Home Blog Page 188

Gujarat : અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ, સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

0

કમોસમી વરસાદના કારણે આર્થિક મુશ્કેલી વેઠી રહેલા ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમરેલી જિલ્લામાં આજથી ટેકાના ભાવે ચણાની ખરીદીનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા નાફેડના માધ્યમથી ગુજકોમાસોલ દ્વારા કરવામાં આવતી આ ખરીદીથી ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે.

આજ (સાતમી એપ્રિલ)થી અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી અને ખાંભા જેવા મુખ્ય સેન્ટરોના એપીએમસી (APMC) ખાતે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડમાં શ્રીફળ ફોડીને આ પ્રક્રિયાનો પ્રારંભ કરાતા જ ચણાના ઢગલે ઢગલા જોવા મળ્યા હતા. ગુજકોમાસોલના પ્રતિનિધિ હેનીસ રામાણીએ જણાવ્યું હતું કે, સરકાર ૨ હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર દીઠ 90 મણ ચણાની ખરીદી કરી રહી છે.

ખેડૂતોમાં સંતોષ જોવા મળવાનું મુખ્ય કારણ ભાવમાં રહેલો તફાવત છે, ટેકાનો ભાવ પ્રતિ મણ 1175 રૂપિયા, ખુલ્લી બજારનો ભાવ પ્રતિ મણ 850થી 1020 રૂપિયા છે. આમ, ખુલ્લા બજાર કરતા ટેકાના ભાવમાં ખેડૂતોને પ્રતિ મણે 150થી 300 રૂપિયા જેટલો વધુ ભાવ મળી રહ્યો છે. મોંઘા ખાતર, બિયારણ અને મજૂરીના ખર્ચ સામે આ ભાવ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યા છે.

જિલ્લાભરમાં ટેકાના ભાવે ચણા વેચવા માટે ખેડૂતોમાં ભારે ઉત્સાહ છે. આંકડાકીય માહિતી મુજબ, એકલા સાવરકુંડલા તાલુકામાં જ 6200 જેટલા ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ખેડૂતોએ સરકારના આ નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે, જો સરકાર ખરીદીની મર્યાદા હજુ વધારે તો કમોસમી વરસાદની માર ઝીલી રહેલા ખેડૂતોને મોટી આર્થિક મદદ મળી રહેશે. હાલમાં યાર્ડમાં માલની આવક વધતા તંત્ર દ્વારા વ્યવસ્થિત રીતે તોલ-માપની કામગીરી ચાલી રહી છે, જેથી ખેડૂતોને લાંબો સમય પ્રતીક્ષા ન કરવી પડે.

Breaking News : હવાઈ મુસાફરી થઈ મોંઘી: એર ઈન્ડિયાએ ફ્યુલ સરચાર્જના નામે ભાડું વધાર્યું, જાણો કયા રૂટ પર કેટલો વધારો

ઈરાન યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે જેટ ફ્યુઅલના ભાવમાં થયેલા 100 ટકાના ઉછાળા બાદ એર ઈન્ડિયાએ 8 એપ્રિલથી ભાડામાં વધારો કર્યો છે. હવે એરલાઈન અંતરના આધારે રૂ. 299થી રૂ. 899 સુધીનો સરચાર્જ આપવો પડશે. અગાઉ માર્ચમાં કંપનીએ રૂ. 399નો ફ્લેટ રેટ રાખ્યો હતો, પરંતુ હવે તેને ‘ડિસ્ટન્સ બેઝ્ડ ગ્રીડ’ માં ફેરવી દેવામાં આવ્યો છે.

શા માટે વધ્યા ભાવ?

ક્રૂડ ઓઈલમાં ભડકો: ફેબ્રુઆરીના અંતમાં જેટ ફ્યુઅલનો ભાવ 99.40 ડોલર હતો, જે 27 માર્ચ સુધીમાં વધીને 195.19 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે.

રિફાઈનરી માર્જિન : ઈંધણને રિફાઈન કરવાનો ખર્ચ માત્ર ત્રણ અઠવાડિયામાં ત્રણ ગણો વધી ગયો છે, જે એરલાઈન્સ માટે મોટો પડકાર છે.

અંતર (કિમીમાં)

નવો સરચાર્જ (રૂપિયામાં)

0થી 500 કિમી

299

501થી 1000 કિમી

399

1001થી 1500 કિમી

549

1501થી 2000 કિમી

749

2000 કિમીથી વધુ

890

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે સરચાર્જ (ડોલરમાં)

Ahmedabad : ઢોંસાના ખીરુંના કારણે બે બાળકીના કથિત મોતનો કેસ, પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ બહાર કઢાયો

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઢોસાનું તૈયાર ખીરું ખાવાથી બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોત મામલે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ કેસમાં આજે (સાતમી એપ્રિલ) એક મોટો વળાંક આવ્યો છે, જ્યારે એફએસએલ ટીમની હાજરીમાં અઢી મહિનાની બાળકીના દફનાવી દીધેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ફરીથી બહાર કાઢવામાં આવ્યો હતો. મોતનું સાચું કારણ જાણવા માટે પોલીસ હવે વૈજ્ઞાનિક તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

ચાંદખેડાની મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલભાઈ પ્રજાપતિ ગત છઠ્ઠી એપ્રિલના રોજ સ્થાનિક ‘ઘનશ્યામ ડેરી’માંથી ઢોસાનું તૈયાર ખીરું લાવ્યા હતા. આ ખીરામાંથી બનાવેલા ઢોસા ખાધા બાદ સમગ્ર પરિવારની તબિયત લથડી હતી. ગંભીર ફૂડ પોઈઝનિંગના આક્ષેપ વચ્ચે ચાર વર્ષની મીશ્રી અને અઢી મહિનાની રાહા નામની બંને બાળકીઓનું કરુણ મોત નીપજ્યું હતું. બાળકીઓના પિતા વિમલભાઈ અને માતા ભાવનાબેન હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું હતું કે, ‘આજે અઢી મહિનાની બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવી છે અને તેનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. અમારી તપાસ હવે મુખ્યત્વે એફએસએલ રિપોર્ટ, બ્લડ સેમ્પલ અને સીડીઆર (CDR) જેવા ટેકનિકલ પુરાવાઓ પર આધારિત છે. મોટી બાળકીનો પીએમ રિપોર્ટ પણ એફએસએલના અભિપ્રાય પછી જ ફાઈનલ થશે, કારણ કે ઝેરની હાજરી સીધી રીતે પ્રસ્થાપિત થઈ શકતી નથી.’
પોલીસ હાલમાં આ ઘટનાને સામૂહિક આપઘાત અથવા અકસ્માતે મોત એમ બંને પાસાઓથી તપાસી રહી છે. જોકે, કોઈ પણ ચોક્કસ તારણ પર આવતા પહેલા લેબોરેટરી રિપોર્ટ્સની રાહ જોવામાં આવી રહી છે. ડેરીમાંથી ખીરાના સેમ્પલ લઈને તેને પણ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. પરિવારના સભ્યોની પ્રાથમિક પૂછપરછમાં ઢોસા ખાધા બાદ તબિયત બગડી હોવાનું સામે આવ્યું છે, પરંતુ વૈજ્ઞાનિક પુરાવા જ સત્ય બહાર લાવશે.

Entertainment : દયાબેન પર તૂટયો દુઃખનો પહાડ, દિશા વાકાણીના પિતાનું નિધન, જાણો કોણ છે ભીમ વાકાણી

0

TMKOC ફેમ અભિનેત્રી દિશા વાકાણીના પિતાનું નિધન થયું. દિશાના પિતા ભીમ વાકાણી ગુજરાતી સિનેમાના જાણીતા કલાકાર હતા. ભીમ વાકાણી ગુજરાતી રંગભૂમિના શ્રેષ્ઠ કલાકાર તરીકે ઓળખાય છે. 84 વર્ષની વયે દિશાના પિતા ભીમ વાકાણીના અવસાનના સમાચારથી તેમના પ્રિયજનો અને પ્રશંસકોમાં શોક ફેલાયો છે. ભીમે કલાની દુનિયામાં એક સમૃદ્ધ વારસો છોડી દીધો છે. જોકે તેમના મૃત્યુનું કારણ સ્પષ્ટ નથી. દિશાના ભાઈ અને ભીમ વાકાણીના પુત્ર મયુર વાકાણીએ આ સમાચારની પુષ્ટિ કરી છે.

ભીમ વાકાણીના પુત્ર મયુર વાકાણીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમના મૃત્યુની જાહેરાત કરી. આ સિરિયલમાં સુંદરલાલનું પાત્ર ભજવનારા વાકાણીએ જણાવ્યું કે તેમના પિતાનું આજે સવારે અવસાન થયું છે. તેમના અંતિમ સંસ્કાર અમદાવાદમાં કરવામાં આવશે, જ્યાં નજીકના પરિવારના સભ્યો અને થોડા મિત્રો તેમને વિદાય આપવા માટે હાજર રહેશે. વાકાણી પરિવારે આ મુશ્કેલ સમયમાં ગોપનીયતા જાળવવાની વિનંતી કરી છે.

ટીવીનો ફેમસ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું પાત્ર ભજવી દિશા વાકાણી ઘેરઘેર લોકપ્રિય થઈ. જયારે તેમના પિતા ભીમ વાકાણી ગુજરાતી રંગભૂમિમાં તેમના યોગદાન માટે જાણીતા છે. તેમણે ગુજરાતી રંગભૂમિથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, બાદમાં ઘણી હિન્દી ફિલ્મો અને ટીવી શોમાં પણ અભિનય કર્યો છે. “લગાન”, “સ્વદેશ” અને “લજ્જા” જેવી ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ નાની પરંતુ યાદગાર હતી. રસપ્રદ વાત એ છે કે, તેમણે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” માં તેમની પુત્રી સાથે સ્ક્રીન શેર કરી હતી, જે ચાહકો માટે તેમના બંધનને વધુ ખાસ બનાવે છે.

ભીમ વાકાણીનું અવસાન તેમના પરિવાર માટે એક મોટું નુકસાન છે. કામના મોરચે, દિશા વાકાણી માતા બન્યા પછી ઘણા વર્ષોથી અભિનયની દુનિયાથી દૂર છે. દિશા વાકાણીના પુનરાગમનની માત્ર દર્શકો જ નહીં પરંતુ શોના નિર્માતાઓ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેના પિતાના અવસાન પર શોક વ્યક્ત કરતા ચાહકો દિશાને ફરીથી પડદા પર જોવાની ઇચ્છા વિશે લખી રહ્યા છે. દિશા વાકાણી પરત ફરશે કે નહીં તે સ્પષ્ટ નથી, પરંતુ આખો વાકાણી પરિવાર આ મુશ્કેલ સમયમાં શોક વ્યક્ત કરી રહ્યો છે.

Gujarat : અંબાલાલ પટેલની આગાહી, આજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા

0

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે, આજે બપોર બાદ પ્રિ મોન્સૂન એક્ટિવિટિનો વરસાદ વરસી શકે છે. રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે.

ગુજરાતમાં હાલમાં માવઠાની સિઝન ચાલી રહી છે.ગરમી અને ઉકળાટની સાથે સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવે છે.ત્યારે ફરીવાર રાજ્યમાં માવઠાનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે.આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શરૂ થવાથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.આવતી આઠમી એપ્રિલથી ગરમીમાં વધારો થશે.આજે પવનની ગતિમાં વધારો થશે.બે દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે, આજે બપોર બાદ પ્રિ મોન્સૂન એક્ટિવિટિનો વરસાદ વરસી શકે છે. રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે. પવનની ગતિ 40 કિ.મી રહેવાની શક્યતાઓ છે. અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાનમાં પલટો આવશે. 20 તારીખ સુધી ગરમીમાં વધારો થશે. ઉતર ભારતના ભાગોમાં વાદળનો સમૂહ આવી રહ્યો છે.બનાસકાંઠાના ભાગમાં વાતાવરણ પલટો આવશે. ખેડૂતોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે.

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. વિવિધ જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે.દ્વારકા,જામનગર,રાજકોટ, દાહોદ,પંચમહાલ, મોરબી, કચ્છ,બનાસકાંઠા,સાબરકાંઠા, અરવલ્લી,મહીસાગર,પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે. બીજી તરફ રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે તાપમાનમાં પણ વધારો થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થશે. અમદાવાદમાં 36.4, અમરેલી 36.5, રાજકોટમાં 36.7,સુરેન્દ્રનગર 36.2, ગાંધીનગરમાં 36.2,વડોદરામાં 35.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Article : ગુજરાતના ગૌરવવંતા બહારવટીયા: જેમના નામે અંગ્રેજોના થરથરતા ફાળિયા, પણ ગરીબો માટે જેઓ હતા ‘દેવદૂત’!

0


રાજકોટ/સૌરાષ્ટ્ર: ગુજરાતની ધરતી એટલે માત્ર સંતો અને મહંતોની ભૂમિ નહીં, પણ આ એ ધરા છે જ્યાં ટેક અને મર્યાદા કાજે બહારવટે ચડનારા શૂરવીરોનો પણ ઈતિહાસ છે. આજે ‘પાક્કો ગુજરાત’ના વિશેષ અહેવાલમાં વાત કરવી છે એ બહારવટીયાઓની, જેમના ઘોડાના ડાબલા વાગતા ત્યારે રજવાડાં અને બ્રિટિશ હકુમતની ઊંઘ હરામ થઈ જતી.
બહારવટું એટલે શું? લૂંટફાટ નહીં, પણ અન્યાય સામેનો જંગ!


ઘણા લોકો ‘બહારવટીયા’ અને ‘ડાકુ’ વચ્ચેનો તફાવત ભૂલી જાય છે. બહારવટીયાઓ ક્યારેય પોતાની મરજીથી હથિયાર ઉપાડતા નહીં. જ્યારે રાજા કે સત્તા દ્વારા અન્યાય થાય, જમીન હડપી લેવામાં આવે કે આબરૂ પર આંચ આવે, ત્યારે ન્યાય મેળવવા માટે તેઓ ‘બહારવટે’ (રાજ્યની હદ છોડીને જંગલમાં) નીકળતા.
ઈતિહાસના અમર પાત્રો: જેમના શૌર્યની આજે પણ કથાઓ ગવાય છે.

૧. જોગીદાસ ખુમાણ (ભાવનગર):
બહારવટીયાઓમાં જો કોઈનું નામ સૌથી આદરથી લેવાતું હોય તો તે છે ભાવનગરના જોગીદાસ ખુમાણ. તેમની ટેક એવી હતી કે ભાવનગરના મહારાજા વજેસંગ સાથે વેર હોવા છતાં, મહારાજાના મૃત્યુના સમાચાર સાંભળીને જોગીદાસે શોક પાળ્યો હતો. તેમણે સ્ત્રીઓની મર્યાદા અને ગરીબોના હિત માટે હથિયાર ઉપાડ્યા હતા.

૨. કાદુ મકરાણી (જૂનાગઢ/ગીર):
ગીરના જંગલોનો આ સિંહ જેણે અંગ્રેજ સરકારના નાકે દમ લાવી દીધો હતો. કાદુ મકરાણીએ ક્યારેય ગરીબ કે અસહાયને લૂંટ્યા નથી. તેમની લડત સિસ્ટમ સામે હતી. આજે પણ સૌરાષ્ટ્રના લોકગીતોમાં કાદુની મરદાનગીના વખાણ થાય છે.

૩. મૂળુ માણેક અને જોધા માણેક (ઓખામંડળ):
દ્વારકાની ધરતી પર બ્રિટિશ આર્મી સામે જે રીતે વાઘેર બહારવટીયાઓએ લડત આપી, તે ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલી છે. તોપના ગોળા સામે ગોદડાં ભીના કરીને સામે છાતીએ લડનારા આ શૂરવીરોએ ક્યારેય હાર સ્વીકારી નહોતી.બહારવટીયાઓના કડક નિયમો: મર્યાદા જેણે તેમને ‘અમર’ બનાવ્યા


આજના લૂંટારાઓ અને એ સમયના બહારવટીયાઓ વચ્ચે આભ-જમીનનો તફાવત હતો:

  • સ્ત્રી સન્માન: બહારવટીયાની નજર ક્યારેય કોઈ પરસ્ત્રી પર બગડતી નહીં. ઉલટું, તેઓ સ્ત્રીઓને પોતાની બહેન-દીકરી ગણીને રક્ષણ આપતા.
  • ગરીબોની સહાય: અમીરો અને અન્યાયી રાજાઓને લૂંટીને તેઓ ગરીબોના ઘરે કરિયાવર મોકલતા કે જમવાનું પહોંચાડતા.
  • ગાય અને બ્રાહ્મણનું રક્ષણ: તેઓ ક્યારેય ગાય કે પંડિત પર હાથ ઉપાડતા નહીં.
  • લોકસાહિત્યમાં સ્થાન
    ઝવેરચંદ મેઘાણીએ ‘સોરઠી બહારવટીયા’ પુસ્તકમાં આ શૂરવીરોની ગાથાઓને જીવંત કરી છે. મેઘાણીએ તેમને ‘ન્યાયના રક્ષકો’ તરીકે ઓળખાવ્યા છે. આ બહારવટીયાઓ માટે બહારવટું એ શોખ નહીં, પણ મજબૂરી અને મર્યાદાનો રસ્તો હતો.
  • નિષ્કર્ષ
    આજે રજવાડાં ગયા અને અંગ્રેજો પણ ગયા, પણ ગુજરાતની લોક સંસ્કૃતિમાં આ બહારવટીયાઓ હજુ પણ જીવંત છે. તેઓ શીખવે છે કે અન્યાય સામે ઝૂકવા કરતાં લડવું અને પોતાની ટેક માટે બલિદાન આપવું એ જ સાચું ક્ષાત્રવટ છે.
  • અહેવાલ: ‘પાક્કો ગુજરાત’ સ્પેશિયલ ડેસ્ક

National : કેરળનો કાળો ઈતિહાસ: જ્યારે ‘વસ્ત્ર’ આપીને શૂદ્ર મહિલાઓનું શારીરિક શોષણ કરવું એ પરંપરા ગણાતી!

0


અમદાવાદ/કેરળ: ભારતીય ઈતિહાસના પાનાઓમાં કેટલીક એવી પરંપરાઓ ધરબાયેલી છે, જે સાંભળીને આજે આપણું લોહી ઉકળી ઉઠે. આજે વાત કરવી છે કેરળના ત્રાવણકોર રિયાસતની એ પ્રથાની, જ્યાં ઉચ્ચ ગણાતા નંબુદરી બ્રાહ્મણો અને નાયર જ્ઞાતિની મહિલાઓ વચ્ચેના સંબંધો પાછળ એક વિચિત્ર અને શોષણખોર વ્યવસ્થા છુપાયેલી હતી.


શું હતી આ ‘સંબંધમ’ પ્રથા?
ત્રાવણકોરના વિસ્તારોમાં એ સમયે ‘સંબંધમ’ નામની એક પ્રથા પ્રચલિત હતી. આ કોઈ સામાન્ય લગ્ન નહોતા, પણ એક પ્રકારનો સામાજિક કરાર હતો. નંબુદરી બ્રાહ્મણ પરિવારનો માત્ર મોટો પુત્ર જ પોતાની જ્ઞાતિમાં લગ્ન કરી શકતો, જ્યારે બાકીના નાના પુત્રો નાયર કે અન્ય શૂદ્ર જ્ઞાતિની સ્ત્રીઓ સાથે ‘સંબંધ’ રાખતા.


એક અજીબ પ્રક્રિયા: સ્નાનથી શરુ થઈને શારીરિક સંબંધ સુધી
સ્ક્રિપ્ટ મુજબ, આ પ્રક્રિયા અત્યંત જટિલ અને ભેદભાવથી ભરેલી હતી:

  • શુદ્ધિકરણનો ડોળ: બ્રાહ્મણ પુરુષ જ્યારે નાયર સ્ત્રીના ઘરે જતો, ત્યારે તે ઘરની બહાર જ સ્નાન કરતો. તેનો હેતુ એ હતો કે તે સ્ત્રીના સંપર્કમાં આવતા પહેલા ‘પવિત્ર’ થઈ જાય.
  • ભોજનની શરત: રસપ્રદ વાત એ છે કે તે સ્ત્રીના ઘરે જતો હોવા છતાં, તે સ્ત્રીના હાથનું રાંધેલું જમતો નહીં. અન્ય એક બ્રાહ્મણ ત્યાં આવીને તેને જમવાનું પીરસી જતો.
  • નિશાની તરીકે વસ્ત્ર: આ સંબંધની શરૂઆત પુરુષ દ્વારા સ્ત્રીને આપવામાં આવતા એક ‘મુંડુ’ (ધોતી અથવા વસ્ત્ર) થી થતી. જો સ્ત્રી તે સ્વીકારી લે, તો તેનો અર્થ એ કે સંબંધ સ્વીકાર્ય છે.

  • બાળકોને સ્પર્શ પણ નહીં: પિતૃત્વનો ઈનકાર
    આ પ્રથાની સૌથી ક્રૂર કડી એ હતી કે આ સંબંધથી જન્મેલા બાળકો પર પિતાનો કોઈ હક નહોતો.

કહેવાય છે કે નંબુદરી બ્રાહ્મણો આ સ્ત્રીઓ સાથે રાત વિતાવતા, પણ સવારે ઉઠીને તે જ સ્ત્રી કે તેનાથી જન્મેલા સંતાનને અડકતા પણ નહીં. જો ભૂલથી સ્પર્શ થઈ જાય, તો તેઓ ફરીથી સ્નાન કરીને શુદ્ધ થતા હતા.

પરિણીત મહિલાઓ કેમ આ પરંપરા માનતી?
આ પ્રશ્ન આપણને અચૂક થાય. તેના મુખ્ય ત્રણ કારણો હતા:

  • ધાર્મિક અંધશ્રદ્ધા: એ સમયે એવી માન્યતા ફેલાવવામાં આવી હતી કે ઉચ્ચ જ્ઞાતિના બ્રાહ્મણ સાથે સંબંધ રાખવો એ પુણ્યનું કામ છે અને તેનાથી મોક્ષ મળે છે.
  • સામાજિક મોભો: નાયર પરિવારોમાં બ્રાહ્મણ પુરુષનો પધરામણો એક પ્રકારનો સામાજિક દરજ્જો (Status Symbol) ગણાતો હતો.
  • માતૃસત્તાક પ્રથા: નાયર સમાજમાં મિલકત સ્ત્રીના નામે રહેતી, તેથી સ્ત્રીઓને આર્થિક રીતે પુરુષ પર નિર્ભર રહેવું પડતું નહીં. પરંતુ પિતૃત્વના નામે બાળકોને પિતાનું નામ ક્યારેય મળતું નહીં.
    નિષ્કર્ષ
    આજે જ્યારે આપણે સ્ત્રી સમાનતાની વાતો કરીએ છીએ, ત્યારે ઈતિહાસની આ ઘટનાઓ યાદ અપાવે છે કે ધર્મ અને પરંપરાના નામે કેવી રીતે માનવ અધિકારોનું હનન કરવામાં આવતું હતું. કેરળના સામાજિક સુધારકો અને વીસમી સદીના આંદોલનોએ અંતે આ કુપ્રથાનો અંત આણ્યો.
    રિપોર્ટ: ‘પાક્કો ગુજરાત’ ન્યૂઝ ડેસ્ક

Article : બેનામી સંબંધોની મહેક: જ્યાં લોહીના સંબંધો કરતા પણ વધુ મધુરતા હોય છે

0


દરેક સંબંધને નામ આપવું શું અનિવાર્ય છે? સમાજે આપણને શીખવ્યું છે કે જો કોઈ વ્યક્તિ સાથે જોડાણ હોય, તો કાં તો એ ભાઈ હોય, બહેન હોય, મિત્ર હોય કે પછી લોહીનો કોઈ સગો હોય. પણ હકીકત એ છે કે જીવનના વળાંક પર કેટલાક એવા સંબંધો મળી જાય છે જેનું કોઈ નામ નથી હોતું, છતાં તેની હાજરી આખા જીવનને મહેકાવી દે છે.


ઔપચારિકતા વગરનું અમૃત
આજકાલના યુગમાં જ્યારે સંબંધો ‘સ્ટેટસ’ અને ‘સોશિયલ મીડિયા’ પૂરતા સીમિત થઈ ગયા છે, ત્યારે કેટલાક સંબંધો એવા પણ છે જે કોઈ પણ જાહેરાત વગર, બેનામી રીતે જીવાય છે. આ એવા લોકો છે જેમને આપણે રોજ નથી મળતા, જેમના માટે કોઈ ફેમિલી વોટ્સએપ ગ્રુપ નથી હોતું, છતાં જ્યારે મન ઉદાસ હોય ત્યારે સૌથી પહેલો વિચાર એમનો જ આવે છે. અહીં “આપણો સંબંધ શું?” એવો સવાલ ક્યારેય ઉઠતો નથી, કારણ કે અહીં અહેસાસની ભાષા શબ્દો કરતાં વધુ સ્પષ્ટ હોય છે.


જવાબદારી નહીં, પણ જીવવાની ઈચ્છાશક્તિ
આપણે જોયું છે કે લોહીના સંબંધો ક્યારેક ‘નિભાવવા પડે’ છે એટલે નિભાવાય છે. તેમાં એક પ્રકારનો વજન હોય છે, મજબૂરી હોય છે. જ્યારે આ બેનામી સંબંધોની સુંદરતા જ એ છે કે તેને નિભાવવાનો કોઈ ભાર નથી લાગતો.

  • અહીં કોઈ શરત નથી.
  • અહીં કોઈ અપેક્ષાનું પોટલું નથી.
  • અહીં માત્ર ને માત્ર સાથે હોવાની નિખાલસ ઈચ્છાશક્તિ હોય છે.
    સંબંધોનું ‘વેઈટલેસ’ હોવું જ તેની તાકાત છે
    આવા સંબંધો લોહીના સંબંધોથી પણ ચડિયાતા સાબિત થાય છે, કારણ કે તે આત્માથી જોડાયેલા હોય છે. તેમાં મજબૂરીની કોઈ સાંકળ નથી હોતી, એટલે જ તેમાં મુક્તિનો આનંદ હોય છે. જે સંબંધ જવાબદારી બની જાય તે ક્યારેક ગૂંગળામણ આપે છે, પણ જે સંબંધ માત્ર ‘જીવવાની ઈચ્છા’થી ટકેલો હોય તે જીવનભર તાજગી આપે છે.
    અંતિમ વિચાર:
    તમારી પાસે પણ કોઈ એવી વ્યક્તિ છે જેની સાથેના સંબંધને તમે નામ નથી આપી શક્યા પણ એ તમારી જિંદગીનો અવિભાજ્ય હિસ્સો છે? જો હા, તો તમે નસીબદાર છો. સંબંધોને નામના પિંજરામાં કેદ કરવા કરતા, તેને લાગણીના આકાશમાં વિહરવા દેવા જોઈએ. કેમ કે, અસલી મજા તો એ બેનામી સંબંધોમાં જ છે, જે કોઈપણ સ્વાર્થ વગર હૃદયના ખૂણે સચવાયેલા રહે છે.

  • પવન માકન
    ગ્રુપ એડિટર, પાક્કો ગુજરાત
    એડિટર નોટ: આ લેખ વાંચ્યા પછી જો તમને પણ કોઈ એવી ‘બેનામી’ વ્યક્તિ યાદ આવી હોય, તો આજે જ તેમને એક મેસેજ કરજો, કારણ કે જિંદગી બહુ ટૂંકી છે અને સાચા સંબંધો બહુ ઓછા.

National : પૈસાનો ‘જંગ’ અને ૪૦ વર્ષનો ‘વનવાસ’: ન્યાય મળ્યો કે ન્યાયની ક્રૂર મજાક?

0


કહેવાય છે કે ‘ન્યાયમાં વિલંબ એટલે ન્યાયનો ઈન્કાર’, પણ હરિયાણા રોડવેઝના કંડક્ટર રણવીર સિંહ યાદવે સાબિત કરી દીધું કે જો હિંમત હોય તો ગમે તેટલા વર્ષો લાગે, સત્યને દબાવી શકાતું નથી. માત્ર ૫ પૈસા માટે એક વ્યક્તિએ આખી જિંદગી કોર્ટના ઉંબરા ઘસવામાં વિતાવી દીધી.

ઘટના શું હતી?
વર્ષ ૧૯૮૫માં રણવીર સિંહ યાદવ પર આરોપ લાગ્યો હતો કે તેમણે ૧૦ પૈસાની ટિકિટમાં ૫ પૈસાની ગેરરીતિ કરી છે. આ મામૂલી રકમ માટે તંત્રએ તેમને નોકરીમાંથી પાણીચું પકડાવી દીધું. ત્યારથી શરૂ થયો સત્ય માટેનો સંઘર્ષ જે ૨૦૨૪-૨૫ સુધી એટલે કે પૂરા ૪૦ વર્ષ ચાલ્યો.

કોર્ટનો આદેશ: વિજય થયો પણ મોડો…
લાંબી કાનૂની લડત બાદ કોર્ટે રણવીર સિંહને નિર્દોષ જાહેર કર્યા અને તંત્રને ઝાટકણી કાઢતા નીચે મુજબ ચૂકવણી કરવાનો આદેશ આપ્યો:

  • ₹૩૦,૦૦૦ નું વળતર.
  • ₹૧.૨૮ લાખ ગ્રેચ્યુઈટી પેટે.
  • ₹૧.૩૭ લાખ CPF પેટે.
    સોશિયલ મીડિયા પર આક્રોશ: “આ ન્યાય નથી, સિસ્ટમની નિષ્ફળતા છે”
    ઈન્ટરનેટ પર આ સમાચાર વાયુવેગે ફેલાતા લોકોનો પિત્તો ગયો છે. લોકો પૂછી રહ્યા છે:

“જે માણસની આખી જિંદગી કોર્ટમાં વેડફાઈ ગઈ, તેની યુવાની અને માનસિક શાંતિનું વળતર આ રકમ આપી શકશે? ૫ પૈસા માટે ૪૦ વર્ષ સુધી લડાવવું એ ન્યાય નહીં પણ સિસ્ટમની નિર્દયતા છે.”

‘પાક્કો ગુજરાત’નો સવાલ:
આજે જ્યારે કરોડોના કૌભાંડો કરનારાઓ આરામથી ફરે છે, ત્યારે એક ગરીબ કંડક્ટરને ૫ પૈસા માટે ૪૦ વર્ષ સુધી હેરાન કરવામાં આવ્યા. શું આપણી સિસ્ટમ ગરીબો માટે આટલી જ કઠોર છે? રણવીર સિંહ યાદવ જીતી તો ગયા, પણ આ જીતનો આનંદ માણવા માટે તેમની પાસે હવે જિંદગીના છેલ્લા વર્ષો જ બાકી રહ્યા છે.
તંત્ર જાગે તો સારું: ૫ પૈસાની કિંમત ૪૦ વર્ષ જેટલી મોંઘી ન હોવી જોઈએ!

National : તમારી કિંમત ₹500 નથી, તમે અનમોલ છો!

0


ચૂંટણીનો માહોલ જામ્યો છે. ફરી એકવાર ગલીઓમાં ગાડીઓ ફરશે, ફરી એકવાર તમારા હાથમાં પાંચસોની નોટો પધરાવવાના પ્રયાસો થશે અને ફરી એકવાર સાંજની મહેફિલો માટે દારૂ-ચવાણાની લાલચ અપાશે.
પણ જરા થોભો અને વિચારજો…

  • શું તમારા સંતાનોનું ભવિષ્ય ₹500માં વેચવા જેવું છે?
  • શું તમારા ગામના તૂટેલા રસ્તાઓ અને અસુવિધાઓનું વળતર માત્ર એક સાંજનું ચવાણું છે?
  • શું એક પોટલી માટે તમે તમારી આવનારી પેઢીનું નસીબ કોઈ ખોટા માણસના હાથમાં સોંપવા તૈયાર છો?
    જે નેતા તમને ખરીદવા આવે છે, તે તમારી સેવા કરવા નહીં પણ તમને લૂંટવા માટે રોકાણ કરી રહ્યો છે. જે આજે તમને ₹500 આપશે, એ કાલે તમારી પાસે કામના બદલામાં ₹5000 લાંચ માંગશે.
  • અમારી હાકલ:
    આ વખતે વેચાશો નહીં, આ વખતે માંગજો!
  • માંગો… એવી શાળાઓ જ્યાં દીકરા-દીકરીઓનું ભવિષ્ય બને.
  • માંગો… એવી હોસ્પિટલો જ્યાં ગરીબને પણ સન્માનજનક સારવાર મળે.
  • માંગો… એવો ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ જ્યાં તમારે કોઈની સામે હાથ ન ફેલાવવો પડે.
    પાંચસો રૂપિયા અને દારૂ-ચવાણું નહીં, આ વખતે તમારું ‘સન્માન’ માંગો! તમારો એક કિંમતી વોટ લાલચને નહીં, પણ લાયકાતને આપો.
    સ્લોગન:

“નોટ નહીં, નીતિ જુઓ; લાલચ નહીં, લાજ જુઓ.”

સત્યની સાથે, તમારી સાથે – પાક્કો ગુજરાત ન્યૂઝ પેપર

  • હાઇલાઇટ: “તમારું સન્માન માંગો” વાક્યને લાલ રંગમાં અથવા બોક્સમાં હાઇલાઇટ કરવું.