Home Blog Page 225

Sports : RCBને સપોર્ટ કરતા જોવા મળ્યા અનુષ્કા શર્મા અને સ્મૃતિ મંધાના, ફોટો થયા વાયરલ

0

બેંગલુરૂના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ફરી એક વખત ‘RCB-RCB’ની બુમો સંભળાઈ રહી છે. IPL 2026ની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ વચ્ચે રમાઈ રહી છે. ત્યારે સ્ટેન્ડમાં હાજર ખાસ મહેમાનોએ આ મેચની રોનક વધારી દીધી છે.બેંગલુરૂને પોતાના હોમ ગ્રાઉન્ડ પર ટીમનો ઉત્સાહ વધારવા માટે ના માત્ર એક્ટ્રેસ અનુષ્કા શર્મા પહોંચી, તેની સાથે ભારતીય મહિલા ક્રિકેટની સ્ટાર ખેલાડી પણ RCBને સપોર્ટ કરવા માટે સ્ટેન્ડમાં બેઠેલી જોવા મળી. મેચની શરૂઆત હંમેશાની જેમ રાષ્ટ્રગીતની સાથે થઈ.

આ દરમિયાન કેમેરાની નજર વિરાટ કોહલીની પત્ની અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પર પડી. તેના પેસ પર હાસ્ય જોવા મળ્યું અને RCBને ચીયર કરતી જોવા મળી. રસપ્રદ વાત એ રહી કે તેની સાથે ભારતીય મહિલા ક્રિકેટની વાઈસ કેપ્ટન અને RCB મહિલા ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાના પણ જોવા મળી. બંને લોકોના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા છે.

માત્ર સ્મૃતિ મંધાના જ નહીં પણ મહિલા ક્રિકેટ જગતના અન્ય ખેલાડી શ્રેયંકા પાટીલ અને બેટ્સમેન જેમિમા રોડ્રિગ્સ પણ સ્ટેન્ડમાં RCBને સપોર્ટ કરતી જોવા મળી, તેમના હાથમાં ટીમના ઝંડા પણ જોવા મળ્યા.તમને જણાવી દઈએ કે મેચ શરૂ થયા પહેલા ખેલાડીઓ, દર્શકો અને સ્ટેડિયમમાં હાજર તમામ લોકોએ તે 11 લોકોની યાદમાં 1 મિનિટનું મૌન પાડ્યું, જેમને ગઈ સિઝન બાદ ભાગદોડની દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા હતા. જીવ ગુમાવનારા લોકો માટે સ્ટેડિયમમાં 11 સીટ હંમેશા ખાલી રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. હવે આ ઘટના બાદ 28 માર્ચ 2026 શનિવારે RCB અને SRH વચ્ચે આઈપીએલની 2026ની પ્રથમ મેચ રમાઈ રહી છે.

Gujarat : જામનગરમાં ગેરકાયદે નાણાં ધીરધાર અને રાક્ષસી વ્યાજ વસૂલવા અંગેનો વધુ એક બનાવ સામે આવ્યો

0

જામનગર શહેરમાં ગેરકાયદે વ્યાજખોરી અને ધમકી આપવાના મામલે સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. એક યુવાનને ચાર લાખ રૂપિયા વ્યાજે આપ્યા પછી તેનું 7 લાખ વ્યાજ વસુલી લીધા બાદ પણ હજુ બે લાખની માંગણી કરી ધમકી અપાતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વર્ષ 2024થી તા. 27/03/2026 દરમિયાન ગોકુલનગર, નવાનગર વિસ્તારમાં મોમાઈ પાન પાસે આ બનાવ બન્યો હતો. ફરિયાદી ભાવેશભાઈ નાનજીભાઈ ટાંક (ઉંમર 36 વર્ષ, રહેવાસી પટેલ પાર્ક, જામનગર)એ આરોપી પાસેથી રૂ. 4 લાખ વ્યાજે લીધા હતા.આરોપી મીલનભાઈ હરીશભાઈ નાનાણી દ્વારા ફરિયાદી પાસેથી 15 ટકા વ્યાજના દરે રૂપિયા વસૂલવામાં આવ્યા હતા અને રૂ. ૪ લાખના બદલે કુલ રૂ. 7 લાખ સુધીની ઉઘરાણી કરી લેવામાં આવી હતી. તેમ છતાં આરોપીએ વધુ રૂ. 2 લાખની માંગણી કરી હતી.

ફરિયાદી પાસે વધુ રકમ ન હોવાને કારણે તેમણે પોલીસમાં ફરિયાદ કરવાની વાત કરતા આરોપીએ તેમને ધમકી આપી હતી કે “ફરિયાદ કરશો તો રહેવા નહીં દઉં અને મારી નાખીશ.”આ મામલે આરીપી સામે ગુજરાત નાણાની ધીરધાર અધિનિયમ-2011ની કલમ 39, 40, 41, 42(એ) તથા ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 351(1) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

World : યુદ્ધની આગ હવે યુનિવર્સિટીઓ સુધી: ઈરાનની ધમકી- US-ઈઝરાયલની શિક્ષણ સંસ્થાઓ ખાલી કરો, ગમે ત્યારે થશે હુમલો

0

ઈરાને અમેરિકા અને ઈઝરાયલ પર દેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને નિશાન બનાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેહરાનની ‘યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી’ અને ઇસ્ફહાનની ‘ઇસ્ફહાન યુનિવર્સિટી ઓફ ટૅક્નોલૉજી’ પર થયેલા હુમલા બાદ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ(IRGC)એ વળતો પ્રહાર કરવાની સોગંદ ખાધી છે. ઈરાનનો દાવો છે કે આ હુમલાઓ દ્વારા ઈરાનનો વૈજ્ઞાનિક પાયો અને તેની સાંસ્કૃતિક વિરાસતને નષ્ટ કરવાનું વ્યવસ્થિત કાવતરું ઘડવામાં આવ્યું છે.

IRGCએ ચેતવણી આપી છે કે હવે ઈઝરાયલની યુનિવર્સિટીઓ અને પશ્ચિમ એશિયાના આરબ દેશોમાં આવેલી અમેરિકા સાથે જોડાયેલી શૈક્ષણિક સંસ્થાઓ તેમના મુખ્ય નિશાન પર રહેશે. ઈરાની ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, IRGCએ આ યુનિવર્સિટીઓના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓને જીવ બચાવવા માટે કેમ્પસથી ઓછામાં ઓછા એક કિલોમીટર દૂર રહેવાની સલાહ આપી છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીઓ અને રિસર્ચ સેન્ટરો પરના હુમલા ઈરાનના ભવિષ્યને નબળું પાડવાનો પ્રયાસ છે.

ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ દક્ષિણ ઈરાનના મીનાબ શહેરમાં આવેલી ‘શજારેહ તૈયબેહ પ્રાઈમરી સ્કૂલ’ પર થયેલા હુમલાની આકરી નિંદા કરી છે. આ હુમલામાં આશરે 170 માસૂમ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના મોત થયા હતા. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં બોલતા તેમણે આ ઘટનાને ‘વોર ક્રાઈમ'(યુદ્ધ અપરાધ) અને માનવતા વિરુદ્ધનો ગુનો ગણાવ્યો હતો. દક્ષિણ આફ્રિકામાં સ્થિત ઈરાની દૂતાવાસે અમેરિકન નૌકાદળના બે અધિકારીઓના નામ જાહેર કરતા દાવો કર્યો છે કે તેમના આદેશ પર જ આ શાળા પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો.

ઈરાનની રેડ ક્રેસન્ટ સોસાયટીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીના યુદ્ધમાં ઈરાનની ઓછામાં ઓછી 600 શૈક્ષણિક સંસ્થાઓને ભારે નુકસાન થયું છે અથવા તે સંપૂર્ણપણે નાશ પામી છે. ઈરાનના સરકારી અધિકારીઓએ આક્ષેપ કર્યો છે કે ઈરાનના પરમાણુ કાર્યક્રમને બહાનું બનાવીને ઈરાનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શૈક્ષણિક વારસાને જાણીજોઈને નષ્ટ કરવામાં આવી રહ્યો છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે આ હુમલાઓનો જવાબ ખૂબ જ મક્કમતાથી આપવામાં આવશે.

World : નેપાળમાં નવી સરકારનો મોટો નિર્ણય:Gen-Z આંદોલનમાં શહીદ વિદ્યાર્થીઓના પરિવારને સરકારી નોકરી આપશે

0

નેપાળની રાજનીતિમાં એક મહત્વપૂર્ણ અને માનવતાવાદી નિર્ણય સામે આવ્યો છે. નેપાળના નવા પ્રધાનમંત્રી બાલેન શાહએ સત્તા સંભાળતા જ ‘Gen-Z ’આંદોલનમાં જીવ ગુમાવનારા 27 વિદ્યાર્થીના પરિવારને સરકારી નોકરી આપવાનો મોટો નિર્ણય અમલમાં મૂક્યો છે.

8 સપ્ટેમ્બરે થયેલા ‘Gen-Z ’ આંદોલન દરમિયાન પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. પોલીસે કરેલી ફાયરિંગના પહેલા જ દિવસે 19 વિદ્યાર્થીઓના મોત થયા હતા. ત્યારબાદ, બીજા દિવસે સારવાર દરમિયાન વધુ 8 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો અને જનતા વચ્ચે ભારે રોષ ફાટી નીકળ્યો હતો.વિદ્યાર્થીઓના મોત બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા અને સરકાર પર સતત દબાણ વધતું ગયું હતું કે પીડિત પરિવારોને ન્યાય અને આર્થિક સહાય આપવામાં આવે.

પ્રધાનમંત્રી બન્યા બાદ બલેન શાહની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં જ આ મુદ્દાને પ્રાથમિકતા આપવામાં આવી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે આંદોલનમાં મોતને ભેટેલા વિદ્યાર્થીઓના નજીકના પરિવારજનોને સરકારી નોકરી આપવામાં આવશે.સરકારે આ નિર્ણયને માત્ર જાહેરાત સુધી મર્યાદિત રાખ્યો નહીં, પરંતુ તેનો તાત્કાલિક અમલ પણ શરૂ કરી દીધો છે. આ પગલાથી સરકારની પ્રતિબદ્ધતા સ્પષ્ટ રીતે સામે આવી છે.આ નિર્ણયના અમલ માટે નેપાળ વિદ્યુત પ્રાધિકરણએ સત્તાવાર નોટિસ જાહેર કરી છે. તેમાં 27 વિદ્યાર્થીઓના નજીકના સગાંઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી મુજબ તેમને તેમની લાયકાત અને ક્ષમતાના આધારે તેમના જ જિલ્લાઓમાં નોકરી આપવાનો પ્રસ્તાવ છે.પરિજનોએ 35 દિવસની અંદર પોતાના સંબંધનો પુરાવો રજૂ કરવો પડશે.ત્યારબાદ તેમને યોગ્ય પદ પર નિમણૂક આપવામાં આવશે.

આ નિર્ણયને રાજકીય રીતે પણ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. બલેન શાહે ચૂંટણી દરમિયાન વચન આપ્યું હતું કે આંદોલનમાં જીવ ગુમાવનાર વિદ્યાર્થીઓના પરિવારોને સહાયરૂપ થવા માટે સરકાર પગલાં લેશે. હવે સત્તામાં આવ્યા બાદ તેમણે પોતાનું વચન પૂરું કરીને એક મજબૂત સંદેશ આપ્યો છે.આ પગલું સરકારની વિશ્વસનીયતા વધારવામાં મદદરૂપ બની શકે છે અને લોકોમાં વિશ્વાસ જાગૃત કરી શકે છે કે સરકાર માત્ર વચનો આપતી નથી, પરંતુ તેને અમલમાં પણ મૂકે છે.

જ્યાં એક તરફ આ નિર્ણયની પ્રશંસા થઈ રહી છે, ત્યાં બીજી તરફ વિરોધ પક્ષ અને કેટલાક સામાજિક સંગઠનો દ્વારા પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા છે. તેઓનું માનવું છે કે માત્ર નોકરી આપવી પૂરતી નથી, પરંતુ આ ઘટનાના જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવી પણ એટલી જ જરૂરી છે.તેમના અનુસાર, ન્યાય માટે જવાબદારી નક્કી કરવી અને દોષિતોને સજા આપવી એ સરકારની મુખ્ય જવાબદારી છે.

Lifestyle : ગળા અને પાચન માટે વરદાન રૂપ છે માટલાનું પાણી, આ લોકોએ ચોક્કસ પણ પીવું જોઇએ

0

ગરમી અને ભેજવાળા વાતાવરણમાં શરીરને ઠંડક આપવા માટે લોકો અવારનવાર રેફ્રિજરેટરના પાણીનો સહારો લે છે. જોકે, સ્વાસ્થ્ય નિષ્ણાતો ચેતવણી આપે છે કે ફ્રીજનું અતિશય ઠંડું પાણી પીવાથી ગળામાં બળતરા, પાચનક્રિયામાં અવરોધ અને પેટની સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, માટીના માટલા અથવા ઘડાનું પાણી એક સલામત અને અત્યંત ફાયદાકારક વિકલ્પ તરીકે ઉભરી આવે છે.

માટીના વાસણની સૌથી મોટી ખાસિયત એ છે કે તે પાણીને કુદરતી રીતે ઠંડું રાખે છે. માટીમાં રહેલા અસંખ્ય ઝીણા છિદ્રો દ્વારા પાણીનું બાષ્પીભવન થાય છે, જે પાણીના તાપમાનને કુદરતી રીતે ઘટાડે છે. આયુર્વેદમાં માટલાના પાણીને ‘અમૃત’ સમાન માનવામાં આવે છે, કારણ કે તે પાણીના કુદરતી ગુણોને જાળવી રાખે છે.

આધુનિક ડોક્ટરો પણ માટીના વાસણને ફ્રીજ કરતા શ્રેષ્ઠ માને છે. માટીના આલ્કલાઇન (Alkaline) ગુણધર્મો પાણીના એસિડિક તત્વો સાથે ભળીને શરીરના pH સ્તરને સંતુલિત કરે છે. આનાથી એસિડિટી અને ગેસ જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. વળી, માટીનું વાસણ પાણીમાં રહેલી અશુદ્ધિઓને શોષી લેવાની ક્ષમતા ધરાવે છે, જે શરીરના ઝેરી તત્વો (Toxins) ને દૂર કરવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે.

ફ્રીજનું પાણી પીવાથી ગળામાં દુખાવો કે કાકડાની સમસ્યા થઈ શકે છે, જ્યારે માટલાનું પાણી ગળા માટે નરમ અને ગુણકારી છે. તે પાચનતંત્રને સક્રિય રાખે છે અને ચયાપચયની ક્રિયા (Metabolism) ને વેગ આપે છે. આયુષ મંત્રાલય પણ સ્વાસ્થ્ય જાળવવા માટે માટી કે તાંબાના વાસણના ઉપયોગની ભલામણ કરે છે.

Ahmedabad : સરખેજમાં પાર્સલની આડમાં ચાલતું દારૂનું નેટવર્ક ઝડપાયું, રાજસ્થાનાના શખસની ધરપકડ

રાજ્યમાં ચુસ્ત દારૂબંધી હોવા છતાં બુટલેગરો અવનવી તરકીબો અજમાવી રહ્યા છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે નરીમનપુરા કેનાલ નજીક પાર્સલની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક રીક્ષાચાલકને ઝડપી પાડ્યો છે. પોલીસે તપાસ કરતા રીક્ષામાંથી મોટી સંખ્યામાં સંખ્યામાં દારૂની બોટલો મળી આવી છે.

મળતી માહિતી અનુસાર, સરખેજ પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેને ચોક્કસ બાતમી મળી હતી કે એક લોડિંગ રીક્ષામાં પાર્સલની આડમાં દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે નરીમનપુરા ગામની કેનાલ નજીક નાકાબંધી કરી હતી. શંકાસ્પદ રિક્ષા આવતા જ તેને અટકાવી તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. રિક્ષામાં ઉપરના ભાગે પાર્સલ હતા, પરંતુ તેની નીચે વિદેશી દારૂની કુલ 4,401 બોટલો છુપાવેલી હતી.

ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં તેનું નામ કાલુરામ બિશ્નોઈ હોવાનું બહાર આવ્યું છે. મૂળ રાજસ્થાનનો અને હાલ અમદાવાદના સીટીએમ વિસ્તારમાં રહેતો કાલુરામ આ દારૂનો જથ્થો છેક ગોવાથી મંગાવતો હતો. પોલીસને છેતરવા માટે તે રિક્ષામાં પાર્સલ રાખતો અને પૂછપરછ દરમિયાન પુરાવા તરીકે ખોટી બિલ્ટીઓ તથા બોગસ બિલો બતાવતો હતો, જેથી પોલીસ તેને કુરિયર કે પાર્સલ સર્વિસ સમજી જવા દે.

પોલીસે આ દરોડા દરમિયાન કુલ 5,83,225નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 4.78 લાખનો દારૂ, 1 લાખની કિંમતનો લોડિંગ ટેમ્પો અને મોબાઈલ ફોનનો સામેલ છે. પકડાયેલ આરોપી કાલુરામ વિશ્નોઈ અગાઉ વર્ષ 2017માં ઓઢવ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે. હાલ સરખેજ પોલીસે આ મામલે ગુનો નોંધી દારૂ મંગાવનાર અને મોકલનાર અન્ય શખ્સો સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.

Gujarat : જામનગર જિલ્લા પંચાયતમાં સામાન્ય મહિલા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસ.સી. એસ.ટી. પ્રમુખ બનશે

0

રાજયની તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણી નજીક ના સમય માં યોજાનાર છે. ત્યારે રાજયના વિકાસ કમિશનર દ્વારા બેઠક મુજબ અનામત રોટેશન ની જાહેર કરી દેવામાં આવી છે. જેમાં જામનગર જિલ્લા પંચાયતમાં આગામી અઢી વર્ષ માટે સામાન્ય વર્ગ મહિલા અનામતના ઉમેદવાર પ્રમુખપદ સંભાળશે જયારે દ્વારકામાં એસસી, એસટી નવા રોટેશનમાં પ્રમુખ પદનો તાજ સંભાળશે. કેટલીક તાલુકા પંચાયતમાં રોટેશનમાં ફેરફાર થયા છે.

જામનગર જિલ્લા પંચાયતમાં ગઇ ટર્મમાં મહિલા પ્રમુખપદે હતા હવે ફરી થી આ રોટેશન મુજબ ફેરફાર થશે. .જિલ્લાની છ તાલુકા પંચાયતના પ્રમુખપદની વાત કરીએ તો જામનગરમાં ઓબીસી પુરૂષ, કાલાવડ તા.પંચાયતમાં અનુ.જાતિ મહિલા, જામજોધપુરમાં ઓબીસી મહિલા, ધ્રોલમાં સામાન્ય પુરૂષ, જોડીયામાં સામાન્ય મહિલા, અને લાલપુર તા.પંચાયતમાં સામાન્ય પુરૂષને સતા સોંપવામાં આવશે.

જામનગર જિલ્લા પંચાયતના રાજકારણમાં પણ સળવળાટ થઇ ચુકયો છે કારણકે રોટેશન એવું આવ્યું છે કે મોટા ભાગના માંધાતાઓને બેઠક બદલવી પડશે. વળી આ વખત બીજી વખત મહિલા સતાનુ સુકાન સંભાળશે. એટલે જામનગર જિલ્લા પંચાયતના 24 બેઠકના રાજકારણમાં ભારે ઉથલપાથલ થવાની શક્યતા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસસી, એસટીને પ્રમુખપદ આપવામાં આવશે .જેને કારણે રાજકારણમાં કંઇક નવા ફેરફાર આવી શકે છે. ખાસ કરીને ક્ષત્રિય, સતવારા, આહીર જ્ઞાતિના લોકો જોઈએ તેટલુ જોશથી ચુંટણીમાં કદાચ કામ ન કરે તેવી શક્યતા છે. હવે રોટેશન જાહેર થઈ ચુકયુ છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યારથી જ ચહલપહલ જોવા મળી છે. રોટેશન જાહેર થયા પછી મહાપાલિકા, જિલ્લા પંચાયત, અને તા.પંચાયતની અને નગરપાલિકાની ચુંટણીઓમાં ભારે ગરમાવો જોવા મળશે. કદાચ ત્રિપાંખીયો જંગ પણ ખેલાશે.

Gujarat weather: જાણો આજે કયા વિસ્તારોમાં માવઠું થશે?, એપ્રિલની શરૂઆતમાં પણ વરસાદની આગાહી

0

ગુજરાતમાં આજથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ માવઠાની આગાહી હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આજે કેટલાક જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં આજથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ માવઠાની આગાહી હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આજે કેટલાક જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ એપ્રિલ મહિનાની શરૂઆતમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. બીજી અને ત્રીજી એપ્રિલે કમોસમી વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ છે. બીજી તરફ એપ્રિલની શરૂઆતમાં પણ બીજી અને ત્રીજી એપ્રિલે માવઠું થવાની શક્યતાઓ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ થવાની શક્યતાઓ છે. હવામાન વિભાગ પ્રમાણે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર અને કચ્છમાં વરસાદની આગાહી છે.

જ્યારે 30 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં વરસાદ થઈ શકે છે. 2 એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને નવસારીમાં વરસાદની શક્યતાઓ છે. 3 એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદ રહેશે.

China : 84 વર્ષના દાદી પડ્યા AI યુવાનના પ્રેમમાં!વાંચો ચીનના વૃદ્ધાની આશ્ચર્યજનક પ્રેમકથા

0

આજના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આપણા જીવનના દરેક પાસાને સ્પર્શી રહ્યું છે. મશીનો હવે માત્ર ગણતરીઓ નથી કરતા, પરંતુ માનવીય લાગણીઓ સાથે પણ જોડાઈ રહ્યા છે. ચીનમાંથી સામે આવેલો એક કિસ્સો આ બાબતને સાબિત કરે છે અને સાથે જ એક ગંભીર ચેતવણી પણ આપે છે. હુબેઈ પ્રાંતમાં રહેતા 84 વર્ષીય દાદીમા, ઝાંગ યુલાન, એક એવા પાત્રના પ્રેમમાં પડ્યા જેનું વાસ્તવિક દુનિયામાં કોઈ અસ્તિત્વ જ નહોતું.

ઝાંગ યુલાનને ‘જિયાંગુઓ’ નામના એક વર્ચ્યુઅલ પાત્ર સાથે લગાવ થયો. આ પાત્ર ચીનમાં અત્યંત લોકપ્રિય ‘બા ઝોંગ’ અથવા ‘બોસી પ્રેસિડેન્ટ’ પ્રકારનું હતું. આ પાત્રો દેખાવમાં આકર્ષક, સ્વભાવે થોડા કડક પણ પોતાના જીવનસાથી પ્રત્યે અત્યંત પ્રેમાળ અને કાળજી રાખનારા હોય તે રીતે પ્રોગ્રામ કરેલા હોય છે. એકલતા અનુભવતા વૃદ્ધો માટે આવા પાત્રો એક સુરક્ષિત અને હુંફાળો અનુભવ પૂરો પાડે છે. ઝાંગ દાદી દિવસના 10-10 કલાક પોતાના મોબાઈલ પર આ AI વિડિયો જોતા અને ધીમે ધીમે તેમને લાગવા માંડ્યું કે જિયાંગુઓ ખરેખર તેમને પ્રેમ કરે છે.

લાગણીઓ એટલી હદે વધી ગઈ કે દાદીમાએ તે વર્ચ્યુઅલ પાત્રને હસ્તલિખિત પ્રેમ પત્રો મોકલવાનું શરૂ કર્યું. તેમણે તેની પાસે માફી પણ માંગી અને લગ્ન કરવા સુધીની તૈયારી બતાવી. આ કિસ્સો દર્શાવે છે કે ટેકનોલોજી કેવી રીતે વાસ્તવિકતા અને આભાસ વચ્ચેની રેખા ભૂંસી નાખે છે.

આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે દાદીમાએ ઓનલાઈન ખરીદી પાછળ આશરે 1 લાખ રૂપિયા (7000 યુઆન) ખર્ચી નાખ્યા. આ નકલી AI એકાઉન્ટ્સ દ્વારા તેમને મોંઘા પુસ્તકો અને સસ્તી વસ્તુઓ ઉંચા ભાવે પધરાવી દેવામાં આવી હતી. તેમની પૌત્રીને શંકા જતા સમગ્ર સત્ય બહાર આવ્યું અને તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી. ત્યારબાદ સરકારે આવા નકલી AI એકાઉન્ટ્સ પર કાર્યવાહી કરી જિયાંગુઓનું પેજ બંધ કરી દીધું હતું.

Gujarat : ગુજરાતમાં સવા કરોડ LPG કનેક્શન વચ્ચે 10 દિવસમાં ફક્ત 12 હજાર જ PNGમાં ફેરવાયા

0

ગુજરાતમાં કોઈપણ આકસ્મિક સ્થિતિ સર્જાય તેવા સમયે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી નીતિ સરકારની હોવાનું વધુ એક વખત સામે આવ્યું છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરોની અછત વચ્ચે રાજ્ય સરકાર મીટિંગો યોજીને સબ સલામત હોવાનું ગાણું ગાઈને પોતાની મસ્તીમાં રાચી રહી છે. સામાપક્ષે કોમર્શિયલ એલપીજી વપરાશકારો આજે પણ કતારોમાં વ્યસ્ત રહીને હેરાન થઈ રહ્યા છે.

વડાપ્રધાનએ મુખ્યમંત્રીઓ સાથે યોજેલી બેઠક બાદ આજે ગુજરાતમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને વધુ એક બેઠક યોજાઈ હતી. જેમાં રજૂ થયેલા આંકડા અનુસાર ગુજરાતમાં 1.28 કરોડ ઘરેલું એલપીજી વપરાશકારો છે. તેની સામે 10 દિવસમાં ફક્ત 12 હજાર કનેક્શનો પીએનજીમાં ફેરવવામાં આવ્યા છે. આ ઝડપે સરકાર ચાલશે તો છ મહિને પણ ગણતરીના કનેક્શનો જ પીએનજીમાં ફેરવાશે!

વળી આ કનેક્શનો પણ રહેણાંક છે. કોમર્શિયલ કનેક્શન તો માત્ર 300 જ ફેરવાયા છે. સામાપક્ષે ગત તા. 13થી શરૂ કરાયેલી હેલ્પલાઇનમાં 15 દિવસમાં એલપીજીને લગતી 10 હજારથી વધારે ફરિયાદો નોંધાઈ છે. બધી જ બાબતોનો એકંદર સાર એવો નીકળે છે કે, આ ગંભીર કટોકટી સામે લડવા માટે સરકાર પાસે કોઈ ખાસ કે આગોતરો એક્શન પ્લાન જ નથી. ચીલાચાલુ પદ્ધતિથી બેઠકો યોજીને કામગીરી કર્યાનો સંતોષ રાજ્ય સરકાર માની રહી છે. કારણ કે ઘરેલુ અને કમર્શિયલ એલપીજી સિલિન્ડરોના કાળાબજાર રોકવા જેવી ગંભીર બાબતોમાં પણ સરકાર ખાસ કંઈ ઉકાળી શકી નથી.

આજે મળેલી બેઠકમાં સરકારે જણાવ્યું હતું કે, પીએનજી કનેક્શનોને અગ્રતા આપવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. આગામી 60 દિવસમાં 11 હજારથી વધારે કનેક્શન આપવામાં આવશે. ગુજરાતમાં 50 હજારથી વધારે કનેક્શન આપવાનો લક્ષ્યાંક છે. હોસ્પિટલ અને સ્કૂલ જેવી સંસ્થાઓને પ્રથમ અગ્રતા અપાશે. સપ્લાય ચેઈન પર નજર રાખવા મુખ્ય સચિવના નેતૃત્વમાં સ્ટેટ લેવલ અને કલેક્ટરના નેતૃત્વમાં જિલ્લા સ્તરીય કમિટીઓ કાર્યરત કરવામાં આવી છે.

કાળાબજાર કરતા તત્વો સામે કડક પગલાં લેવાના હાકલા પડકારા તો સરકારે આઠથી દસ વખત કર્યા છે. પરંતુ આજ સુધીમાં જમીનીસ્તર પર ખાસ કંઈ અસરકારક પગલાં લેવાયા નથી. અમદાવાદ સહિતના શહેરોમાં કમર્શિયલ ગેસના બાટલા ખુલ્લેઆમ ચારથી પાંચ હજાર રૂપિયાની કિંમતે વેચાઈ રહ્યા છે.

અમદાવાદના ગોમતીપુર વિસ્તારના કોંગ્રેસના પૂર્વ મ્યુનિ. કાઉન્સિલરે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અહીંની એક એજન્સી પાસે 6થી 7 સિલિન્ડરનો બેકલોગ છે. દરરોજ માત્ર 1થી 2 ટ્રકની મર્યાદિત સપ્લાય આપવામાં આવે છે. બીજી તરફ લોકોને પીએનજી લાઈન લેવાનું દબાણ કરાઈ રહ્યું છે, તે બાબત નૈતિક રીતે વ્યાજબી નથી.