Home Blog Page 185

Vadodara : મહિલા ગ્રુપની પોસ્ટ પર રૂપિયાના ભાવ લખી કોમેન્ટ કરનાર યુવકને પાઠ ભણાવવા પોલીસની મદદ લીધી

વડોદરાના જવાહર નગર વિસ્તારમાં સોશિયલ મીડિયા ઉપર ગ્રુપ ફોટો સાથે પોસ્ટ મૂકનાર યુવકને પાઠ ભણાવવા મહિલાઓએ પોલીસની મદદ લીધી છે.ખાનગી કંપનીમાં નોકરી કરતી મહિલાએ પોલીસને કહ્યું છે કે, તાજેતરમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન અમે પાંચ મહિલાઓએ ફોટો પડાવીને સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો હતો. જે ફોટા માટે એક યુવકે બીભત્સ કોમેન્ટ કરી હતી.

આ યુવકે પોસ્ટના કોમેન્ટ બોક્સમાં 1,000 2,000 થી માંડીને 5,000 સુધીની રકમ લખી તેના ઉપર કોમેન્ટ કરી હતી. જેથી મહિલાઓ અપમાનજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી.

આ યુવકને પાઠ ભણાવવા માટે મહિલાઓએ નક્કી કર્યું હતું અને જવાહર નગર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે બાજવાના મહેશ પરમાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Entertainment : ‘RAAKA’નું પોસ્ટર રિલીઝ, અલ્લુ અર્જુનનો ખૂંખાર લુક જોઈને ફેન્સ હેબતાઈ ગયા!

0

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનના 44મા જન્મદિવસ નિમિત્તે ફેન્સને સૌથી મોટી ભેટ મળી છે. અત્યાર સુધી જે પ્રોજેક્ટને ‘AA22xA6’ કહેવામાં આવતો હતો, તેનું ઓફિશિયલ નામ હવે જાહેર કરી દેવામાં આવ્યું છે. એટલીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનું નામ ‘રાકા'(RAAKA) રાખવામાં આવ્યું છે. સન પિક્ચર્સ દ્વારા સોશિયલ મીડિયા પર ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર શેર કરવામાં આવ્યું છે, જેણે રિલીઝ થતાની સાથે જ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે પહેલીવાર દીપિકા પાદુકોણ લીડ રોલમાં જોવા મળશે.

ફિલ્મના પોસ્ટરમાં અલ્લુ અર્જુનનો લુક અત્યંત ડરામણો અને ઇન્ટેન્સ છે. પોસ્ટરમાં તેનો ક્લોઝ-અપ લુક બતાવવામાં આવ્યો છે, જેમાં અડધા કપાયેલા વાળ, ધારદાર નખવાળા પંજાથી ઢંકાયેલો અડધો ચહેરો અને તેમાંથી ડોકિયું કરતી ભેદી કાળી આંખો જોવા મળે છે. અલ્લુ અર્જુનનો આ ‘ભેડિયા’ જેવો અવતાર જોઈને ચાહકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. તેની તીક્ષ્ણ નજર અને મુંડન કરેલું માથું તેના પાત્રને વધુ રહસ્યમય બનાવે છે. આ લુક જોઈને લાગે છે કે ‘પુષ્પા’ બાદ અલ્લુ અર્જુન ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા તૈયાર છે.

નિર્માતાઓએ પોસ્ટર શેર કરતા લખ્યું છે કે, ‘એવી દુનિયા માટે તૈયાર થઈ જાઓ જે તમામ સીમાઓથી પર છે.’ આ પોસ્ટને ગણતરીની મિનિટોમાં જ લાખો લાઈક્સ અને હજારો કમેન્ટ્સ મળી છે. ફિલ્મની રિલીઝ ડેટ વિશે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મ વર્ષ 2027માં રિલીઝ થઈ શકે છે. અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણની ફ્રેશ જોડી તેમજ એટલીનું ડાયરેક્શન આ ફિલ્મને અત્યારથી જ વર્ષની મોસ્ટ અવેઈટેડ ફિલ્મોમાંની એક બનાવી રહ્યું છે.

Kanpur : 1 મિનિટમાં 25 શબ્દ પણ ટાઇપ ન કરી શક્યા 3 ક્લર્ક ! DMએ પટ્ટાવાળા બનાવી દીધા

0

કાનપુરના જિલ્લા મેજિસ્ટ્રેટે કલેક્ટર કચેરીના ત્રણ જુનિયર ક્લાર્ક (નેહા, અમિત અને પ્રેમનાથ) ને ટાઇપિંગ ટેસ્ટમાં નિષ્ફળ જવા બદલ પ્યુન તરીકે પદભ્રષ્ટ કર્યા છે. આ કર્મચારીઓ ત્રણ વર્ષ પછી પણ પ્રતિ મિનિટ 25 શબ્દોની ટાઇપિંગ ગતિ પ્રાપ્ત કરવામાં અસમર્થ હતા.

કાનપુરના કલેક્ટર જિતેન્દ્ર પ્રતાપ સિંઘ દ્વારા લેવામાં આવેલા એક કડક અને અભૂતપૂર્વ નિર્ણયની આ વાત છે. ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં કાર્યક્ષમતાને લઈને લેવામાં આવેલા આ પગલાએ સમગ્ર સરકારી તંત્રમાં ફફડાટ ફેલાવી દીધો છે.

કાનપુર કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા ત્રણ જુનિયર ક્લાર્ક (કનિષ્ઠ લિપિક) ને ટાઈપિંગ ટેસ્ટમાં નિષ્ફળ રહેવા બદલ તેમના પદ પરથી હટાવીને સીધા ચોથા વર્ગના કર્મચારી (પટાવાળા) બનાવી દેવામાં આવ્યા છે. કાનપુરના વહીવટી ઇતિહાસમાં આ પ્રકારની આ પ્રથમ ઘટના હોવાનું માનવામાં આવે છે.

કર્મચારીઓની વિગત અને નિયમો
આ કાર્યવાહીનો ભોગ બનનાર ત્રણ કર્મચારીઓ છે:

  1. નેહા શ્રીવાસ્તવ
  2. અમિત યાદવ
  3. પ્રેમનાથ યાદવ

આ ત્રણેયની નિમણૂક ‘મૃતક આશ્રિત ક્વોટા’ હેઠળ કરવામાં આવી હતી. સરકારી નિયમ મુજબ, આવા કર્મચારીઓએ તેમની સેવાની શરૂઆતના એક વર્ષમાં ટાઈપિંગ ટેસ્ટ પાસ કરવી અનિવાર્ય હોય છે. આ ટેસ્ટમાં તેમની ટાઈપિંગ સ્પીડ ઓછામાં ઓછી 25 શબ્દ પ્રતિ મિનિટ હોવી જરૂરી છે.

સુધરવા માટે મળ્યા હતા ૩ વર્ષ
એવું નથી કે આ નિર્ણય ઉતાવળમાં લેવામાં આવ્યો છે. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, આ ત્રણેય કર્મચારીઓને તેમની યોગ્યતા સાબિત કરવા માટે પૂરતી તકો આપવામાં આવી હતી:

વર્ષ 2023-24: જ્યારે તેઓ પ્રથમ વખત ટાઈપિંગ ટેસ્ટમાં નાપાસ થયા, ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટે ઉદારતા દાખવીને માત્ર તેમની વાર્ષિક પગાર વૃદ્ધિ (ઇન્ક્રીમેન્ટ) રોકી દીધી હતી અને સુધરવાની તક આપી હતી.

વર્ષ 2025 : આ વર્ષે આયોજિત અંતિમ પરીક્ષામાં પણ તેઓ 25 શબ્દ પ્રતિ મિનિટની નિર્ધારિત ઝડપ મેળવી શક્યા નહીં.

3 વર્ષ સુધી તક આપવા છતાં પણ પરિણામ શૂન્ય રહેતા, જિલ્લા મેજિસ્ટ્રેટ જિતેન્દ્ર પ્રતાપ સિંઘે કડક વલણ અપનાવીને ત્રણેયને ડિમોટ (Demote) કરવાનો આદેશ અપાયો.

એડીએમ સિટી ડો. રાજેશ કુમારે સ્પષ્ટતા કરી હતી કે સેવા શરતો મુજબ ટાઈપિંગ ટેસ્ટ પાસ કરવી ફરજિયાત હતી. વારંવાર તક આપવા છતાં સુધારો ન થતા આ શિસ્તભંગના પગલાં લેવાયા છે. હવે આ ત્રણેય વ્યક્તિઓ ક્લાર્કને બદલે પટાવાળા તરીકે ફરજ બજાવશે.

Business : MSMEને ‘ઈમરજન્સી લોન’ ફાળવવા CIIએ મદદ માંગી

0

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે ઉદ્યોગ જગતની દિગ્ગજ સંસ્થાએ નાણા મંત્રાલયને અનેક સૂચનો કર્યા છે. સીઆઈઆઈએ મહામારી દરમિયાન અમલમાં મુકાયેલી યોજનાની જેમ નિશ્ચિત સમયમર્યાદા સાથે સંઘર્ષ સંબંધિત ઈમરજન્સી લોન, એનર્જી ઇનપુટ્સ પર ટેક્સ અને ડયુટી માળખાનું તર્કસંગતિકરણ અને કેન્દ્ર અને રાજ્યના જાહેર ક્ષેત્રના ઉપક્રમોના કોન્ટ્રાકટોના માટે ડિલિવરીની સમયમર્યાદા લંબાવવાનો સમાવેશ થાય છે. આ સ્કીમ માટે અંદાજે ૨.૫૦ લાખ કરોડ રૂપિયાની ફાળવણી થવાનો અંદાજ છે.ભારતીય ઉદ્યોગ સંઘ (સીઆઈઆઈ)એ સરકાર સમક્ષ ૨૦-પોઇન્ટનો પોલિસી એજન્ડા રજૂ કર્યો છે. તેમાં વર્તમાન ભૂરાજકીય પરિસ્થિતિ સામે લડવા માટે રાજકોષીય, નાણાકીય અને ટ્રેડ એક્શનની હાકલ કરી છે. અત્રે નોંધનીય છે કે હાલના તબક્કે આ યુદ્ધ સંકટને કારણે સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના સાહસો (એમએએમઈ), નિકાસકારો અને એનર્જી સંલગ્ન ઉદ્યોગો સૌથી મોટો ભોગ બની રહ્યા છે.

સીઆઈઆઈએ સરકાર-સમર્થિત ગેરંટી દ્વારા અસરગ્રસ્ત ઉદ્યોગોને વધારાની કોલેટરલ-મુક્ત કાર્યકારી મૂડી આપવાની ભલામણ કરી, ખાસ કરીને સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME), નિકાસકારો અને ગેસ-આધારિત ક્ષેત્રોને મદદની હાકલ કરી છે. સીઆઈઆઈએ સૂચન કર્યું કે ભારતીય રિઝર્વ બેંકે કટોકટીના સમયમાં એમએસએમઈ, નિકાસકારો અને સપ્લાય ચેઈનમાં સામેલ આનુષંગિક એકમો માટે ત્રણ મહિનાનું લોન મોરેટોરિયમ, રિસ્ટ્રકચરિંગ વિન્ડો અને સ્પેશ્યલ ફાઈનાન્સની વિન્ડો ખોલવી જોઈએઆ સિવાય કપરા સમયમાં વધતા ઇનપુટ ખર્ચનું સંચાલન કરવામાં મદદરૂપ થવા માટે વીજળી શુલ્કમાં કામચલાઉ રાહત અને લોન પ્રોસેસિંગ ફી, ફોરેન એક્સચેન્જ ટ્રાન્ઝેકશન ફી અને દસ્તાવેજીકરણ ખર્ચ સહિત વહીવટી બેંકિંગ શુલ્કમાં કામચલાઉ ઘટાડો અથવા માફીની પણ માંગ કરી હતી. એલએનજી આયાત પર ૨.૫ ટકાની કસ્ટમ ડયુટી કામચલાઉ ધોરણે માફ કરવા પણ અનુરોધ કર્યો છે. 

સીઆઈઆઈએ અગાઉ એમએસએમઈ સચિવને પત્ર લખ્યો હતો, જેમાં મધ્ય પૂર્વ અને એશિયામાં બદલાતી ભૂ-રાજકીય ઘટનાઓને કારણે શિપિંગ અને લોજિસ્ટિક્સ કામગીરીમાં નોંધપાત્ર વિક્ષેપો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ સિવાય સરકારે ઇન્વોઇસ ડિસ્કાઉન્ટિંગને સરળ બનાવવા માટે અસરગ્રસ્ત ઔદ્યોગિક ક્લસ્ટરોમાં ટ્રેડ રીસીવેબલ્સ ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમ પ્લેટફોર્મને વધુ સક્રિય રીતે વિસ્તૃત કરવું જોઈએ. આ સંદર્ભમાં, સરકારને બાકી રહેલા જીએસટી રિફંડ, કસ્ટમ ડયુટી રિફંડ ક્લેમ અને નિકાસ કરાયેલા ઉત્પાદનો પર ડયુટી અને ટેક્સમાં બાકી રકમની માફી કે સમાધાનને પણ ઝડપી બનાવવા અનુરોધ કર્યો છે.

Gujarat : એસપી યુનિવર્સિટીમાં ‘લાફાકાંડ’ મુદ્દે વર્ગખંડના સીસીટીવી ફૂટેજ ડિલીટ કરાયા હોવાની ચર્ચાઓ

0

 વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના લાફાકાંડ પ્રકરણમાં પીડિત પ્રાધ્યાપક દ્વારા પોલીસ સહિત ઉચ્ચ કક્ષાએ ન્યાય માટે લેખિત ફરિયાદ કર્યા બાદ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા સમગ્ર મામલે હાથ ખંખેરી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં પોલીસને ખો આપવામાં આવી રહી હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે.

સમગ્ર ઘટનામાં મુખ્ય આધારરૂપ પુરાવાનું નિરીક્ષણ કરવાના બદલે તપાસ કમિટીના નામે નાટક રચી ૨૦ દિવસ જેટલો સમય લીધા બાદ હવે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા પોલીસ અરજીનું બહાનું કાઢી બિસ્તરા પોટલા સમેટી લેવામાં આવ્યા હોવાની ચર્ચાઓ યુનિવર્સિટી સંકુલમાં ઉઠી છે. ગત ૧૮મી માર્ચના રોજ સરદાર પટેલ યુનિવર્સિટીના અંગ્રેજી ડિપાર્ટમેન્ટના એક વર્ગખંડમાં લાફાકાંડની ઘટના પ્રકાશમાં આવી હતી. વિભાગના પ્રાધ્યાપક ડૉ. મનીષ સોલંકી શિક્ષણ કાર્ય ચલાવી રહ્યા હતા, ત્યારે વિભાગના મહિલા વડા ડૉ. પારૂલ પોપટે વર્ર્ગખંડમાં પહોંચી જઈ પરીક્ષા લક્ષી દલીલબાજી કરી વિદ્યાર્થીઓના દેખતા ડૉ. મનીષ સોલંકીને લાફો મારી દીધા હોવાના આક્ષેપ સાથે એક વિદ્યાર્થીએ સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ કર્યો હતો. આ ઘટના પ્રકાશમાં આવતા યુનિવર્સિટીના સત્તાધીશો જાગ્યા હતા અને તપાસ કમિટીની રચના કરી હતી. બાદમાં આક્ષેપો મુજબ, લાફો મારનાર વિભાગીય મહિલા વડાએ યુનિવર્સિટીમાં ફરિયાદ કરી હતી. જોકે આ મુદ્દો ગરમાતા આખરે ડૉ. પારૂલ પોપટને અધ્યક્ષ પદેથી દૂર કરવામાં આવ્યા હતા. આ ઘટનાને લગભગ ૧૫ દિવસ જેટલો સમય વીતી ગયા બાદ પણ તપાસ કમિટી દ્વારા વર્ગખંડ ખાતે લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજનું નિરીક્ષણ કરવામાં નહીં આવતા યુનિવર્સિટી પાસેથી પોતાને ન્યાય નહીં મળે તેવી આશંકા સાથે ડૉ. મનીષ સોલંકી દ્વારા ગત તારીખ ત્રીજી એપ્રિલના રોજ વિદ્યાનગર પોલીસ મથકમાં લેખિત અરજી કરવામાં આવી હતી સાથે સાથે ઉચ્ચ શિક્ષણમાં પણ તેઓએ લેખિત રજૂઆત કરી ન્યાયની ગુહાર લગાવી હતી.

બીજી તરફ હવે પીડિત પ્રાધ્યાપક દ્વારા પોલીસ મથકના દ્વાર ખખડાવવામાં આવતા યુનિવર્સિટીના સત્તાધીશોએ આ લાફાકાંડ મામલે હાથ ખંખેરી લીધા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને ૨૦ દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજી સુધી યુનિવર્સિટીની તપાસ કમિટી દ્વારા સીસીટીવી કેમેરાના ફૂટેજ અંગે તપાસ કરવામાં આવી કે નહીં તે રહસ્ય અકબંધ રહ્યું છે. જોકે પોલીસ દ્વારા પણ સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસણી કરવામાં આવી કે નહીં તે હજી સુધી જાણી શકાયું નથી. બીજી તરફ સમગ્ર ઘટનામાં વર્ર્ગખંડ ખાતે લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મુખ્ય આધારરૂપ પુરાવો છે, ત્યારે શરૂઆતથી જ સીસીટીવી કેમેરાના રેકાર્ડિંગ બાબતે શંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચોક્કસ સંગઠન સાથે જોડાયેલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટના એક સિનિયર અધ્યાપકે મહિલા વડા સાથે જાહેર રજાના દિવસે અંગ્રેજી ડિપાર્ર્ટમેન્ટ ખાતે જઈ ટેકનિશિયનની મદદથી આ સમગ્ર ઘટનાનું સીસીટીવી કેમેરામાં કેદ થયેલું રેકાર્ડિંગ ડિલિટ કરી દીધું હોવાની વાતો શિક્ષણ નગરીમાં વહેતી થઈ છે. કોના ઈશારે આ સિનિયર અધ્યાપકે જાહેર રજાના દિવસે ડિપાર્ર્ટમેન્ટ ખોલાવી પુરાવાનું નાશ કરવાનું કૃત્ય કર્યું ? તે પ્રશ્ન યુનિ સંકુલમાં ચર્યાનો વિષય બન્યો છે. ત્યારે પોલીસ દ્વારા સમગ્ર ઘટનામાં પારદર્શી અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો યુનિવર્સિટીના જ કેટલાક ઉચ્ચ ખુરશીમાં બિરાજમાન કર્મીઓની સંડોવણી ઉજાગર થવાની શક્યતા જોવાઈ રહી છે.

Gujarat : મુંબઇથી મેફેડ્રોન લાવી એક વર્ષથી વેંચતા બે મિત્રો ઝડપાયા

0

યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક પાસે અવધ-૨ એપાર્ટમેન્ટ નજીકથી એસઓજીએ ૪૦.૪૨૦ ગ્રામ મેફેડ્રોન સાથે મૌલિક અશોકભાઇ જેઠવા (ઉ.વ.૨૮, રહે. અવધ એપાર્ટમેન્ટ) અને મયૂર ઉર્ફે લાલુ ઉર્ફે મેક્સ દિલીપભાઇ જાડા (ઉ.વ.૨૮, રહે. બીલખા)ને ઝડપી લીધા હતા.

એસઓજીનાં પીઆઇ એસ.એમ.જાડેજાએ બંને આરોપીઓ પાસેથી કુલ રૂા.૧.૨૧ લાખનું મેફેડ્રોન ડ્રગ્સ, ટુ-વ્હીલર અને બે મોબાઇલ ફોન મળી કુલ રૂા.૨.૨૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસઓજીએ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે બંને આરોપીઓ છેલ્લા એકાદ વર્ષથી ડ્રગ્સનો વેપલો કરતા હતા. મુંબઇથી ડ્રગ્સ લાવી છુટક પડીકી બનાવી વેચતા હતા. મોટાભાગના પેડલર શરૂઆતમાં બંધાણી હોય છે. ત્યાર પછી ડ્રગ્સનાં ખર્ચા કાઢવા માટે તેને વેચવાના રવાડે ચડી જાય છે. એસઓજીનાં સુત્રોએ જણાવ્યું કે આ બંને આરોપીઓ પણ શરૂઆતમાં બંધાણી હતા. બાદમાં પેડલર બની ગયા હતા.

બંને આરોપીઓ સામે ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે. આરોપી મૌલિક લાંબો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. તેના વિરુદ્ધ રાજકોટ, વેરાવળ અને મોરબીમાં ચોરી, દારૂનાં નવ ગુના નોંધાઇ ચુક્યા છે. ૨૦૧૫માં તેની પાસા તળે પણ અટકાયત કરવામાં આવી હતી. બીજો આરોપી મયૂર ઉર્ફે લાલુ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ૨૦૨૧ની સાલમાં ડ્રગ્સનાં કેસમાં પકડાઇ ચુક્યો છે.

Gujarat : જામનગરમાં ભાડે રાખવાના બહાને 14 વાહન ગીરવે મૂકીને છેતરપિંડી

0

જામનગરના ગુણાતીતાનંદ નગરમાં રહેતા પિતા-પુત્રએ ટ્રાવેલ્સ એજન્સીના નામે લોકોની મોંઘીદાટ ગાડીઓ ભાડે ફેરવવા માટે મેળવી, ત્યારબાદ તે વાહનો અન્ય લોકો પાસે ગીરવે મૂકી દઈ અડધા કરોડથી વધુની છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. જેથી પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં પિતા-પુત્રને દબોચી લીધા છે.

જામનગરના સીટી ‘સી’ ડિવિઝન પોલીસ મથકમાં ધૂ્રવરાજસિંહ જાડેજા નામના યુવાને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, ગુણાતીતાનંદ નગરમાં રહેતા અને વાહનો ભાડે ફેરવવાનો વ્યવસાય કરતા સંજય નકુમ અને તેમના પિતા રણમલ કુરજીભાઈ નકુમે ટ્રાવેલ્સ એજન્સીમાં ગાડીઓની જરૂર છે કહીને સારા ભાડાની લાલચ આપી ફરિયાદી અને તેમના પરિચિતોને વિશ્વાસમાં લીધા હતા. જેથી ૧૪ જેટલી ગાડીઓ આ પિતા-પુત્રને સોંપી હતી. આ ઉપરાંત રૂા. ૫.૧૦ લાખ રોકડા પણ લીધા હતા. બાદમાં પિતા-પુત્ર ગાડીઓ અને નાણાં લઈને રફુચક્કર થઈ ગયા હતા. જેથી તપાસ કરતા જાણવા મળ્યું કે, બન્નેએ આ તમામ ૧૪ ગાડીઓ જામનગરના અલગ-અલગ વ્યક્તિઓ પાસે બારોબાર ગીરવે મૂકી દીધી હતી. આ વાહનો ગીરવે મૂકીને તેના પર ૧૦% થી ૩૦% સુધીના ઉંચા વ્યાજે મોટી રકમ મેળવી લીધી હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું હતું.આ ઘટનાની ગંભીરતાને જોતા સીટી સી-ડિવિઝનના પીઆઈ પી.કે. ડાભી તેમજ તેમની ડી-સ્ટાફની ટીમે તાત્કાલિક ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી આરોપી સંજય નકુમ અને રણમલભાઈ નકુમને શોધી કાઢી ધરપકડ કરીને ૮ ગાડીઓ શોધીને કબજે કરી હતી. હાલની ફરિયાદમાં ૧૪ ગાડીઓનો ઉલ્લેખ છે, પરંતુ પોલીસને આશંકા છે કે ૨૫થી વધુ વાહનો તફડાવ્યા હોઈ શકે છે. જેથી છેતરપિંડીનો આંકડો પોણા કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતા છે.

મોડસ ઓપરેન્ડીઃ ભાડાનું બહાનું અને વ્યાજનો ખેલ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ પિતા-પુત્રની જોડી ખૂબ જ શાતિર રીતે ગુનાને અંજામ આપતી હતી. તેઓ લોકો પાસેથી કાર મેળવી લીધા બાદ માલિકોને ભાડું ચૂકવતા નહોતા. જ્યારે ગાડી માલિકો ભાડું માંગતા, ત્યારે ‘હજુ કંપનીમાંથી પેમેન્ટ આવ્યું નથી’ અથવા ‘હિસાબ બાકી છે’ તેવા બહાના બતાવી સમય પસાર કરતા હતા.વ્યાજખોરો સામે ફરિયાદ કરવા જતાં સકંજામાં આવ્યા

ચકચારી કાર ચિટીંગના આરોપી સંજય રમણભાઈ નકુમ અને તેમના પિતાએ થોડા દિવસો પહેલા રાજકોટ રેન્જ ડીઆઈજી સમક્ષ વ્યાજખોરો સામે ફરિયાદ કરી હતી. જોકે, પોલીસ તપાસમાં ચોંકાવનારો વળાંક આવ્યો હતો કે આ પિતા-પુત્ર અનેક લોકોની કાર ભાડે લઈ છેતરપિંડી આચરી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ પોલીસે પિતા-પુત્રની પણ ફરિયાદના આધારે જામનગરના દિવ્યરાજસિંહ, મયુરસિંહ, સહદેવસિંહ અને કરણસિંહ જાડેજા સામે ગુનો નોંધ્યો છે. આ શખ્સોએ ૧૦% થી ૩૦% જેટલા રાક્ષસી વ્યાજે નાણાં આપી, ૪૦ કોરા ચેક પડાવી લીધા હતા અને અત્યાર સુધીમાં રૂા.૨૧ લાખ જેટલું વ્યાજ વસૂલ્યું હોવાનો આરોપ છે.

Rajkot : વિરપુરમાં જુદી-જુદી સ્કીમોનાં ઓઠા નીચે કૌભાંડ, છની ધરપકડ

0

વિરપુરમાં જુદી-જુદી સ્કીમો બહાર પાડી રોકાણકારોનાં રૂા.૭ લાખ ચાઉં કરી જનાર ટોળકી સામે ગઇકાલે વિરપુર પોલીસે ગુનો નોંધી કુલ છ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં વિરપુરનાં વિપુલ ગોવિંદભાઇ મેવાડા, કરણ વિનોદભાઇ મેવાડા, જીવણ ઉર્ફે લાલો બટુકભાઇ મેવાડા, ભુપત જાગાભાઇ બાંભવા, જલેવ ઉર્ફે જલો ભગાભાઇ ગમારા અને રાજકોટનાં અનિલ રામજીભાઇ માટીયાનો સમાવેશ થાય છે.

વિરપુરમાં રહેતા અને છુટક મજૂરી કરતાં અમિતભાઇ ગાજીપરા (ઉ.વ.૩૫)એ નોંધાવેલી ફરિયાદનાં આધારે પોલીસે આરોપીઓ સામે આઇપીસી, ધ પ્રાઇઝ ચીટ એન્ડ મની સરક્યુલેશન સ્કીમ અને જીપીઆઇડી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ફરિયાદમાં જણાવાયું હતું કે, આરોપીઓએ ૨૦૨૦ની સાલમાં દર મહિને રૂા.૧ હજાર એમ ચાલીસ માસ સુધી રૂા.૪૦ હજાર ભરવાની જય જલારામ માર્કેટીંગના નામે સ્કીમ બહાર પાડી હતી. પાકતી મુદ્દતે રૂા.૫૦ હજાર અગર તો તેટલી કિંમતનું બાઇક આપવાની જાહેરાત કરી હતી.

૨૦૨૨માં શ્રી જલારામ બચત સહકારી મંડળીનાં નામે દૈનિક બચત યોજના બહાર પાડી હતી. જે મુજબ રોજના રૂા.૧૦૦થી લઇ રૂા.૫૦૦ ભરવાના હતા. જેના બદલામાં ૬ ટકા વ્યાજ આપવાની જાહેરાત કરી હતી.

૨૦૧૪ની સાલમાં જેકે એમએમ ઓટોના નામે ત્રીજી સ્કીમ બહાર પાડી હતી. જેમાં ૪૦ મહિના સુધી રૂા.૪૦ હજાર ભરવાના હતા. પાકતી મુદ્દતે રૂા.૫૦ હજાર અગર તો તેટલી કિંમતનું બાઇક આપવાની જાહેરાત કરી હતી. આ તમામ સ્કીમોમાં આસપાસનાં ગામના ઘણાં લોકોએ રોકાણ કર્યું હતું. પરંતુ આરોપીઓએ લોકોને સ્કીમ મુજબ પૈસા આપ્યા ન હતા.

એટલું જ નહીં આરોપી અનિલ માટીયાએ પૈસા ન દેવાના બહાના કાઢી દવા પીવાનું નાટક પણ કર્યું હતું. જેને કારણે ડરી જતાં આજ સુધી પૈસા માગ્યા ન હતા. આ સ્કીમોમાં તેના રૂા.૩૮ હજાર, રસિકભાઇ ગોહેલનાં રૂા.૬૧ હજાર, ક્રિષ્ના વઘાસીયાનાં રૂા.૫૦ હજાર, જગદીશ સરવૈયાના રૂા.૩૮ હજાર, ભાવનાબેન સરવૈયાનાં પણ રૂા.૩૮ હજાર, કિશોરભાઇ ત્રાડાનાં રૂા.૬૧ હજાર, કિશનભાઇ મનસુખભાઇનાં રૂા.૬૧ હજાર, જયદીપ ગોસાઇનાં પણ રૂા.૬૧ હજાર, બાબુભાઇ ચાવડાનાં રૂા.૫૦ હજાર અને ભાવેશગીરી ગોસાઇનાં રૂા.૩૮ હજાર ગયા હતા.

Vadodara : SMCના દરોડા બાદ LCB-1 દોડતી થઇ, ગોરવા બાદ લક્ષ્મીપુરામાંથી 3 લાખનો દારૃ પકડ્યો

સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ દોડતી થયેલી એલસીબીની ટીમે ગોરવા બાદ લક્ષ્મીપુરા વિસ્તારમાં ૩ લાખનો દારૃ,કાર અને મોબાઇલ કબજે કરી કેસ કર્યો છે.

સમતા હાઉસિંગ બોર્ડ નજીક આવેલા અંકુર એપાર્ટમેન્ટમાં રહેતો અમિત મુકેશભાઇ ઠક્કર દારૃનો મોટો જથ્થો લાવ્યો હોવાની માહિતી મળતાં એલસીબી ઝોન-૧ની ટીમે મધરાત્રે દરોડો પાડયો હતો.

આ વખતે કારમાંથી દારૃની પેટી ઉતારી રહેલો અમિત પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.પોલીસે કાર તેમજ ફ્લેટમાંથી દારૃની કુલ રૃ.૩.૧૧ લાખની ૨૦૫ બોટલ કબજે કરી હતી.પૂછપરછ દરમિયાન દારૃનો જથ્થો બિશ્નોઇ નામનો સપ્લાયર ગોલ્ડન ચોકડી પાસે આપી ગયો હોવાની માહિતી મળતાં તેને વોન્ટેડ જાહેર કરાયો છે.

Gandhinagar : શેરડી રસના વેપારીઓ સામે લાલ આંખ ઃ ગંદકી ફેલાવનારા ૬૧ને દંડ

ઉનાળાની આકરી ગરમીની શરૃઆત થતાં જ પાટનગરમાં શેરડીના રસના વેચાણમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. જોકે, આ વ્યવસાય સાથે સંકળાયેલા કેટલાક વેપારીઓ દ્વારા રસ્તાઓ અને જાહેર સ્થળો પર ગંદકી ફેલાવવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને ગાંધીનગર મહાનગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં એક વિશેષ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

આ ઝુંબેશ દરમિયાન વિભાગની ટીમોએ શેરડીના ચિચોડા અને રસના વેચાણના સ્થળો પર આકસ્મિક તપાસ કરી હતી. જે વેપારીઓ દ્વારા કાર્યસ્થળની આસપાસ શેરડીના કૂચા કે અન્ય કચરો નાખીને ગંદકી કરવામાં આવતી હતી, તેમને સ્થળ પર જ ઝડપી લેવામાં આવ્યા હતા. પબ્લિક હેલ્થ બાયલોઝ હેઠળ કરવામાં આવેલી આ કામગીરીમાં કુલ ૬૧ જેટલા ઇસમો વિરૃદ્ધ વહીવટી કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમની પાસેથી અંદાજે રૃપિયા ૨૬,૩૦૦ જેટલી રકમનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા દંડાત્મક કાર્યવાહીની સાથે વેપારીઓને કડક સૂચનાઓ પણ આપવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ જણાવાયું છે કે કોઈપણ વેપારીએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં અને ગ્રાહકોને પીરસવામાં આવતા કચરા કે ગ્લાસનો યોગ્ય રીતે નિકાલ કરવો. વેપારીઓએ પોતાના ધંધાના સ્થળની આસપાસના ૧૦ ફૂટના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવી અનિવાર્ય છે. મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, શહેરને સ્વચ્છ અને રોગચાળા મુક્ત રાખવા માટે આ પ્રકારની ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. જો કોઈપણ વેપારી વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરતો જણાશે તો તેનો માલ-સામાન જપ્ત કરવા સુધીની આકરી કાર્યવાહી કરવામાં આવશે. શહેરની સુંદરતા અને જાહેર આરોગ્યને જાળવી રાખવા માટે વેપારીઓ સહકાર આપે તેવી અપીલ પણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.