Home Blog Page 219

Business : 22K 24K Gold Price Today: 31 માર્ચે કેટલો વધ્યો સોનાનો ભાવ? ચેક કરો લેટેસ્ટ રેટ

0

મધ્ય પૂર્વમાં ઊભી થયેલી પરિસ્થિતિની વૈશ્વિક અસર પડી રહી છે. રોકાણકારો સોના અને ચાંદી જેવા સલામત રોકાણ વિકલ્પો તરફ પાછા ફરી રહ્યા હોય તેવું લાગે છે. ચાલો આજના નવીનતમ ભાવો પર એક નજર કરીએ.

માર્ચ મહિનાના અંતિમ દિવસે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે, મંગળવાર, 31 માર્ચ, મહાવીર જયંતિના દિવસે સોના ચાંદીના ભાવમાં ફેરફાર આવ્યો છે. મધ્ય પૂર્વના દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક અનિશ્ચિતતા જોવા મળી છે. પરિણામે સોના ચાંદીના ભાવ પણ બદલાઇ રહ્યા છે. ક્યારેક ભાવ વધે છે તો ક્યારેક ઘટે છે. ત્યારે આવો જાણીએ 31 માર્ચે શું છે સોના ચાંદીનો લેટેસ્ટ રેટ.

મહાવીર જયંતિ નિમિત્તે 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ 103 રૂપિયાનો વધારો થયો છે. પરિણામે, ભાવ 14,944 રૂપિયા પર પહોંચી ગયો છે. તેવી જ રીતે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 13700 રૂપિયા થયો છે, જે પાછલા ટ્રેડિંગ સત્રની સરખામણીમાં 95 રૂપિયાનો વધારો દર્શાવે છે. નોંધનીય છે કે છેલ્લા બે દિવસમાં 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ 122 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે 22 કેરેટ સોનાના ભાવમાં 110 રૂપિયાનો વધારો થયો છે. 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹1,030 વધીને ₹1,48,410 થી વધીને ₹1,49,440 થયો છે.

છેલ્લા કેટલાક દિવસોથી ચાંદીના ભાવમાં વધઘટ થઈ રહી છે. 25 માર્ચે, ભાવ આશરે ₹2,34,814 પ્રતિ કિલોગ્રામ હતો. 27 માર્ચે તે ઘટીને ₹221647 થયો અને ત્યારબાદ 30 માર્ચે ફરી વધીને ₹230,135ની આસપાસ પહોંચ્યો. ત્યારે ગુડ રિટર્ન અનુસાર આજે ચાંદીનો ભાવ પ્રતિ કિલો 2,50,000 નોંધાયો છે.

મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)

શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ 1,49,340 1,36,900
વડોદરા 1,49,340 1,36,900
રાજકોટ 1,49,340 1,36,900
સુરત 1,49,340 1,36,900
મુંબઇ 1,49,290 1,36,850
દિલ્હી 1,49,440 1,37,000
ભારતીય પરંપરાઓ અને લાગણીઓ સાથે જોડાયેલ
ભારતમાં સોનું ફક્ત રોકાણનું સાધન નથી. તે લોકોની પરંપરાઓ અને લાગણીઓ સાથે પણ ઊંડે સુધી જોડાયેલું છે. લગ્ન, તહેવારો અને ખાસ પ્રસંગો દરમિયાન સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. ઘણા પરિવારો પેઢી દર પેઢી સોનાને સાચવવાની પરંપરાને જાળવી રાખે છે, તેને સુરક્ષા અને સમૃદ્ધિનું પ્રતીક માને છે.

ગ્રામીણ વિસ્તારોથી લઈને શહેરી કેન્દ્રો સુધી, સોનાને એક વિશ્વસનીય સંપત્તિ માનવામાં આવે છે. જ્યારે પણ આર્થિક અનિશ્ચિતતા વધે છે, ત્યારે લોકો ઘણીવાર સોના તરફ વળે છે. આ જ કારણ છે કે, ભારતમાં, સોનાને ફક્ત ઘરેણાં સાથે જ નહીં, પરંતુ સંસ્કૃતિ, શ્રદ્ધા અને ભવિષ્યની સુરક્ષા સાથે પણ જોડવામાં આવે છે.

Banaskantha : શાળામાં તાળાં કે ઈવેન્ટમાં તાળીઓ? બનાસકાંઠામાં 1800 શિક્ષિકાઓની ભણાવવાને બદલે PMના કાર્યક્રમમાં હાજરી

0

ગુજરાતમાં એક તરફ ગુણવત્તાયુક્ત શિક્ષણના દાવા કરવામાં આવે છે, તો બીજી તરફ સરકારી કાર્યક્રમોમાં ભીડ એકઠી કરવા માટે શિક્ષણ જગતનો જ ભોગ લેવાતો હોવાની વરવી વાસ્તવિકતા સામે આવી છે. બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના એક લેટેસ્ટ પરિપત્રએ વિવાદ છેડ્યો છે, જેમાં હજારો મહિલા શિક્ષિકાઓને શાળા છોડી વડાપ્રધાનના કાર્યક્રમમાં હાજર રહેવા આદેશ કરાયો છે.

બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓમાંથી કુલ 4374 મહિલા શિક્ષિકાઓની વિગતો મંગાવવામાં આવી છે. આ પૈકી 1800 શિક્ષિકાઓને ફરજિયાતપણે કાર્યક્રમ સ્થળે હાજર રાખવા માટે સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે. આ શિક્ષિકાઓએ બાળકોને ભણાવવાને બદલે VIP અને VVIP બેઠક વ્યવસ્થામાં હાજર રહેવાનું રહેશે. નોડલ અધિકારીઓને આ શિક્ષિકાઓને લાવવા-લઈ જવાની અને બેઠક વ્યવસ્થા જાળવવાની જવાબદારી સોંપવામાં આવી છે.

જ્યારે હજારો શિક્ષિકાઓ એકસાથે શૈક્ષણિક કાર્ય છોડીને સરકારી ઇવેન્ટમાં જોડાશે, ત્યારે તે દિવસે શાળાઓમાં અભ્યાસ કરતા હજારો નિર્દોષ બાળકોના શિક્ષણનું શું? આ પ્રશ્ન હાલ વાલીઓ અને શિક્ષણવિદોમાં ચર્ચાનો વિષય બન્યો છે. શું શિક્ષણ વિભાગનું કામ ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવાનું છે કે પછી માત્ર રાજકીય કાર્યક્રમોમાં પ્રેક્ષકોની સંખ્યા વધારવાનું?

એક તરફ રાજ્યની અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવાની બૂમો ઊઠી રહી છે, ત્યારે બીજી તરફ હાજર શિક્ષકોને પણ બિન-શૈક્ષણિક કામોમાં જોતરવામાં આવી રહ્યા છે. જાહેર જનતાના ટેક્સના પૈસે ચાલતા તંત્રનો ઉપયોગ જ્યારે આ પ્રકારે ‘ભીડ વધારવાના સાધન’ તરીકે થાય, ત્યારે તે લોકશાહીની ગરિમા સામે ગંભીર પ્રશ્નાર્થો ઊભા કરે છે.

Ahmedabad : અમદાવાદ એરપોર્ટ પર કુઆલાલુમ્પુરથી આવેલી મહિલા પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું, શરીરમાં બે કેપ્સ્યુલ છુપાવી હતી

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા સોનાની દાણચોરીનું મોટું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે. કુઆલાલંપુરથી આવેલી એક મહિલા મુસાફર પાસેથી 83.29 લાખ રૂપિયાની કિંમતનું 553.07 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. કસ્ટમ્સ વિભાગે મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, એડવાન્સ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ (APIS) દ્વારા કરવામાં આવેલા ડેટા એનાલિસિસ અને પ્રોફાઇલિંગના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. 30મી માર્ચ 2026ના રોજ કુઆલાલંપુરથી ફ્લાઇટ નંબર AK 91 દ્વારા અમદાવાદ પહોંચેલી આ મહિલા પેસેન્જરની હિલચાલ શંકાસ્પદ જણાતા તેને ગ્રીન ચેનલ પર અટકાવવામાં આવી હતી.

પ્રાથમિક પૂછપરછમાં મહિલાએ સંતોષકારક જવાબ ન આપતા તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. મેડિકલ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. મહિલાએ પોતાના શરીરમાં બે કેપ્સ્યુલ્સ છુપાવી હતી. આ કેપ્સ્યુલ્સની અંદર લિક્વિડ કેમિકલ સાથે મિશ્રિત ગોલ્ડ પેસ્ટ ભરેલી હતી. જે બાદ કસ્ટમ્સ વિભાગ દ્વારા આ સોનાની પેસ્ટને રિફાઇન કરવામાં આવી હતી અને તેમાંથી 24 કેરેટનું કુલ 553.07 ગ્રામ સોનું મળ્યું હતું. જપ્ત કરાયેલા આ સોનાની બજાર કિંમત 83,29,234 અને ટેરિફ કિંમત 75,58,393 હોવાનું જાણવા મળ્યું છે.

કસ્ટમ્સ વિભાગે સોનું જપ્ત કરી મહિલા મુસાફરની ધરપકડ કરી છે. આ સોનું અમદાવાદમાં કોને પહોંચાડવાનું હતું અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ દાણચોરીના રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલું છે, તે દિશામાં ઉંડી તપાસ શરૂ કરવામાં આવી છે. એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ દ્વારા દેખરેખ વધુ કડક બનાવી દેવામાં આવી છે.

National : નૌસેનાના જવાને ગર્લફ્રેન્ડની હત્યા બાદ શરીરના ટુકડા કરીને ફ્રિજમાં છુપાવ્યા, માથું-હાથ સળગાવ્યા; આંધ્રપ્રદેશની ધ્રુજાવીદેનારી ઘટના

0

વિશાખાપટ્ટનમમાં ભારતીય નૌસેનાના એક કર્મચારી દ્વારા 28 વર્ષીય મહિલાની નિર્મમ હત્યાની હચમચાવી દેતી ઘટના સામે આવી છે. આરોપીએ ગજુવાકા વિસ્તારમાં મહિલાની હત્યા કર્યા બાદ તેના શરીરના ટુકડા કરી પુરાવા નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ચિંતાદા રવિન્દ્ર ભારતીય નૌસેનામાં ટેકનિશિયન તરીકે ફરજ બજાવે છે. તેણે ઓનલાઇન ચપ્પુ ખરીદીને મૃતક પોલિપલ્લી મૌનિકાના શરીરના ટુકડા કર્યા હતા. શરીરના કેટલાક ભાગોને તેણે ફ્રીજમાં રાખ્યા હતા, જ્યારે માથું અને હાથ રવિવારે અદાવીવરમ પાસેની એક નિર્જન જગ્યાએ સળગાવી દીધા હતા.

તપાસમાં સામે આવ્યું છે કે રવિન્દ્ર અને મૌનિકા ૨૦૨૧થી એકબીજાના સંપર્કમાં હતા. તેમની મુલાકાત એક ડેટિંગ એપ્લિકેશન દ્વારા થઈ હતી. રવિન્દ્રની પત્ની એક મહિના પહેલા તેના પિયર ગઈ હતી, જે દરમિયાન આ ઘટના બની હતી. બંને અવારનવાર વિશાખાપટ્ટનમના વિવિધ જાહેર સ્થળોએ મળતા હતા.

આરોપીના નિવેદન મુજબ, મૌનિકાએ તેની પાસેથી 3.5 લાખ રૂપિયા લીધા હતા અને તેમના સંબંધો વિશે રવિન્દ્રની પત્નીને જાણ કરવાની ધમકી આપતી હતી. આ મુદ્દે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ઘટનાના દિવસે રવિન્દ્રએ મૌનિકાને પોતાના ફ્લેટ પર બોલાવી હતી, જ્યાં ઉગ્ર દલીલો બાદ તેણે ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

National : બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત

0

બિહારના નાલંદા જિલ્લામાંથી એક અત્યંત દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે શીતલા માતાના મંદિરે દર્શન કરવા ઉમટેલી ભારે ભીડમાં અચાનક નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલમાં પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, ચૈત્ર માસનો છેલ્લો મંગળવાર હોવાથી શીતલા માતાના મંદિરે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં પોલીસ અને વહીવટીતંત્રનો બંદોબસ્ત નહિવત હોવાનું જાણવા મળ્યું છે. દર્શન કરવાની ઉતાવળમાં કેટલાક શ્રદ્ધાળુઓએ કતાર તોડીને આગળ વધવાનો પ્રયાસ કરતા અફરાતફરી મચી ગઈ હતી. એકાએક ભીડ બેકાબૂ બનતા લોકો એકબીજા પર પડવા લાગ્યા હતા, જેના પરિણામે આ ભયાનક નાસભાગ સર્જાઈ હતી.

સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ હોનારત પાછળ પોલીસ-પ્રશાસનની ઘોર બેદરકારી જવાબદાર છે. મહત્વની વાત એ છે કે, આ સમયે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પણ નાલંદાની મુલાકાતે છે. તેઓ નાલંદા યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા છે. જેથી સમગ્ર વહીવટીતંત્રનું ધ્યાન રાષ્ટ્રપતિના કાર્યક્રમ અને સુરક્ષા વ્યવસ્થામાં હોવાને કારણે શીતલા મંદિરે પૂરતો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો નહોતો, જે અંતે ઘાતક સાબિત થયો.

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તબીબોએ 8 લોકોને મૃત જાહેર કર્યા છે, જ્યારે અડધો ડઝનથી વધુ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી રહી છે.

Breaking News : લિંબાયતમાં ઘરમાં રાખેલા સાડીના કામના કેમિકલમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 5 લોકોના મોત

સુરતના લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડી પાસે આવેલા એક રહેણાંક મકાનમાં આજે(31 માર્ચ) અચાનક આગ ફાટી નીકળતા પાંચ લોકોના મોત નીપજ્યા હોવાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અચાનક લાગેલી આ ભયાનક આગે આસપાસના રહીશોમાં ભારે ફફડાટ અને ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું.

મળતી માહિતી અનુસાર, ઘરમાં સાડીઓનું કામ ચાલતું હતું. જેથી ઘરમાં જ્વલનશીલ પદાર્થ રાખવામાં આવ્યો હતો. ઘરમાં મૂકેલા જ્વલનશીલ કેમિકલના જથ્થામાં અચાનક બ્લાસ્ટ થયો હતો, જેને લઈને ઘરમાં ભીષણ આગ લાગી હતી. જેમાં પાંચ લોકો દાઝ્યાં હતા, જે પૈકી બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણ લોકોના સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પર તબીબોએ મૃત જાહેર કર્યા છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ગાડીઓ અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી. ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.

તંત્ર દ્વારા હાલમાં આગને કાબૂમાં લેવાની અને ઘટનાસ્થળ પર સર્ચ ઓપરેશન ચલાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ગંભીર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનોમાં ભારે આઘાત અને આક્રંદ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જેથી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાય.

Gujarat : પોરડા ગામમાં જાહેર શૌચાલય ગંદકી, ઝાડી-ઝાંખરામાં ગરકાવ

0

 ખેડા જિલ્લાના મહુધા તાલુકાના પોરડા ગામમાં સરકારી તંત્રની બેદરકારી સામે આવી છે. ગામમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા સાર્વજનિક શૌચાલય આજે જાળવણીના અભાવે શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. ગંદકી અને ઝાડી-ઝાંખરાના સામ્રાજ્યના કારણે લોકો શૌચાલયમાં જઇ શકતા નથી. ત્યારે જાહેર શૌચાલયની સાફ-સફાઈ કરવા ગ્રામજનોમાંથી માગણી ઊઠવા પામી છે.

સરકાર દ્વારા નિર્મળ ગામ સ્વચ્છ ગામની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે. તેમજ નિર્મળ ગામનું સપનું સાકાર કરવા સ્વચ્છતા અભિયાન હેઠળ લાખો રૂપિયાના ખર્ચે જાહેર શૌચાલય બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે મહુધા તાલુકાના પોરડા ગામમાં ગ્રામજનોની સુવિધા માટે બનાવવામાં આવેલા જાહેર શૌચાલય લાંબા સમયથી બંધ હાલતમાં છે. ગામમાં બનાવેલા જાહેર શૌચાલય ગંદકીથી ખદબદી રહ્યાં છે. જેથી અંદર જઈ ન શકાય તેવી ભારી ભારે દુર્ગંધ મારી રહી છે. આ ઉપરાંત યોગ્ય સાફ-સફાઈ અને જાળવણી ન થવાને કારણે આ પરિસરમાં કમર સુધી ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે. શૌચાલયોમાં ગંદકી એટલી હદે વધી ગઈ છે કે, ત્યાં પગ મૂકવો પણ મુશ્કેલ બન્યો છે. સફાઈના અભાવે શૌચાલયની અંદર અને બહાર કાંટાળી વનસ્પતિઓ ઉગી નીકળી છે, જેનાથી જીવજંતુઓનો ઉપદ્રવ વધી રહ્યો છે. આમ લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ જાહેર સૌચાલય હાલ ધૂળ ખાઈ રહી છે. શૌચાલયોનો ઉપયોગ ન થઈ શકવાને કારણે ગ્રામજનોને ખાસ કરીને મહિલાઓ ખુલ્લામાં શૌૈચક્રિયા કરવા જવા મજબૂર બની છે. ગામના નાગરિકોનું કહેવું છે કે, એક તરફ સરકાર ‘સ્વચ્છ ભારત’ની વાતો કરે છે, ત્યારે બીજી તરફ પોરડા ગામમાં સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડી રહ્યા છે. ગ્રામ પંચાયત અને તાલુકા વિકાસ અધિકારી ત્વરિત પગલાં લઇ શૌચાલયોની સફાઈ કરાવી તેને કાર્યરત કરે તેવી માગણી ઉઠવા પામી છે.

Gujarat : પશુ ચોર ટોળકીના 3 આરોપીઓ 4.56 લાખની મત્તા સાથે ઝડપાયા

0

કઠલાલ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા સરખેજ ડાભીની મુવાડી ગામેથી થયેલી પશુ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. ગત તા. ૧૪-૦૩-૨૬ના રોજ રાત્રિના સમયે થયેલી ભેંસની ચોરી મામલે પોલીસે ફિલ્મી ઢબે તપાસ કરી અમદાવાદની કુખ્યાત ટોળકીને ઝડપી પાડી છે.

ગત ૧૪ માર્ચના રોજ મોડી રાત્રે આશરે ૩ઃ૦૦ વાગ્યાના સુમારે સરખેજ ડાભીની મુવાડી ગામે તસ્કરોએ ત્રાટકીને એક ઘર આંગણે ગમાણમાં બાંધેલી રૂપિયા ૬૦,૦૦૦ની કિંમતની ભેંસની ચોરી કરી હતી. તસ્કરો કાળા રંગની લક્ઝરી કારમાં પશુને ચઢાવી પૂરઝડપે નાસી છૂટયા હતા. આ અંગે કઠલાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

કઠલાલ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ટેકનિકલ સોર્સ અને ૩૦થી વધુ સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી. જેમાં ચોરીમાં વપરાયેલી કાળા રંગની ફોર્ચ્યુનર ગાડીનો નંબર મેળવી બાતમીદારોને સક્રિય કરાયા હતા. બાતમીના આધારે પોલીસે અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ખલાલ ચેકપોસ્ટ પાસેથી આરોપીઓને આંતર્યા હતા. પોલીસે ગુલામ સાબીર મહંમદ કાલુમિયા કુરેશી (રહે. જમાલપુર ખાટકીવાડ, દાણીલીમડા, અમદાવાદ),

આસિફ ઉર્ફે માઈકલ નૂર મોહમ્મદ ઈસ્માઈલ કુરેશી (રહે. રખિયાલ, અમદાવાદ) અને સલીમ ઉર્ફે કાલીયા દિલ્લી કમાત્રી અકબરભાઈ શેખ (રહે. બેરલ માર્કેટ, દાણીલીમડા, અમદાવાદ) આરોપીની ઝડપી પાડયા હતા. તેમજ પોલીસે ગુનામાં વપરાયેલી ફોર્ચ્યુનર કાર સહિત કુલ રૂપિયા ૪,૫૬,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, પકડાયેલા ત્રણેય આરોપીઓ રીઢા ગુનેગારો છે અને તેમના વિરુદ્ધ અગાઉ પણ અનેક પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયેલા છે.

Surendranagar : ધ્રાંગધ્રામાં યુવકે ધમકી આપી સગીરાને ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યું

0

 ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં રહેતા એક વિધવા માતા મજૂરી કામ કરી પોતાનું અને સંતાનોનું ગુજરાન ચલાવતા હતા જેમાં પોતાની ૧૭ વર્ષની સગીર દીકરીની હાલમાં જ સગાઈ કરવામાં આવી હતી.

દરમિયાન સગીરાની માતા ઘરેથી બહાર ગયા હોય અને સગીરા એકલી પોતાના ઘરે કપડાં ધોવા માટે હાજર હોય તેવા સમયે મોહસીન અબ્દુલભાઈ કાજેડીયા નામના શખ્સે સગીરાની સગાઈ તોડાવી નાખવાની ધમકી આપી હતી અને સગીરાની એકલતાનો લાભ લઈ બાવડું પકડી જબરદસ્તી સગીરાને ઘરમાં લઈ જઈ હાથ અને પગ બાંધી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ તરફ સગીરાની માતા પોતાના ઘરે જતા ડરી ગયેલી સગીરાએ તમામ હકીકત પોતાની માતાને જણાવી હતી અને અગાઉ પણ મોહસીન કાજેડીયા દ્વારા સગીરાની પાછળ પડી તાબે થવા માટે ધમકીઓ આપી હોવાનું જણાવતા માતાએ દુષ્કર્મ આચરનાર મોહસીન અબ્દુલભાઈ કાજેડીયા વિરુધ સિટી પોલીસ મથકે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Ahmedabad : બોડકદેવનું ‘બ્લેક બોક્સ’: વર્દીના ઓથા હેઠળ ‘જય-પાલ’નું હપ્તા રાજ કે કાયદાનું ચીરહરણ?

શહેરનો સૌથી પોશ ગણાતો બોડકદેવ વિસ્તાર આજે તેની અમીરાત માટે નહીં, પણ અનૈતિક પ્રવૃત્તિઓના ‘ગઢ’ તરીકે કુખ્યાત બની રહ્યો છે. પોલીસ સ્ટેશનની બિલકુલ નજીક ધમધમતા આ કાળા સામ્રાજ્યનો અસલી સૂત્રધાર કોઈ રીઢો ગુનેગાર નહીં, પણ પોલીસનો જ કથિત વહીવટદાર ‘જયપાલ’ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે જનતાએ ન્યાયની આશા કોની પાસે રાખવી?


એક્યમ સ્પા: મર્યાદાની હરાજી અને વિદેશી લલનાઓનો જમાવડો
પોલીસ સ્ટેશનથી માત્ર થોડા જ અંતરે આવેલું ‘એક્યમ સ્પા’ અત્યારે ચર્ચાનું કેન્દ્ર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અહીં થાઈલેન્ડ અને અન્ય દેશોની યુવતીઓ પાસે દેહવિક્રય કરાવવામાં આવે છે.

  • વીઝા કે વસૂલી?: શું આ વિદેશી યુવતીઓ પાસે વેલિડ વર્ક વીઝા છે? કે પછી જયપાલની ‘મંથલી’ એ કાયદાના કાગળોને દબાવી દીધા છે?
  • ગાંધારી બનેલી પોલીસ: સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસની પીસીઆર વાન અહીંથી રોજ પસાર થાય છે, પણ સ્પાના માલિકોના ‘કલેક્શન’ સામે પોલીસની આંખો મીંચાઈ જાય છે.
    સટ્ટાબજાર અને કોલ સેન્ટરનું ‘સેફ હેવન’
    બોડકદેવ હવે માત્ર સ્પા પૂરતું મર્યાદિત નથી રહ્યું. આ વિસ્તાર મોટા બુકીઓ અને ગેરકાયદેસર કોલ સેન્ટરોનું હેડક્વાર્ટર બની ગયું છે.

“સૂત્રોનો દાવો છે કે કરોડોનો ક્રિકેટ સટ્ટો અને નકલી કોલ સેન્ટરો અહીં નિર્ભયપણે ચાલે છે, કારણ કે તેમને જયપાલનું ‘અભયદાન’ પ્રાપ્ત છે.”

DCP, PCB અને ક્રાઈમ બ્રાન્ચ જેવી એજન્સીઓ સક્રિય હોવાનો દાવો કરે છે, તો પછી બોડકદેવમાં ચાલતા આ ગોરખધંધા કેમ તેમને દેખાતા નથી? શું જયપાલનો વગ આ એજન્સીઓ કરતાં પણ વધી ગયો છે?
વહીવટદાર જયપાલ: સિસ્ટમનો સમાંતર ‘સુલ્તાન’?
જયપાલનું નામ આજે બોડકદેવમાં ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયું છે. આક્ષેપ છે કે તે ખાખીની ગરિમાને ‘ખોખાઓ’ (કરોડો રૂપિયા) માં તોલી રહ્યો છે.

  • PIની મૌન સંમતિ?: સ્થાનિક પોલીસ અધિકારીઓ કાર્યવાહી કરવાને બદલે કેમ તમાશો જોઈ રહ્યા છે?
  • હપ્તાખોરીનો ખેલ: સટ્ટાબજાર અને સ્પામાંથી આવતા લાખોના હપ્તાએ આખી સિસ્ટમને પાંગળી બનાવી દીધી છે.
    જનતાનો સવાલ: કમિશનર સાહેબ, ક્યાં સુધી ચાલશે આ તમાશો?
    બોડકદેવના રહીશો હવે આ અરાજકતા સામે મેદાને પડવાની તૈયારીમાં છે. અમદાવાદ પોલીસ કમિશનરને સીધા સવાલો પૂછાઈ રહ્યા છે:
  • શું એક ‘વહીવટદાર’ આખી ખાખી વર્દીની આબરૂ હરાજી પર લગાડશે?
  • શું જયપાલના આ ગેરકાયદે વસૂલી તંત્રને કચડી નાખવામાં આવશે?
  • શું પોશ વિસ્તારની શાંતિને બુકીઓ અને સ્પા સંચાલકોના હાથમાં ગીરો મૂકી દેવામાં આવી છે?
    નિષ્કર્ષ:
    વર્દી પર લાગેલો આ ડાઘ હવે વધુ ઘેરો બની રહ્યો છે. જો સમય રહેતા આ ‘હપ્તા રાજ’ પર લગામ નહીં કસાય, તો જનતાનો પોલીસ પરથી વિશ્વાસ ઉઠી જવો નિશ્ચિત છે. હવે જોવાનું એ રહે છે કે ઉચ્ચ અધિકારીઓ આ ‘જયપાલ’ જેવા વચેટિયાઓ પર હથોડો ચલાવે છે કે પછી અનૈતિકતાનું આ બજાર આમ જ ધમધમતું રહેશે.