવા છતાં આરોપી પાણીની બહાર ન આવતા પોલીસની ચિંતા વધી ગઈ.
કમળની દાંડીનો લીધો સહારોચાલાક આરોપીએ પાણીની અંદર સતત શ્વાસ લેવા માટે તેણે તળાવમાં ઉગેલા કમળની એક ખોખલી દાંડીનો સહારો લીધો. તેણે દાંડીનો એક છેડો મોઢામાં રાખ્યો અને બીજો છેડો પાણીની સપાટીની બહાર રાખીને શ્વાસ લેવાનું ચાલુ રાખ્યું. આ તકનીકને કારણે તે કલાકો સુધી પાણીની સપાટી નીચે સ્થિર બેસી રહ્યો અને ઉપર ઊભેલી પોલીસને એવું લાગ્યું કે કદાચ તે ડૂબી ગયો છે અથવા કાદવમાં ફસાઈ ગયો છે.
અંતે, સ્થિતિની ગંભીરતા જોઈને RPFએ સ્થાનિક તરવૈયાઓની મદદ લીધી. તળાવના ઉંડાણ અને કમળના વેલાઓ વચ્ચે તપાસ શરૂ કરી, ત્યારે આ શાતિર ચોર પકડાઈ ગયો. લગભગ 5 કલાકની લાંબી શોધખોળ બાદ તેને સહીસલામત બહાર કાઢીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ આરોપી પર દેશભરના વિવિધ રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં ચોરીના અંદાજે 24 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. તે મુખ્યત્વે ટ્રેનમાં એકલી મુસાફરી કરતી મહિલાઓને નિશાન બનાવતો હતો. હાલમાં પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે, જેમાં અન્ય કેટલાક મોટા ખુલાસા થવાની પણ શક્યતા છે.