Home Blog Page 187

Vadodara : પુત્રવધૂને કોંગ્રેસની ટિકિટ મળતા ખુશીના અતિરેકમાં સસરાનું હાર્ટએટેકથી મોત, જીત પૂર્વે જ પરિવારમાં માતમ છવાયો, હવે ઉમેદવાર નહીં લડે ચૂંટણી

વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગરમાવા વચ્ચે એક અત્યંત કરૂણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. વોર્ડ નંબર 8 માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર થયેલા મહિલાના સસરાનું, ટિકિટ મળવાની ખુશીમાં હૃદયરોગના હુમલાથી નિધન થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે હરખનો પ્રસંગ શોકમાં ફેરવાઈ ગયો છે.

મળતી માહિતી મુજબ, વડોદરાના વોર્ડ નંબર 8 માં કોંગ્રેસે ઉર્મિલાબેન પરમારને પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. ઉર્મિલાબેનના સસરા વર્ષોથી કોંગ્રેસના કટ્ટર સમર્થક હતા અને તેમની પ્રબળ ઈચ્છા હતી કે તેમના પરિવારમાંથી કોઈને પક્ષ તરફથી ટિકિટ મળે. જેવી ઉર્મિલાબેનના નામની જાહેરાત થઈ, પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. જોકે, આ ખુશી સસરા સહન કરી શક્યા નહીં અને તેમને હાર્ટ એટેક આવતા તેમનું કરૂણ નિધન થયું હતું.

પરિવારમાં આવેલા આ અણધાર્યા આઘાત અને સામાજિક રીતિરિવાજોને કારણે હવે ઉર્મિલાબેન પરમાર ચૂંટણી પ્રચાર કરી શકશે નહીં. શોકગ્રસ્ત પરિવાર અને ધાર્મિક પરંપરાઓને માન આપીને ઉર્મિલાબેને પોતે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે.

આ કપરી પરિસ્થિતિમાં કોંગ્રેસ પક્ષ દ્વારા હવે નવો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉર્મિલાબેનના બદલે તેમના પરિવારના જ કોઈ અન્ય સભ્યને પક્ષ ટિકિટ આપી શકે છે, જેથી તેમના સસરાની રાજકીય ઈચ્છાને જીવંત રાખી શકાય. હાલ તો આ ઘટના વડોદરાના રાજકીય આલમમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.

Anand : ગણેશ ચોકડી પાસે રસ્તો બંધ કરાતા વાહનચાલકો લાલઘૂમ, પોલીસને હાંસિયામાં ધકેલી જનતાએ જાતે જ રસ્તો ખોલી નાખ્યો

0

આણંદ શહેરમાં ટ્રાફિકથી સતત ધમધમતી ગણેશ ચોકડી પાસે આજે સવારે ભારે હોબાળો મચી ગયો હતો. ઓવરબ્રિજની કામગીરી માટે વહીવટી તંત્ર દ્વારા અચાનક રસ્તો બંધ કરી દેવામાં આવતા વાહનચાલકો અને તંત્ર સામસામે આવી ગયા હતા. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે રોષે ભરાયેલા નાગરિકોએ પોલીસની હાજરીમાં જ બેરિકેટ્સ હટાવી રસ્તો ખોલી નાખ્યો હતો.

મળતી માહિતી મુજબ, ગણેશ ચોકડીથી અમૂલ ડેરી રોડ પર બની રહેલા ઓવરબ્રિજના પીલ્લર પર ગડર બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 6 એપ્રિલથી 11 એપ્રિલ સુધી આ માર્ગ બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જોકે, આજે સવારથી અમલ શરૂ થતા જ અંધાધૂંધી ફેલાઈ હતી.

વાહનચાલકોનો મુખ્ય વિરોધ એ હતો કે માત્ર 200 મીટરનું અંતર કાપવા માટે તેમને 2 કિલોમીટરનો લાંબો ફેરો ખાવાની ફરજ પાડવામાં આવી હતી. અગાઉથી કોઈ જાણકારી વિના અચાનક ડાયવર્ઝન આપી દેતા નોકરિયાતો અને વિદ્યાર્થીઓ અટવાયા હતા. આ મુદ્દે ટ્રાફિક પોલીસ અને વાહનચાલકો વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી.

લોકોનો આક્રોશ એટલો તીવ્ર હતો કે વાહનચાલકોએ જાતે જ રસ્તા પર લગાવેલા આડશ અને બેરિકેટ્સ હટાવવાનું શરૂ કર્યું હતું. સ્થળ પર તૈનાત ટ્રાફિક પોલીસ લાચાર બની આ દ્રશ્યો જોતી રહી હતી અને અંતે વાહનચાલકોએ બળપૂર્વક રસ્તો ખુલ્લો કરાવી દીધો હતો. હાલ આ વિસ્તારમાં ભારે તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે અને વહીવટી તંત્ર હવે શું વચલો રસ્તો કાઢે છે તેના પર સૌની નજર છે.

National : હોમી ભાભાનું 70 વર્ષ જૂનું સપનું સાકાર! કલપક્કમની સિદ્ધિથી એનર્જી સુપરપાવર બનશે ભારત; દુનિયા ચોંકી

0

ભારતીય વિજ્ઞાન અને ઉર્જા ક્ષેત્રે આજે એક એવો સૂર્યોદય થયો છે જેની પ્રતિક્ષા દેશ છેલ્લા સાત દાયકાથી કરી રહ્યો હતો. તમિલનાડુના કલપક્કમ ખાતે આવેલા ‘પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર’ (PFBR) એ ક્રિટિકાલિટી પ્રાપ્ત કરીને ઇતિહાસ રચી દીધો છે. આ સિદ્ધિ સાથે ભારત હવે રશિયા પછી વિશ્વનો બીજો એવો દેશ બની ગયો છે જેણે ઓટોમોડમાં ન્યુક્લિયર ચેન રિએક્શન શરૂ કરવામાં સફળતા મેળવી હોય. આ માત્ર એક ટેકનિકલ સફળતા નથી, પરંતુ પરમાણુ વિજ્ઞાનના પિતામહ ડૉ. હોમી જહાંગીર ભાભાએ 1950ના દાયકામાં જોયેલા આત્મનિર્ભર ભારતના સપનાનું સાકાર થવું છે.

કલપક્કમમાં સ્થિત 500 મેગાવોટના આ રિએક્ટરે ક્રિટિકાલિટી હાંસલ કરી છે. સરળ ભાષામાં કહીએ તો, હવે આ રિએક્ટરમાં પરમાણુ શૃંખલા પ્રતિક્રિયા આપમેળે અને નિયંત્રિત રીતે શરૂ થઈ ગઈ છે. આ એક એવી જટિલ પ્રક્રિયા છે. જેમાં રિએક્ટર હવે ઉર્જા પેદા કરવાની સાથે સાથે પોતાના ઉપયોગ માટે જરૂરી ઈંધણ કરતાં વધુ ઈંધણ બ્રીડ એટલે કે પેદા પણ કરશે. આ જ કારણે તેને ફાસ્ટ બ્રીડર રિએક્ટર કહેવામાં આવે છે.

ભારતના પરમાણુ કાર્યક્રમનો પાયો 1954માં નંખાયો હતો. તે સમયે ડૉ. હોમી જહાંગીર ભાભાએ ભારતની ભૌગોલિક સ્થિતિને સમજીને એક વિશિષ્ટ થ્રી-સ્ટેજ ન્યુક્લિયર પ્રોગ્રામ તૈયાર કર્યો હતો.

ભારત પાસે યુરેનિયમનો ભંડાર મર્યાદિત છે, પરંતુ વિશ્વનો સૌથી મોટો થોરિયમનો ભંડાર (લગભગ 25%) ભારત પાસે છે. ભાભા જાણતા હતા કે, જો ભારતને ઉર્જા ક્ષેત્રે મહાસત્તા બનવું હોય, તો આપણે થોરિયમનો ઉપયોગ શીખવો જ પડશે. આ માટે તેમણે ત્રણ તબક્કાની યોજના બનાવી હતી.

પ્રથમ તબક્કો: પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર (PHWR) – જે કુદરતી યુરેનિયમ વાપરીને વીજળી અને પ્લુટોનિયમ પેદા કરે.

બીજો તબક્કો: ફાસ્ટ બ્રીડર રિએક્ટર (FBR) – જે પ્લુટોનિયમનો ઉપયોગ કરીને વધુ પ્લુટોનિયમ બનાવે અને થોરિયમને યુરેનિયમ-233 માં રૂપાંતરિત કરે. (કલપક્કમનું આ રિએક્ટર આ બીજા તબક્કાનો હૃદય સમાન હિસ્સો છે.)

ત્રીજો તબક્કો: થોરિયમ બેઝ્ડ રિએક્ટર – જે ભારતના વિશાળ થોરિયમ ભંડારનો ઉપયોગ કરીને હજારો વર્ષો સુધી અખૂટ વીજળી આપી શકે.

આ રિએક્ટર બનાવવું એ લોઢાના ચણા ચાવવા સમાન હતું. સામાન્ય રિએક્ટરમાં પાણીનો ઉપયોગ કુલન્ટ તરીકે થાય છે, પરંતુ PFBR માં પ્રવાહી સોડિયમ (Liquid Sodium) નો ઉપયોગ થાય છે. સોડિયમ અત્યંત પ્રતિક્રિયાશીલ ધાતુ છે. તે હવા કે પાણીના સંપર્કમાં આવતા જ વિસ્ફોટ કરી શકે છે. તેને 550 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રવાહી અવસ્થામાં સતત વહેતું રાખવું એ ઇજનેરી કૌશલ્યની પરાકાષ્ઠા છે. આ રિએક્ટર પ્લુટોનિયમ-યુરેનિયમ મિશ્રિત ઓક્સાઈડ ઈંધણનો ઉપયોગ કરે છે. તે જેટલું ઈંધણ બાળે છે, તેનાથી વધુ ઈંધણ તે પેદા કરે છે, જે ભારત જેવા યુરેનિયમની અછત ધરાવતા દેશ માટે વરદાન સમાન છે.

આ પ્રોજેક્ટની શરૂઆત 2004માં થઈ હતી. ટેકનિકલ અવરોધો, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને જટિલ સુરક્ષા માપદંડોને કારણે તેમાં વિલંબ થયો. પરંતુ ભારતીય વૈજ્ઞાનિકોની સંસ્થા ભાવિની (BHAVINI – Bharatiya Nabhikiya Vidyut Nigam Limited) એ હાર ન માની. ભૂતપૂર્વ પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષ ડૉ. અનિલ કાકોદકરે આ સિદ્ધિને ભારતીય વિજ્ઞાનનો સુવર્ણકાળ ગણાવ્યો છે. તેમના મતે, આ સફળતાએ સાબિત કર્યું છે કે ભારત વિશ્વની સૌથી જટિલ ટેકનોલોજી પણ સ્વદેશી રીતે વિકસાવી શકે છે.

ઉર્જા આત્મનિર્ભરતા ભારત અત્યારે કોલસા અને આયાતી તેલ પર નિર્ભર છે. આ રિએક્ટર સફળતાપૂર્વક ચાલતા ભારત પોતાની વીજ જરૂરિયાતો માટે બીજા દેશો પર નિર્ભર નહીં રહે. નેટ-ઝીરો લક્ષ્ય 2070 ભારત સરકારે 207 સુધીમાં કાર્બન ઉત્સર્જન શૂન્ય કરવાનું લક્ષ્ય રાખ્યું છે. પરમાણુ ઉર્જા એ ક્લીન એનર્જી છે, જે ગ્લોબલ વોર્મિંગ સામે લડવામાં મદદરૂપ થશે. લાંબા ગાળે જ્યારે થોરિયમનો ઉપયોગ શરૂ થશે, ત્યારે ભારત વિશ્વમાં સૌથી સસ્તી વીજળી પેદા કરતો દેશ બની શકે છે. ન્યુક્લિયર વેસ્ટમાં ઘટાડો, ફાસ્ટ બ્રીડર રિએક્ટર પરંપરાગત રિએક્ટર કરતા ઓછો પરમાણુ કચરો પેદા કરે છે, જે પર્યાવરણ માટે સુરક્ષિત છે.

કલપક્કમની આ સફળતા માત્ર વિજ્ઞાનની જીત નથી, પરંતુ ભારતીય વૈજ્ઞાનિકોના ધૈર્ય અને દ્રઢ નિશ્ચયની જીત છે. રશિયા પછી માત્ર ભારત પાસે જ આ ક્ષમતા છે તે બાબત વિશ્વ સ્તરે ભારતનું કદ વધારે છે. આ રિએક્ટર હવે આવનારા દાયકાઓમાં ભારતના ‘થોરિયમ યુગ’ના દ્વાર ખોલશે, જે ભારતને ખરા અર્થમાં વિશ્વગુરુ અને ઉર્જા ક્ષેત્રે સ્વનિર્ભર બનાવશે. રશિયા બાદ ભારત આ ટેકનોલોજી ધરાવતો એકમાત્ર દેશ. ૩-સ્ટેજ ન્યુક્લિયર પ્રોગ્રામના બીજા તબક્કાની પૂર્ણતા ભાભાના વિઝનના સાકાર થવા સમાન છે. થોરિયમ પાવર: ભારત પાસે વિશ્વનો સૌથી મોટો થોરિયમ ભંડાર છે, જેનો હવે ઉપયોગ શક્ય બનશે.’ભાવિની’ દ્વારા સંપૂર્ણ ભારતીય બનાવટનું રિએક્ટર છે. આ ઐતિહાસિક ક્ષણ પર આખું રાષ્ટ્ર ગર્વ અનુભવી રહ્યું છે, કારણ કે હવે ભારતની વીજળી સ્વદેશી તેજથી ઝળહળશે.

World : પાકિસ્તાનમાં આજ રાત્રે 8 વાગ્યાથી ‘સ્માર્ટ લોકડાઉન’! જાણો શું છે શાહબાઝ સરકારનો નવો આદેશ

0

US Iran War: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર પર રોક લગાવ્યા બાદ સર્જાયેલા વૈશ્વિક ઈંધણ સંકટથી ભીખમંગા પાકિસ્તાનની સ્થિતિ વધુ કથળી ચૂકી છે. પેટ્રોલ, ડીઝલ અને LPGની અછતને ધ્યાનમાં રાખીને સરકારે ઊર્જા સંરક્ષણ માટે કડક પગલાં ભરતા દેશભરમાં ‘સ્માર્ટ લોકડાઉન’ જેવા ઉપાયો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં સોમવારે મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સિંધ પ્રાંત સિવાય દેશના બાકીના ભાગોમાં બજારો, શોપિંગ મોલ અને દૈનિક જરૂરિયાતની વસ્તુઓ વેચતી દુકાનો રાત્રે 8 વાગ્યા સુધીમાં બંધ કરી દેવામાં આવશે.

વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ નિર્ણય મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને હોર્મુઝમાં ટ્રાફિક અવરોધને કારણે ઉભી થયેલી ઈંધણની કટોકટીને ધ્યાનમાં રાખીને ઊર્જા બચાવવા માટે લેવામાં આવ્યો છે. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે..

-ખૈબર પખ્તુનખ્વા, પંજાબ, બલૂચિસ્તાન, ઈસ્લામાબાદ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને જમ્મુ-કાશ્મીર (PoJK)માં બજારો અને શોપિંગ મોલ રાત્રે 8 વાગ્યા સુધી બંધ રહેશે.

-ખૈબર પખ્તુનખ્વાના ડિવિઝનલ હેડક્વાર્ટરમાં બજારો રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે.

-બેકરી, રેસ્ટોરન્ટ, તંદૂર અને ખાદ્યપદાર્થો વેચતી દુકાનો રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.

-લગ્ન સમારંભો માટે ઉપયોગમાં લેવાતા હોલ, ટેન્ટ અને અન્ય સ્થળો પણ રાત્રે 10 વાગ્યે બંધ થઈ જશે.

-ખાનગી ઘરો કે મિલકતોમાં રાત્રે 10 વાગ્યા પછી લગ્ન સમારંભ યોજવા પર પ્રતિબંધ રહેશે.

આ સિવાય દવાની દુકાનો અને ફાર્મસીઓને આ સમયમર્યાદામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. વડાપ્રધાન કાર્યાલયના નિવેદન અનુસાર, નવો નિયમ મંગળવાર (7 એપ્રિલ 2026) રાત્રે 8 વાગ્યાથી અમલમાં આવશે.

વડાપ્રધાન શાહબાઝ શરીફે બેઠક બાદ પંજાબ, ખૈબર પખ્તુનખ્વા, બલૂચિસ્તાન અને ગિલગિટ-બાલ્ટિસ્તાનના મુખ્યમંત્રીઓનો રાષ્ટ્રીય હિતમાં સર્વસંમતિથી નિર્ણય લેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે આશા વ્યક્ત કરી હતી કે સિંધ સરકાર પણ અન્ય પ્રાંતોની જેમ ઊર્જા સંરક્ષણના ઉપાયો લાગુ કરશે. આ ઉપરાંત, ગિલગિટ અને મુઝફ્ફરાબાદમાં એક મહિના માટે આંતર-શહેર જાહેર પરિવહન મફત કરવામાં આવ્યું છે, જેનો ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે. સરકારની ડિજિટલ વોલેટ સબસિડી યોજના હેઠળ પેટ્રોલિયમ પેદાશોની ખરીદી પર 1 લાખ રૂપિયા સુધીની રાહત પણ ચાલુ રાખવામાં આવી છે.

બીજી તરફ, સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે સોમવારે કરાચી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને કોરંગી એસોસિએશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં તેમણે કહ્યું કે દેશની વર્તમાન પરિસ્થિતિને જોતા આપણે સૌએ પોતાની ભૂમિકા ભજવવી પડશે. મુખ્યમંત્રીએ વેપારીઓને ખાતરી આપી હતી કે બજાર ખોલવાના સમયનો નિર્ણય તેમની સલાહ બાદ જ લેવામાં આવશે. વેપારી સંગઠનો દ્વારા આપવામાં આવેલી ભલામણોની સમીક્ષા કર્યા બાદ વડાપ્રધાનને રિપોર્ટ સોંપવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે સિંધ સરકાર ગરીબો પરનો બોજ ઘટાડવાની સાથે ઊર્જા સંરક્ષણના પગલાં સુનિશ્ચિત કરશે.

ઉલ્લેખનીય છે કે ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના હુમલા બાદ 28 ફેબ્રુઆરીથી હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર ખોરવાઈ જવાથી વૈશ્વિક તેલ પુરવઠો પ્રભાવિત થયો છે, જેના કારણે દક્ષિણ એશિયા સહિત અનેક દેશોમાં ઈંધણની અછત જોવા મળી રહી છે. પાકિસ્તાન સરકાર આ સંકટને પહોંચી વળવા કડક પગલાં લઈ રહી છે.

Surat : ચૈત્ર માસમાં મંદિરે ઠંડુ ખાવાના બદલે મહિલાઓ ગ્રુપમાં ઠંડુ ખાઈ પરંપરાને રાખી રહી છે જીવંત

0

Surat : ચૈત્ર માસ સાથે જ ઉનાળાની ઋતુની શરૂઆત થતી હોવાથી આપણા પૂર્વજોએ ધર્મ અને વિજ્ઞાનને સાથે રાખીને કેટલીક પરંપરાઓ રાખી હતી. જેમાં ચૈત્ર મહિનામાં ઠંડુ ખાવાની પરંપરા પણ છે. જોકે,પહેલા પરિવારના સભ્યો સાથે રહીને મંદિરે ઠંડુ ખાવા જતા હતા પરંતુ આજના ફાસ્ટ જમાનામાં આ પરંપરા બદલાઈ ગઈ છે. હાલ ચૈત્ર માસમાં મંદિરે ઠંડુ ખાવાના બદલે મહિલાઓ ગ્રુપમાં ઠંડુ ખાઈ પરંપરાને રાખી રહી છે જીવંત રાખી છે. મહિલાઓ ભેગી થઈને એક દિવસ પહેલાં ભોજન બનાવે છે અને પછી સોસાયટીમાં ભેગા મળીને ઠંડુ ખાઈ પરંપરાને જીવંત રાખી રહી છે.

શિયાળાની વિદાય અને ચૈત્ર મહિનાની શરુઆત સાથે જ લીમડાનો રસ પીવાનો મહિમા છે. તેની સાથે સાથે મૂળ સુરતી પરિવારો ચૈત્ર મહિનામાં પરિવાર-મિત્રો સાથે મંદિરે જઈને ઠંડો ખોરાક આરોગે છે અને વર્ષોથી ચૈત્ર મહિનામાં એક દિવસ ઠંડુ (ટાઢું) ખાવાની પરંપરા નિભાવતા જોવા મળે છે. જોકે, હવે સમય બદલાઈ રહ્યો છે અને સુરતીઓમાં ઠંડુ ખાવાની પરંપરા યથાવત તો રહી છે પરંતુ તે આધુનિક સ્ટાઈલમાં બદલાઈ રહી છે.

વડીલો કહે છે, ચૈત્ર માસ માર્ચ-એપ્રિલ દરમિયાન આવે છે અને ઉનાળાની ઋતુમાં પરિવર્તનનો સમય ગણાય છે. આ સમયે તાપમાન વધવા લાગે છે, જેના કારણે શરીરને ઠંડક આપતી વસ્તુઓનું મહત્વ વધી જાય છે. પરંપરાગત રીતે આ સમયમાં ઠંડુ અથવા એક દિવસ જૂનું ભોજન લેવાય છે, પહેલા પરિવારના સભ્યો મંદિરે જઈને એક દિવસ પહેલા બનાવેલું ભોજન આરોગતા હતા અને તેના કારણે ધાર્મિક ભાવના સાથે સામાજિક એકતા પણ જોવા મળતી. પરંતુ આજના ઝડપ ભર્યા જીવનમાં મંદિરમાં જવાની પરંપરા ધીમે ધીમે ઓછી થઈ રહી છે.

જોકે, આજના હાઈ સ્પીડ ઈન્ટરનેટના જમાનામાં કીટી પાર્ટીની બોલબાલા વચ્ચે અનેક સોસાયટીની મહિલાઓ ભેગી થઈને ચૈત્ર મહિનામાં ઠંડુ ખાવાની પરંપરા અનોખી રીતે જીવંત રાખી રહી નવી દિશા આપી છે. ચૈત્ર મહિનામાં ઠંડુ ખાવાની લુપ્ત થતી પરંપરા આધુનિક મહિલાઓએ કોઈ એક મહિલાના ઘરે, ફાર્મ હાઉસ કે અન્ય જગ્યાએ ભેગા થાય છે. જુદી જુદી મહિલા પોતાના ઘરે જુદી જુદી વાનગીઓ બનાવે છે અને પછી એક બીજા દિવસે ભેગા મળીને ઠંડુ ભોજન આરોગી વર્ષો જુની પરંપરા જીવંત રાખી રહ્યા છે.

આ અંગે મહિલાઓ કહે છે કે, સમય બદલાઈ છે પરંતુ પરંપરા અમે જાળવી રાખી છે વ્યસ્ત જીવન વચ્ચે ભેગા થઈને ચૈત્ર મહિનામાં એક દિવસ ઠંડો ખોરાક આરોગીએ છીએ જેના કારણે ઘરના યંગસ્ટર્સને પણ આ પ્રથા અંગે જાણકારી મળી રહે છે.

Ahmedabad : વિધર્મી મોહસીને મોહિત પટેલ બની વિધવા મહિલાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું

ગુજરાતમા લવ જેહાદના કિસ્સા વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદના ઓઢવમાં એક કિસ્સો સામે આવ્યો છે. વિધર્મી યુવકે હિન્દુ વિધવા મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી. મોહસીન પઠાણ નામના યુવકે હિન્દુ બનીને મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી.

ગુજરાતમા લવ જેહાદના કિસ્સા વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદના ઓઢવમાં એક કિસ્સો સામે આવ્યો છે. વિધર્મી યુવકે હિન્દુ વિધવા મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી. મોહસીન પઠાણ નામના યુવકે હિન્દુ બનીને મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી. વિધર્મીએ મહિલાને લગ્નની લાલચ આપી હતી. ત્યાર બાદ હોટેલમાં લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના ઓઢવમાં એક હિન્દુ મહિલાને મુસ્લિમ યુવકે હિન્દુ બનીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ મહિલા વિધવા હોવાથી આરોપીએ તેને પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપીએ મોહિત પટેલ નામનું આધારકાર્ડ બનાવ્યું હતું. આ મહિલાને આરોપી હોટેલમાં લઈ ગયો હતો અને ત્યાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ ગુજાર્યું હતું. મહિલાને જ્યારે આરોપી યુવક વિધર્મી હોવાની ખબર પડી ત્યારે તેણે સંબંધ તોડી નાંખ્યો હતો.

આરોપીનું સાચુ નામ મોહસિન પઠાણ છે પરંતુ તેણે મહિલાને પ્રેમજાળમાં ફસાવવા માટે મોહિત પટેલના નામનું આધાર કાર્ડ બનાવ્યું હતું. મહિલાએ ફરિયાદ કરતાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી હતી. આરોપી એએમટીએસ બસમાં મુસાફરી દરમિયાન આ મહિલાના સંપર્કમાં આવ્યો હતો. ઓઢવ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Sports : SRHના પ્લેયરને ભોજન કરવું ભારે પડ્યું, પરસેવાથી રેબઝેબ થયો આ ખેલાડી

0

કાવ્યા મારનની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ હાલમાં IPL 2026ના મેદાન પર ખરાબ હાલતમાં છે.જોકે,કાવ્યા મારનની એક ખેલાડી મેદાનની બહાર પણ પરસેવો પાડતી જોવા મળી હતી.અર્જુન તેંડુલકરનું મનપસંદ ભોજન ખાધા પછી આ બન્યું.તમે વિચારી રહ્યા હશો કે અર્જુન તેંડુલકર IPL 2026 માં લખ

કાવ્યા મારનની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ હાલમાં IPL 2026ના મેદાન પર ખરાબ હાલતમાં છે.જોકે,કાવ્યા મારનની એક ખેલાડી મેદાનની બહાર પણ પરસેવો પાડતી જોવા મળી હતી.અર્જુન તેંડુલકરનું મનપસંદ ભોજન ખાધા પછી આ બન્યું.તમે વિચારી રહ્યા હશો કે અર્જુન તેંડુલકર IPL 2026 માં લખનૌ સુપર જાયન્ટ્સનો ભાગ છે.તો SRH ના ખેલાડીએ તેનું મનપસંદ ભોજન કેવી રીતે ખાધું?વધુમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો તે ખેલાડી કોણ છે જે અર્જુન તેંડુલકરનું મનપસંદ ભોજન ખાધા પછી પરસેવાથી રેબઝેબ થઈ ગયો?

આપણે કાવ્યા મારનની IPLટીમ સનરાઇઝર્સ હૈદરાબાદના જે ખેલાડી વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ હેનરિક ક્લાસેન છે.એક વીડિયો સામે આવ્યો છે જેમાં હેનરિક ક્લાસેન અને ઇશાન કિશન હૈદરાબાદી બિરયાનીનો આનંદ માણતા દેખાય છે.ઇશાન કિશનને મસાલેદાર હૈદરાબાદી બિરયાની ખાવામાં બહુ તકલીફ પડી ન હતી. જોકે,હેનરિક ક્લાસેન જે તેનાથી ટેવાયેલા નથી.પરસેવાથી રેબઝેબ થઈ ગયો.તે રૂમાલથી પરસેવો લૂછતો જોવા મળ્યો.ક્લાસેનને આવું કરતો જોઈને ઈશાન પણ હસ્યો.

હૈદરાબાદી બિરયાની અર્જુન તેંડુલકરનો પ્રિય ખોરાક છે.તેણે તાજેતરમાં હૈદરાબાદી બિરયાની વિશે એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી હતી, જેમાં તેને વિશ્વનો શ્રેષ્ઠ ખોરાક ગણાવ્યો હતો.પરંતુ તમે પહેલાથી જ જાણો છો કે તે શ્રેષ્ઠ ખોરાક ખાધા પછી ક્લાસેનને કેવું લાગ્યું.

IPL 2026 માં કાવ્યા મારનની ટીમના પ્રદર્શનની વાત કરીએ તો,તેઓ અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચમાંથી બે હારી ગયા છે અને એક જીતી છે.SRH 2 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 5મા ક્રમે છે.હેનરિક ક્લાસેન સનરાઇઝર્સ હૈદરાબાદ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે,જેણે 3 મેચમાં 2 અડધી સદી સાથે 145 રન બનાવ્યા છે.

National : LPG અંગે કેન્દ્રનો મોટો નિર્ણય: તમામ રાજ્યો માટે 5 કિલોના સિલિન્ડરની સપ્લાય ડબલ

0

દેશમાં વસતા પ્રવાસી મજૂરો માટે કેન્દ્ર સરકારે એક રાહતના સમાચાર આપ્યા છે. સરકારે રાજ્યોમાં શ્રમિકો માટે ઉપલબ્ધ 5 કિલોના ફ્રી ટ્રેડ એલપીજી(FTL) સિલિન્ડરનો દૈનિક પુરવઠો બમણો કરવાનો નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, સિલિન્ડરની આ વધારાની સપ્લાય અગાઉના સરેરાશ વિતરણના આધારે નક્કી કરવામાં આવશે. એટલે કે, જે વિસ્તારમાં અગાઉ જેટલી માંગ અને સપ્લાય હતી, તેને ધ્યાનમાં રાખીને હવે ત્યાં બમણો પુરવઠો પૂરો પાડવામાં આવશે. આ નવી વ્યવસ્થા માર્ચ મહિનામાં નક્કી કરાયેલી 20 ટકાની મર્યાદા કરતા પણ વધુ રહેશે, જેથી વધુમાં વધુ શ્રમિકો સુધી આ સુવિધા પહોંચી શકે.

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ વધારાના 5 કિલોના સિલિન્ડર રાજ્ય સરકાર અને તેમના ખાદ્ય તથા નાગરિક પુરવઠા વિભાગોને સોંપવામાં આવશે, જેનું વિતરણ માત્ર પરપ્રાંતીય મજૂરો માટે જ કરવામાં આવશે. આ પ્રક્રિયામાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સંપૂર્ણ સહયોગ આપશે. સરકારે લોકોને ખાતરી આપી છે કે વર્તમાન વૈશ્વિક સ્થિતિ વચ્ચે પણ દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેથી લોકોએ ગભરાઈને ખરીદી ન કરવી જોઈએ અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવો જોઈએ.

આ સાથે જ ગ્રાહકોને ગેસ બુકિંગ માટે ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરવાની અને વિતરકો પાસે બિનજરૂરી ભીડ ન કરવાની સલાહ આપવામાં આવી છે. સરકાર હાલમાં હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ જેવા જરૂરી ક્ષેત્રો માટે પાઇપ્ડ નેચરલ ગેસ(PNG) અને ડોમેસ્ટિક એલપીજીની સપ્લાયને પ્રાથમિકતા આપી રહી છે. આ સિવાય, રિફાઇનરી ઉત્પાદન વધારવા અને શહેરી વિસ્તારોમાં બુકિંગ વચ્ચે 25 દિવસ તથા ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસનું અંતર રાખવા જેવા પગલાં લેવામાં આવ્યા છે. સરકારી આંકડા મુજબ, અત્યાર સુધી અંદાજે 51 લાખ ડોમેસ્ટિક સિલિન્ડરનું વિતરણ કરવામાં આવ્યું છે અને 95 ટકા બુકિંગ ઓનલાઇન થવાને કારણે વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા વધી છે.

Amreli : મોરવાડા રોડ પર બાઇક અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, રીક્ષામાંથી કેફી પીણાનો જથ્થો મળ્યો

0

અમરેલીના વડિયામાં બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ રીક્ષામાંથી કેફી પીણું મળી આવતા પોલીસે મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે.

અમરેલી જિલ્લાના વડિયા અને મોરવાડા વચ્ચે આજે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે જતી એક રીક્ષા અને મોટરસાયકલ વચ્ચે જોરદાર ટક્કર થતા બંને વાહનચાલકો લોહીલુહાણ થયા હતા. જોકે, અકસ્માત બાદ ઘટનાસ્થળે એકત્ર થયેલા લોકોએ જે દ્રશ્યો જોયા તે જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા.

મળતી માહિતી મુજબ, વડિયા-મોરવાડા માર્ગ પર અકસ્માત સર્જાતા બાઇક સવાર અને રીક્ષા ચાલક બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત બાઇક ચાલકની હાલત વધુ નાજુક જણાતા તેને તાત્કાલિક જૂનાગઢ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યો છે, જ્યારે રીક્ષા ચાલકને વધુ સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યો છે.

આ અકસ્માત બાદ સોશિયલ મીડિયામાં કેટલાક વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અકસ્માતગ્રસ્ત રીક્ષામાં મોટા પ્રમાણમાં કેફી પીણું (દેશી દારૂ) ની થેલીઓ ભરેલી હતી. અકસ્માત થતા આ પોટલીઓ રસ્તા પર વેરાઈ ગઈ હતી. એક વીડિયોમાં ઇજાગ્રસ્ત રીક્ષા ચાલક લોકો પાસે હાથ જોડીને માફી માંગતો પણ નજરે પડે છે.

National : પિતા-પુત્રોને કિડનેપ કરી ભાગતા 3 કિડનેપર્સનું અકસ્માતમાં મોત, બાળકો સુરક્ષિત

0

હરિયાણાના ગુરુગ્રામથી રિક્ષાચાલક મનોજ અને તેના બે માસૂમ પુત્રોનું અપહરણ કરનાર કિડનેપર્સ માટે બરેલીનો હાઈવે ‘કાળ’ સાબિત થયો છે. શનિવાર, 4 એપ્રિલના રોજ કિડનેપર્સ કિડનેપ કરવામાં આવેલા મયુર અને લક્ષ્યને બોલેરો દ્વારા ક્યાંક શિફ્ટ કરવા લઈ જઈ રહ્યા હતા, ત્યારે તેમની ગાડી બરેલી-રામપુર હાઈવે પર એક ટ્રક સાથે અથડાઈ ગઈ. આ ઘટનામાં આરોપી મનમોહન, સિકંદર અને વિશેષનું મોત થઈ ગયું છે, જ્યારે પ્રિન્સ નામનો આરોપી ઘાયલ થયો છે. પોલીસ તપાસમાં આ સમગ્ર મામલો પ્રેમ સંબંધ અને કૌટુંબિક ઝઘડા સાથે જોડાયેલો હોવાની માહિતી સામે આવી છે, જેમાં આરોપીઓએ ખંડણી અને ધમકીઓનો સહારો લીધો હતો.

રવિવારે સાંજે બરેલીના સીબીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક તેજ રફ્તાર બોલેરો કાર એક ટ્રક ટેન્કર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ભીષણ હતી કે નવી બોલેરો કારના પરખચ્ચા ઊડી ગયા. આ અકસ્માતની સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ત્યાંનો નજારો જોઈને દંગ રહી ગઈ.

કારમાં ત્રણ યુવાનોના મૃતદેહ ફસાયેલા હતા, જ્યારે એક યુવાન અને બે બાળકો બેભાન હાલતમાં મળી આવ્યા. ઘાયલોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં શંકાસ્પદ ગતિવિધિને કારણે પોલીસને અપહરણની શંકા ગઈ.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર ઘટના પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હતું. મુખ્ય આરોપી મનમોહન રિક્ષાચાલક મનોજની ભાણી સાથે લગ્ન કરવા માંગતો હતો. મનોજ આ સંબંધની વિરુદ્ધમાં હોવાથી વેર વાળવા માટે મનમોહને તેના સાથીદારો સિકંદર, વિશેષ અને પ્રિન્સ સાથે મળીને મનોજ અને તેના બે પુત્રો (6 વર્ષીય મયુર અને 3 વર્ષીય લક્ષ્ય) નું અપહરણ કર્યું હતું.

મનોજની પત્ની પૂજાએ જણાવ્યું કે, પતિનો ફોન આવ્યા બાદ બદમાશોએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમણે પૂજાને ચેતવણી આપી હતી કે, જો તે આ મામલે પોલીસને જાણ કરશે તો મૃતદેહો મળશે. જોકે, પોલીસની સતર્કતા અને આ અચાનક થયેલા અકસ્માતથી બદમાશોના ઈરાદા પર પાણી ફરી વળ્યું.

અકસ્માતમાં ઘાયલ કિડનેપર પ્રિન્સની પૂછપરછ અને તેના મોબાઈલ ફોનની તપાસ બાદ પોલીસે કડી જોડી. પોલીસે ફોનમાંથી ઘણા શંકાસ્પદ વિડિઓ પણ મળ્યા. હાલમાં બાળકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની માતા પૂજાએ તેમની ઓળખ કરી લીધી છે. બરેલી પોલીસે આ કેસ વિશેની તમામ માહિતી હરિયાણા પોલીસ સાથે શેર કરી છે. આગળની કાનૂની કાર્યવાહી અને તપાસ હવે હરિયાણા પોલીસ દ્વારા કરવામાં આવશે, જે બરેલી પહોંચી ગઈ છે.