Home Blog Page 234

World : સ્ટ્રેટ ઓફ હોર્મુઝને કારણે ફક્ત ઈંધણ નહીં ખાતર પણ અટવાયું, ખાદ્યાન્ન સંકટ સર્જાવાની ભીતિ

0

ઇરાન યુદ્ધના કારણે આખા વિશ્વમાં ખાતરની અછતની સ્થિતિ સર્જાઈ છે. દિવસ વીતવાની સાથે-સાથે ખાતરનો પુરવઠો દિનપ્રતિદિન ઘટતો જાય છે. આમ ઇરાન-અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેનું આ યુદ્ધ વિશ્વસ્તરે ખાતરની અછત ઊભી કરીને વૈશ્વિક ખાદ્યાન્ન સંકટને જન્મ આપી શકે છે. યુદ્ધનું આ અત્યાર સુધીનું એવું પાસું છે કે જેના પર વિચાર જ કરવામાં આવ્યો નથી.

અમેરિકા અને ઇઝરાયલના હુમલાના જવાબમાં ઇરાને હોર્મુઝની ખાડી બંધ કરી દેતા વૈશ્વિક પુરવઠો ઠપ થઈ ગયો છે. તેના કારણે આફ્રિકન દેશોમાં તો ખાતરના પુરવઠામાં 90 ટકા ઘટાડો નોંધાયો છે.

ખાતરની અછતના લીધે વિકસતા દેશોના ખેડૂતોની સ્થિતિ અત્યંત ખરાબ થઈ રહી છે. વિકસતા દેશોના ખેડૂતો ક્લાઇમેટ ચેન્જ અને અનિશ્ચિત હવામાનનો સામનો કરી રહ્યા છે ત્યાં યુદ્ધના લીધે એક મુશ્કેલી વધી છે. વાવણી સીઝન શરૂ થતાં પૂર્વે જ ખાતરની અછત પાકના ઉત્પાદન પર અસર પાડી શકે છે.

વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કાર્લ સ્કુએ જણાવ્યું હતું કે ખાતરની અછતની સંભાવનાને ધ્યાનમાં રાખીએ તો ખરાબમાં ખરાબ સ્થિતિમા પાક.નું ઉત્પાદન ઓછું થાય અને આગામી સીઝનમાં પાક નિષ્ફળ જાય. આમ આગામી વર્ષે અનાજના ભાવ ઊંચા જાય તો આશ્ચર્ય ન થવું જોઈએ.

ખાતર બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા બે મહત્ત્વના પદાર્થો નાઇટ્રોજન અને ફોસ્ફેટ હાલમાં ઇરાનના બ્લોકેડનો ભોગ બનેલા છે. નાઇટ્રોજન યુરીયા ખાતર બનાવવામાં ઉપયોગી છે. હવે તેને જ સૌથી વધુ ફટકો પડયો છે. યુદ્ધના લીધે વિશ્વનો 30 ટકા જેટલો યુરીયા ખાતરનો કારોબાર અટવાઈ ગયો છે, એમ લંડન સ્થિત કોમોડિટીઝ કન્સલ્ટન્સી સીઆરયુ ગુ્રપના ક્રિસ લોસને જણાવ્યું હતું.

આ જ રીતે ફોસ્ફેટનો પુરવઠો પણ અટવાયો છે. સાઉદી અરેબિયા વિશ્વના પાંચમાં ભાગનું ફોસ્ફેટ પૂરુ પાડે છે. આ વિસ્તારમાંથી વિશ્વમાં સલ્ફરના કુલ ઉત્પાદનના 40 ટકા હિસ્સાની નિકાસ થાય છે. તે ચાવીરુપ ઇન્ગ્રેડિયન્ટ છે અને ઓઇલ-ગેસ રીફાઇનની આડપેદાશ છે. યુદ્ધ પૂરુ થયા પછી પણ અખાતમાંથી પુરવઠો જારી રાખવા માટે સુરક્ષાની ખાતરી મંગાઈ શકે છે.

World : H-1B વિઝાધારકો માટે ગુડ ન્યૂઝ, ટ્રમ્પ સરકારે લઘુત્તમ પગાર વધારો કરવાની દરખાસ્ત રજૂ કરી

0

અમેરિકન શ્રમ વિભાગે H-1Bબી અને અન્ય વિઝા કાર્યક્રમો હેઠળ વિદેશી કર્મચારીઓ માટે લઘુત્તમ પગાર વધારવાનો નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. વિદેશી કર્મચારીઓનો પગાર અમેરિકન બજારના પગારને અનુરૂપ લાવવાના આશયથી આ દરખાસ્ત કરાઈ છે. શ્રમ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે તેનાથી અમેરિકન કર્મચારીઓની સુરક્ષા થશે અને વિઝા સિસ્ટમનો દુરુપયોગ ઘટાડી શકાશે.

અમેરિકન શ્રમ વિભાગના સૂચિત પ્રસ્તાવની ભારતીય પ્રોફેશનલ્સની રોજગારીની તકો પર અસર પડવાની શક્યતા છે. આ પહેલાં ટ્રમ્પ સરકારે H-1Bબી વિઝા પર એક લાખ ડોલરની ફી નાંખી દીધી હતી. હવે નવા નિયમોનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

અમેરિકન શ્રમ મંત્રી લોરી શાવેઝ ડિરેમરે કહ્યું કે, ટ્રમ્પ સરકાર એ સુનિશ્ચિત કરવા માગે છે કે અમેરિકન નાગરિકો અન્યાયપૂર્ણ પગાર સિસ્ટમથી રોજગારી ના ગુમાવે. આ પ્રસ્તાવ હેઠળ પ્રચલિત પગારની ગણતરીની રીત બદલાશે. તે લઘુત્તમ પગાર નિશ્ચિત કરે છે, જે એમ્પ્લોયરે વિદેશી કર્મચારીઓને આપવાનો હોય છે.

નવી યોજના મુજબ એન્ટ્રી લેવલના પગારમાં ઝડપથી વધારો થશે. લઘુત્તમ સ્તર લગભગ 17મા પર્સેન્ટાઈલથી વધીને 34મું પર્સેન્ટાઈલ થઈ જશે અને ઉચ્ચતમ સ્તર ૬૭મા પર્સેન્ટાઈલથી વધીને 88મું પર્સેન્ટાઈલ સુધી પહોંચી જશે. વિદેશી પ્રોફેશનલ્સ માટે વર્તમાન પગાર સ્તર ખૂબ જ નીચું છે. તેના કારણે કંપનીઓ અમેરિકન નાગરિકોની સરખામણીમાં સસ્તા વિદેશી પ્રોફેશનલ્સની ભરતી કરી લે છે.

સરકારી આંકડા મુજબ H-1Bબી કામદારોને સમાન નોકરીઓમાં અમેરિકન કર્મચારીઓની સરખામણીમાં મોટાભાગે ઓછો પગાર મળે છે. આ અંતર સરેરાશ 10000 ડોલર જેટલું હોય છે. સૂચિત નિયમો હેઠળ એમ્પ્લોયરે પ્રચલિત પગાર અથવા અમેરિકન કર્મચારીઓને અપાતો વાસ્તવિક પગાર બેમાંથી જે વધુ હશે તે વિદેશી પ્રોફેશનલ્સને ચૂકવવાનો રહેશે. જોકે, પ્રચલિત પગાર લઘુત્તમ મર્યાદા તરીકે કામ કરે છે અને નિષ્ણાતોનું કહેવું છે કે તેને ખૂબ જ ઓછો રખાયો છે. 

નવા નિયમ H-1Bબી વિઝાની નવી અરજીઓ પર લાગુ થશે અને વર્તમાન સ્વીકૃત અરજીઓ પર તેની કોઈ અસર નહીં થાય. શ્રમ વિભાગ મુજબ સૂચિત પગાર વધારાથી વિદેશી પ્રોફેશનલ્સનો પગાર વાર્ષિક લગભગ 14000 ડોલર વધી શકે છે, જેથી વિદેશી પ્રોફેશનલ્સની ભરતી પર એમ્પ્લોયરનો ખર્ચ વધી જશે તેમ શ્રમ વિભાગે જણાવ્યું હતું.

Junagadh : જિલ્લા પંચાયત, મહાપાલિકા અને કલેક્ટર તંત્ર ભ્રષ્ટાચારનો અડ્ડો

0

 જૂનાગઢમાં કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞોશ મેવાણી દ્વારા સ્વાભિમાન સંમેલન અને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ 26 મુદ્દે ધારાસભ્યને આગેવાનોએ અને સામાન્ય લોકોએ રજુઆત કરી હતી. કોંગી ધારાસભ્યએ જૂનાગઢ મનપા, કલેક્ટર તંત્ર અને જિલ્લા પંચાયત ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયા હોય તેવો ગંભીર આક્ષેપ કર્યો હતો. લોકો આંદોલનો કરી થાકી ગયા છતાં તેને ન્યાય આપવામાં આવતો નથી જેથી જૂનાગઢના લોકોને સાથે રાખી મુખ્યમંત્રીને રજુઆત કરાશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

શહેરની દોમડીયા વાડી ખાતે ધારાસભ્ય જીજ્ઞોશ મેવાણીના કાર્યક્રમમાં વિવિધ પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી. મેવાણીએ તંત્ર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જૂનાગઢ જીલ્લા પંચાયત, જૂનાગઢ મહાનગરપાલિકા અને કલેક્ટર કચેરી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયા છે. મનપાએ થોડા સમય પહેલા થાર ગાડી ખરીદી છે તે કોઈને બતાવવામાં આવતી નથી, કરોડો રૂપીયાનો ખનીજનો દંડ સરકારી તંત્ર વસુલી શકતું નથી, સેંકડો વિઘા ગૌચર સહિતની જમીનમાં માથાભારે લોકોનું દબાણ છે તેને તથા ભાજપના આગેવાનોના દબાણને ખુલ્લું કરાતું નથી જ્યારે સામાન્ય વ્યક્તિ દબાણ કરે તો તેના પર લેન્ડગ્રેબિંગ જેવી કાર્યવાહી કરવામાં આવે છે. અનેક લોકો વિવિધ મુદ્દે આંદોલન કરે, રજુઆત કરે છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી. અધિકારીઓને સરકાર અને ભાજપના નેતાઓ સાથે સેટીંગ તથા મિલીભગત છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ધારાસભ્ય અને અન્ય લોકો તેની સાથે કલેક્ટર કચેરીએ દોડી જઈ કલેક્ટરને વિવિધ મુદ્દે રજુઆત કરી છે.

Gujarat : ડાકોર નગરપાલિકાનું રૂા.3.92 કરોડની પુરાંતવાળુ બજેટ મંજૂર

0

ડાકોર નગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં ૨૦૨૬-૨૭ માટે ૩.૯૨ કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. જિલ્લા આયોજનની ૫૦ લાખની ગ્રાન્ટમાંથી વિકાસના કામો મંજૂર કરાયા હતા.


ડાકોર પાલિકામાં આજે બપોર બાદ ચાર વાગ્યે સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં ૨૦૨૬-૨૭ માટે ઉઘડતી સિલક ૮૭.૭૫ લાખ અને ૨૩.૬૭ કરોડની આવક સાથે કુલ ૨૪.૫૫ કરોડની આવક દર્શાવાઇ છે. જયારે બંધ સિલક ૧૨.૮૩ કરોડ અને ખર્ચ ૨૦.૬૩ કરોડ દર્શાવવામાં આવ્યો છે. પાલિકાનો વાર્ષિક ખર્ચ ૨.૬૩ કરોડનો પગાર ખર્ચ બાદ ૩.૯૨ કરોડની પુરાંતવાળું બજેટ સર્વેનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.

જયારે જિલ્લા આયોજનની ૫૦ લાખની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ અને ગોમતી નદીના ખડીયાદ વિસ્તારમાં પ્રોટેક્શન વોલ બનાવાવમાં આવશે.

Gujarat : રાજકોટમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ : 2 દાઝ્યાઃ મોટી દુર્ઘટના ટળી

0

સહકાર મેઇન રોડ પર સાધના સોસાયટી શેરી નં.2/5ના ખુણે આવેલા ત્રણ માળના મકાનના પાર્કિંગમાં સ્થિત કેટરર્સનાં ગોડાઉનમાં આજે પાણી ગરમ કરતી વખતે લાગેલી આગને કારણે એલપીજીના બે બાટલા ધડાકાભેર ફાટતા આસપાસનાં સમગ્ર વિસ્તારમાં ભય વ્યાપી ગયો હતો. ગોડાઉનમાં ચાલીસ એલપીજી સિલિન્ડર અને ડીઝલનો જથ્થો પડયો હતો. સદનસીબે ફાયર બ્રિગેડ સમયસર પહોંચી જતા મોટી દુર્ઘટના અટકી હતી. આગમાં 2 જણા દાઝી ગયા હતા.

આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ વોટર ટેન્ડર અને મીની વોટર ટેન્ડર સાથે સ્થળ પર પહોંચી ગયો હતો. તત્કાળ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાખી હતી. સ્થળ પરથી એલપીજીનાં 40 સિલિન્ડર અને ડીઝલનાં 5 કેરબા મળી આવ્યા હતા. એલપીજીના બે સિલિન્ડર ફાટયા હતા. જેને કારણે બંને સિલિન્ડરનાં ફુરચે-ફુરચા ઉડી ગયા હતા.

પાર્કિંગમાં કેટરર્સનો સામાન ઉપરાંત અર્ટીગા કાર અને ટુ-વ્હીલર પણ સળગ્યા હતા. પોલીસે જણાવ્યું કે, મકાન માલીક તરીકે અશોકભાઇ કરશનભાઇ રૈયાણી છે. જેના સંબંધી વિપુલ કરશનભાઇ રૈયાણીનું આ કેટરર્સનું ગોડાઉન હતું. કેટરર્સનાં માણસોના કપડા ધોવા માટે પાણી ગરમ કરતી વખતે આ આગ લાગ્યાનું પોલીસને જણાવાયું છે. આમ છતાં આગ પાછળનું ચોક્કસ કારણ જાણવા એફએસએલની મદદ લેવાશે.

આગ લાગી ત્યારે પાણી ગરમ કરનારા બંને જણા સલામત રીતે બહાર નીકળી ગયા હતા. ત્યાર પછી ફાયર એસ્ટીગ્યુંશરની મદદથી આગ બુઝાવવા જતા પાડોશી શામજીભાઇ દેસાઇ (ઉ.વ. 77) અને મોહીત ત્રિવેદી (ઉ.વ. 20) દાઝી જતા સિવિલમાં ખસેડાયા હતા.

જાણ થતાં ભક્તિનગરનાં પીઆઇ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. તપાસ દરમિયાન ગેસ ટ્રાન્સફર કરવા માટેની ઇલેક્ટ્રીક મોટર પણ સ્થળ પરથી મળી આવી હતી. જેનો ક્યા હેતુથી ઉપયોગ કરાતો હતો તે દિશામાં તપાસ શરૂ કરાઇ છે. એલપીજીના સિલિન્ડરનો જંગી જથ્થો મળી આવતા ભક્તિનગર પોલીસે જાણવા જોગ નોંધ કરી હતી. જેના આધારે પુરવઠા વિભાગે તપાસમાં ઝુકાવ્યું છે. ફાયર બ્રિગેડે ગોડાઉન ખાલી કરાવી તેના ડોક્યુમેન્ટ, બીયુ પરમિશન સર્ટીફિકેટ, મંજૂર પ્લાન વગેરે માટે નોટીસ ફટકારી છે.

Surendranagar : સાણંદ તાલુકામાં કાન કાપી લૂંટ ચલાવતી ગેંગના 2 સભ્ય ઝડપાયા

0

સાણંદ ગ્રામ્ય પંથકમાં ખેતરોમાં આઠ મહિનાથી રાત્રિએ ખેડૂતોને માર મારી, કાન કાપી દાગીના લૂંટતી ગેંગના બે આરોપીઓને એલસીબીએ લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી છે.

સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં રાત્રિના સમયે રખેવાળી કરતા ખેડૂતો અને મહિલાઓ પર હુમલો કરી, અત્યંત ક્રૂરતાપૂર્વક કાન કાપી સોના-ચાંદીના દાગીના લૂંટતી રીઢા ગુનેગારોની ટોળકીને આખરે લોકલ ક્રાઈમ બ્રાન્ચએ દબોચી લીધી છે. છેલ્લા આઠ મહિનાથી સાણંદ અને આસપાસના વિસ્તારોમાં આ ગેંગનો ભારે આતંક હતો.

એલસીબીની ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે તપાસ હાથ ધરતા ચોક્કસ બાતમીના આધારે (૧) સંજય કોદારીયા ઝીલીયા (રહે. સાણંદ) (૨) દશરથ ઉર્ફે દશો દેવીપુજક (રહે. જુડા ગામ, સાણંદ)ને ઝડપી પાડયા હતા. જ્યારે આ ગુનામાં સામેલ ત્રીજો શખ્સ પ્રકાશ રતીલાલ દેવીપુજક (રહે. મટોડા) નહીં ઝડપાતા પોલીસે વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલા આરોપીઓ પાસેથી આશરે રૃ.૬.૯૯ લાખની કિંમતનું સોનું અને ચાંદી જપ્ત કરવામાં આવ્યું છે. એલીસીબને મળેલી સફળતાથી સાણંદ ટાઉન, જીઆઇડીસી અને ચાંગોદર વિસ્તારના કુલ ૬ જેટલા ગંભીર લૂંટના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

Bollywood : કાર્તિક અને શ્રીલીલાની ફિલ્મનું શૂટિંગ કાશ્મીરમાં ફરી શરૂ

0

કાર્તિક આર્યન અને શ્રીલીલાએ અનુરાગ બસુની ફિલ્મનું શ્રીનગરમાં ફરી શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મના ટાઇટલ વિશે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી.

અગાઉ આ ફિલ્મનાં કેટલાંક દ્રશ્યોનું શૂટિંગ થઈ ચૂક્યું છે. હવે શૂટિંગ આગળ વધારાયું છે.

અગાઉ આ ફિલ્મને ‘આશિકી થ્રી’ તરીકે ઓળખાવાઈ હતી. જોકે, કાનૂની વિવાદ બાદ તે ટાઈટલ પડતું મૂકાયું હતું.

બીજી તરફ કાર્તિકની અટકી પડેલી ફિલ્મ ‘કેપ્ટન ઈન્ડિયા’નું શૂટિંગ પણ આગામી મે અથવા જુલાઈમાં શરુ થવાની શક્યતા છે. આ ફિલ્મની જાહેરાત પાંચ વર્ષ પહેલાં થઈ હતી. અગાઉ ફિલ્મના દિગ્દર્શક તરીકે હંસલ મહેતા નક્કી થયા હતા પરંતુ હવે શિમિત અમીન આ ફિલ્મનું શૂટિંગ કરવાના હોવાનું કહેવાય છે.

National : ‘દેશમાં કોઈ લોકડાઉન નહીં લાગે, ટીમ ઈન્ડિયા બનીને કામ કરો’, મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં PM મોદીની અપીલ

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને પડકારો સામે તૈયારીઓ અંગે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ રાજ્યોને ટીમ ઈન્ડિયાની જેમ મળીને કામ કરવાની સલાહ આપી, સાથે જ રાજ્યોને તૈયારીઓ મજબૂત રાખવા જણાવ્યું હતું. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું છે કે વર્તમાન કટોકટીને કારણે દેશમાં કોઈ લોકડાઉન લાગુ કરવામાં આવશે નહીં. નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ યુદ્ધ અંગે લોકસભા અને રાજ્યસભામાં સંબોધન પણ કર્યું હતું. જેમાં તેમણે રાજ્ય સરકારોને સહકાર આપવા તથા ‘ટીમ ઇન્ડિયા’ની ભાવનાથી કામ કરવા હાંકલ કરી હતી.

પીએમ મોદીએ થોડા દિવસો પહેલા જ દેશને એલર્ટ કર્યો હતો કે, મિડલ ઈસ્ટનું આ સંકટ ભારત માટે લાંબી મુસીબતો ઉભી કરી શકે છે. કેન્દ્ર સરકાર પોતાની તરફથી દરેક સંભવિત પગલાં લઈ રહી છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર આ યોજનાઓને સફળ બનાવવાની અસલી જવાબદારી રાજ્યોના ખભા પર છે. તેથી, તેમણે મુખ્યમંત્રીઓને અપીલ કરી છે કે તેઓ પોતપોતાના રાજ્યોમાં એવી વ્યવસ્થા કરે જેથી સામાન્ય માણસની જરૂરિયાતની વસ્તુઓ પર કોઈ આંચ ન આવે. તેમણે યાદ અપાવ્યું કે જ્યારે દેશ સંકટમાં હોય ત્યારે કેન્દ્ર અને રાજ્યોએ મળીને એક પરિવારની જેમ લડવું પડે છે.

‘ટીમ ઈન્ડિયા’ બનીને કામ કરવાની આપી સલાહ

વડાપ્રધાન મોદીએ આ સ્થિતિની સરખામણી બરાબર 6 વર્ષ પહેલા આવેલી કોરોના મહામારી સાથે કરી છે. તેમણે કહ્યું કે, ‘જે રીતે કોવિડ-19 દરમિયાન કેન્દ્ર અને રાજ્યોએ ટીમ ઈન્ડિયા બનીને કામ કર્યું હતું, આજે ફરીથી એ જ જુસ્સાની જરૂર છે.’ આજે જ્યારે મિડલ ઈસ્ટના યુદ્ધને કારણે તેલના ભાવ વધવા અને સપ્લાય ચેઈન તૂટવાનો ડર સતાવી રહ્યો છે, ત્યારે પીએમ મોદીનું રાજ્યોને આહવાન દર્શાવે છે કે ભારતની અસલી તાકાત તેની એકતામાં છે. ‘ટીમ ઈન્ડિયા’નો આ નવો મંત્ર આજની બેઠકમાં સૌથી મોટું હથિયાર બનવાનો છે. સરકારની કોશિશ છે કે મિડલ ઈસ્ટની આગની જ્વાળાઓ ભારતની અર્થવ્યવસ્થા અને સામાન્ય જનતાના રસોડા સુધી ન પહોંચે.

આચારસંહિતાને કારણે 5 રાજ્યોના CM બેઠકથી બહાર રહ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આ વર્ચ્યુઅલ બેઠકમાં પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, પુડુચેરી અને તમિલનાડુના મુખ્યમંત્રીઓ સામેલ થઈ શક્યા નહોતા. આ 5 રાજ્યોમાં ચૂંટણીને કારણે આચારસંહિતા લાગુ છે, જેના કારણે તેઓ આ ચર્ચાનો ભાગ બની શક્યા નથી.

અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની આ બેઠકમાં મિડલ ઈસ્ટના તણાવ અને ઈરાન યુદ્ધ વચ્ચે ઈંધણનો પુરવઠો, વધતી મોંઘવારી અને લોજિસ્ટિક્સ વ્યવસ્થાને સુધારવા અંગે ગંભીર ચર્ચા થઈ હતી. તમામ મુખ્યમંત્રીઓએ પોતપોતાના રાજ્યોની સ્થિતિ અને તૈયારીઓની માહિતી પીએમ મોદીને આપી હતી જેથી વૈશ્વિક સંકટની અસર સામાન્ય જનતા પર ન પડે.

આ હાઈ-લેવલ મીટિંગમાં ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની સાથે દેશના ઘણા મોટા રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સામેલ થયા હતા. બેઠકમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના મોહન યાદવ, ઉત્તરાખંડના પુષ્કરસિંહ ધામી અને છત્તીસગઢના વિષ્ણુદેવ સાય હાજર રહ્યા હતા. આ સિવાય દક્ષિણ ભારતમાંથી ચંદ્રબાબુ નાયડુ અને રેવંત રેડ્ડી, જ્યારે પંજાબથી ભગવંત માન અને જમ્મુ-કાશ્મીરથી ઉમર અબ્દુલ્લાએ પણ પોતાની વાત રજૂ કરી હતી. તો બીજી તરફ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, ગુજરાતના ભૂપેન્દ્ર પટેલ અને મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસે પણ ચર્ચામાં ભાગ લઈને પોતપોતાના રાજ્યોની તૈયારીઓની વિગતો આપી હતી.

ભારતમાં લોકડાઉન લગાવવાની વાતો માત્ર અફવા: કેન્દ્ર સરકારની સ્પષ્ટતા

યુદ્ધ અને ઊર્જા સંકટને કારણે સોશિયલ મીડિયા પર લૉકડાઉન લાગુ થવાની અફવાઓ જોર પકડી રહી હતી. આ મામલે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે ભારત સરકાર પાસે લૉકડાઉન લાદવાનો કોઈ પ્રસ્તાવ વિચારાધીન નથી અને આવી અફવાઓ તદ્દન ખોટી છે. મંત્રીએ જણાવ્યું કે અત્યારની વૈશ્વિક પરિસ્થિતિ તણાવપૂર્ણ છે, પરંતુ નાગરિકોએ ગભરાવાની કે પેનિક (Panic) થવાની જરૂર નથી. સરકાર ઊર્જા, સપ્લાય ચેઇન અને જીવનજરૂરી ચીજવસ્તુઓની સ્થિતિ પર દરરોજ ‘રિયલ ટાઇમ’ નજર રાખી રહી છે. તેમણે લોકોને શાંત રહેવા અને જવાબદારીપૂર્વક વર્તવા અપીલ કરી છે.

પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો

વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના સપ્લાયમાં મોટો ઘટાડો થતાં સંકટની ઘડી સર્જાઈ છે ત્યારે કેન્દ્ર સરકારે એક મહત્ત્વનો નિર્ણય કરતાં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી 10-10 રૂપિયા ઘટાડી દીધી છે. પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 10 રૂપિયા ઘટાડીને 3 રૂપિયા કરી દેવામાં આવી છે. જ્યારે ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડી શૂન્ય કરી દેવામાં આવી છે.

રાજ્યસભામાં PM મોદીએ કહ્યું હતું- જો યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ નક્કી

પીએમ મોદીએ રાજ્યસભામાં સંબોધનમાં કહ્યું હતું કે, યુદ્ધની શરૂઆત બાદ મેં પશ્ચિમ એશિયાના દેશોના વડા સાથે બે વખત વાતચીત કરી છે. અમે ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા સાથે પણ સતત સંપર્કમાં છીએ. અમે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે પણ વાતચીત કરી છે. કોમર્શિયા જહાજો પર હુમલા અને હોર્મુઝ સ્ટ્રેટમાં અડચણ અસ્વીકાર્ય છે. ભારતે નાગરિકો તથા સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો વિરોધ કર્યો છે. ભારત ડિપ્લોમેસીના માધ્યમથી યુદ્ધના આ માહોલમાં જહાજોની અવરજવર માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, દુનિયાના અનેક દેશોથી ક્રૂડ ઓઇલ અને LPGના જહાજ ભારત પહોંચી રહ્યા છે. જો યુદ્ધની પરિસ્થિતિ લાંબા સમય સુધી રહે તો ગંભીર દુષ્પરિણામ નક્કી છે. જે માટે ભારતે તૈયારી શરૂ કરી છે. ભારતનો 90 ટકા વેપાર વિદેશી જહાજો પર થાય છે, જેથી ભારતે હવે મેડ ઇન ઇન્ડિયા જહાજો બનાવવા માટે 70 હજાર કરોડ રૂપિયાનું અભિયાન શરૂ કર્યું છે. આ સિવાય ભારતના મોટા ભાગના હથિયાર પણ દેશમાં જ બનાવવામાં આવી રહ્યા છે. વર્તમાન સંકટના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થયું છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ‘ટીમ ઇન્ડિયા’ બનીને કામ કરવું પડશે: પીએમ મોદી

પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, આ સંકટ આપણી મોટી પરીક્ષા લેશે અને આ પરીક્ષામાં રાજ્યોનો સહકાર મળે તે આવશ્યક છે. સંકટના સમયમાં ગરીબ અને શ્રમિકો પર અસર પડે છે. તેથી તેમને અનાજ મળતું રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ. રાજ્ય સરકારોએ આવા સમયમાં સંગ્રહખોરી કરનારાઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. જરૂરી ચીજ વસ્તુઓની સપ્લાય ચાલતી રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ. હું તમામ રાજ્ય સરકારોને અનુરોધ કરવા માંગુ છું કે સંકટ ભલે ગમે તેટલું મોટું હોય, ભારતની અર્થવ્યવસ્થા તેજીથી આગળ વધે તે માટે સતત પ્રયાસ કરવા પડશે. કોરોના સંકટ સમયે કેન્દ્ર અને રાજ્યોએ ટીમ ઇન્ડિયા બનીને સારું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આપણે તે જ ભાવના સાથે આગળ પણ કામ કરવાનું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના પ્રયાસોથી દેશ આ ગંભીર વૈશ્વિક સંકટનો સામનો કરશે.

Ahmedabad : ૪૧ કરોડના જમીન છેતરપિંડી કેસમાં પતિ પત્ની સહિત ત્રણની ધરપકડ

સોલામાં રહેતા રોકાણકારને જમીન અપાવવાનું કહીને ૪૧ કરોડની છેતરપિંડી કરવાના કેસમાં આર્થિક ગુના નિવારણ શાખાએ આરોપી પતિ પત્ની  સહિત ત્રણની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં છેતરપિંડીનો આંક ૧૫૦ કરોડને પાર કરે તેવી શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

થલતેજમાં રહેતા મયુરભાઇ ઠક્કર અને તેમના ભાગીદારોને સૂર્ય રતન્મ બંગ્લોઝ સોલામાં રહેતા મિતેષ પટેલ, તેની પત્ની મોક્ષા પટેલ અને ભાઇ પ્રતિક પટેલે સોલામાં જમીન અપાવવાનું કહીને નાણાં લીધા બાદ ડીલ ડખ્ખામાં પડી હોવાનું કારણ આપીને થલતેજમાં અન્ય જમીન અપાવવાનું કહીને કહી ૪૧ કરોડની માતબર રકમની છેતરપિંડી કરતા આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

જેથી નાણાં રોકનાર વ્યક્તિ બ્લેકના નાણાં હોય તો ફરિયાદ ન કરી શકે. તેમજ ધમકી પણ આપતો હતો. તેણે વિવિધ રોકાણકારોને સારી કિેમતે જમીન અપાવવાનું કહીને આશરે ૧૫૦ કરોડ રૂપિયાની ઠગાઇ કર્યાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

Vadodara : પેટ્રોલ વાહનોના વેચાણમાં ઘટાડો, ઈલેક્ટ્રિક વાહનોમાં વધારો

0

યુદ્ધની પરિસ્થિતિના પ્રભાવ વચ્ચે ઈંધણના ભાવ અને પુરવઠા અંગેની અનિશ્વિતતાએ વાહન બજારમાં ફેરફાર લાવ્યો છે. વડોદરાવાસીઓ હવે પેટ્રોલ વાહનોના વિકલ્પો તરફ નજર દોડાવી રહ્યા છે.

સરકારની પરિવહન પોર્ટલના આંકડા દર્શાવે છે કે, વર્ષ ૨૦૨૫ના પ્રથમ ત્રણ મહિનામાં ૨૦,૦૯૮ પેટ્રોલ વાહનોની નોંધણી થઈ હતી, જ્યારે વર્ષ ૨૦૨૬ના સમાન ગાળામાં આ આંકડો ઘટીને માત્ર ૯, ૩૯૨ રહ્યો છે.

બીજી તરફ ઈલેક્ટ્રિક વાહનોમાં વૃદ્ધિનો ટ્રેન્ડ જોવા મળે છે. વર્ષ ૨૦૨૫ના પ્રથમ ત્રણ મહિનામાં ૧,૧૯૦ નોંધણી થઈ હતી, જ્યારે વર્ષ ૨૦૨૬માં આ આંકડો વધીને ૧,૯૨૩ થયો છે.

તેવી જ રીતે સીએનજી વાહનોની નોંધણીમાં પણ વૃદ્ધિ જોવા મળે છે. વર્ષ ૨૦૨૫માં પ્રથમ ત્રણ મહિનામાં ૧,૬૦૮ નોંધણી થઈ હતી, જ્યારે વર્ષ ૨૦૨૬માં આ આંકડો વધીને ૨,૦૪૩ થયો છે. જો કે ડીઝલ વાહનોની નોંધણીમાં ઝાઝો ફેર જણાયો નથી. વર્ષ ૨૦૨૫માં પ્રથમ ત્રણ મહિનામાં ડીઝલ વાહનોની નોંધણી ૩૨૪૨ થઈ હતી, વર્ષ ૨૦૨૬માં આ આંકડો યથાવત રહેતા ૩૨૯૯ વાહનોની નોંધણી થઈ છે.

વર્ષ ૨૦૨૬ પેટ્રોલ વાહનોની નોંધણી

જાન્યુઆરી : ૨,૫૩૪

ફેબ્રુઆરી : ૨,૧૫૮

માર્ચ (તા. ૨૭ સુધી) : ૧,૯૭૦

વર્ષ ૨૦૨૬ ઈલેક્ટ્રિક વાહનોની નોંધણી

જાન્યુઆરી: ૬૭૭

ફેબ્રુઆરી : ૫૫૮

માર્ચ (તા.૨૭સુધી) : ૭૭૫