Home Blog Page 184

World : ઈરાનને ખતમ કરવાની ધમકી અને પછી યુદ્ધવિરામ, જાણો છેલ્લી ઘડીએ એવું તો શું થયું

0

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સાંજે એક ખતરનાક ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે ‘જો ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ન ખોલે તો આજે રાત્રે એક આખી સભ્યતા નષ્ટ થઈ જશે, અને ફરી ક્યારેય બેઠી નહીં થાય’. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે આ રાત વિશ્વના ઈતિહાસની સૌથી મહત્ત્વની રાતોમાંની એક બની શકે છે. ટ્રમ્પે ઈરાનને રાતના 8 વાગ્યા (વોશિંગ્ટન સમય) સુધીની સમયમર્યાદા આપી હતી. જો ઈરાન આ મુદતમાં ન માને, તો અમેરિકા ઈરાનના તમામ પાવર પ્લાન્ટ, પુલો, ડિસેલિનેશન પ્લાન્ટ્સ અને તેલના કેન્દ્રોને નિશાન બનાવશે અને ઈરાનને ગણતરીના કલાકોમાં તબાહ કરી દેશે. આ ધમકી એટલી ગંભીર હતી કે આખા વિશ્વમાં ખળભળાટ મચી ગયો.

સમયમર્યાદા પૂરી થવાના છેલ્લા કલાકોમાં લડાઈની શરૂઆત થઈ ગઈ હોય તેવા સંકેતો મળી રહ્યા હતા, કેમ કે અમેરિકા અને ઈઝરાયલે ઈરાનના અનેક મોટા લક્ષ્યો પર હુમલા કરી દીધા હતા. ઈરાનના મુખ્ય તેલ કેન્દ્ર ખાર્ગ ટાપુ પર પણ બોમ્બ હુમલો કરવામાં આવ્યો. દરમિયાન, ઈરાને પણ ઈઝરાયલ તરફ મિસાઈલો છોડી. તેલ અવીવ શહેરમાં વિસ્ફોટો સંભળાયા અને ઈમરજન્સી સેવાઓએ ઘાયલોની સારવાર શરૂ કરી. એવું લાગતું હતું કે હવે આ યુદ્ધ વધુ વકરશે.

ટ્રમ્પની ધમકીઓના જવાબમાં ઈરાની અધિકારીઓએ ચેતવણી આપી હતી કે તેમની ઊર્જા સુવિધાઓને નિશાન બનાવવામાં આવશે તો ઈરાન એનો એવો બદલો લેશે કે દુશ્મનોને ‘અફસોસ’ થાય. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે (IRGC) સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે પ્રાદેશિક લક્ષ્યો પસંદ કરવામાં કોઈ સંયમ રાખશે નહીં. આવી જાહેરાતથી તેના પડોશી દેશો સાથે મોટા સંઘર્ષની આશંકા વધી ગઈ છે. સાથે સાથે, ઈરાને સ્થાનિક સ્તરે પણ જનતાનો ટેકો મેળવવાનો પ્રયાસ કર્યો છે. અધિકારીઓએ નાગરિકોને પાવર પ્લાન્ટ, પુલ જેવા મહત્ત્વના સ્થળોની આસપાસ ‘માનવ સાંકળ’ બનાવવા પ્રોત્સાહિત કર્યા છે.

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે થઈ રહેલા સામસામા હુમલાઓ વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે મધ્યસ્થી કરી. તેમણે ટ્રમ્પને વિનંતી કરી કે તેઓ હુમલા થોડા સમય માટે રોકી દે. તેમણે ઈરાનને પણ ‘સદ્ભાવના’ તરીકે બે અઠવાડિયા માટે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા જણાવ્યું. આમ મહત્ત્વના સમયે મધ્યસ્થી બનીને પાકિસ્તાને અમેરિકા અને ઈરાન વચ્ચે પુલનું કામ કર્યું.

રાત્રે 8 વાગ્યાની સમયસીમાના દોઢ કલાક પહેલા ટ્રમ્પે એક નાટકીય વળાંક લેતા જાહેરાત કરી કે તેઓ ઈરાન પર બોમ્બમારો બંધ કરશે. તેમણે આને ‘બે-તરફી યુદ્ધવિરામ’ (Double Sided Ceasefire) ગણાવ્યો. ટ્રમ્પે જણાવ્યું કે ઈરાને તેમને ‘10-પોઈન્ટનો પ્રસ્તાવ’ મોકલ્યો છે, જેને વાટાઘાટો માટે ‘યોગ્ય આધાર’ (Workable basis) માનવામાં આવ્યો છે. ટ્રમ્પના કહેવા પ્રમાણે અમેરિકાએ તેના લશ્કરી હેતુઓ પાર પાડવામાં સફળતા મેળવી લીધી છે.

ઈરાને પણ આ યુદ્ધવિરામ સ્વીકારી લીધો છે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાકચીએ પુષ્ટિ આપી કે જો અમેરિકા અને ઈઝરાયલ હુમલા બંધ કરશે, તો ઈરાન પણ તેની લશ્કરી કામગીરી બંધ કરી દેશે. ઈરાનની સર્વોચ્ચ સુરક્ષા પરિષદે આ સોદાને પોતાની જીત ગણાવી છે. જોકે, ઈરાને સ્પષ્ટ કરી દીધું કે આ માત્ર કામચલાઉ વિરામ છે. તેમની મુખ્ય શરતોમાં સંપૂર્ણ પ્રતિબંધો હટાવવા, વિદેશમાં અટકાવેલી સંપત્તિ પરત મેળવવી અને ખાર્ગ ટાપુનું પુનઃનિર્માણ શામેલ છે.

આ યુદ્ધવિરામ ફક્ત 14 દિવસ માટે છે. આગામી વાટાઘાટો પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં થશે. આ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી જહાજો માટે ખુલ્લો મૂકવામાં આવશે, પણ તેનું સંચાલન ઈરાની સેના દ્વારા કરવામાં આવશે.

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ માટે સમજૂતી સધાયા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શરીફે કહ્યું કે લેબનોનમાં ઈઝરાયલના હુમલા પણ બંધ થવા જોઈએ. પરંતુ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરમાં આનો સાફ વિરોધ કર્યો છે, જેનો અર્થ છે કે ઈઝરાયલ કોઈ પણ યુદ્ધવિરામ સ્વીકારવા તૈયાર નથી અને તે પોતાની લશ્કરી કાર્યવાહી ચાલુ રાખવા માંગે છે.

વાટાઘાટોનું શું પરિણામ આવશે, શાંતિ જળવાઈ રહેશે કે ફરી યુદ્ધ શરૂ થઈ જશે, એના પર આખી દુનિયાની નજર રહેશે. યુદ્ધવિરામના પક્ષમાં નથી એવું ઈઝરાયેલ લેબેનોન કે ઈરાન પર હુમલા કરીને નવું ઊંબાડિયું ચાંપશે તો ઈરાન શાંત નહીં બેસે, અને એમ થયું તો બધી સમજૂતી વરાળ થઈ જતાં વાર નહીં લાગે.

Sports : મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી નબળાઈ સામે આવી, IPLમાં સતત ગગડી રહ્યો છે ટીમનો ગ્રાફ

0

પાંચ વખતની આઈપીએલ ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સની હાલત આઈપીએલ 2026માં કફોડી જોવા મળી રહી છે. આ સીઝનની પ્રથમ મેચ જીત્યા બાદ મુંબઈને આગામી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે હવે રાજસ્થાન રોયલ્સે પણ તેને પરાજય આપ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે મુંબઈ ઈન્ડિયન્સ આ બંને મેચ ઘરઆંગણે નહીં પણ અન્ય મેદાન પર હારી છે. તમને એ જાણીને પણ નવાઈ લાગશે કે આ દિગ્ગજ ખેલાડીઓથી સજ્જ ટીમનો ટ્રેક રેકોર્ડ વર્ષ 2023થી જ નબળો ચાલી રહ્યો છે, જેમાં ટીમ ઘરની બહાર રમાતી મેચોમાં ખૂબ ઓછી મેચ જીતી રહી છે.

મુંબઈ ઈન્ડિયન્સનો IPL 2023થી ઘરની બહાર રમવાનો રેકોર્ડ ખૂબ ખરાબ છે. MI માત્ર 36 ટકા મેચ જ ઘરની બહાર એટલે કે અવે ગેમ્સમાં જીતી રહી છે. IPLમાં અન્ય કોઈ ટીમનો રેકોર્ડ એટલો ખરાબ નથી, જેટલો પાંચ વખતની IPL ચેમ્પિયન ટીમનો છે. IPL 2023થી મુંબઈ ઈન્ડિયન્સે 25 મેચ ઘરની બહારની રમી છે અને તેમાંથી ફક્ત નવ મેચમાં જીત હાંસલ કરી શકી છે. ટીમ 16 મેચ હારી ચૂકી છે, અને તેમની જીતની ટકાવારી ફક્ત 36 છે, જે અન્ય નવ ટીમોમાં સૌથી ખરાબ છે.

MI માટે આ દરમિયાન રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને કેટલીક મેચોમાં સૂર્યકુમાર યાદવે કેપ્ટનશીપ કરી છે. વર્ષ 2023માં રોહિત શર્મા કેપ્ટન હતો, જ્યારે 2024માં હાર્દિક પંડ્યા કેપ્ટન બન્યો અને હાલમાં પણ તે જ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. હાર્દિકની કેપ્ટન્શીપમાં જ મુંબઈ ઈન્ડિયન્સને ‘અવે ગેમ્સ’ (ઘરની બહારની મેચો)માં સતત હારનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ માટે આ એક ચિંતાનો વિષય બની ગયો છે, જેનો ઉકેલ વહેલી તકે લાવવો જરૂરી છે. ચાલુ સીઝનમાં જ ટીમ બે મેચ હારી ચૂકી છે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં તો બોલરોનું પ્રદર્શન અત્યંત કંગાળ રહ્યું હતું અને માત્ર 11 ઓવરમાં જ 150 રન આપી દીધા હતા. આ કારમી હાર માટે કેપ્ટન હાર્દિક પંડ્યાએ બોલરોને જવાબદાર ઠેરવ્યા છે.

IPL 2023થી મુંબઈ ઈન્ડિયન્સની ‘અવે ગેમ્સ’

મેચ: 25

જીત: 9

હાર: 16

જીત ટકાવારી: 36% (બધી ટીમોથી સૌથી ખરાબ)

મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લી ત્રણ સીઝનમાં બે વાર પ્લેઓફમાં તો ચોક્કસ પહોંચી છે, પરંતુ એક પણ વખત એલિમિનેટરથી આગળ નથી વધી શકી, જ્યારે એક વખત ટીમને ક્વોલિફાયર 2 થી આગળ જવાની તક નહોતી મળી. 2013થી 2020 સુધી મુંબઈ ઈન્ડિયન્સે પાંચ ટ્રોફી જીતી છે, પરંતુ હાલમાં ટીમની સ્થિતિ નબળી લાગી રહી છે. ટીમમાં T20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ છે. જસપ્રીત બુમરાહ જેવો બોલર છે. ખુદ દમદાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કેપ્ટન છે. તિલક વર્મા, મિશેલ સેન્ટનર, ટ્રેન્ટ બોલ્ટ, શાર્દુલ ઠાકુર અને દીપક ચાહર જેવા સ્ટાર્સ છે, પરંતુ તેમ છતાં ટીમની સ્થિતિ સારી નથી.

Gandhinagar : ગિફ્ટ સિટી ફંડ ઇકોસિસ્ટમમાં કેપિટલ કમિટમેન્ટ્સ 60 ગણા વધીને 32 અબજ ડોલરે પહોંચ્યા

છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગિફ્ટ સિટીની ફંડ મેનેજમેન્ટ ઇકોસિસ્ટમ ઝડપી ગતિએ વિસ્તરી છે. માર્ચ 2020માં 0.5 અબજ કરતા ઓછા રહેલા કેપિટલ કમિટમેન્ટ્સ (મૂડી પ્રતિબદ્ધતાઓ) ડિસેમ્બર 2025 સુધીમાં વધીને 32.13 અબજ ડોલર સુધી પહોંચ્યા છે

છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગિફ્ટ સિટીની ફંડ મેનેજમેન્ટ ઇકોસિસ્ટમ ઝડપી ગતિએ વિસ્તરી છે. માર્ચ 2020માં 0.5 અબજ કરતા ઓછા રહેલા કેપિટલ કમિટમેન્ટ્સ (મૂડી પ્રતિબદ્ધતાઓ) ડિસેમ્બર 2025 સુધીમાં વધીને 32.13 અબજ ડોલર સુધી પહોંચ્યા છે, જે અંદાજે 60 ગણો વધારો દર્શાવે છે. આ વૃદ્ધિ ગિફ્ટ સિટીની ભારત કેન્દ્રિત તેમજ વૈશ્વિક રોકાણ વ્યૂહરચનાઓ બંને માટેના પ્લેટફોર્મ તરીકે ઝડપથી વધી રહેલી સ્વીકૃતિ દર્શાવે છે.

આ વિસ્તરણ ભાગીદારોની સંખ્યામાં પણ સ્પષ્ટ જોવા મળે છે. ગિફ્ટ સિટીમાં કાર્યરત ફંડ મેનેજમેન્ટ એન્ટિટીઝ (એફએમઈ)ની સંખ્યા માર્ચ 2020માં 8 હતી જે વધીને હાલમાં 202 થઈ છે, જે 25 ગણો વધારો દર્શાવે છે. આ સાથે, ફંડ સ્કીમોની સંખ્યા 10 કરતાં ઓછી હતી તે વધીને 313 થઈ છે, જે પ્રોડક્ટ ઓફરિંગ અને રોકાણ વ્યૂહરચનાઓમાં ઝડપી વધારો દર્શાવે છે.ગિફ્ટ સિટી આધારિત ફંડ્સે કુલ 17.34 અબજ ડોલરની મૂડી એકત્ર કરી છે, જેમાંથી અંદાજે 17 અબજ ડોલરનું પહેલેથી જ રોકાણ થઈ ચૂક્યું છે. આથી સ્પષ્ટ થાય છે કે આ ઇકોસિસ્ટમ માત્ર કમિટમેન્ટ્સ આકર્ષવામાં જ નહીં, પરંતુ મોટા પાયે વાસ્તવિક રોકાણ પ્રવૃત્તિઓને પણ સક્ષમ બનાવે છે.

આ આંકડા ભારત કેન્દ્રિત મજબૂત વલણ પણ દર્શાવે છે. ગિફ્ટ સિટી દ્વારા રોકવામાં આવેલી મૂડીમાંથી આશરે 85 ટકાનું ભારતમાં રોકાણ કરવામાં આવ્યું છે, જ્યારે બાકીની 15 ટકા મૂડી વૈશ્વિક રોકાણ માટે ફાળવાઈ છે. આ વલણ ગિફ્ટ સિટીનું વૈશ્વિક મૂડીને ભારતમાં ખેંચી લાવવા માટેના ગેટવે તરીકેનું સ્થાન મજબૂત બનાવે છે અને સાથે સાથે એક જ અધિકારક્ષેત્રમાંથી રોકાણકારોને આંતરરાષ્ટ્રીય તકોમાં પ્રવેશ પણ સુલભ બનાવે છે. પ્રાઇવેટ ઇક્વિટી, વેન્ચર કેપિટલ અને પબ્લિક માર્કેટ સ્ટ્રેટેજીસ સહિત વિવિધ એસેટ ક્લાસમાં સ્થાનિક તેમજ વૈશ્વિક ફંડ મેનેજરોની વધતી ભાગીદારીથી આ ઇકોસિસ્ટમના વિકાસને ગતિ મળી છે. સ્કીમોની વધતી સંખ્યા અને કેપિટલ કમિટમેન્ટ્સ ગિફ્ટ સિટીમાંથી કાર્યરત ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મમાં વધી રહેલા રોકાણકારોના વિશ્વાસ અને વૈવિધ્યીકરણને દર્શાવે છે.

આ અંગે આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ એ. બાલાસુબ્રમણ્યને જણાવ્યું હતું કે, “ગિફ્ટ સિટીનું સશક્ત ફંડ મેનેજમેન્ટ ઇકોસિસ્ટમ તરીકે વિકસવું ભારતની ફાઇનાન્શિયલ સર્વિસીસ ક્ષેત્રની યાત્રામાં મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે. એબીએસએલએએમસી માટે ગિફ્ટ આઈએફએસસીએ વિવિધતા ધરાવતા ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સ લોન્ચ કરવા, વૈશ્વિક અને એનઆરઆઇ રોકાણકારોને વધુ અસરકારક રીતે સેવાઓ આપવા અને સ્થાનિક રોકાણકારોનો વિદેશી તકોમાં પ્રવેશ સુલભ બનાવવા માટે મજબૂત ગેટવે પૂરો પાડ્યો છે. અમે ઓફશોર એસેટ્સ અંડર મેનેજમેન્ટમાં સ્કેલ વધારવા અને વૈશ્વિક રોકાણ ક્ષમતાઓ વિસ્તૃત કરવા પ્રતિબદ્ધ છીએ.”

આ ઉપરાંત, કાર્નેલિયન એસેટ મેનેજમેન્ટ એન્ડ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને સીઆઈઓ વિકાસ ખેમાણીએ જણાવ્યું હતું કે, “ગિફ્ટ સિટી આધારિત અમારું ઓફશોર ઇનબાઉન્ડ ફંડ સરળતાથી કામ કરી રહ્યું છે. અમે ગિફ્ટ સિટીને માત્ર ભારત માટેના ગેટવે તરીકે નહીં, પરંતુ પહેલેથી જ સ્થાપિત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સેન્ટર તરીકે જોઇએ છીએ, જ્યાં વૈશ્વિક અને સ્થાનિક બંને પ્રકારની કંપનીઓની ભાગીદારી સતત વધી રહી છે. ઝડપથી વિકસતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રગતિશીલ નિયમનાત્મક માહોલ સાથે ગિફ્ટ સિટી અગ્રણી ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ તરીકે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી રહી છે. ભાગીદારો, મૂડી અને મૂડીરોકાણમાં સતત વૃદ્ધિ સાથે ગિફ્ટ સિટી વૈશ્વિક રીતે જોડાયેલા ફંડ મેનેજમેન્ટ હબ તરીકે ઉભરી રહી છે, જે ઇનબાઉન્ડ તેમજ આઉટબાઉન્ડ બંને પ્રકારના રોકાણ પ્રવાહોને ટેકો આપે છે.

UP : હાથ-પગ બાંધી મારપીટ કર્યા બાદ લખનઉમાં કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મની હચમચાવતી ઘટના

0

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં વરસાદની વચ્ચે હેવાનિયતની એક હચમચાવી મૂકતી ઘટના સામે આવી છે. આ ઘટના આશિયાના પોલીસ સ્ટેશન વિસ્તારના સેક્ટર-એમમાં મંગળવારે સાંજે એક નિર્માણાધીન બિલ્ડિંગમાં બની હતી. અહીં વરસાદથી બચવા માટે રોકાયેલી એક કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું. તે નજીકના ઘરમાં બેબીસીટર તરીકે કામ કરતી હતી અને રાબેતા મુજબ કામ પર જઈ રહી હતી.

રસ્તામાં ભારે વરસાદ શરૂ થતાં કિશોરી આશરો લેવા માટે નિર્માણાધીન બિલ્ડિંગમાં ઊભી રહી. એવો આરોપ છે કે બિલ્ડિંગમાં કામ કરતા એક મજૂરે તેને અંદર ખેંચી લીધી હતી જ્યારે બાકીના લોકો ચોકી કરતા હતા. જ્યારે પીડિતાએ વિરોધ કર્યો, તો આરોપીઓએ તેના હાથ-પગ બાંધી દીધા, તેની સાથે મારપીટ કરી અને તેના મોંઢામાં કપડું ઠૂંસી દીધું અને તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું.

જે મહિલાના ઘરે કિશોરી કામ કરતી હતી તે મહિલાએ કિશોરી સમયસર કામ પર ન પહોંચતા શોધખોળ શરૂ કરી. સ્થાનિક રહેવાસીઓને શંકા ગઈ અને તેમણે નિર્માણાધીન બિલ્ડિંગમાં શોધખોળ કરી, જ્યાં કિશોરી ત્રીજા માળે વ્યથિત હાલતમાં મળી આવી.

આ ઘટના બાદ સ્થાનિક લોકોએ બિલ્ડિંગની છતની ટાંકી પાસે છુપાયેલા મજૂરોને પકડી લીધા અને તેમને માર માર્યો. માહિતી મળતાં જ આશિયાના પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પીડિતાને તાત્કાલિક લોકબંધુ હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં તેનું મેડિકલ કરાવવામાં આવ્યું.

પોલીસે ઘટનાસ્થળેથી પાંચ મજૂરોની અટકાયત કરી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ તમામ આરોપીઓ સીતાપુરના રહેવાસી છે. હાલમાં પોલીસે દુષ્કર્મની કલમો હેઠળ કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. ડીસીપી સેન્ટ્રલના જણાવ્યા પ્રમાણે ઘટનામાં દુષ્કર્મની પુષ્ટિ થઈ છે. આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ પીડિતાનું નિવેદન નોંધી રહી છે અને સમગ્ર ઘટનાક્રમના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

Ahmedabad : શહેરમા કપિરાજને ખવડાવવું ભારે પડશે, 3 વર્ષની જેલ અને 25 હજાર દંડ થશે

અમદાવાદ શહેરમાં વિસ્તારમાં વધારો થવાથી વૃક્ષોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. નવા બાંધકામને કારણે વન વિસ્તાર ઘટી રહ્યો છે. જેના કારણે કપિરાજ જેવા વન્યજીવો રહેણાંક વિસ્તારમાં આવીને આતંક મચાવી રહ્યાં છે.

અમદાવાદ શહેરમાં વિસ્તારમાં વધારો થવાથી વૃક્ષોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. નવા બાંધકામને કારણે વન વિસ્તાર ઘટી રહ્યો છે. જેના કારણે કપિરાજ જેવા વન્યજીવો રહેણાંક વિસ્તારમાં આવીને આતંક મચાવી રહ્યાં છે. છાશવારે લોકોને કપિરાજ દ્વારા બચકાં ભરવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેને લઈને વન વિભાગ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે. હવે શહેરમાં કપિરાજને ખોરાક આપવો ગુનો બનશે. વન વિભાગે કેદ અને દંડની જાહેરાત કરી છે.

અમદાવાદ શહેરમાં વધી રહેલા કપિરાજના આતંકને કારણે વન વિભાગ એક્શનમાં આવ્યો છે. છાશવારે લોકોને બચકાં ભરતાં કપિરાજને હવે લોકો ખોરાક નહીં આપી શકે. વન વિભાગ દ્વારા કપિરાજને જે કોઈ ખવડાવતો પકડાશે તેની સામે વન્યજીવ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમ પ્રમાણે કપિરાજને ખવડાવનારને હવે ત્રણ વર્ષની કેદ અને 25 હજારનો દંડ થશે.

અમદાવાદ શહેરમાં મંદિરો, સોસાયટીઓ સહિતના સ્થળો પર લોકો કપિરાજને કંઈને કંઈ ખવડાવતા હોય છે. ફળો કે બિસ્કિટ સહિતની ચીજવસ્તુઓ કપિરાજને ખવડાવાતી હોય છે. જેથી ખોરાકની શોધમાં ફરતા કપિરાજ સોસાયટીઓમાં કે જાહેર રસ્તા પર આતંક મચાવી લોકોને બચકાં ભરતા હોય છે. જેથી હવેથી કપિરાજને ખવડાવવું ભારે પડી શકે છે. વન વિભાગ દ્વારા આ માટે ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

Ahmedabad : કાગળ પર મહિલા કોર્પોરેટર પણ ખુરશી પર પતિદેવનો કબજો

હિટ વેબ સિરીઝ ‘પંચાયત’માં ચૂંટાયેલા ‘મંજુ દેવી” ઘરકામ કરે છે અને તેમના પતિ ‘પ્રધાન પતિ’ બનીને આખો વહીવટ ચલાવે છે. આ સિરીઝ તો માત્ર પડદા પર છે, પરંતુ AMCના વોર્ડમાં આ વાર્તા રિયલ લાઈફમાં ભજવાઈ રહી છે!

હિટ વેબ સિરીઝ ‘પંચાયત’માં ચૂંટાયેલા ‘મંજુ દેવી” ઘરકામ કરે છે અને તેમના પતિ ‘પ્રધાન પતિ’ બનીને આખો વહીવટ ચલાવે છે. આ સિરીઝ તો માત્ર પડદા પર છે, પરંતુ AMCના વોર્ડમાં આ વાર્તા રિયલ લાઈફમાં ભજવાઈ રહી છે! અમદાવાદ સહિતની અનેક મહાનગરપાલિકા-નગર પાલિકાઓમાં મહિલા કોર્પોરેટરોનું નહિ પણ પતિદેવોનું રાજ ચાલી રહ્યું છે. વોર્ડની ઓફિસ હોય કે ખાતમુર્હુતના કાર્યક્રમો હોય તમામ જગ્યાએ મહિલા કોર્પોરેટરોના બદલે તેમના પતિ જ સર્વેસર્વા એટલે કે સાહેબની ભુમિકા ભજવી રહ્યાં છે. વાસ્તવિકતામાં ‘પતિ-રાજ’ને કારણે મહિલા કોર્પોરેટરો માત્ર રબર સ્ટેમ્પ બની રહી ગઈ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મહિલાઓને 50 ટકા અનામત આપીને સત્તામાં સમાન ભાગીદારી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ મદાવાદના અનેક વોર્ડમાં આ વ્યવસ્થા માત્ર કાગળ પર જ સીમિત રહી છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં મહિલાઓને પ્રતિનિધિત્વ આપવા માટે રિઝર્વેશનનો હેતુ સ્પષ્ટ હતો કે, મહિલાઓને રાજકીય રીતે સશક્ત બનાવવાનો. પરંતુ ગ્રાઉન્ડ પરની હકીકત અલગ ચિત્ર રજૂ કરે છે. શહેરના અનેક વોર્ડમાં ચૂંટાયેલી મહિલા કોર્પોરેટર હોવા છતાં, વાસ્તવિક કામગીરી તેમના પતિ કે પુત્ર સંભાળતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. 2021ની કોર્પોરેશન ચૂંટણીમાં 96 મહિલા કોર્પોરેટર ચૂંટાઈ આવી હતી.

જેમાંથી 53 મહિલા કોર્પોરેટર માટે જાહેર કરવામાં આવેલા સંપર્ક નંબરો તેમના પતિ કે પુત્રના હોવાનું સામે આવ્યું છે. વધુ છે માહિતી મેળવવા માટે અમે આશરે 20 પૂર્વ મ્યુનિસિપલ કોર્પોરેટરોનો સંપર્ક કર્યો, જેમાં મોટા ભાગે તેમના પતિએ જ ફોન ઉપાડયો. તેઓએ જણાવ્યું કે મહિલા કોર્પોરેટર હાલમાં કામમાં વ્યસ્ત હોવાથી તેઓએ ફોન ઉપાડ્યો છે. બીજી તરફ કેટલાક મહિલા કોર્પોરેટરોએ જણાવ્યું કે, વ્યસ્તતા કારણે તેઓ ફોન ઉપાડી શક્યા નહોતા. સ્થાનિક લોકો સાથે થયેલી વાતચીતમાં પણ અનેક પ્રશ્નો સામે આવ્યા અને તેમાંથી કેટલીક રસપ્રદ વિગતો પણ સામે આવી છે

શહેરના અનેક વોર્ડમાં કોર્પોરેટરની ખુરશી પર તેમના પતિ બિરાજમાન જોવા મળે છે. મ્યુનિસિપલ અધિકારીઓ સાથેની બેઠક હોય કે ફાઈલો પર સહી. તમામ નિર્ણયો પતિ દ્વારા જ લેવાય છે. અધિકારીઓ પણ મહિલા કોર્પોરેટરને બદલે તેમના પતિ સાથે જ વહીવટી ચર્ચા કરે છે. ફોન પર સંપર્ક કે કામ માટે દબાણ લાવવામાં પણ તેઓ જ સક્રિય હોય છે.

પશ્ચિમ વિસ્તારમાં લોકો મહિલા કોર્પોરેટર કરતા તેમના પતિને વધુ ઓળખે છે. સ્થાનિકોના મતે, વહીવટી કામ માટે તેઓએ ‘સાહેબ’ને જ મળવું પડે છે. જ્યારે મહિલા મતદારો સ્વાસ્થ્ય કે સુરક્ષા જેવી અંગત સમસ્યાઓ લઈને જાય છે, ત્યારે મહિલા કોર્પોરેટરની ગેરહાજરી અને પતિની ઉપસ્થિતિને કારણે તેઓ રજૂઆત કરવામાં સંકોચ અનુભવે છે.

સરકારી કાર્યક્રમો કે ખાતમુહૂર્તની તકતીઓમાં નામ મહિલા કોર્પોરેટરનું હોય છે, પરંતુ સ્ટેજ પર માઈક અને સન્માન તેમના પતિ મેળવે છે. આ લોકશાહીના મુલ્યોનું ચીરેચીરા ઉડાવતી પ્રથા છે. ઘણીવાર તો મહિલા કોર્પોરેટરને કાર્યક્રમની વિગતો. પાર્ટીની ગાઈડલાઈન, કાયદા-કાનન, પોતાની પાસે કઈ કઈ સત્તાઓ છે તે વિશે પણ જાણ હોતી નથી

રાજકીય પક્ષો પણ ઘણીવાર માત્ર જીત મેળવવા માટે મજબુત નેતાઓની પત્નીઓને ટિકિટ આપે છે. પરિણામે, જીત્યા પછી આ મહિલાઓ માત્ર સહી કરવા પુરતી જ મર્યાદિત રહે છે. વહીવટી જ્ઞાન કે બજેટની સમજ મેળવવાની તેમને તક જ આપવામાં આવતી નથી.

પીંક ટોયલેટ અથવા હેલ્થ સેન્ટર સંબંધિત મુદ્દાઓ રજૂ કરવા મહિલાઓને ઘણી વખત મુશ્કેલી પડે છે. કારણ કે તેમને સાંભળવા માટે મહિલા કોર્પોરેટરની જગ્યાએ પુરુષ હાજર હોય છે, જેના કારણે તેમની રજૂઆત યોગ્ય રીતે સાંભળાતી નથી.

આ સમસ્યા માત્ર સત્તા પક્ષ પુરતી મર્યાદિત નથી. વિપક્ષ સહિત અનેક પક્ષોમાં પણ મહિલા કોર્પોરેટરના બદલે તેમના પતિ, પુત્ર અથવા અન્ય પરિવારજનો જ કાર્ય સંભાળતા જોવા મળે છે. સરકારી કચેરીઓમાં પણ મહિલાઓની જગ્યાએ તેઓ જ ઉપલબ્ધરહે છે.

શું મતદારોએ મહિલા ઉમેદવારને એટલા માટે મત આપ્યા હતા કે તેમના પતિ વહીવટ કરે? કાયદાકીય રીતે કોર્પોરેટરના પતિને મ્યુનિસિપલ વહીવટમાં દખલ કરવાનો કોઈ અધિકાર નથી. તેમ છતાં, AMCના અનેક વોર્ડમાં આ દુષણ ફૂલ્યું-ફાલ્યું છે.

Gujarat : ‘ગુજરાતીઓની લાગણી દુભાવવાનો કોઈ હેતુ નહોતો…’ વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માગી!

0

કેરલમ વિધાનસભા ચૂંટણી માટે આગામી 9 એપ્રિલ, 2026ના રોજ મતદાન યોજાશે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા કેરલમમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. ત્યારે ગત 5 એપ્રિલે કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. કેરલમના ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેએ ગુજરાતીઓને અશિક્ષિત-અભણ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, ‘મોદીજી ગુજરાતની અભણ પ્રજાને મૂર્ખ બનાવી શકે, કેરલમની નહીં…’ આ નિવેદનની ગુજરાતીઓ અને ભાજપ-આપ સહિતના રાજકીય પક્ષો અને આગેવાનો દ્વારા ભારે ટીકા કરવામાં આવી રહી છે. ત્યારે હવે ખડગેએ પોતાના નિવેદન પર માફી માગી છે.

તેમણે આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘કેરલમમાં તાજેતરમાં આપેલા મારા એક ચૂંટણી પ્રવચનની કેટલીક ટિપ્પણીઓને જાણીજોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. તેમ છતાં, હું મારી નિષ્ઠાપૂર્વક દિલગીરી વ્યક્ત કરું છું. ગુજરાતના લોકો પ્રત્યે મને હંમેશા સર્વોચ્ચ આદર રહ્યો છે અને ભવિષ્યમાં પણ રહેશે. ત્યાંના લોકોની લાગણી દુભાવવાનો મારો ક્યારેય કોઈ હેતુ નહોતો.’

ગત 5 એપ્રિલે ચૂંટણી સભામાં ખડગેએ કહ્યું હતું કે, ‘કેરલમના લોકોને ગેરમાર્ગે દોરશો નહીં. તેઓ ખૂબ જ હોંશિયાર છે, તેઓ શિક્ષિત છે. મોદીજી, વિજયન (કેરલમના મુખ્યમંત્રી પિનારાયી વિજયન), તમે બંને એવા લોકોને મૂર્ખ બનાવી શકો છો જેઓ ગુજરાતમાં કે અન્ય સ્થળોએ અભણ છે, પરંતુ તમે કેરલમના લોકોને મૂર્ખ બનાવી શકતા નથી. કેરલમના લોકો માત્ર કેરલમમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. તેઓ કામ કરી રહ્યા છે અને ભારતને પૈસા મોકલી રહ્યા છે.’

Entertainment : TMKOCના ટપ્પુની ટીવી પર થશે વાપસી, રાજ અનડકટે આ પોપ્યુલર એક્ટરને કર્યો રિપ્લેસ!

0

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને જોવો દર્શકો ખૂબ પસંદ કરે છે, પણ સાથે જ તેના કલાકારો પર પણ ઘણો પ્રેમ વરસાવે છે. પછી ભલે તે શો છોડીને કેમ ન ગયા હોય. આ દરમિયાન શોમાં ટપ્પુની ભૂમિકા ભજવીને જાણીતા બનેલા રાજ અનડકટ અત્યારે ચર્ચામાં છે. રાજ અનડકટ ટૂંક સમયમાં સોની સબના એક શોમાં મુખ્ય ભૂમિકા (લીડ રોલ) ભજવતો જોવા મળશે. રાજ તેની એક્ટિંગ કરિયરમાં એક નવી શરૂઆત કરવા માટે તૈયાર છે. આ સમાચાર સાંભળીને તેના ફેન્સમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રિપોર્ટ અનુસાર, રાજ અનડકટે સોની સબના નવા પ્રોજેક્ટમાં અવિનાશ મિશ્રાની જગ્યા લીધી છે. શોમાં થયેલા આ ફેરફારે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. એક લોકપ્રિય કોમેડી શોમાંથી બહાર નીકળીને નવા પ્રોજેક્ટમાં મુખ્ય પાત્ર ભજવવું, એક્ટર તરીકે તેની પ્રગતિ દર્શાવે છે. આ સાથે તે અલગ-અલગ પ્રકારના પાત્રો ભજવવાની તેની ઈચ્છા પણ બતાવે છે.

સોની સબ પર આવનારા આ નવા શોને ઈન્સ્પાયર ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવ્યો છે. આ શોમાં રાજ અનડકટની જોડી ખુશી દુબે સાથે બનશે. આ નવી જોડીને ટીવી પર જોવા માટે ફેન્સ આતુર છે. બંને કલાકારો તેમના શાનદાર અભિનય માટે જાણીતા છે. જોકે, હજુ સુધી શોની સ્ટોરી વિશે વધુ જાણકારી સામે આવી નથી, પરંતુ કલાકારોના નામ જાણીને જ દર્શકોની અપેક્ષા વધી ગઈ છે. તારક મહેતા શોમાં રાજના કામને કારણે તેનું ફેન ફોલોઈંગ ઘણું વધી ગયું હતું. હવે મુખ્ય ભૂમિકામાં જોવા મળવું રાજની કરિયરને એક નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે.

National : આસારામના પુત્ર નારાયણ સાંઈના પત્ની જાનકી દેવી સાથે છૂટાછેડા, આટલા કરોડ ચૂકવવું પડશે ભરણપોષણ

0

આસારામના પુત્ર નારાયણ સાંઈ અને તેની પત્ની જાનકી દેવી વચ્ચે છેલ્લા 8 વર્ષથી ચાલી રહેલી કાનૂની લડાઈનો આખરે અંત આવ્યો છે. ઈન્દોરની ફેમિલી કોર્ટે બંનેના છૂટાછેડા મંજૂર કર્યા છે. સાથે જ નારાયણ સાંઈને તેની પત્નીને કરોડો રૂપિયાનું વળતર ચૂકવવાનો કડક આદેશ પણ આપ્યો છે.

જાનકી દેવીએ વર્ષ 2018માં છૂટાછેડા માટે અરજી કરી હતી. આ લાંબી કાનૂની પ્રક્રિયા બાદ 2 એપ્રિલ 2026ના રોજ કોર્ટે ચુકાદો આપતા જણાવ્યું કે, નારાયણ સાંઈએ આગામી 3 મહિનામાં જાનકી દેવીને 2 કરોડ રૂપિયા સ્થાયી ભરણપોષણ તરીકે ચૂકવવા પડશે.

જાનકી દેવીના વકીલના જણાવ્યા મુજબ, જ્યારે 2018માં અરજી કરવામાં આવી હતી ત્યારે કોર્ટે વચગાળાના ભરણપોષણ તરીકે દર મહિને 50 હજાર રૂપિયા આપવાનો આદેશ કર્યો હતો. જોકે, નારાયણ સાંઈએ છેલ્લા 8 વર્ષમાં એક પણ રૂપિયો પત્નીને આપ્યો નહોતો. કોર્ટે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી હતી.

જાનકી દેવીએ પોતાની અરજીમાં નારાયણ સાંઈ પર માનસિક અત્યાચાર સહિતના અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા અને 5 કરોડ રૂપિયા ભરણપોષણની માંગણી કરી હતી. બીજી તરફ, નારાયણ સાંઈ હાલમાં દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે અને સુરતની જેલમાં બંધ છે. માર્ચ 2026માં તેને કડક સુરક્ષા વચ્ચે ઈન્દોર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં તેના નિવેદનો નોંધાયા બાદ આ અંતિમ નિર્ણય લેવાયો છે. 2008માં શરૂ થયેલા લગ્નજીવનનો આ સંબંધ હવે 2026માં કાનૂની રીતે સમાપ્ત થઈ ગયો છે.

Surat : સચિન વિસ્તારમાંથી બે ઠગબાજો ઝડપાયા, 3,700થી વધુ લોકો સાથે લાખોની છેતરપિંડીનો પર્દાફાશ

0

સુરત સાયબર ક્રાઇમ સેલે સચિનમાંથી ઓનલાઇન શોપિંગ ફ્રોડ ગેંગનો પર્દાફાશ કર્યો છે. સમગ્ર દેશના 3,762 લોકો સાથે 22.86 લાખની ઠગાઈ કરી હતી.

ડિજિટલ યુગમાં ઓનલાઇન શોપિંગનો ક્રેઝ વધ્યો છે, ત્યારે તેની સાથે સંકળાયેલા ગુનાઓમાં પણ ઉછાળો આવ્યો છે. સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક એવી શાતિર ગેંગને ઝડપી લેવામાં આવી છે, જે ઓનલાઇન શોપિંગના નામે નિર્દોષ લોકોના ખિસ્સા ખંખેરતી હતી. પોલીસે સુરતના સચિન વિસ્તારમાં રેડ કરીને આ ગેંગના બે સાગરીતને દબોચી લીધા છે.

પોલીસ તપાસમાં જે વિગતો બહાર આવી છે તે ચોંકાવનારી છે. આ આરોપીઓએ સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર લોભામણી જાહેરાતો મૂકી સમગ્ર દેશમાંથી અંદાજે 3,762 જેટલા ઓર્ડર મેળવ્યા હતા. ગ્રાહકોને સસ્તા દરે વસ્તુઓ આપવાની લાલચ આપી આ ટોળકીએ અત્યાર સુધીમાં કુલ રૂપિયા 22.86 લાખની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. લોકો ઓર્ડર બુક કરાવતા પરંતુ તેમને વસ્તુ મળતી નહીં અથવા તો છેતરપિંડી કરવામાં આવતી હતી.

સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે સચિન વિસ્તારમાં ઓપરેશન હાથ ધર્યું હતું. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસને ગુનામાં વપરાતા સાધનો મળી આવ્યા છે, જેમાં 10 મોબાઈલ ફોન, 10 ડેબિટ કાર્ડ અને 9 ચેકબુક જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા કુલ રૂપિયા 2.49 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ગેંગના અન્ય સભ્યો કોણ છે અને તેઓ આ નાણાંનો ક્યાં ઉપયોગ કરતા હતા તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. સુરત પોલીસ દ્વારા નાગરિકોને અજાણી વેબસાઇટ કે લિંક પરથી શોપિંગ કરતા પહેલા સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.