Home Blog Page 223

Surat : “ટીચર મને મારે છે…” 14 વર્ષના તરુણની આત્મહત્યાની ચિઠ્ઠીથી ખળભળાટ, સીટી લાઈટની સ્કૂલ વિવાદમાં

0

સુરતની સીટી લાઈટ સ્કૂલના વિદ્યાર્થીએ પ્રિન્સિપાલ અને શિક્ષિકાના ત્રાસથી આત્મહત્યાની ચિઠ્ઠી લખતા ચકચાર મચી જવા પામ્યો છે. વાલીઓ માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.ડાયમંડ સિટી સુરતમાંથી વાલીઓની ઊંઘ ઉડાવી દે તેવો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત શહેરના પોશ ગણાતા સીટી લાઈટ વિસ્તારની એક અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરતા 14 વર્ષના વિદ્યાર્થીએ લખેલી આત્મહત્યાની ચિઠ્ઠીએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. આ માસૂમ બાળકે પોતાની ચિઠ્ઠીમાં શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષિકા પર ગંભીર આક્ષેપો કર્યા છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, સીટી લાઈટની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીએ ચિઠ્ઠીમાં લખ્યું છે કે, પ્રિન્સિપાલ અને ટીચર મને મારે છે, હું આત્મહત્યા કરવા જાઉં છું. આ શબ્દો વાંચતા જ પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. વિદ્યાર્થીનો આરોપ છે કે, છેલ્લા એક વર્ષથી શાળાના પ્રિન્સિપાલ અને એક શિક્ષિકા તેના પર માનસિક અને શારીરિક અત્યાચાર ગુજારી રહ્યા છે, અને તેને સતત માર મારવામાં આવે છે.

બાળકો શાળામાં સુરક્ષિત છે કે કેમ? તેવો પ્રશ્ન આ ઘટનાએ ફરી એકવાર ઉભો કર્યો છે. 14 વર્ષનો તરૂણ જ્યારે આવા ગંભીર પગલાની વાત કરે, ત્યારે તે કેટલી હદે માનસિક પીડામાં હશે તેનો અંદાજ લગાવી શકાય છે. આ કિસ્સો સુરતના તમામ વાલીઓ માટે એક મોટી ચેતવણી છે કે, તેઓ પોતાના બાળકો સાથે સતત સંવાદ રાખે અને શાળામાં તેમની સાથે કેવું વર્તન થાય છે તેની જાણકારી મેળવતા રહે.

આટલી ગંભીર ઘટના હોવા છતાં, સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. જોકે, સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે આ ચિઠ્ઠી વાયરલ થતા શાળા પ્રશાસન સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે હવે તંત્ર કેવા પગલાં લે છે તે જોવું રહ્યું.

Ahmedabad : સિવિલ હોસ્પિટલના પ્રોફેસરને ટેલિગ્રામ પર ટ્રેડિંગની લાલચ ભારે પડી, ઠગોએ રૂ. 70.65 લાખ પડાવ્યા

અમદાવાદ શહેરમાં સાયબર ઠગોએ હવે ભણેલા-ગણેલા વર્ગને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. અસારવા સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના એક આસિસ્ટન્ટ પ્રોફેસરને ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી ઠગ ટોળકીએ 70.65 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં નફો આપી બાદમાં મોટી રકમનું રોકાણ કરાવી વેબસાઈટ અને આઈડી બદલી નાખી ઠગાઈ કરવામાં આવી હતી.

મલતી માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનના અને હાલ અમદાવાદ સિવિલમાં ફરજ બજાવતા 39 વર્ષીય પિયુષ કૃષ્ણમુરારી માલવે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જૂન 2025માં ટેલિગ્રામ પર શેરબજારની એક જાહેરાત જોતી વખતે પિયુષભાઈનો સંપર્ક ‘સંજના’ નામની વ્યક્તિ સાથે થયો હતો. પિયુષભાઈને ટ્રેડિંગમાં રસ હોવાથી ઠગે તેમને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરી મોટી કમાણી કરવાની લાલચ આપી જાળમાં ફસાવ્યા હતા.

ઠગોએ પહેલા એક લિંક મોકલી આધાર અને પાન કાર્ડ દ્વારા વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવ્યું. ત્યારબાદ શરૂઆતમાં પિયુષભાઈનો વિશ્વાસ જીતવા માટે ઠગોએ 27,285 અને 85,000 રૂપિયાનો નફો તેમના ખાતામાં જમા કરાવ્યો હતો. રોકાણ કરવા માટે પ્રોફેસરને ટેલીગ્રામ ચેટ દ્વારા અલગ-અલગ બેન્ક ખાતાની વિગતો મોકલવામાં આવતી હતી. 27-6-2025થી 16-7-2025 સુધીમાં તેમની પાસે 17,65,000 અને ત્યારબાદ 17-7-2025થી 1-8-2025 દરમિયાન બીજા 53,00,000 એમ કુલ 70,65,000 રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. વેબસાઈટ પર તેમને 2,35,664 યુએસ ડૉલરનો નફો થયો હોવાનું આભાસી ચિત્ર બતાવવામાં આવતું હતું.

જ્યારે પિયુષભાઈએ પોતાનો નફો અને મુદલ રકમ ઉપાડવાનો પ્રયત્ન કર્યો, ત્યારે ઠગોએ ઈન્કમ ટેક્સ ભરવાના બહાને વધુ નાણાંની માંગણી કરી હતી. આ સમયે તેમને શંકા ગઈ અને તપાસ કરતા જાણવા મળ્યું કે જે ટેલિગ્રામ આઈડી (Darwinex Global CS) અને વેબસાઈટ દ્વારા તેઓ રોકાણ કરતા હતા તે બદલાઈ ગયા હતા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા તેમણે સાયબર ક્રાઈમ પોલીસમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે.

National : ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી

0

સુરક્ષા એજન્સીઓએ દિલ્હી બોર્ડર પરથી લશ્કર-એ-તૈયબાના આતંકી શબ્બીર અહમદ લોનની ધરપકડ કરવામાં મોટી સફળતા મેળવી છે. તપાસમાં સામે આવ્યું છે કે, આ આતંકી બાંગ્લાદેશમાં રહીને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના ઈશારે લશ્કરનું નવું મોડ્યુલ તૈયાર કરી રહ્યો હતો. દિલ્હી પોલીસ અને સુરક્ષા દળોએ મળેલી ગુપ્ત માહિતીના આધારે જાળ બિછાવીને તેને દિલ્હી બોર્ડર પરથી દબોચી લીધો છે. તે ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવાના મિશન પર હતો. હાલ એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે કે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં તેના અન્ય કેટલા સાથીઓ છુપાયેલા છે.

શબ્બીર અહમદ લોન સુરક્ષા એજન્સીઓ માટે નવું નામ નથી. આ અગાઉ વર્ષ 2007માં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે તેને AK-47 અને ગ્રેનેડ જેવા ઘાતક હથિયારો સાથે પકડ્યો હતો. તે સમયે પણ તેના તાર સીધા હાફિઝ સઈદ સાથે જોડાયેલા હતા. આ ગુનામાં તે વર્ષ 2018 સુધી દિલ્હીની તિહાર જેલમાં સજા કાપી ચૂક્યો છે. જેલમાંથી બહાર આવ્યા બાદ તે ફરી સક્રિય થયો હતો અને બાંગ્લાદેશને પોતાનું નવું ઠેકાણું બનાવીને ભારત વિરોધી ઓપરેશન હેન્ડલ કરવા લાગ્યો હતો.

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હી અને દક્ષિણ ભારતમાંથી લશ્કરના અન્ય મોડ્યુલનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ મોડ્યુલે દિલ્હી અને કોલકાતામાં અનેક જગ્યાએ ભારત વિરોધી પોસ્ટરો પણ લગાવ્યા હતા. આ આતંકીની ધરપકડથી દિલ્હી પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓને મોટી સફળતા મળી છે અને સંભવિત આતંકી ષડયંત્રોનો પર્દાફાશ થવાની શક્યતા છે.

National : Indigoની ફ્લાઈટમાં ઈમરજન્સી ગેટ ખોલવા લાગ્યો મુસાફર, 2 વખત કરી આ ખતરનાક હરકત

0

વિમાન સુરક્ષિત લેન્ડ થયા બાદ આરોપી મુસાફરને સુરક્ષા એજન્સીઓના હવાલે કરવામાં આવ્યો. રાહતની વાત એ રહી કે આ ઘટનાના કારણે વિમાનને બે વખત ચક્કર ના લગાવવા પડ્યા અને લેન્ડિંગ સામાન્ય રીતે પૂર્ણ થઈ.

બેંગ્લુરૂથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં એક મુસાફરની ખતરનાક હરકત સામે આવી છે. મળતી માહિતી મુજબ ફ્લાઈટ 6E-185માં સવાર એક મુસાફરે મુસાફરી દરમિયાન 2 વખત ઈમરજન્સી દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો. પ્રથમવાર મુસાફરે ઉડાન દરમિયાન દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો, જ્યારે બીજી વખત તેને આ હરકત તે સમયે કરી જ્યારે વિમાન વારાણસીમાં ઉતરી રહ્યું હતું. આ દરમિયાન ક્રૂ મેમ્બર્સે તાત્કાલિક સ્થિતિને સંભાળતા તમામ SOPનું પાલન કર્યું.

વિમાન સુરક્ષિત લેન્ડ થયા બાદ આરોપી મુસાફરને સુરક્ષા એજન્સીઓના હવાલે કરવામાં આવ્યો. રાહતની વાત એ રહી કે આ ઘટનાના કારણે વિમાનને બે વખત ચક્કર ના લગાવવા પડ્યા અને લેન્ડિંગ સામાન્ય રીતે પૂર્ણ થઈ, હાલ સુરક્ષા એજન્સીઓ મુસાફરની પુછપરછ કરી રહી છે અને તેના આ વ્યવહારની પાછળનું કારણ જાણવાના પ્રયત્ન કરી રહી છે.

ઉડાન ભર્યાના લગભગ 15 મિનિટ બાદ જ વ્યક્તિએ પ્રથમવાર ઈમરજન્સી દરવાજા સાથે છેડછાડ કરવાનો પ્રયત્ન કર્યો, કેબિન ક્રૂએ તરત જ તેને રોકતા ચેતવણી આપી, ત્યારબાદ તે થોડા સમય સુધી સામાન્ય રહ્યો પણ રાત્રે લગભગ 10.20 વાગ્યે જ્યારે વિમાન વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરવાનું હતું અને લગભગ 500 ફૂટની ઉંચાઈ પર હતું, ત્યારે ફરીથી ઈમરજન્સી દરવાજો ખોલવાના પ્રયત્ન કર્યા. ક્રૂની સૂચના પર પાયલટે હોંશિયારી વાપરીને લેન્ડિંગ અટકાવી દીધું અને ગો-અરાઉન્ડ કરતા વિમાનને ફરીથી સુરક્ષિત રીતે 10.35 વાગ્યે લેન્ડ કરાવ્યું.

આ ઘટનાથી વિમાનમાં સવાર અન્ય મુસાફરોમાં દહેશત ફેલાઈ ગઈ, તમામ લોકોએ સુરક્ષિત લેન્ડિંગ માટે ક્રૂની સરાહના કરી. નિયમો હેઠળ આરોપી મુસાફરને તાત્કાલિક સુરક્ષા એજન્સીના હવાલે કરી દેવામાં આવ્યો. પોલીસે તેમની વિરૂદ્ધ કેસ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે.

Surat : ઉધના સ્ટેશન પર પરપ્રાંતિયોની લાંબી લાઈનો, ગેસ નહીં હોવાથી કામદારો વતન તરફ રવાના થયા

0

ખાડી દેશોમાં ફાટી નીકળેલા યુદ્ધની સ્થિતિને કારણે ઈંધણ અને ગેસ સપ્લાય પર અસર વર્તાઈ છે. જેની સીધી અસર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો પર પડી છે. કાચા માલની ઉપલબ્ધતા અને કિંમતો બંને અનિશ્ચિત બની છે.

ખાડી દેશોમાં ફાટી નીકળેલા યુદ્ધની સ્થિતિને કારણે ઈંધણ અને ગેસ સપ્લાય પર અસર વર્તાઈ છે. જેની સીધી અસર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો પર પડી છે. કાચા માલની ઉપલબ્ધતા અને કિંમતો બંને અનિશ્ચિત બની છે. બીજી બાજુ ઉદ્યોગો અને કારખાનાઓમાં કામ કરતાં પરપ્રાંતિય કામદારોનું જીવનધોરણ પણ પાટા પરથી ઉતરી પડ્યું હોય તેમ લાગી રહ્યું છે. ગેસની અછતને કારણે પરપ્રાંતિય કામદારો પોતાના વતન તરફ રવાના થયા છે. જેના કારણે મોટા કારખાનાની કામગીરી પણ બંધ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. પરપ્રાંતિય કામદારો પોતાના વતન ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જઈ રહ્યાં છે. ગેસનો પુરવઠો નહીં મળવાને કારણે કારખાનામાં કામ કરતા કામદારોને હાલાકીનો સામનો કરવો પડે છે. ગેસ નહીં હોવાથી તેમની પાસેથી ત્રણથી ચાર ગણો ભાવ વસૂલવામાં આવી રહ્યો છે. ગેસ નહીં હોવાથી પરિવારને ભોજન માટે પણ વલખાં મારવા પડે તેવી સ્થિતિનો સામનો કરવો પડે છે.

જેથી કામદારો ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ રવાના થયા છે. કેટલાક કારખાના પણ બંધ થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. યુદ્ધને કારણે ગેસનો પુરવઠાનો સપ્લાય અટકી જવાથી લોકો સુધી સસ્તો અને ઝડપથી ગેસ સપ્લાય પહોંચી નથી રહ્યો. જેના કારણે આ સ્થિતિનું સર્જન થયું હોવાનું જાણવા મળ્યું છે.

Gujarat Weather : અંબાલાલ પટેલની આગાહી, આગામી 10 દિવસ ખેડૂતો માટે ચિંતાજનક

0

ગુજરાતમાં આજે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.માવઠાની આગાહી હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.આજે કેટલાક જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે.બીજી તરફ એપ્રિલ મહિનાની શરૂઆતમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. બીજી અને ત્રીજી એપ્રિલે કમોસમી વરસાદ થઈ શકે છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં માવઠું થઈ શકે છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કરા સાથે વરસાદ થવાની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું હતું કે, આજે બપોર બાદ અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે. ઉત્તર,મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કરા પડી શકે છે. રાજ્યમાં 40 કિ.મીથી વધુ ગતિએ પવન ફૂંકાઈ શકે છે. ખેડૂતો માટે આગામી 10 દિવસ ચિંતાજનક છે. ત્રીજી એપ્રિલ આસપાસ વધુ એક પશ્ચિમી વિક્ષેપ આવશે. જેની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળશે. આજે ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું હતું કે, ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. 6 એપ્રિલની આસપાસ વાતાવરણમાં પલટો આવશે.

એપ્રિલ મહિનામાં પવનની ગતિ 50 કિ.મીથી વધુ રહી શકે છે. બીજી તરફ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે. કચ્છ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો થશે.

MP : હેલમેટ વગર પતિને પકડ્યા, તો પોલીસ સ્ટેશનમાં ધુણવા લાગી પત્ની, જુઓ પછી શું થયું

0

મધ્યપ્રદેશના ગ્વાલિયરના ભિતરવાર વિસ્તારમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. રિપોર્ટ મુજબ પોલીસે ચેકિંગ દરમિયાન હેલમેટ ન પહેરવા બદલ એક બાઈકને અટકાવ્યો હતો, ત્યારબાદ ચાલાન બનાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જોકે આ દરમિયાન બાઈક ચાલકની પત્નીએ પોતાના પર માતાની સવારી આવી હોવાનો દાવો કર્યો અને પોલીસ સ્ટેશનની અંદર જ ધૂણવા લાગી હતી.

પોલીસ સ્ટેશનમાં મહિલાનો ધૂણવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મહિલાની હરકત જોઈને પોલીસ કર્મચારીઓ પણ ચોંકી ગયા હતા. જોકે રસપ્રદ વાત એ છે કે, હરકત બાદ પોલીસે કોઈપણ ચાલાન કાપવાની કાર્યવાહી કરી ન હતી, પરંતુ એક પોલીસ કર્મચારીએ મહિલાને રૂપિયા 50 આપીને શાંત કરાવી હતી.

રિપોર્ટ મુજબ, ભિતરવાર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન એક દંપત્તિ બાઈક પર સવાર થઈને આવી રહ્યા હતા. બાઈક ચાલકે હેલ્મેટ પહેર્યું ન હતું અને પુરા ડોક્યુમેન્ટ પણ ન હતા. ત્યારબાદ પોલીસ બાઈકને સ્ટેશન પર લઈ ગઈ હતી. પછી દંપત્તિ પોલીસ સ્ટેશન પર પહોંચ્યા અને પત્ની અચાનક જ પોલીસ સ્ટેશનમાં ધુણવા લાગી હતી. ધુણતી વખતે મહિલાએ દાવો કર્યો કે, તેના પર માતાની સવારી આવી છે.

મહિલા પોલીસ સ્ટેશનની અંદર જોરજોરથી ધુણવા લાગી હતી. મહિલાની હરકત જોઈને સ્ટેશનમાં સૌકોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. જોકે પછી એક પોલીસ કર્મચારીએ મહિલાને 50 રૂપિયા આપ્યા અને ચાલાનની કોઈપણ કાર્યવાહી કર્યા વગર દંપત્તિ અને બાઈકને જવા દેવાયા. ખાસ વાત એ છે કે, પોલીસ સ્ટેશનમાં ઉભેલા લોકોએ મહિલાનો વીડિયો બનાવી લીધો અને આ જ વીડિયો હવે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Entertainment : મહાકાલીના સેટ પરથી શુક્રાચાર્ય અક્ષય ખન્નાના ફોટા વાયરલ

0

મુંબઈ: પ્રશાંત વર્માની ફિલ્મ ‘મહકાલી’ના સેટ પરથી અક્ષય ખન્નાનો શુક્રાચાર્ય તરીકેનો લૂક વાયરલ થયો છે. અક્ષય ખન્નાના જન્મદિન નિમિત્તે પ્રશાંત વર્માએ જ આ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

અક્ષય ખન્નાના ‘ધુરંધર’ના લૂકએ અગાઉ સોશિયલ મીડિયા પર તોફાન મચાવ્યું હતું.

આ પહેલાં ‘છાવા’ ફિલ્મમાં ઔરંગઝેબ તરીકેનો તેનો લૂક પણ બહુ વાયરલ થયો હતો.

‘મહાકાલી’ માં ભૂમિ શેટ્ટી મહત્વની ભૂમિકા ભજવવાની છે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું હોવાનું કહેવાય છે. આ ફિલ્મ આગામી મે માસમાં રજૂ થવાની છે.

National : દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી

0

નવી દિલ્હી: મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતીય ધ્વજવાળા વધુ બે જહાજે સલામત રીતે હોર્મુઝની ખાડી પાર કરી દીધી છે અને તે આગામી કેટલાક દિવસમાં ભારતીય દરિયા કિનારે પહોંચી જવાની શક્યતા છે. આ જહાજો પર દેશની એક-બે દિવસની જરૂરિયાત પૂરી કરે તેટલો એલપીજી લદાયેલો છે. દેશમાં એલપીજીના સંકટનો સામનો કરવા સરકાર અનેક પગલાં લઈ રહી છે ત્યારે લાંબા સમય પછી બજારમાં કેરોસીનનું પુનરાગમન થયું છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ પંપો પર કેરોસીનના વેચાણ માટે લાઈસન્સિંગના નિયમોમાં અસ્થાયી છૂટ આપી છે.
દેશમાં કમર્શિયલ એલપીજીની અછત વચ્ચે કેન્દ્ર સરકારે ગેઝેટ નોટિફિકેશન જાહેર કરીને લોકોને કેરોસીન મળી રહે તે માટે પેટ્રોલિયમ સુરક્ષા, લાઈસન્સિંગના નિયમોમાં અસ્થાયી છૂટ આપી છે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે કેરોસીનનો પૂરવઠો માત્ર ઘરેલુ ઉપયોગ જેમ કે ભોજન બનાવવા અને વીજળીના અભાવે પ્રકાશ ફેલાવવા માટે જ કરી શકાશે.

કેન્દ્ર સરકારે ૨૧ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ૬૦ દિવસ માટે સુપીરિયર કેરોસિન ઓઈલના એડ-હોક પૂરવઠાને મંજૂરી આપી છે, જેથી જનતાએ ઈંધણની અછતનો સામનો કરવો ના પડે. આ ફેરફાર હેઠળ સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા સંચાલિત પસંદગીના પેટ્રોલ પંપોને કેરોસિનનો સંગ્રહ કરવાની અને વિતરણ કરવાની મંજૂરી અપાઈ છે. આ પેટ્રોલ પંપો ૫,૦૦૦ લીટર સુધીનું કેરોસીન રાખી શકશે. સરકારે દરેક જિલ્લામાં મહત્તમ બે પેટ્રોલ પંપોને કેરોસીન રાખવાની છૂટ આપી છે. કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં તબક્કાવાર કેરોસીનનું વેચાણ બંધ કરી દીધું હતું. છેલ્લે ૨૦૨૦માં દિલ્હી, હરિયાણા અને ચંડીગઢમાં કેરોસીનનું વેચાણ બંધ કરીને સરકારે દેશને કેરોસીન મુક્ત જાહેર કર્યો હતો.

દરમિયાન ભારતીય ધ્વજવાળા વધુ બે એલપીજી ટેન્કર યુદ્ધગ્રસ્ત હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ ગયા છે અને આગામી કેટલાક દિવસમાં ભારતીય બંદરો પર પહોંચી જશે. આ બંને જહાજ ૯૪,૦૦૦ ટન એલપીજી કાર્ગો લઈને આવી રહ્યા છે. એક જહાજ બીડબલ્યુ ટીવાયઆર ૩૧ માર્ચે મુંબઈ પહોંચે તેવી શક્યતા છે જ્યારે બીડબલ્યુ ઈએલએમ ન્યૂ મેંગલોર તરફ જઈ રહ્યું છે, જે એક એપ્રિલે આવે તેવી શક્યતા છે. હોર્મુઝની ખાડીમાં ૪૮૫ ભારતીય નાવિકો સાથે ભારતીય ધ્વજવાળા હજુ ૧૮ જહાજ ફસાયેલા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. એલપીજી કેરિયર જગ વિક્રમ, ગ્રીન આશા અને ગ્રીન સાન્વી હજુ પણ હોર્મુઝની ખાડીમાં છે અને એક ખાલી જહાજમાં એલપીજી ભરાઈ રહ્યો છે.દરમિયાન પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં એલપીજી અને પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી.

એલપીજીની કટોકટી વચ્ચે દેશમાં માર્ચ મહિનામાં શહેરોમાં ગેસ વિતરણનું નેટવર્ક વધારવામાં આવ્યું છે અને એલપીજીની જગ્યાએ પીએનજીને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. માર્ચમાં ૨.૯ લાખથી વધુ નવા પીએનજી કનેક્શન અપાયા છે. હોટેલ, રેસ્ટોરાં અને જરૂરી ઉદ્યોગોને કમર્શિયલ એલપીજીનો સપ્લાય વધારવામાં આવી રહ્યો છે. બીજીબાજુ એલપીજીની સંગ્રહરખોરી અને કાળાબજાર રોકવા ૨૯૦૦ દરોડા પડાયા હતા અને લગભગ ૧,૦૦૦ સિલિન્ડર જપ્ત કરાયા હતા.

Gujarat : વાપીના ડુંગરી ફળિયામાં ભંગારના 35થી વધુ ગોડાઉનોમાં ભીષણ આગ, કેમિકલ-પ્લાસ્ટિકના જથ્થાએ આગને બનાવી વિકરાળ

0

વાપીના ડુંગરી ફળિયા વિસ્તારમાં ગત મોડી રાત્રે એક પછી એક 35થી વધુ ભંગારના ગોડાઉનોમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. કેમિકલ અને પ્લાસ્ટિક વેસ્ટના મોટા જથ્થાને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર વિભાગની અનેક ટીમોએ કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

મળતી માહિતી અનુસાર, વાપીમાં રવિવારે (29મી માર્ચ) મોડી રાત્રે ડુંગરી ફળિયાના એક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આ આગ આસપાસના અન્ય 35 જેટલા ગોડાઉનોમાં પ્રસરી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ આકાશમાં દૂર-દૂર સુધી દેખાતી હતી. રહેણાંક વિસ્તારની નજીક આગ હોવાથી તકેદારીના ભાગરૂપે લોકોને તાત્કાલિક ઘરમાંથી સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

ઘટનાની ગંભીરતા જોતા વાપી મનપા, GIDC, નોટિફાઇડ એરિયા ઉપરાંત દમણ અને સેલવાસથી પણ ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી હતી. કાફલા સાથે પહોંચેલા લાશ્કરોએ ચારેબાજુથી પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી અને ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

વાપી અને આસપાસના વિસ્તારોમાં ભંગારના ગોડાઉનોમાં આગ લાગવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. અગાઉ મનપા દ્વારા ગેરકાયદે ગોડાઉનોને નોટિસ આપી હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી, પરંતુ ડુંગરા વિસ્તારમાં આ કામગીરી અધૂરી છોડી દેવાતા અનેક ગેરકાયદેસર ગોડાઉનો ધમધમી રહ્યા છે. રહેણાંક વિસ્તારની વચ્ચે આવા જોખમી ગોડાઉનો ચાલતા હોવા છતાં તંત્રની ઢીલી નીતિ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.