Home Blog Page 183

Gujarat : પંચમહાલના શહેરામાં આકાશી આફત: વાવાઝોડા સાથે તોફાની વરસાદમાં 2 ના મોત, ભારે તબાહી

0

મંગળવારે બપોર બાદ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં અચાનક હવામાન પલટાયું હતું અને વાવાઝોડા સાથે ત્રાટકેલા તોફાની વરસાદે ભારે તબાહી મચાવી છે. આ આકાશી આફતે કુદરતનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે, જેમાં અત્યાર સુધીના અહેવાલો મુજબ બે નિર્દોષ લોકોના મોત થયા છે. કુદરતી પ્રકોપને કારણે સમગ્ર તાલુકામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને મકાનો તેમજ ખેતીવાડીને મોટું નુકસાન પહોંચ્યું છે.

ભારે પવન અને ગાજવીજ સાથે આવેલા વરસાદને કારણે કાચા અને પાકા મકાનોને ભારે નુકસાન થયું છે. ખેતરોમાં ઉભો પાક જમીનદોસ્ત થઈ ગયો છે, જેનાથી ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. મકાઈ, ઘઉં અને બાજરી જેવા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખેતરોમાં સંગ્રહિત ઘાસચારો પલળી જતાં પશુપાલકો પણ પોતાના પશુધનને લઈને ચિંતાતુર બન્યા છે.

તાલુકાના ધાંધલપુર, છોગાળા, સગરાડા, ખોજલવાસા, મંગલપુર અને સુરેલી જેવા ગામોમાં વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળી છે. ભારે પવનને કારણે ડઝનબંધ વૃક્ષો અને વીજ થાંભલાઓ ધરાશાયી થયા છે. ધાંધલપુર ગામમાં પતરાના શેડ ઉડી જતાં મોટું નુકસાન થયું છે. અનેક મકાનો અને દુકાનોના પતરાં હવામાં ફંગોળાઈ જતાં લોકોએ પોતાની છત્રછાયા ગુમાવી છે.

વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. ધાંધલપુર, સુરેલી, છોગાળા અને પાનમ ડેમ વિસ્તાર સહિતના ગામોમાં છેલ્લા 12 કલાકથી વધુ સમયથી વીજ પુરવઠો બંધ છે, જેના કારણે હજારો લોકો અંધકારમાં રહેવા મજબૂર બન્યા છે. ધાંધલપુર ગામમાં જુની પંચાયતથી ચોપડાખુર્દ તરફ જવાનો માર્ગ ઝાડ અને વીજ થાંભલો પડવાના કારણે બંધ થઈ ગયો છે. ટીંબા ફળિયા પાસે અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે, જેનાથી બાઈક અને ફોરવીલ ચાલકો ભારે હાલાકી વેઠી રહ્યા છે.

સ્થાનિક લોકો તંત્ર પાસે તાત્કાલિક ધોરણે રસ્તાઓ ખુલ્લા કરવા અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માંગ કરી રહ્યા છે. આ અણધારી આફતે શહેરા તાલુકાને પાયમાલ કરી દીધો છે, અને હવે લોકો સરકાર તરફ મદદની મીટ માંડીને બેઠા છે.

Entertainment : લગ્નના 40 દિવસ બાદ ફરી વિજય-રશ્મિકાએ યોજ્યું શાનદાર રિસેપ્શન, કોડવા સાડીમાં એક્ટ્રેસનો દેશી અંદાજ

0

સાઉથ સિનેમાના મોસ્ટ ફેવરિટ કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા હાલમાં જ લગ્નના બંધનમાં બંધાયા છે. રશ્મિકા અને વિજયે 26 ફેબ્રુઆરીએ ઉદયપુરમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા, જેની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. તાજેતરમાં 6 એપ્રિલે, રશ્મિકાના 30મા જન્મદિનના એક દિવસ પછી, કર્ણાટકના કોડાગુ(કુર્ગ) ખાતે લગ્નના 40 દિવસ બાદ એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરાજપેટના સેરેનિટી કન્વેન્શન હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રશ્મિકા તેના મૂળ વારસાને સન્માન આપતા પરંપરાગત કુર્ગી સાડીમાં જોવા મળી હતી.

આ રિસેપ્શનમાં રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા એકબીજાના હાથમાં હાથ પરોવીને એન્ટ્રી લેતા જોવા મળ્યા હતા. રશ્મિકાએ પિંક અને ઓલિવ ગ્રીન કલરની સિલ્ક સાડી પહેરી હતી, જેને ખાસ કોડવા શૈલીમાં પહેરવામાં આવી હતી. આ શૈલીમાં સાડીની પાટલી પાછળના ભાગે હોય છે અને પાલવ જમણા ખભા પર આવે છે. બીજી તરફ, વિજય દેવરકોંડા બ્લેક ટ્રાઉઝર, બ્લેઝર અને વ્હાઇટ શર્ટમાં અત્યંત આકર્ષક લાગતો હતો. આ કાર્યક્રમમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, રશ્મિકાના પિતાએ આ ખાસ પ્રસંગે તેને કુર્ગમાં આવેલો તેમનો ‘સેરેનિટી’ બંગલો ભેટમાં આપ્યો છે, જે વિરાજપેટ પાસેના કુકલૂર ગામમાં આવેલો છે.

લગ્ન બાદ આ જોડીએ માત્ર પરિવાર જ નહીં, પરંતુ ચાહકો સાથે પણ ખુશીઓ વહેંચી હતી. 4 માર્ચના રોજ હૈદરાબાદમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મિત્રો માટે રિસેપ્શન યોજ્યા બાદ, કપલે સમગ્ર દેશમાં મીઠાઈ વહેંચવાની વ્યવસ્થા કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ લખીને જણાવ્યું હતું કે, ભારતની જનતા તેમના પ્રેમની સફરનો હિસ્સો રહી છે, તેથી તેઓ આ ખુશી અન્નદાન અને મીઠાઈ દ્વારા દરેક સાથે વહેંચવા માંગે છે. 1 માર્ચે હૈદરાબાદ, દિલ્હી, અમદાવાદ, મુંબઈ અને ચેન્નાઈ સહિત દેશના અનેક શહેરોમાં ટ્રકો ભરીને મીઠાઈ મોકલવામાં આવી હતી અને વિવિધ મંદિરોમાં અન્નદાન કરીને આ નવદંપતીએ લોકોના આશીર્વાદ મેળવ્યા હતા.

Navsari : જ્વેલર્સ પર ફાયરિંગ કરનારી ગેંગ ઝડપાઈ, લૂંટ કરી કપડાં બદલી ભાગેલા 3 લૂંટારાઓને LCBએ દબોચ્યા

0

નવસારી જિલ્લામાં ફાયરિંગ અને લૂંટના પ્રયાસની સનસનાટીભરી ઘટનામાં નવસારી પોલીસને મોટી સફળતા મળી છે. ગણતરીના કલાકોમાં જ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી, ફાયરિંગ કરીને નાસી છૂટેલા ત્રણ રીઢા લૂંટારાઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા ત્રણેય લૂંટારાઓ વલસાડ શહેરના રહેવાસી છે.

પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આ લૂંટારાઓએ પહેલા જ્વેલર્સ શોરૂમની વ્યવસ્થિત રેકી કરી હતી અને ત્યારબાદ લૂંટનો પ્લાન ઘડ્યો હતો. લૂંટના ઇરાદે આવેલા આ શખ્સોએ ફાયરિંગ કરી ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા ન મળતા તેઓ ભાગી છૂટ્યા હતા.આરોપીઓ અત્યંત શાતિર હતા. ગુનાને અંજામ આપ્યા બાદ તેઓ ચીખલી નજીક પોતાની કાર ત્યજી દીધી હતી અને પોલીસની ઓળખથી બચવા માટે પોતાના કપડાં પણ બદલી નાખ્યા હતા. કપડાં બદલીને તેઓ અલગ-અલગ માધ્યમો દ્વારા વલસાડ તરફ ભાગી રહ્યા હતા.

નવસારી LCB અને સ્થાનિક પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે લૂંટારાઓનું લોકેશન ટ્રેસ કર્યું હતું. પોલીસે ચોકસાઈપૂર્વક જાળ બિછાવી ત્રણેય આરોપીઓને દબોચી લીધા છે અને તેમની પાસેથી ગુનામાં વપરાયેલા હથિયારો તેમજ અન્ય સાધનો કબજે કરવાની તજવીજ હાથ ધરી છે. આ સફળતા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

National : ભારત સરકારે એડવાયઝરી કરી જાહેર, “શક્ય તેટલી વહેલી તકે ઈરાન છોડો”

0

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથે બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવ્યાના થોડા જ કલાકોમાં, ભારત સરકારે ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે એક નવી એડવાયઝરી જાહેર કરી .

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથે બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવ્યાના થોડા જ કલાકોમાં, ભારત સરકારે ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે એક નવી એડવાયઝરી જાહેર કરી છે. ભારતીય દૂતાવાસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ઈરાનમાં રહેતા તમામ ભારતીયોએ “શક્ય તેટલી વહેલી તકે” દેશ છોડી દેવો જોઈએ.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ઈરાન સ્થિત ભારતીય દૂતાવાસે પોસ્ટ કરીને નાગરિકોને સાવચેત કર્યા છે. દૂતાવાસે ભારપૂર્વક જણાવ્યું છે કે કોઈપણ નાગરિકે દૂતાવાસની પૂર્વ સલાહ કે પરવાનગી વિના કોઈપણ આંતરરાષ્ટ્રીય સરહદ તરફ જવાનો પ્રયાસ કરવો નહીં. સુરક્ષિત નિકાસ માટે દૂતાવાસ દ્વારા સૂચવવામાં આવેલા નિર્ધારિત માર્ગોનો જ ઉપયોગ કરવાની વિનંતી કરવામાં આવી છે.

ગઈકાલે રાત્રે જ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી હતી કે જો હોર્મુઝ સ્ટ્રેટ પરની નાકાબંધી હટાવવામાં નહીં આવે, તો “સમગ્ર સંસ્કૃતિનો નાશ થશે.” જોકે, ત્યારબાદ 14 દિવસનો યુદ્ધવિરામ જાહેર થયો છે, પરંતુ ભારત સરકારને આશંકા છે કે આ યુદ્ધવિરામ માત્ર કામચલાઉ હોઈ શકે છે. 14 દિવસ પૂરા થયા બાદ પરિસ્થિતિ ફરી વણસી શકે છે, તેથી આ સમયગાળાનો ઉપયોગ ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે કરવામાં આવી રહ્યો છે.

અગાઉની એડવાઈઝરીમાં દૂતાવાસે ભારતીયોને આગામી 48 કલાક સુધી ઘરમાં જ રહેવા, લશ્કરી સ્થાપનો, પાવર ગ્રીડ અને બહુમાળી ઇમારતોના ઉપરના માળથી દૂર રહેવા જણાવ્યું હતું. કટોકટીના સમયે મદદ માટે દૂતાવાસે નીચેના નંબરો જાહેર કર્યા છે:

સંપર્ક નંબરો: +989128109115, +989128109109, +989128109102, +989932179359

ઇમેઇલ: cons.tehran@mea.gov.in

Gujarat Weather : બપોરે ઘરની બહાર નીકળતા પહેલા સાવધાન! ગરમીનું જોર વધવાની હવામાન વિભાગની આગાહી

0

ગુજરાતમાં હવે ઠંડીએ વિદાય લીધી છે અને સૂર્યદેવતા આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમીને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનનો પારો ઉંચકાતા લોકોએ આકરા ઉકળાટ અને ગરમીનો સામનો કરવો પડશે. છેલ્લા ઘણા દિવસોથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું, જે બાદ હવે હવામાન વિભાગ દ્વારા ગરમી વધવાની આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી જેટલો વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને બપોરના સમયે ગરમીની તીવ્રતા વધુ અનુભવાશે. રાજ્યમાં મહત્તમ તાપમાન 36 થી 37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે.

માત્ર ઉત્તર કે મધ્ય ગુજરાત જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના પંથકમાં પણ અસહ્ય ઉકળાટ રહેવાની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ અને વાતાવરણમાં ફેરફારને કારણે ભેજનું પ્રમાણ વધતા લોકો બફારાથી પરેશાન થશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમીની અસર જોવા મળશે.

હવામાનમાં થઈ રહેલા ફેરફાર અને દરિયાઈ પવનની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે. દરિયામાં કરંટ અથવા પવનની દિશામાં ફેરફાર થવાની ભીતિને પગલે આગામી સૂચના સુધી માછીમારોને કિનારા પર જ રહેવા જણાવાયું છે.

ચાલુ વર્ષે ગરમી વહેલી શરૂ થતા અને પારો ઉંચકાતા ખેતીના પાક પર પણ તેની અસર જોવા મળી શકે છે. તંત્ર દ્વારા લોકોને ગરમીથી બચવા માટે વધુ પ્રમાણમાં પ્રવાહી લેવા અને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે.

Up : તંત્ર બુલડોઝર લઈને મકાન તોડવા પહોંચ્યું તો પિતા-પુત્ર સહિત 3 લોકોએ ગળે ફાંસો ખાધો

0

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જ્યાં મકાન તોડવા પહોંચેલા તંત્ર સામે પિતા-પુત્ર સહિત ત્રણ લોકોએ ગળે ફાંસો લાધો. જોકે, ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બે લોકોને બચાવી લીધા, બીજી તરફ એકની હાલત ગંભીર છે. ઘટનાની જાણ થતાં શહેરના મેજિસ્ટ્રેટ પણ મોડી સાંજે હોસ્પિટલ પહોંચ્યા હતા.

શાહજહાંપુરના જલાલાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના મગટોરા ગામના મજરેતામાં મંગળવારે બપોરે જ્યારે વહીવટીતંત્રની ટીમ ચકરોડ પર મકાન હોવાની વાત કહીને બુલડોઝર લઈને તોડવા પહોંચી ત્યારે હોબાળો મચી ગયો હતો. કાર્યવાહી દરમિયાન વિરોધમાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકોએ પોતાના ઘરની નજીક જ એક ઝાડ પર ફાંસો લગાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. સ્થળ પર પહોંચેલી પોલીસે તાત્કાલિક બે લોકોને ઉતારીને બચાવી લીધા હતા, જ્યારે ત્રીજા વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે.

ઘટનાની જાણ થતાં જ સિટી મેજિસ્ટ્રેટ પણ મોડી સાંજે હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે લગભગ એક વર્ષ પહેલા પણ વહીવટીતંત્રની ટીમ આ જ મકાનને તોડવા માટે પહોંચી હતી. મંગળવારે ટીમ ફરીથી પોલીસ ફોર્સ સાથે બુલડોઝર લઈને મકાન તોડવા પહોંચી ત્યારે આ સમગ્ર ઘટના ઘટી.

Entertainmnet : પિતાના અંતિમ સંસ્કારમાં ધ્રુસકે ને ધ્રુસકે રડી દિશા વાકાણી, કેમેરા જોઈ છુપાવ્યો ચહેરો!

0

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સ્ટાર દિશા વાકાણી પર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો છે. અભિનેત્રીના પિતાનું અવસાન થયું છે. ત્યારથી, વાકાણી પરિવાર શોકમાં છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દ્વારા વર્ષો સુધી દર્શકોને હસાવનાર દિશા વાકાણી (દયાબેન) અત્યારે પોતે ખૂબ જ દુઃખમાં છે, કારણ કે તેમણે દુનિયાનો સૌથી અમૂલ્ય સંબંધ ગુમાવ્યો છે. દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીએ 7 એપ્રિલની સવારે અંતિમ શ્વાસ લીધા હતા. અહેવાલો મુજબ, તેઓ ઘણા સમયથી બીમાર હતા. તેમના નિધનથી વાકાણી પરિવાર આઘાતમાં છે. પિતાના અવસાનથી દિશા વાકાણી અને મયૂર વાકાણીની હાલત રડી-રડીને ખરાબ થઈ ગઈ છે.

સોશિયલ મીડિયા પર અત્યારે કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં વાકાણી પરિવારની હાલત જોઈ શકાય છે. વીડિયોમાં દિશા વાકાણી તેના પિતાના અંતિમ દર્શન કરી તેમને વિદાય આપતી જોવા મળી રહી છે.આ દરમિયાન દિશાની નજર જેવી કેમેરા પર પડી, તેણે પોતાનો ચહેરો દુપટ્ટાથી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, તેણે માસ્ક પણ પહેર્યું હતું, તેમ છતાં કેમેરામાં તેની રડતી આંખો અને દુઃખ કેદ થઈ ગયું હતું.

વીડિયોમાં દિશાના ચહેરા પર પિતાને ગુમાવવાનું દર્દ સાફ દેખાઈ રહ્યું છે. અભિનેત્રીને આ રીતે રડતી જોઈને ફેન્સનું દિલ તૂટી ગયું છે. એક ફેને લખ્યું કે, આખા દેશને હસાવનાર વ્યક્તિને આ રીતે રડતા જોઈને ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે. આ સિવાય અન્ય એક વીડિયોમાં દિશાના ભાઈ મયૂર વાકાણી પણ પિતાની અર્થીને કાંધ આપતા અને રડતા જોવા મળી રહ્યા છે. મયૂર વાકાણીએ જ તારક મહેતા શોમાં જેઠાલાલના સાળા સુંદરનું પાત્ર ભજવ્યું હતું.

National : Iran US યુદ્ધ વિરામ પર આવી ભારતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું કે આશા છે શાંતિ લાંબી ચાલશે!

0

અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષમાં બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત થતા જ ભારત સરકારે રાહતનો શ્વાસ લીધો છે. ભારતીય વિદેશ મંત્રાલય (MEA) એ આ ઘટનાક્રમ પર પોતાનું પ્રથમ સત્તાવાર નિવેદન જારી કરીને આશા વ્યક્ત કરી છે કે આ યુદ્ધવિરામ માત્ર કામચલાઉ નહીં, પરંતુ પશ્ચિમ એશિયામાં કાયમી શાંતિ માટેનું પ્રથમ પગલું સાબિત થશે.

વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, “અમે આ યુદ્ધવિરામનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. ભારત હંમેશા માનતું આવ્યું છે કે કોઈપણ જટિલ સંઘર્ષનો ઉકેલ યુદ્ધના મેદાનમાં નહીં, પરંતુ રાજદ્વારી ટેબલ પર જ શક્ય છે. તણાવ ઘટાડવો અને પરસ્પર સંવાદ એ જ આ સમસ્યાનો કાયમી ઉકેલ છે.” ભારતે અગાઉ પણ વૈશ્વિક મંચ પર અનેકવાર અપીલ કરી હતી કે હિંસાનો માર્ગ છોડીને રાજદ્વારી માર્ગ અપનાવવો જોઈએ.

ભારત માટે આ સંઘર્ષનો અંત આવવો અત્યંત મહત્વપૂર્ણ છે. વિદેશ મંત્રાલયે નોંધ્યું છે કે આ યુદ્ધને કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠો અને વાણિજ્યિક નેટવર્ક ગંભીર રીતે ખોરવાઈ ગયા હતા. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ, જ્યાંથી ભારતની તેલની જરૂરિયાતોનો મોટો હિસ્સો પસાર થાય છે, ત્યાં નેવિગેશનની સ્વતંત્રતા જળવાઈ રહેવી અનિવાર્ય છે. ભારતે આશા વ્યક્ત કરી છે કે હવે આંતરરાષ્ટ્રીય જળસીમામાં જહાજોની અવરજવર કોઈપણ અવરોધ વિના શરૂ થશે, જેનાથી તેલના ભાવમાં સ્થિરતા આવશે.

નિવેદનમાં સંઘર્ષને કારણે થયેલી માનવીય ક્ષતિ પર પણ ખેદ વ્યક્ત કરવામાં આવ્યો છે. ભારતે કહ્યું કે યુદ્ધને કારણે નિર્દોષ લોકોએ ભારે હાલાકી ભોગવી છે. હવે જ્યારે ૧૪ દિવસનો યુદ્ધવિરામ થયો છે, ત્યારે તેનો ઉપયોગ માનવીય સહાય પહોંચાડવા અને શાંતિની શરતો નક્કી કરવા માટે થવો જોઈએ.

Ahmedabad : ચૂંટણીના કારણે ગુજરાત યુનિવર્સિટીએ બદલી પરીક્ષાની તારીખ, જાણો નવું ટાઈમટેબલ

ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી વહીવટી તંત્ર દ્વારા UG અને PGના વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓના કાર્યક્રમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અંદાજે 1.50 લાખ જેટલા વિદ્યાર્થીઓ પર આ નિર્ણયની સીધી અસર પડશે.

ત્રણ ફેઝના કાર્યક્રમમાં ફેરફાર

યુનિવર્સિટીની પરીક્ષા સમિતિ દ્વારા અગાઉ પાંચ ફેઝમાં પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી બે ફેઝની પરીક્ષાઓ સમયસર પૂર્ણ થઈ ગઈ છે. જોકે, બાકીના ત્રણ ફેઝ જેમાં UG (સ્નાતક) અને PG (અનુસ્નાતક) ના મહત્વના સેમેસ્ટર્સનો સમાવેશ થાય છે, તેના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

નવા જાહેર થયેલા કાર્યક્રમ મુજબ

પ્રથમ ફેરફાર: 16 એપ્રિલથી શરૂ થતી પરીક્ષાઓ હવે 1 મે થી શરૂ થશે.

દ્વિતીય ફેરફાર: 24 એપ્રિલની પરીક્ષાઓ હવે 12 મે થી લેવામાં આવશે.

તૃતીય ફેરફાર: 5 મે ના રોજ યોજાનારી પરીક્ષાઓ હવે 21 મે થી શરૂ થશે.

આ પણ વાંચો: કોંગ્રેસના દિગ્ગજ નેતા મોહસિના કિદવઈનું નિધન, પૂર્વ PM ઈન્દિરા-રાજીવ સાથે હતા ખાસ સંબંધ

કયા કોર્સના વિદ્યાર્થીઓને અસર થશે?

આ ફેરફારને કારણે આર્ટસ, કોમર્સ, સાયન્સ, લો અને એજ્યુકેશન જેવી તમામ વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓ પ્રભાવિત થશે. ખાસ કરીને NEP (નવી શિક્ષણ નીતિ) હેઠળના કોર્સ અને ઇન્ટિગ્રેટેડ કોર્સના વિદ્યાર્થીઓએ હવે મે મહિનાની કાળઝાળ ગરમીમાં પરીક્ષા આપવા તૈયાર રહેવું પડશે. બી.એ., બી.કોમ., બી.એસસી. સેમેસ્ટર 2, 4 અને 6 ના વિદ્યાર્થીઓ તેમજ એમ.એ. અને એમ.કોમ.ના વિદ્યાર્થીઓ માટે હવે વાંચવા માટે વધારાનો સમય મળ્યો છે, પરંતુ બીજી તરફ પરિણામો મોડા આવવાની શક્યતા પણ વધી છે.

વહીવટી તંત્રની તૈયારી

યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે આ રિવાઈઝડ કાર્યક્રમ તમામ સંલગ્ન કોલેજો અને વિભાગોમાં મોકલી આપ્યો છે. ચૂંટણીની કામગીરીમાં સ્ટાફ અને બિલ્ડિંગના રોકાણને કારણે આ નિર્ણય લેવો અનિવાર્ય બન્યો હતો. પરીક્ષા વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, મે મહિનામાં પરીક્ષાઓ લેવા માટે સેન્ટરોની વ્યવસ્થા અને પાણી-વીજળી જેવી સુવિધાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવશે જેથી વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે.

કેમ લેવાયો નિર્ણય?

યુનિવર્સિટી દ્વારા કુલ પાંચ ફેઝમાં પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંથી બે ફેઝની પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે. પરંતુ ચૂંટણી પ્રક્રિયાને કારણે બાકીના ત્રણ ફેઝની પરીક્ષાઓ હવે એપ્રિલને બદલે મે મહિનામાં યોજાશે.

1 મે થી શરૂ થતી પરીક્ષાઓ:B.A., B.Com, B.Sc, B.B.A, B.C.A, B.R.S (સેમેસ્ટર-4 અને 6)M.A. (સેમેસ્ટર-3)ઇન્ટિગ્રેટેડ કોર્સ (સેમેસ્ટર-2, 4, 6, 8, 10)LL.B. (સેમેસ્ટર-2) અને B.Ed. (સેમેસ્ટર-2)

  1. 12 મે થી શરૂ થતી પરીક્ષાઓ:M.A., M.Com, M.Sc, M.R.S, M.M.C.J, M.Ed (સેમેસ્ટર-2)B.A., B.Com, B.Sc, B.B.A, B.C.A (સેમેસ્ટર-2)NEP (ન્યૂ એજ્યુકેશન પોલિસી) હેઠળના UG કોર્સ (સેમેસ્ટર-4)
  2. 21 મે થી શરૂ થતી પરીક્ષાઓ: NEP હેઠળના UG-PG અને ડિપ્લોમા કોર્સના વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓ.

Business : સીઝફાયરની જાહેરાત બાદ સોના-ચાંદીમાં તોફાની તેજી, ચાંદી એક જ દિવસમાં ₹11,800 ઉછળી

0

અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના સીઝફાયર(યુદ્ધવિરામ)ના સમાચારની અસર હવે ભારતીય વાયદા બજાર (MCX) પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. બજાર ખુલતાંની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી જોવા મળી છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં આજે તોતિંગ ઉછાળો નોંધાયો છે, જે રોકાણકારો માટે આશ્ચર્યજનક રહ્યો છે.

આંકડા મુજબ, ચાંદીનો ગત બંધ ભાવ (Prev. Close) ₹2,31,348 હતો. આજે બજાર ખુલતાં જ તે ₹2,40,601(Open)ના સ્તર પર ખુલી હતી. સમાચાર લખવા સુધીમાં ચાંદીએ ₹2,44,770ની હાઇ સપાટી વટાવી છે. હાલમાં ચાંદી ₹2,43,205 પર ટ્રેડ થઈ રહી છે, જે ગઈકાલની સરખામણીએ ₹11,857(+5.13%)નો ધરખમ વધારો દર્શાવે છે.

સોનાના ભાવમાં પણ આજે નોંધપાત્ર તેજી જોવા મળી છે. સોનાનો ગત બંધ ભાવ ₹1,50,289 હતો, જે આજે વધીને ₹1,53,550 પર ખૂલ્યો હતો. દિવસ દરમિયાન સોનાએ ₹1,53,944ની ઊંચી સપાટી બનાવી છે. હાલમાં સોનું ₹1,53,382 પર ટ્રેડ કરી રહ્યું છે, જે ₹3,093(+2.06%)નો ઉછાળો સૂચવે છે.

બજારના નિષ્ણાતો માને છે કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બે સપ્તાહ માટે હુમલા સ્થગિત કરવાની જાહેરાત અને ઈરાન દ્વારા હોર્મુઝ સામુદ્રધુની ખોલવાની તૈયારીને કારણે બજારમાં નવી લેવાલી નીકળી છે. યુદ્ધની અનિશ્ચિતતા ઘટતાં અને આર્થિક ગતિવિધિઓ ફરી શરૂ થવાની આશાએ કિંમતી ધાતુઓના ભાવમાં આ અચાનક તેજી જોવા મળી છે.