Home Blog Page 222

Ahmedabad : આનંદનગરમાં ક્રિકેટ રમતા બાળકોના ઝઘડામાં વાલીઓ બાખડ્યા, બહારથી માણસો બોલાવી મહિલા પર હુમલો કર્યાના આક્ષેપ

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં રવિવારે (29 માર્ચ) રાત્રે બાળકોની રમત જેવી નજીવી બાબતે વાલીઓ વચ્ચે મરામારી થઈ હતી. સ્કારલેટ સોસાયટીમાં ક્રિકેટ રમતા બાળકોના ઝઘડામાં મોટાઓ કૂદી પડતા મામલો બિચક્યો હતો. આ ઘટનામાં એક પક્ષે બહારથી હથિયારધારી માણસો બોલાવી સોસાયટીમાં મારામારી અને મહિલાની છેડતી કરી હોવાના ગંભીર આક્ષેપો થયા છે.

મળતી માહિતી અનુસાર, આંનંદનગર વિસ્તારમાં સ્કારલેટ સોસાયટીમાં રાત્રે બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. સોસાયટીના રહીશ કુણાલ શાહ બાળકોને છોડાવવા ગયા હતા, તે દરમિયાન અન્ય એક વ્યક્તિ કૃણાલસિંહ ચુડાસમા ત્યાં આવી પહોંચ્યા હતા. બાળકોની વાતને લઈને બંને વાલીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી, જે જોતજોતામાં હિંસક મારામારીમાં ફેરવાઈ ગઈ હતી.

ભોગ બનનાર કુણાલ શાહના જણાવ્યાનુસાર, સામેના પક્ષે બહારથી લુખ્ખા તત્વોને બોલાવ્યા હતા. આ શખસો દારૂ પીધેલી હાલતમાં અને હથિયારો સાથે સોસાયટીમાં ધસી આવ્યા હતા. આક્ષેપ છે કે તેમણે સોસાયટીમાં તોડફોડ કરી હતી અને કુણાલભાઈની પત્નીના પેટના ભાગે પણ માર માર્યો હતો. વધુમાં, હુમલાખોરોએ સોસાયટીની એક યુવતી સાથે અડપલાં કરી છેડતી કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

ઘટનાની જાણ થતા જ આનંદનગર પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે સોસાયટીના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે. આનંદનગર પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. જોકે, બંને પક્ષોએ પરસ્પર સમજૂતી સાધીને સમાધાન કરી લીધું હોવાનું પણ સામે આવ્યું છે.

Sports : KKRની હારથી દુઃખી થઈ શાહરૂખ ખાનની ગર્લ ગેંગ, ઉદાસ દેખાઈ સુહાના ખાન!

0

ગઈકાલે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને KKR વચ્ચે મેચ યોજાઈ હતી. આ દરમિયાન સુહાના ખાન પોતાની ટીમને સપોર્ટ કરવા માટે પોતાની ફ્રેન્ડ્સ અનન્યા અને શનાયા તથા નાના ભાઈ સાથે સ્ટેડિયમમાં જોવા મળી હતી.

રવિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની બીજી મેચ રમાઈ હતી. આ દરમિયાન KKRના કો-ઓનર અને સુપરસ્ટાર શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન અને નાનો દીકરો અબરામ ખાન બોલીવુડ એક્ટ્રેસ અનન્યા પાંડે અને શનાયા કપૂર સાથે પોતાની ટીમને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચ્યા હતા. જોકે શાહરુખ ખાનની ટીમ મેચ હારી ગઈ હતી, પરંતુ આ દરમિયાન એક્ટરના બાળકોએ ખૂબ લાઇમલાઇટ મેળવી હતી. તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

સ્ટેડિયમથી વાયરલ થઈ રહેલા વીડિયો અને તસવીરોમાં સુહાના ખાન અને તેની ખાસ બહેનપણીઓ અનન્યા અને શનાયા મેચ માટે એકસરખા કપડામાં જોવા મળી રહી છે. મેચ નાઈટ માટે સુહાના અને તેની ગર્લ ગેંગે પોતાની ટીમના લોગોવાળા વ્હાઈટ ટેન્ક ટોપ પહેર્યા હતા. આ ત્રણેયે ટોપ સાથે બ્લૂ જીન્સ પહેર્યું હતું. બીજી તરફ સુહાના અને તેની સખીઓનો સાથ આપતા અબરામ ખાન પણ જોવા મળ્યો હતો, જે બ્લેક કલરની ટી-શર્ટ અને શોર્ટ્સમાં એકદમ કેઝ્યુઅલ લુકમાં નજર આવ્યો હતો.

સ્ટેડિયમથી સામે આવેલી તસવીરો અને વીડિયોમાં આ ગ્રુપ રવિવારે પોતાની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સની છ વિકેટે હાર બાદ સ્ટેડિયમની બહાર નીકળતી વખતે ઉદાસ પણ દેખાયું હતું. જોકે આખી મેચ દરમિયાન આ બધાએ ખૂબ મસ્તી અને વાતો કરી હતી. તેઓ બધા ખૂબ જ ઉત્સાહમાં દેખાતા હતા.

અનન્યાના અપકમિંગ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તેની પાસે આવનારી ફિલ્મોનું લાંબુ લિસ્ટ છે. આશા છે કે તે ‘દરબદર’, ‘ચાંદ મેરા દિલ’ અને ઈમ્તિયાઝ અલીની એક ફિલ્મ ઉપરાંત અન્ય કેટલીક ફિલ્મોમાં પણ જોવા મળશે. જ્યારે સુહાના ખાન ‘કિંગ’માં જોવા મળશે. આ ફિલ્મમાં તે તેના પિતા અને સુપરસ્ટાર શાહરુખ ખાન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ ફિલ્મ 24 ડિસેમ્બરે મોટા પડદા પર રિલીઝ થવાની છે.

Entertainment : ટીવી સ્ટાર વિવિયન ડીસેનાના ઘરે ગુંજી ફરી કિલકારી, પત્ની નૂરાને આપ્યો પુત્રને જન્મ

0

ટીવીના લોકપ્રિય કલાકારોમાંના એક માનવામાં આવતા વિવિયન ડીસેના ફરી પિતા બન્યો છે. આ વાતની જાણકારી એક્ટરે પોતે પોસ્ટ શેર કરીને આપી છે, જેના કારણે સેલેબ્સથી લઈને ફેન્સ સુધીના તમામ તેને અભિનંદન આપી રહ્યા છે.

વિવિયન ડીસેના પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે. ફરી એકવાર આવું જ કંઈક જોવા મળી રહ્યું છે. હકીકતમાં, વિવિયન ડીસેના ફરી એકવાર પિતા બન્યા છે. તેની પત્ની નૂરન અલીએ પુત્રને જન્મ આપ્યો છે. વિવિયને પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ અંગે જાણકારી આપી છે. આ પહેલા વિવિયન અને નૂરને એક દીકરાનું સ્વાગત કર્યું હતું. વિવિયને ઇન્સ્ટાગ્રામ પર ગુડ ન્યૂઝ શેર કરતા પોતાની પોસ્ટમાં લખ્યું, થોડા સમય માટે લોકોની નજરથી દૂર થઈ ગયો હતો.. કોઈ કારણ વગર નહીં.. કેટલીક સ્ટોરીઓ જાહેર કરવામાં આવતી નથી, તે બસ હંમેશા રહે છે. અમારો પરિવાર મોટો થયો છે અને આ વખતે પ્રિન્સ છે.

વિવિયને સોશિયલ મીડિયા પર પિતા બનવાની જાણકારી આપી કે તરત જ ફેન્સથી લઈને સેલેબ્સ સુધીના લોકોએ તેની પોસ્ટ પર કોમેન્ટ્સનો વરસાદ કરી દીધો. વિવિયન ડીસેનાએ ગુપ્ત રીતે નૂરન અલી સાથે નિકાહ કર્યા હતા. આ લગ્ન માટે એક્ટરે ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો.વિવિયન સાથે લગ્ન પહેલા જ નૂરન બે દીકરીઓની માતા હતી. વિવિયને તે બે દીકરીઓને પણ અપનાવી હતી. લગ્ન પછી આ કપલને એક દીકરી થઈ અને હવે પુત્રનો જન્મ થયો છે. આમ, વિવિયન અને નૂરન હવે ચાર બાળકોના પેરેન્ટ્સ બની ગયા છે.

વિવિયન પોતાની પર્સનલ લાઈફને પ્રાઈવેટ રાખવાનું વધુ પસંદ કરે છે. આ જ કારણ છે કે જ્યારે તેની પત્ની નૂરન પ્રેગ્નેન્ટ હતી ત્યારે કોઈને કાનોકાન ખબર પડી ન હતી. વળી, એક્ટરની પત્ની નૂરન અલી લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. નૂરન પહેલીવાર દુનિયાની નજરમાં ત્યારે આવી હતી જ્યારે તે પોતાના પતિ વિવિયનને મળવા બિગ બોસના ઘરમાં પહોંચી હતી. તે દરમિયાન નૂરનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

Gujarat : જામનગરમાં સિક્કા સર્કલ પાસે ઉભી રખાયેલી કચરા ગાડીમાંથી એક મોબાઇલ ફોનની દિન દહાડે ઉઠાંતરી કરાઈ

0

જામનગરમાં સિક્કા સર્કલ પાસે ઉભી રખાયેલી એક કચરા ગાડીમાંથી મોબાઇલ ફોનની થઈ છે, અને દિન દહાડે એક દંપતિ મોબાઇલ ફોનની ઉઠાંતરી કરીને લઈ જતું સીસીટીવી કેમેરામાં કેદ થયું છે, જેની શોધખોળ ચલાવવા આવી રહી છે.જામનગર મહાનગરપાલિકામાં ચાલતી કચરા ગાડીનો એક વાહન ચાલક કે જે પોતાના હસ્તકની કચરા ગાડી સિક્કા સર્કલ પાસે ઊભી રાખીને બાજુમાં કચરો એકત્ર કરવા માટે ગયો હતો, જે દરમિયાન ડબલ સવારી બાઈકમાં આવેલું એક દંપતિ કે જે પૈકી મહિલાએ મોબાઇલ ફોનની ઉઠાંતરી કરી લીધી હતી.

ડબલ સવારી બાઈકમાં બાળકને બેસાડીને આવેલા એક દંપત્તી કે જેઓએ બંને પોતાના મોઢા પર કપડું બાંધેલું હતું, અને મહિલા પાછળ બેઠી હતી. જેણે કચરા ગાડી પાસે બાઈક ઉભૂં રખાવ્યા બાદ કચરા ગાડી પાસે પહોંચી હતી, અને ઉપર હાથ નાખી મોબાઈલ ફોનની ઉઠાંતરી કરી લીધી હતી અને ચૂપચાપ બાઈક ચાલુ કરીને દંપતિ ત્યાંથી નાસી છૂટ્યું હતું.

આ ઘટના બાદ કચરા ગાડીવાળાએ આવીને જોતાં પોતાનો મોબાઈલ જોવા મળ્યો ન હતો. શરૂઆતમાં તેને પોતાનો મોબાઈલ ક્યાંક પડી ગયો હશે તેવું અનુમાન લગાવ્યું હતું. પરંતુ ત્યારબાદ તેણે જે સ્થળે વાહન પાર્ક કર્યું હતું, તેનાથી દૂર એક દુકાન આવેલી છે, જે દુકાનના સીસીટીવી કેમેરા ચેક કરતાં તેમાં ઉપરોક્ત બાઇક સવાર દંપતિ વાહનમાંથી મોબાઇલ ફોનની ચોરી કરીને લઈ જતા હોવાના ફૂટેજ મળ્યા હતા.

Business : સોના ચાંદીના ભાવ ઘટ્યા, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ

0

મધ્ય પૂર્વમાં ઊભી થયેલી પરિસ્થિતિની વૈશ્વિક અસર પડી રહી છે. રોકાણકારો સોના અને ચાંદી જેવા સલામત રોકાણ વિકલ્પો તરફ પાછા ફરી રહ્યા હોય તેવું લાગે છે. ચાલો આજના નવીનતમ ભાવો પર એક નજર કરીએ.

ભારતમાં આજે સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. 24 કેરેટથી 18 કેરેટ સુધીના તમામ સેગમેન્ટમાં ભાવ ઘટ્યા છે. આજે સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹148080 છે. જે ગઈકાલે રવિવાર 29 માર્ચે ₹148090 હતા. આ ₹10 નો થોડો ઘટાડો દર્શાવે છે. તેવી જ રીતે, 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ આજે ₹135740 છે, જે ગઈકાલે ₹135750 હતો.

સોનાના ભાવમાં કેમ ઘટાડો થયો?

વૈશ્વિક ભાવમાં નરમાઈ અને ડોલર મજબૂત થવાને કારણે આજે સોનાના ભાવમાં ઘટાડો થયો. વધુમાં, MCX પર ભાવ પણ ઘટ્યા. આજે સવારે, MCX પર સોનાના ભાવ 0.66 ટકા ઘટીને ₹1,43,331 થયા, જે બજારની અસ્થિરતા દર્શાવે છે.

ચાંદીના ભાવમાં શું છે ફેરફાર?
ભારતમાં, ગઈકાલની સરખામણીમાં આજના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹2,210નો ઘટાડો થયો છે. ગઈકાલે ચાંદીનો ભાવ ₹251,090 હતો, જ્યારે આજનો ભાવ ₹248,880 છે. આમ, 1 અને 10 ગ્રામ ચાંદીનો આજનો ભાવ અનુક્રમે ₹248.88 અને ₹2,488.80 છે. 100 ગ્રામ ચાંદીનો ભાવ ₹24,888 છે.

મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)

શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ 1,47,330 1,35,050
વડોદરા
1,47,330 1,35,050
રાજકોટ
1,47,330 1,35,050
સુરત
1,47,330 1,35,050
મુંબઇ 1,47,280 1,35,000
દિલ્હી 1,47,430 1,35,150
ભારતીય પરંપરાઓ અને લાગણીઓ સાથે જોડાયેલ

ભારતમાં સોનું ફક્ત રોકાણનું સાધન નથી. તે લોકોની પરંપરાઓ અને લાગણીઓ સાથે પણ ઊંડે સુધી જોડાયેલું છે. લગ્ન, તહેવારો અને ખાસ પ્રસંગો દરમિયાન સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. ઘણા પરિવારો પેઢી દર પેઢી સોનાને સાચવવાની પરંપરાને જાળવી રાખે છે, તેને સુરક્ષા અને સમૃદ્ધિનું પ્રતીક માને છે.

ગ્રામીણ વિસ્તારોથી લઈને શહેરી કેન્દ્રો સુધી, સોનાને એક વિશ્વસનીય સંપત્તિ માનવામાં આવે છે. જ્યારે પણ આર્થિક અનિશ્ચિતતા વધે છે, ત્યારે લોકો ઘણીવાર સોના તરફ વળે છે. આ જ કારણ છે કે, ભારતમાં, સોનાને ફક્ત ઘરેણાં સાથે જ નહીં, પરંતુ સંસ્કૃતિ, શ્રદ્ધા અને ભવિષ્યની સુરક્ષા સાથે પણ જોડવામાં આવે છે.

Vadodara : દંતેશ્વર રામજી મંદિરમાં યોજાયેલા સુંદરકાંડના સ્ટેજ પર નશેબાજે તલવાર લઈને ચડી ગઈ હંગામો કર્યો

0

દંતેશ્વર વડલા ફળિયામાં રહેતો કમલેશ સિંહ સનાભાઇ પઢીયાર ઈલેક્ટ્રિશિયનનું કામ કરે છે મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી છે કે, દંતેશ્વર તળાવની સામે આવેલ રામજી મંદિરના ટ્રસ્ટમાં હું છેલ્લા છ વર્ષથી પ્રમુખ છું આ મંદિરની જમીનમાં ચેતનભાઇ ગુણવંતભાઈ ભૈયાનું મકાન આવેલું છે આ મકાન પોતાની માલિકીનું બતાવવા માટે તેણે રામજી મંદિર ટ્રસ્ટ પર કોર્ટમાં કેસ કર્યો છે. જે કેસ હાલમાં ચાલુ છે ગત 28ની તારીખે અમારા ટ્રસ્ટ દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે માટે ગ્રુપ આવ્યું હતું.

રાત્રે 8:30 વાગ્યે સુંદરકાંડ શરૂ થયો હતો. આશરે સવા નવ વાગે ચેતન ભૈયા ખુલ્લી તલવાર લઈને આવ્યો હતો અને સુંદરકાંડના સ્ટેજ પર ચડી ગયો હતો એકદમ બૂમો પાડતો હતો કે સુંદરકાંડ બંધ કરો તે સમયે ત્યાં હાજર દેવર્સભાઈ બ્રહ્મભટ્ટ , જીજ્ઞેશભાઇ ધોબી તથા પ્રકાશ બ્રહ્મભટે સ્ટેજ પર જઈને ગુણવંતની નીચે ઉતાર્યો હતો. હું સ્ટેજ નીચે હતો ત્યારે ચેતન મારી પાસે આવ્યો હતો અને ઉપર તલવારથી હુમલો કર્યો હતો, પરંતુ હું ખસી જતા મને વાગ્યું નથી ત્યારબાદ તે જાનકી મારી નાખવાની ધમકી આપે જતો રહ્યો હતો. તેણે દારૂનો નશો કર્યો હોય પોલીસે અલગથી તેની સામે ગુનો દાખલ કર્યો છે.

World : ઈરાન-અમેરિકા યુદ્ધમાં ચિંતાજનક વળાંક! ટ્રમ્પનો યુરેનિયમ જપ્ત કરવાનો પ્લાન, 10 હજાર સૈનિક સ્ટેન્ડ-બાય

0

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે વિશ્વ પર યુદ્ધના વાદળો ઘેરાયા છે. તાજેતરના અહેવાલો મુજબ, જો અમેરિકા ઈરાન પર જમીની હુમલો કરશે તો ઈરાને વળતી જવાબી કાર્યવાહી કરવાની કડક ચેતવણી આપી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનના યુરેનિયમ પર કબજો મેળવવા માટે એક જોખમી સૈન્ય અભિયાન પર વિચાર કરી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમેરિકાની 31મી મરીન એક્સપિડિશનરી યુનિટ મધ્ય પૂર્વમાં પહોંચી ગઈ છે અને અમેરિકન સેના જમીન પર સૈનિકો ઉતારવાની તૈયારીઓ કરી રહી છે.

આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં ઈરાન પાસેથી આશરે 1,000 પાઉન્ડ યુરેનિયમ જપ્ત કરવાની યોજના છે. અમેરિકન અધિકારીઓના મતે આ કામ અત્યંત જટિલ અને જોખમી છે. પેન્ટાગોન આ ઓપરેશન માટે વધારાના 10,000 સૈનિકો તહેનાત કરવાની યોજના બનાવી રહ્યું છે. જો આ ઓપરેશનને મંજૂરી મળશે, તો અમેરિકાના વિશેષ દળો ઈરાનના મિસાઇલ અને ડ્રોન હુમલાઓ વચ્ચે પરમાણુ મથકોને સુરક્ષિત કરી રેડિયોએક્ટિવ સામગ્રી બહાર કાઢશે. નિષ્ણાતોનું માનવું છે કે આ કોઈ નાનું ઓપરેશન નહીં હોય અને તે અઠવાડિયા સુધી ચાલી શકે છે.

બીજી તરફ, આ સંઘર્ષને રોકવા માટે રાજદ્વારી પ્રયાસો પણ તેજ બન્યા છે. પાકિસ્તાને સાઉદી અરેબિયા, તૂર્કીયે અને ઇજિપ્તના વિદેશ મંત્રીઓ સાથે બેઠક યોજી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધ અટકાવવાનો અને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાનો છે. જોકે, હજુ સુધી અમેરિકા કે ઈરાન આ વાતચીતમાં સામેલ થયા નથી. આ તણાવની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડી રહી છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 100 ડૉલર પ્રતિ બેરલને પાર કરી ગયા છે. સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની આશંકાથી સમગ્ર વિશ્વમાં ચિંતાનો માહોલ છે.

Amreli : લાઠીના ચાવંડ પાસે જાનની બસ પલટી મારી, 40 મુસાફરો ભરેલી બસમાં 20ને ઈજા

0

ભાવનગરથી જામનગર જઈ રહેલી જાનૈયાઓથી ભરેલી લક્ઝરી બસ અચાનક પલટી મારી ગઈ હતી.. આ અકસ્માતમાં બસમાં સવાર 20 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ ગામ નજીક આજે એક મોટી માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ભાવનગરથી જામનગર જઈ રહેલી જાનૈયાઓથી ભરેલી લક્ઝરી બસ અચાનક પલટી મારી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર આશરે 40 મુસાફરોમાંથી 20 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.

મળતી વિગતો મુજબ, ભાવનગરથી એક પરિવારની જાન જામનગર જઈ રહી હતી ત્યારે લાઠીના ચાવંડ નજીક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ રસ્તા પર જ પલટી મારી ગઈ હતી. બસ પલટી ખાતા જ મુસાફરોની ચીસિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સદનસીબે, બસ પલટી મારવા છતાં કોઈ ગંભીર જાનહાની થઈ નથી, જે એક ચમત્કાર સમાન ગણાઈ રહ્યો છે.

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને 108 એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઈજાગ્રસ્ત થયેલા 20 જેટલા જાનૈયાઓને તાત્કાલિક સારવાર માટે લાઠી, બાબરા અને ઢસાની સ્થાનિક હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં હોસ્પિટલના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે તમામ ઈજાગ્રસ્તોની સ્થિતિ સ્થિર છે અને કોઈ ખતરો નથી.

Ahmedabad : વટવામાં રિક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે યુવકની ક્રૂર હત્યા, બેની ધરપકડ

અમદાવાદના વટવા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે રિક્ષામાં બેસવા જેવી બાબતમાં ઉગ્ર ઝઘડો થતા એક યુવકની હત્યા કરવામાં આવી છે. વટવા ગામ શાકમાર્કેટ નજીક બે શખસોએ સુલેમાન શેખ નામના યુવકને રિક્ષાના લોખંડના પાઈપ સાથે માથું અથડાવી અને બેફામ માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. વટવા પોલીસે આ મામલે ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદના ચંડોળા તળાવ પાસે ઝૂંપડામાં રહેતા સુલેમાન શેખ ગત રાત્રે તેમના મિત્રો સાથે કચરો વીણવાના કામ માટે નીકળ્યા હતા. વટવા ગામ શાકમાર્કેટ નજીક રિક્ષામાં બેસવા બાબતે તેની બોલાચાલી ક્રિષ્ના ખરે નામના શખસ સાથે થઈ હતી. વાત એટલી વણસી ગઈ હતી કે ક્રિષ્ના અને તેના સાથીદારે સુલેમાન પર હુમલો કરી દીધો હતો.

ઝઘડા દરમિયાન ઉશ્કેરાયેલા ક્રિષ્ના ખરેએ સુલેમાનને પકડી રાખ્યો હતો અને તેનું માથું રિક્ષાના લોખંડના પાઈપ સાથે જોરશોરથી અથડાવ્યું હતું. આ સમયે અરૂણ ચુનારા નામના અન્ય શખસે પણ સુલેમાનને ગંભીર માર માર્યો હતો. માથાના ભાગે જીવલેણ ઈજાઓ થવાને કારણે સુલેમાન ઘટનાસ્થળે જ લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

મૃતકની પત્ની જેતુલબેનની ફરિયાદના આધારે વટવા પોલીસે ક્રિષ્ના ખરે અને અરૂણ ચુનારા સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Entertainment : ધુરંધરની ટીકા માટે ટ્રોલ થયા બાદ રીત પડ્ડાનું ઈન્સ્ટા એકાઉન્ટ ડિલીટ

0

મુંબઈ: ‘સૈયારા’ ફિલ્મથી જાણીતી બનેલી અનીત પડ્ડાની બહેન રીત પડ્ડાએ રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ની આકરી ટીકા કર્યા બાદ તે સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થઈ હતી. આખરે રીતે પોતાનું ઈન્સ્ટા એકાઉન્ટ તથા લિંક્ડ ઈન પ્રોફાઈલ પણ ડિલીટ કરી દીધાં હોવાનું કહેવાય છે.

રીત પડ્ડાની ઈન્સ્ટા પ્રોફાઈલ સર્ચ કરતાં હવે આ એકાઉન્ટ અસ્તિત્વમાં નથી તેવો મેસેજ જોવા મળ્યો હતો. પેરિસમાં માર્કેટિંગ પ્રોફેશનલ તરીકે કામ કરતી રીતે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે ‘ધુરંધર’ પણ ‘કાશ્મીર ફાઈલ્સ અને ‘કેરલ સ્ટોરીઝ’ જેવી જ પ્રોપેગેન્ડા ફિલ્મ છે. તે પછી અનેક લોકોએ રીતને ભારે ટ્રોલ કરી હતી. કેટલાક લોકોએ તો એવો પણ આક્ષેપ કર્યો હતો કે રીત એક પાકિસ્તાની ફૈઝલ અહમદ સાથે રિલેશનશિપમાં છે એટલે તે આવી પોસ્ટ કરી રહી છે. જોકે, આ આક્ષેપો કે સમગ્ર વિવાદ અંગે રીત અથવા તો અનીત પડ્ડાએ પણ કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી.

જોકે, એવું મનાય છે કે રીતની બહેન અનીતની કેરિયર હજુ તો બોલિવુડમાં જામી રહી છે તેથી બોલિવુડમાં તેના કોઈ દુશ્મનો ન બને અને વિવાદ આગળ ન વધે તે માટે રીતે પોતાનું એકાઉન્ટ ડિલીટ કરી દીધું હોય તેવું બની શકે છે.