Home Blog Page 226

Gujarat : જામનગરમાં પોલીસનો જુગાર અંગે દરોડો: જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ પત્તા પ્રેમીઓ પકડાયા

0

જામનગર શહેરના સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ પણ કબજે કરી છે.પ્રાપ્ત માહિતી મુજબ, તા. 28-03-2026ના રોજ સાંજે 6:00 વાગ્યાના સમયે સાધના કોલોની ગેટ નંબર-1 નજીક જાહેર સ્થળે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા રેઇડ કરવામાં આવી હતી.

રેઇડ દરમિયાન આરોપીઓ ભારતીય ચલણી નોટોના નંબર ઉપર “એકી-બેકી” નામનો જુગાર રમી રહ્યા હતા અને પૈસાની હાર-જીત કરી રહ્યા હતા. જે પોલીસે કાર્યવાહી દરમિયાન કુલ રૂપિયા 13,600/-ની રોકડ રકમ સાથે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.ઝડપાયેલા આરોપીઓમાં સાગર હસંરાજભાઈ હુરબડા, શૈલેષભાઈ જેન્તીભાઈ મંગે, દુષ્યતસિંહ ભરતસિંહ પીંગળ, ભાવેશભાઈ ધીરુભાઈ ગંઢા અને જગદીશભાઈ વીસનદાસ ગજરા સામે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

Bhavnagar : ભાવનગરથી મુંબઈ જઉં બન્યું સરળ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુના હસ્તે ભાવનગર-નવી મુંબઈ ફ્લાઇટનું ફ્લેગ ઓફ કરાયું

ભાવનગર એરપોર્ટ ખાતેથી તારીખ 29 માર્ચ 2026થી ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે સીધી ફ્લાઇટ સેવાનો શુભારંભ કરાવતાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ ભાવનગર એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહીને આ પ્રથમ ફ્લાઈટને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

ભાવનગર-નવી મુંબઈ ફ્લાઇટનું વોટર સેલ્યુટ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુ તથા કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, કેબિનેટ રાજ્ય કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા, ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણની ઉપસ્થિતિમાં ભાવનગર-નવી મુંબઈ ફ્લાઇટનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું.

આ તકે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયને વખતોવખત ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બામણીયા દ્વારા ભાવનગરને એર કનેક્ટિવિટી ફાળવવા માટેની દરખાસ્તો મળતી રહી હતી. જેના અનુસંધાને આજરોજ ભાવનગરથી નવી મુંબઈ વિમાની સેવાનો શુભારંભ થઈ રહ્યો છે જે બદલ ભાવનગરની જનતાને અભિનંદન. વધુમાં તેમણે કહ્યું કે ભાવનગરથી નવી મુંબઈની કનેક્ટિવિટી એ માત્ર લોકલ કનેક્ટિવિટી નથી પરંતુ આ એર કનેક્ટિવિટીથી ભાવનગર દેશ અને દુનિયા સાથે જોડાઈ રહ્યું છે.

ભાવનગર અને ભાવનગરની જનતા માટે આજનો દિવસ એ ગૌરવવંતો દિવસ અને આજની આ ક્ષણ ઐતિહાસિક ક્ષણ છે તેવું કહેતા કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાએ ભાવનગરથી નવી મુંબઈ શરૂ થયેલી નવી વિમાની સેવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારત સરકારનો આભાર વ્યક્ત કરવાની સાથે ભાવનગરની જનતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા આ રૂટ પર દરરોજ સવાર અને સાંજ એમ બે ફ્લાઇટ સંચાલિત કરવામાં આવશે જેમાં સવારે 8:35 કલાકે અને રાત્રે 8.50 વાગ્યે એમ બે ફ્લાઇટ નવી મુંબઈ માટે ઉડાન ભરશે. આ નવી હવાઈ સુવિધા ઉપલબ્ધ થવાથી ભાવનગરના વિવિધ ઉદ્યોગ, વ્યાપાર અને પ્રવાસન ક્ષેત્રને મોટો ફાયદો થશે તેમજ નવી મુંબઈ મારફતે અન્ય મહાનગરો સાથેની કનેક્ટિવિટી પણ સરળ બનશે.

આ તકે ભાવનગર જિલ્લા કલેકટર ડો. મનીષ કુમાર બંસલ, કમિશનર નરેન્દ્રકુમાર મીના, પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી. અસારી, નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર ધવલ પંડ્યા, આગેવાન દિગ્વિજય સિંહ ગોહિલ, આગેવાન કુમાર ભાઈ શાહ, સિવિલ એવિયેશન સેક્રેટરી સમીર સિંહા, એરપોર્ટ ઓર્થોરીટી ઓફ ઈન્ડિયાનાં ચેરમેન વિપીનકુમાર,એરપોર્ટ ડાયરેક્ટર તપનકુમાર નાયક, એરપોર્ટ ઓથોરીટીના વરિષ્ઠ અધિકારીઓ મનિષકુમાર અગ્રવાલ અને પ્રશાંત નિખાર સહિતના આગેવાનો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Entertainment : માધુરી દીક્ષિતે લોઅર પરેલમાં 731 સ્કે. ફૂટની ઓફિસ ભાડા પર લીધી

0

મુંબઇ : માધુરી દીક્ષિતે મુંબઇના લોઅર પરેલ વિસ્તારમાં એક ઓફિસ પાંચ વરસ માટે ભાડા પર લીધી છે. જેનું શરૂઆતમાં ભાડું ૪.૨૫ લાખ રૂપિયા હશે અને પછી દર વરસે આ ભાડામાં ૫ ટકાનો વધારો થશે. અભિનેત્રી પાંચ વરસમાટે ૨. ૮૧ કરોડ રૂપિયા ભાડા પેટે ચુકવશે.

રજિસ્ટરકરાયેલા દસ્તાવેજોના અનુસાર, માધુરીએ ૭૩૧ સ્કે. ફૂટની એક કમર્શિયલ ગાળો લીધો છે. જેમા ંએક કાર પાર્કિંગ પણ સામેલ છે. જે માટે ૭૨,૬૦૦ રૂપિયા સ્ટેમ્પ ડયુટી અને ૧૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશનના ચુકવવામાં આવ્યા છે. ઉપરાંત ૧૭ લાખ રૂપિયા ડિપોઝિટનો પણ સમાવેશ છે.

આ ઓફિસનું ભાડું પ્રથમ વરસે દર મહિને રૂપિયા ૪. ૨૫, બીજા વરસે વધીને૪.૯૧ લાખ રૂપિયા, ત્રીજા વરસે ૪.૬૮ લાખ, ચોથા વરસે ૪.૯૧ અને પાંચમા વરસે ૫.૧૬ લાખ રૂપિયા આપશે. આ રીતે તે પાંચ વરસ માટે ૨. ૮૧ કરોડ રૂપિયા ભાડા પેટે ચુકવશે.

Banaskanth : જૂનાડીસા-વાસણા રોડ પર અજાણ્યા કાર ચાલકે 75 વર્ષીય વૃદ્ધને અડફેટે લેતા ઘટનાસ્થળે જ કરુણ મોત

0

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં જૂનાડીસા-વાસણા રોડ પર એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે એક વૃદ્ધનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

નાડીસા-વાસણા રોડ પર એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બેફામ ગતિએ આવતા એક અજાણ્યા કાર ચાલકે રસ્તો ક્રોસ કરી રહેલા વયોવૃદ્ધને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે વૃદ્ધનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માત સર્જીને કાર ચાલક ગાડી સાથે ફરાર થઈ ગયો હતો.

મૃતક વૃદ્ધની ઓળખ વાસણા સંતોષી ગોળિયાના રહીશ ગીગાજી હેમાજી માળી (સુરદાસ) તરીકે થઈ છે. 75 વર્ષીય ગીગાજી જ્યારે જૂનાડીસા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કાળમુખી કારે તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માત બાદ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે વૃદ્ધે દમ તોડી દીધો હતો. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ડીસા તાલુકા પોલીસને જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. હાલમાં પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ અકસ્માત અને હિટ એન્ડ રનનો ગુનો નોંધી, આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. માળી પરિવારના મોભીના અવસાનથી પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.

BUSINESS : ક્યારેક 12,000 કરોડના હતા માલિક વિજયપત સિંઘાનિયા, પછી ભાડાના ઘરમાં વિતાવ્યો સમય!

0

રેમન્ડ ગ્રુપને વૈશ્વિક ઓળખ અપાવનાર દિગ્ગજ ઉદ્યોગપતિ વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું. તેમના પુત્ર ગૌતમ સિંઘાનિયાએ આ દુઃખદ સમાચાર શેર કર્યા, આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

દિગ્ગજ ભારતીય બિઝનેસમેન અને રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન વિજયપત સિંઘાનિયા (Vijaypat Singhania) હવે નથી રહ્યા. શનિવારે સાંજે 87 વર્ષની વયે મુંબઈમાં તેમનું નિધન થયું છે. તેમના પુત્ર અને રેમન્ડના ચેરમેન-એમડી ગૌતમ સિંઘાનિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (હવે X) પર તેમના નિધનની જાણકારી શેર કરી છે. આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

વિજયપત સિંઘાનિયાનો જન્મ 4 ઓક્ટોબર 1938ના રોજ થયો હતો. તેઓ લાંબા સમય સુધી રેમન્ડ ગ્રુપના ચેરમેન રહ્યા અને કારોબારને નવી ઊંચાઈએ પહોંચાડ્યો. તેમણે 1980 થી 2015 સુધી ગ્રુપની કમાન સંભાળી હતી. તેમના નેતૃત્વમાં કંપનીની ગ્રોથમાં મોટો ઉછાળો આવ્યો અને વ્યવસાયનો વિસ્તાર કરતા વિજયપત સિંઘાનિયાએ કાપડના વેપારની સાથે પરફ્યુમ સહિત અન્ય સેક્ટરમાં પણ પગ મૂક્યો. તેમણે 90ના દાયકામાં વિદેશોમાં પણ રેમન્ડની હાજરી નોંધાવી દીધી હતી.

સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ વિજયપત સિંઘાનિયાએ બોમ્બેના શેરિફ તરીકે પણ કાર્ય કર્યું હતું, જે તેમના કદને દર્શાવે છે. બિઝનેસ ઉપરાંત એવિએશન સેક્ટરમાં તેમની ખાસ રુચિ હતી. એક પ્રશિક્ષિત પાયલોટ અને એર કોમોડોર તરીકે તેમણે અનેક રેકોર્ડ પણ પોતાના નામે કર્યા હતા. તેમણે હોટ એર બલૂનમાં સૌથી વધુ ઊંચાઈ સુધી જવાનો વર્લ્ડ રેકોર્ડ (Vijaypat Singhania World Record) પણ બનાવ્યો હતો. વર્ષ 2005માં 21,000 મીટરથી વધુની ઊંચાઈએ ઉડાન ભરીને આ સિદ્ધિ હાંસલ કરી હતી.

વિજયપત સિંઘાનિયાએ માત્ર બિઝનેસ જગતમાં જ પોતાનું મહત્વનું યોગદાન આપ્યું નથી, પરંતુ એવિએશન સેક્ટરમાં તેમના કાર્યને ધ્યાનમાં રાખીને 1994માં ભારતીય વાયુસેનાએ તેમને માનદ ‘એર કોમોડોર’ની પદવી આપી હતી. આ ઉપરાંત, વિજયપત સિંઘાનિયાને વર્ષ 2006માં સરકાર દ્વારા પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

વિજયપત સિંઘાનિયાની સિદ્ધિઓ સિવાય તેમની સાથે જોડાયેલી એક ખાસ વાત એ છે કે બિઝનેસમાં પોતાનો દબદબો વધારવાની સાથે એક સમયે તેમની નેટવર્થ 12,000 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ હતી. તેઓ મુંબઈના પોશ વિસ્તારમાં પોતાના આલીશાન ઘર ‘જેકે હાઉસ’ (દેશના સૌથી મોંઘા ઘરોની યાદીમાં સામેલ) માં લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવી રહ્યા હતા, પરંતુ 2015 પછી સમય એવો બદલાયો કે તેમને દક્ષિણ મુંબઈની ગ્રાન્ડ પરાડી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેવા મજબૂર થવું પડ્યું.

દેશના સૌથી અમીરોની યાદીમાં સામેલ રહેલા વિજયપત સિંઘાનિયાએ વર્ષ 2015માં રેમન્ડ ગ્રુપની કમાન પુત્ર ગૌતમ સિંઘાનિયાને સોંપી દીધી હતી. ત્યારબાદ અચાનક પિતા-પુત્રના સંબંધોમાં પ્રોપર્ટીને લઈને એવી તિરાડ પડી, જે લાંબા સમય સુધી ભરાઈ શકી નહીં. બિઝનેસ ટુડેને આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે પોતે કહ્યું હતું કે પોતાનું સર્વસ્વ પુત્રને સોંપી દીધું, પરંતુ તેમના પુત્રએ તેમની પાસેથી બધું છીનવી લીધું. તેમણે તો ત્યાં સુધી કહી દીધું હતું કે તેમનો પુત્ર તેમને રસ્તા પર જોઈને ખૂબ ખુશ થશે અને પુત્રને પોતાની બધી સંપત્તિ સોંપવી એ તેમના જીવનની સૌથી મોટી ભૂલ હતી.

World : ઈરાનના સપોર્ટમાં ઉતરેલા હૂતી કોણ છે? જેના એક નિર્ણયથી બદલાઈ શકે છે યુદ્ધની સૂરત

0

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવભર્યા સંઘર્ષમાં હવે એક મોટો વળાંક આવ્યો છે. ઈરાનના સમર્થન સાથે યમનના હૂતી બળોએ યુદ્ધમાં સત્તાવાર રીતે પ્રવેશ કર્યો છે. ઈઝરાયેલ પર મિસાઇલ હુમલાઓ કરીને હૂતી સંગઠને પોતાની હાજરી દર્શાવી છે, જેના કારણે અસુરક્ષા ફેલાઈ છે.

આ ઘટનાને માત્ર એક હુમલો તરીકે નહીં, પરંતુ યુદ્ધ વધી શકે તેવા સંકેત છે.જે ખુબ જ ચિંતાજનક છે. અત્યાર સુધી ઈઝરાયેલ અને ગાઝા પટ્ટી વચ્ચે મર્યાદિત રહેલું સંઘર્ષ હવે વધુ દેશો અને જૂથોને ખેંચી રહ્યું છે. હૂતી બળોની એન્ટ્રીથી આ યુદ્ધ હવે એક પ્રાદેશિક સંઘર્ષ બની શકે તેવી શક્યતા વધી છે.

હૂતી યમનનો એક રાજકીય અને સૈન્ય જૂથ છે, જે 2000ના દાયકામાં ઉદ્ભવ્યો હતો. આ જૂથનું નામ તેના સ્થાપક હુસૈન અલ-હૂતી પરથી પડ્યું છે. આજે તેઓ યમનના ઉત્તર ભાગના મોટા વિસ્તાર પર નિયંત્રણ ધરાવે છે. હૂતી બળોને ઈરાનનો સમર્થન મળતું હોવા છતાં, તેઓ સંપૂર્ણપણે ઈરાનના પ્રતિનિધિ નથી.તેઓ પોતાના દેશના આંતરિક હિતોને પણ મહત્ત્વ આપે છે.ઈરાન તરફથી મળેલી આધુનિક મિસાઇલ ટેક્નોલોજીથી હૂતી બળોની શક્તિ વધી છે.તેઓ યમનમાં જ હથિયારો બનાવવાની અને એસેમ્બલ કરવાની ક્ષમતા પણ ધરાવે છે.આ કારણે તેઓ માત્ર એક સ્થાનિક જૂથ નહીં,પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે અસર પાડનાર શક્તિ બની ગયા છે.

2014માં હૂતી બળોએ યમનની રાજધાની સના પર કબજો જમાવ્યો હતો, જેના પછી યમનમાં ગૃહયુદ્ધ શરૂ થયું. આ યુદ્ધમાં સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળ હવાઈ હુમલાઓ કરવામાં આવ્યા હતા,આ હુમલાઓમાં હજારો નિર્દોષ નાગરિકોના મોત થયા હતા.પછીથી હૂતી બળો સામે અનેક વખત અમેરિકી હવાઈ હુમલાઓ થયા, છતાં તેઓને સંપૂર્ણપણે રોકી શકાયા નથી. 2024 અને 2025 દરમિયાન રેડ સી વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય જહાજો પર હુમલાઓને લઈને પણ તણાવ વધ્યો હતો.

હૂતી બળોની સૌથી મોટી અસર રેડ સીમાં જોવા મળી શકે છે. અગાઉ પણ તેઓએ નવેમ્બર 2023થી જાન્યુઆરી 2025 વચ્ચે 100થી વધુ વેપારી જહાજો પર હુમલાઓ કર્યા હતા. આ હુમલાઓના કારણે વૈશ્વિક શિપિંગ પર મોટો પ્રભાવ પડ્યો હતો.

જો હૂતી ફરીથી રેડ સીમાં જહાજોને નિશાન બનાવે છે, તો પરિસ્થિતિ ગંભીર બની શકે છે. ખાસ કરીને બાબ અલ-મંદબ જળમાર્ગ બંધ કરવાની કોશિશ થાય, તો વૈશ્વિક વેપાર માટે મોટો ખતરો ઉભો થઈ શકે છે. આ માર્ગ દ્વારા લગભગ 15% વૈશ્વિક સમુદ્રી વેપાર થાય છે, જેમાં 30% કન્ટેનર ટ્રાફિકનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, સુએઝ કેનાલ મારફતે યુરોપ અને એશિયા વચ્ચેનો વેપાર પણ પ્રભાવિત થઈ શકે છે. જો આ માર્ગ અવરોધિત થાય, તો જહાજોને આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપ દ્વારા લાંબી મુસાફરી કરવી પડશે, જેનાથી સમય અને ખર્ચ બંનેમાં વધારો થશે.

વિશ્લેષકોના મત અનુસાર, જો હૂતી બળો માત્ર ઈઝરાયેલ પર મિસાઇલ હુમલાઓ સુધી મર્યાદિત રહે, તો યુદ્ધ પર મોટો પ્રભાવ નહીં પડે, કારણ કે ઈઝરાયેલ પાસે મજબૂત એન્ટી-મિસાઇલ સિસ્ટમ છે. પરંતુ જો તેઓ રેડ સી વિસ્તારમાં હુમલાઓ વધારશે, તો યુદ્ધનો વ્યાપ અને અસર બંને વધી શકે છે.આ પરિસ્થિતિમાં તેલ અને કુદરતી ગેસની કિંમતોમાં વધારો થવાની શક્યતા છે, જે વૈશ્વિક અર્થતંત્રને અસર કરી શકે છે. પહેલાથી જ તણાવગ્રસ્ત આંતરરાષ્ટ્રીય બજારો પર આની વધુ દબાણ આવી શકે છે.

હૂતી બળોની એન્ટ્રી મિડલ ઈસ્ટના યુદ્ધમાં એક મહત્વપૂર્ણ વળાંક છે. આ માત્ર એક નવા મોરચાની શરૂઆત નથી, પરંતુ વૈશ્વિક સ્તરે તેની અસર પડી શકે તેવું સંકેત છે. જો આ સંઘર્ષ વધુ વિસ્તરે, તો તેની અસર માત્ર યુદ્ધગ્રસ્ત દેશો સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ સમગ્ર વિશ્વને તેની અસર અનુભવવી પડશે.

Patan : ખોખરવાડમાં આઠ વર્ષના બાળકને ધૂણવા બેસાડ્યો, UGVCLના કર્મચારી જગદીશ ગોસ્વામીએ ગીતો લલકાર્યા

0

પાટણમાં અંધશ્રદ્ધાને નામે ધતિંગ થતાં હોય તેવો બનાવ સામે આવ્યો છે. આજના આધુનિક યુગમાં પણ લોકો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળતા નથી તેનો તાજો દાખલો પાટણમાં જોવા મળ્યો છે. જેની ઉંમર હજી રમવાની છે તે બાળકનો ધૂણતો વીડિયો વાયરલ થયો છે.

પાટણમાં અંધશ્રદ્ધાને નામે ધતિંગ થતાં હોય તેવો બનાવ સામે આવ્યો છે. આજના આધુનિક યુગમાં પણ લોકો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળતા નથી તેનો તાજો દાખલો પાટણમાં જોવા મળ્યો છે. જેની ઉંમર હજી રમવાની છે તે બાળકનો ધૂણતો વીડિયો વાયરલ થયો છે. ભણવાની ઉંમરે બાળક ધૂણતો હોવાનો વીડિયો વાયરલ થતાં અનેક સવાલો ઉભા થયાં છે. આ બાળક જ્યારે ધૂણી રહ્યો હતો ત્યારે UGVCLના કર્મચારી જગદીશ ગૌસ્વામી ગીતો લલકારતા દેખાયા હતાં.

પાટણના ખોખરવાડા વિસ્તારમાં ભૂવા ધૂણી રહ્યા હતાં. આ દરમિયાન ભણવાની અને રમવાની ઉંમર ધરાવતો એક બાળક પણ ધૂણી રહ્યો હતો. આ બાળકના માથા પર કેટલાક લોકો ફૂલ વરસાવી રહ્યા હતાં. નાના બાળકનો ધૂણતો વીડિયો વાયરલ થતાં અનેક સવાલો ઉભા થયાં છે. બાળકના માતા પિતા સામે પણ લોકો આંગળી ચિંધીને સવાલો કરી રહ્યાં છે. માતા પિતા આજના આધુનિક યુગમાં પણ બાળકને અંધશ્રદ્ધામાં ધકેલી રહ્યા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યાં છે.

ખોખરવાડમાં આઠ વર્ષના બાળકને ભૂવાઓ વચ્ચે ધૂણવા બેસાડવામાં આવ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં UGVCLના કર્મચારી જ ગીતો ગાતા દેખાયા છે. થોડા સમય પહેલા જેઓ લાઈટ બિલ ભરવા માટે ગીતો ગાઈને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરતા હતાં તે UGVCLના કર્મચારી જગદીશ ગૌસ્વામી આ બાળક ધૂણતો હતો અને ગીતો ગાઈ રહ્યા હતાં. તેઓ ગીતો ગાતા રહ્યા અને બાળક ધૂણતો હતો. સરકારી કર્મચારીની હાજરીમાં જ આ પ્રકારની અંધશ્રદ્ધા વાયુવેગે વાયરલ થતાં અનેક સવાલો ઉભા થયાં છે.

Vadodara : પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્ટેજ ડ્રામા

0

વડસર બ્રિજ પાસે માતૃકા રેસીડેન્સી નામના કોમ્પલેક્ષની ટેરેસ ઉપર ચડી ગયેલા 35 વર્ષે આકાશ નામના યુવકે કુદી પડવાની ધમકી આપતા લોકો ભેગા થઈ ગયા હતા. આ યુવક ટેરેસ ઉપર માતૃકા સોસાયટીના લખેલા કોર્નર ઉપર રોડ તરફ પગ લટકાવીને બેસી ગયો હતો.

પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરાતા ટીમો આવી ગઈ હતી અને ટેરેસ ઉપર બેઠેલા યુવક સાથે વાતચીત ચાલુ કરી હતી. જે દરમિયાન આકાશ તેની પત્ની હેરાન કરે છે, ચાલી ગઈ છે તેમ કહી નજીક આવશો તો કુદી પડીશ એવી ધમકી આપતો હતો.

લગભગ અડધો કલાક સુધી ડ્રામા થયા બાદ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ તેને વાતોમાં પરોવી નજર ખસતા જ તરાપ મારીને પકડી લીધો હતો. જેથી લોકોએ તાળીઓ પાડી તેમની કામગીરીને વધાવી હતી. ત્યારબાદ આકાશને કાઉન્સિલિંગ માટે માંજલપુર પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો. સમગ્ર બનાવવા પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

Sports : વિરાટ કોહલીએ આપી ફ્લાઈંગ કિસ તો શરમાઈ ગઈ અનુષ્કા શર્મા

0

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં અનુષ્કા અને વિરાટ એકબીજાને ફ્લાઈંગ કિસ આપતા જોવા મળી રહ્યા છે.

IPL 2026 શરૂ થઈ ગઈ છે. શનિવારે પહેલી મેચ રમાઈ હતી. RCB એ આ મેચમાં જોરદાર જીત મેળવી હતી. સોશિયલ મીડિયા પર આ સમાચારની ચર્ચા ચાલી રહી છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. અનુષ્કા શર્મા પણ વિરાટ કોહલીને ચીયર કરવા પહોંચી હતી. મેચ જીત્યા બાદ વિરાટ કોહલીએ ખુશીમાં અનુષ્કા શર્માને ફ્લાઈંગ કિસ આપી હતી.

વિરાટના ફ્લાઈંગ કિસ પછી, અનુષ્કાએ પણ તેને ફ્લાઈંગ કિસ આપી. તે પણ શરમાઈ ગઈ. અનુષ્કા હસતી જોવા મળી. અનુષ્કા અને વિરાટની કેમેસ્ટ્રીની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ફેન્સને એકબીજા પ્રત્યેના તેમના પ્રેમાળ હાવભાવ ખૂબ ગમ્યા. આ દરમિયાન, અનુષ્કા ફૂલ પ્રિન્ટ ટોપમાં જોવા મળી હતી. તેણે તેના ગળામાં તુલસીની માળા પહેરી હતી અને બ્રેસલેટ પણ પહેર્યું હતું. અનુષ્કા આખા લુકમાં ખૂબ જ સુંદર દેખાતી હતી.

અભિનેત્રી અનુષ્કા શર્મા લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે. તે છેલ્લે 2018 માં આવેલી ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી, જેમાં શાહરૂખ ખાન અને કેટરિના કૈફ પણ હતા. આ ફિલ્મે ખૂબ જ ચર્ચા જગાવી હતી, પરંતુ ફેન્સના દિલ જીતી શકી ન હતી. તે ફ્લોપ ગઈ. ત્યારથી અનુષ્કા કોઈ પણ ફિલ્મમાં જોવા મળી નથી. તેણે 2022માં આવેલી નેટફ્લિક્સ ફિલ્મ કાલામાં ફક્ત એક નાનકડી ભૂમિકા ભજવી હતી, જે તેણે નિર્મિત કરી હતી.

અનુષ્કા આગામી ફિલ્મ ચકદા એક્સપ્રેસમાં જોવા મળવાની હતી. ફિલ્મમાંથી અનુષ્કાનો પહેલો લુક જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ ફિલ્મ શેડ્યૂલ મુજબ રિલીઝ થઈ ન હતી. તે ભૂતપૂર્વ ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિક હતી. અનુષ્કા આ ફિલ્મમાં ઝુલન ગોસ્વામીની ભૂમિકા ભજવવાની હતી. એવા અહેવાલો હતા કે ફિલ્મને ટાળી દેવામાં આવી છે. જોકે, ફિલ્મ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સમાચાર આવ્યા નથી.

Banaskantha : ડીસાના કાંટ યુવતીને ધમકી આપી મૈત્રી કરાર કરાયા, દુષ્કર્મ કર્યાની પોલીસ ફરિયાદ

0

ડીસા તાલુકાના કાંટ ગામે રહેતી એક ૧૮ વર્ષીય યુવતીને ડીસા તાલુકાના શેરગંજ ગામે રહેતા વિશાલ રાજેશકુમાર સુંદેશાએ પોતાની મરજી વિરૂદ્ધ સુરતમાં આવેલી ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ ગુજારેલ જે બાબતની ફરિયાદ ડીસા તાલુકા પોલીસ મથકે નોંધાવા પામી છે.

ડીસા તાલુકાના કાંટ ગામે રહેતી એક ૧૮ વર્ષીય યુવતીને ડીસા તાલુકાના શેરગંજ ગામે રહેતા વિશાલ રાજેશકુમાર સુંદેશાએ પોતાની મરજી વિરૂદ્ધ સુરતમાં આવેલી ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ ગુજારેલ જે બાબતની ફરિયાદ ડીસા તાલુકા પોલીસ મથકે નોંધાવા પામી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ડીસા તાલુકાના કાંટ ગામે રહેતી 18 વર્ષીય યુવતી સમદડી રાજસ્થાન ખાતે માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ગયેલ હતી તે દરમિયાન શેરગંજ ગામના વિશાળ રાજેશકુમાર સુંદેશા સાથે પરિચયમાં આવી હતી અને ત્યારબાદ બંને વચ્ચે વાતો થતી હતી. જોકે બાદમાં આ વિશાલ સુંદેશા તેને લગ્ન કરવાનું કહેતા યુવતીએ લગ્ન કરવાની ના પાડી હતી. જેથી વિશાલ સુંદેશાએ તેને કહેલ કે જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો તારા ભાઈને હું મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી. ત્યાર બાદ તારું બેંકમાં એકાઉન્ટ ખોલાવવું છે તેમ કહી તેને કાંટ રોડ ઉપરથી એક્ટિવા ઉપર બેસાડી લઈ ગયેલ અને ત્યારબાદ તેને સુરત લઈ જઈ અને વિવિધ ગેસ્ટ હાઉસમાં તેની સાથે મરજી વિરૂદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું.

ત્યારબાદ વિશાલ સુંદેશાએ સુરતમાં તેની સાથે મૈત્રી કરાર કરેલ અને બાદમાં તેને ડીસા-પાલનપુર હાઈવે પર છોડી મુકેલ જેથી યુવતી પોતાના મામાના ઘરે જઈ અને તેની સાથે બનેલી સમગ્ર ઘટના કહ્યા બાદ તેના પરિવારજનો સાથે યુવતી ડીસા તાલુકા પોલીસ મથકે આવી હતી અને તેને વિશાલ રાજેશકુમાર સુંદેશા સામે બળજબરી પૂર્વક સંબંધ બાંધી દુષ્કર્મ ગુજારેલ તેમજ મૈત્રી કરારના લખાણ કરાવી ખોટી રીતે ફસાવેલ જે બાબતની ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.