Home Blog Page 238

Business : વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં ₹6,126 અને સોનામાં ₹2,109નો જંગી ઉછાળો

0

Silver and Gold Price : ભારતીય કોમોડિટી માર્કેટ (MCX) માં આજે સોના અને ચાંદીના ભાવમાં અકલ્પનીય તેજી જોવા મળી છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઊર્જા સંકટના કારણે સુરક્ષિત રોકાણ (Safe Haven) તરીકે બુલિયન માર્કેટ તરફ ઈન્વેસ્ટરોનો ધસારો વધ્યો છે. જેના પરિણામે, ચાંદીના ભાવમાં ₹6,126 અને સોનાના ભાવમાં ₹2,109 પ્રતિ કિલો/10 ગ્રામનો તોતિંગ ઉછાળો નોંધાયો છે.

ચાંદીમાં ₹2.25 લાખની સપાટી સર

ચાંદીના વાયદા બજારમાં આજના આંકડા નીચે મુજબ છે:

જૂનો બંધ ભાવ (Previous Close): ₹2,19,874.00

નવો ઓપન ભાવ (Open): ₹2,24,247.00

સમાચાર લખવા સુધીનો ભાવ: સમાચાર લખવા સુધી ચાંદીનો ભાવ તોતિંગ ઉછાળા સાથે ₹2,25,450.00 ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે ગયા બંધથી આશરે 2.54% નો વધારો દર્શાવે છે. દિવસ દરમિયાન ચાંદીમાં ₹2,26,000.00 સુધીનો હાઈ પણ જોવા મળ્યો હતો.

સોનામાં પણ તીવ્ર તેજી, ₹1.44 લાખને પાર

સોનાના વાયદા બજારમાં પણ આજના આંકડા જોરદાર તેજી સૂચવે છે

જૂનો બંધ ભાવ (Previous Close): ₹1,42,514.00

નવો ઓપન ભાવ (Open): ₹1,44,000.00

સમાચાર લખવા સુધીનો ભાવ: સોનાનો ભાવ સમાચાર લખવા સુધી ₹1,44,517.00 પર પહોંચી ગયો હતો, જે 1.41% નો વધારો દર્શાવે છે. દિવસનો ઉચ્ચ ભાવ ₹1,44,650.00 નોંધાયો હતો.

બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઈરાન-અમેરિકા તણાવ અને હોર્મુઝની સામુદ્રધુની બંધ હોવાના કારણે તેલના ભાવમાં થયેલો વધારો અને વૈશ્વિક અસ્થિરતા સોના-ચાંદીમાં તેજી લાવવાનું મુખ્ય કારણ છે. જો આ તણાવ યથાવત રહેશે તો આગામી દિવસોમાં ભાવમાં હજુ પણ મોટો ઉછાળો જોવા મળી શકે છે. ચાંદીમાં ખરીદીનું પ્રમાણ વેચાણ કરતા વધુ જોવા મળી રહ્યું છે, જે વધુ તેજીના સંકેત આપે છે.

National : નાના ગુનામાં નહીં થાય જેલ, ઈન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે

0

ભારતની કાનૂની વ્યવસ્થામાં એક ક્રાંતિકારી પરિવર્તન આવવા જઈ રહ્યું છે. સામાન્ય ટેકનિકલ ભૂલ કે નાની ચૂક માટે અત્યાર સુધી જે જેલની સજાની જોગવાઈ હતી, તેને નાબૂદ કરવા માટે સરકાર જન વિશ્વાસ (સંશોધન) વિધેયક લાવી રહી છે. આ બિલનો મુખ્ય મંત્ર છે શાસન ડર પર નહીં, પણ ભરોસા પર ચાલવું જોઈએ.

જન વિશ્વાસ બિલ એક સુધારાવાદી પગલું છે. તેનો મુખ્ય હેતુ નાના અને ટેકનિકલ નિયમ ઉલ્લંઘનોને અપરાધ (Crime) ની શ્રેણીમાંથી બહાર કરવાનો છે. અત્યાર સુધી અનેક એવા કાયદા હતા જેમાં નજીવી ભૂલ માટે પણ જેલની સજા થતી હતી. આ બિલ આવી જોગવાઈઓને હટાવીને દંડ અથવા ચેતવણીમાં ફેરવશે. વેપારીઓ, ઉદ્યોગસાહસિકો અને સામાન્ય નાગરિકો પરનો બિનજરૂરી કાનૂની બોજ ઓછો થશે.

જેનો અર્થ એ નથી કે તમામ ગુનાઓમાં સજા માફ થઈ જશે. આ છૂટછાટ માત્ર નાના, ટેકનિકલ અને પ્રક્રિયાગત ઉલ્લંઘનો પર જ લાગુ પડશે. પ્રથમ વખત ભૂલ કરનારને સુધારવાની તક અપાશે. જેલના બદલે માત્ર આર્થિક દંડ, ચેતવણી અથવા સુધારા નોટિસ આપવામાં આવશે. જો કોઈ વારંવાર ભૂલ કરશે, તો જ દંડની રકમ વધારવામાં આવશે.

ઇન્સ્પેક્ટર રાજ એટલે કે અધિકારીઓ પાસે રહેલી અમર્યાદિત સત્તા, જેના કારણે તેઓ નાની ભૂલોમાં પણ મોટી કાર્યવાહી કરી શકતા હતા. જ્યારે નાના ઉલ્લંઘનો અપરાધ નહીં ગણાય, ત્યારે અધિકારીઓની મનમાની અટકશે. કેસોનું નિરાકરણ કોર્ટની બહાર જ સત્તાધિકારીઓ દ્વારા કરવામાં આવશે, જેથી સમય બચશે અને પારદર્શિતા વધશે.

સિલેક્ટ કમિટીની ભલામણ બાદ હવે આશરે 78 કાયદાઓના 689 જોગવાઈઓને ડિ-ક્રિમિનલાઈઝ કરવાની તૈયારી છે. જેમાં મુખ્યત્વે મોટર વ્હીકલ એક્ટ, ઈલેક્ટ્રિસિટી એક્ટ, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, MSME ડેવલપમેન્ટ એક્ટ, RBI એક્ટ અને લીગલ મેટ્રોલોજી એક્ટનો સમાવેશ થાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પીયૂષ ગોયલ આ સંશોધિત બિલને લોકસભામાં રજૂ કરવા જઈ રહ્યા છે. અગાઉ આ બિલ સિલેક્ટ કમિટી પાસે હતું, જેણે 1000થી વધુ ગુનાહિત જોગવાઈઓ હટાવવાની ભલામણ કરી છે. સોમવાર સુધીમાં આ બિલ પર ગૃહમાં વિગતવાર ચર્ચા થઈ શકે છે.

Entertainment : બંધ થઈ રહ્યો છે સ્મૃતિ ઈરાનીનો શો ક્યુકી સાસ ભી કભી બહુ થી 2? મેકર્સે કર્યો ખુલાસો!

0

સ્મૃતિ ઈરાનીનો લોકપ્રિય શો ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2 આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. એક સ્પિન-ઓફના સમાચાર સામે આવ્યા હતા. એવી અટકળો ચાલી રહી છે કે આ શો બંધ થવાનો છે.

સ્ટાર પ્લસની લોકપ્રિય સીરિયલ ક્યુંકી સાસ ભી કભી બહુ થી હંમેશા દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય રહી છે. સ્મૃતિ ઈરાનીના શોની પહેલી સીઝન ખૂબ જ હિટ રહી હતી, ત્યારબાદ ગયા વર્ષે જુલાઈમાં તેની બીજી સીઝનનું પ્રીમિયર થયું હતું. ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2ને તેની પહેલી સીઝન જેટલો જ પ્રતિસાદ મળી રહ્યો છે. ટીઆરપીની દ્રષ્ટિએ, આ શો ઘણી મોટી સીરિયલો સાથે સ્પર્ધા કરી રહ્યો છે. સમાચાર આવ્યા હતા કે શોનો સ્પિન-ઓફ નિકટવર્તી છે. સોશિયલ મીડિયા પર અટકળો ચાલી રહી છે કે આ શો ટૂંક સમયમાં સમાપ્ત થશે. ચેનલે પોતે હવે આ અહેવાલોનો જવાબ આપ્યો છે અને સત્ય જાહેર કર્યું છે.

છેલ્લા કેટલાક દિવસોથી, સોશિયલ મીડિયા પર ઘણી અટકળો ચાલી રહી છે કે ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2 તેનો પ્રસારણ બંધ કરી રહી છે અને તેની જગ્યાએ એક સ્પિન-ઓફ, ક્યુંકી રિશ્તોં કે ભી રૂપ બદલતે હૈં આવશે. પરંતુ તમને એ જાણીને ખુશી થશે કે ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2 તેનો પ્રસારણ બંધ કરી રહી નથી. બધી અફવાઓને ફગાવી દેતા, એકતા કપૂરના લોકપ્રિય ટીવી શોના નિર્માતાઓએ જણાવ્યું હતું કે તેને ક્યુંકી રિશ્તોં કે ભી રૂપ બદલતે હૈં દ્વારા બદલવામાં આવી રહ્યું નથી. તેની પ્રસારણ ચેનલ, સ્ટાર પ્લસે, આ અહેવાલોની પુષ્ટિ કરતું એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે.

ગુરુવાર, 26 માર્ચના રોજ, સ્ટાર પ્લસે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક નિવેદન પોસ્ટ કર્યું. પોસ્ટમાં લખ્યું હતું કે, અમે કેટલાક મીડિયા અહેવાલો જોયા છે જે સૂચવે છે કે ક્યુંકી સાસ ભી કભી બહુ થી સીઝન 2 સમાપ્ત થઈ રહી છે અને તેની જગ્યાએ ક્યુંકી રિશ્તોં કે ભી રૂપ બદલતે હૈં આવી રહી છે. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આ અહેવાલો પાયાવિહોણા છે, અમે ક્યુંકી સાસ ભી કભી બહુ થી સીઝન 2 સમાપ્ત કરી રહ્યા નથી અને શોની અંતિમ તારીખ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું,
ક્યૂંકી સાસ ભી કભી બહુ થી 17 વર્ષના લાંબા ગાળા બાદ પરત ફરી છે. સ્મૃતિ ઈરાની અને અમર ઉપાધ્યાય અનુક્રમે તુલસી અને મિહિર વિરાણી મુખ્ય પાત્રો તરીકે પાછા ફરે છે. નવા આવનારાઓમાં રોહિત સુચાંતી, તનિષા મહેતા, શગુન શર્મા અને અમન ગાંધીનો સમાવેશ થાય છે, જેઓ બીજી પેઢીનો રોલ કરે છે. શોની બીજી સીઝનનું પ્રીમિયર 29 જુલાઈ, 2025ના રોજ થયું હતું.

Ahmedabad : નેતાઓના કાર્યક્રમમાં ભરપેટ ભોજનના મોંઘા થાળ, બાળકોને નાસ્તો રૂ. 5નો, મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર યોજનાની પોલ ખુલી

રાજ્ય સરકાર એક તરફ ‘કુપોષણ મુક્ત ગુજરાત’ના દાવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, છતાં વાસ્તવિકતા એ છે કે આજે પણ રાજ્યમાં 2 લાખ બાળકો કુપોષિત છે. આવી ગંભીર સ્થિતિ હોવા છતાં, રાજ્યની 32 હજારથી વધુ શાળાઓમાં બાળકોને આપવામાં આવતા અલ્પહારના પ્રમાણમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એક બાજુ મંત્રીઓ અને અધિકારીઓના સરકારી કાર્યક્રમોમાં 400થી 500 રૂપિયાની મોંઘી ડિશોની જ્યાફતો ઉડે છે, જ્યારે બીજી બાજુ ધોરણ 8 સુધીના બાળકોને માત્ર 5 રૂપિયાની મર્યાદામાં એક-એક ગ્રામ જોખી-તોળીને નાસ્તો આપવામાં આવે છે, જે સરકારની બેવડી નીતિ સામે ગંભીર સવાલો ઉભા કરે છે.

વર્ષ 2024માં રાજ્યની 32,277 શાળાઓના આશરે 38 લાખ વિદ્યાર્થીઓને બપોરના ભોજન ઉપરાંત વધારાનો અલ્પહાર આપવા માટે ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજના’ શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને કુપોષણથી બચાવવાનો છે, જે અંતર્ગત બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલાં પ્રાર્થના સમયે પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે. આ અલ્પહાર માટે વિદ્યાર્થીદીઠ દૈનિક 5 રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી હતી, પરંતુ સતત વધતી જતી મોંઘવારી છતાં સરકાર દ્વારા આ બજેટમાં હજુ સુધી કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

પીએમ પોષણ યોજના અંતર્ગત 5000 જેટલા કેન્દ્રો પર ભોજન પહોંચાડવા માટે એનજીઓને જવાબદારી સોંપવામાં આવી છે, પરંતુ આ બાબતે સરકારની બેવડી નીતિ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. જે શાળાઓમાં સ્થાનિક સ્તરે જ રસોઈ તૈયાર થાય છે, ત્યાંના સંચાલકોને એનજીઓની સરખામણીએ ઓછી રકમ ચૂકવવામાં આવે છે. વળી, સેન્ટ્રલાઈઝ્ડ કિચનમાંથી તૈયાર થઈને આવતું ભોજન બાળકો સુધી પહોંચે ત્યાં સુધીમાં સાવ ઠંડું પડી ગયું હોય છે. આ ઉપરાંત, શાળાઓમાં ભોજન બનાવતા કૂક અને હેલ્પરને આપવામાં આવતું વેતન પણ લઘુતમ વેતન ધારાના નિર્ધારિત દર કરતા ઓછું હોવાનું સામે આવ્યું છે.

વર્ષ 2013-14માં પીએમ પોષણ યોજના હેઠળ અઠવાડિયામાં એક દિવસ સુખડી આપવાની યોજના શરૂ કરવામાં આવી હતી, જેના માટે 16 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2024માં આ રકમમાં 14 કરોડનો વધારો કરવામાં આવતા, અંદાજે કુલ 30 કરોડના ખર્ચે દર ગુરુવારે બાળકોને પૌષ્ટિક સુખડી પીરસવામાં આવતી હતી. જોકે, આ મહત્ત્વની યોજનાને હાલમાં સદંતર બંધ કરી દેવામાં આવી છે.

શાળાની શરૂઆત સમયે આપવામાં આવતા પૌષ્ટિક નાસ્તાના પ્રમાણમાં મોટો કાપ મૂકવામાં આવ્યો છે. રોજના 50 ગ્રામ નાસ્તાના બદલે હવે માત્ર 38 ગ્રામ નાસ્તો આપવાનો આદેશ થતાં બાળકોને ભાગે માંડ એક ચમચો ચાટ અથવા સુખડીના બે બટકા જ આવશે. નાસ્તાનું આ ઓછું પ્રમાણ ધોરણ 5થી 7ના મોટા બાળકો માટે સાવ અપૂરતું માનવામાં આવે છે.

અલ્પહાર માટે નિર્ધારિત 5 રૂપિયાની મર્યાદામાં અગાઉ 50 ગ્રામ નાસ્તો આપવામાં આવતો હતો, જે હવે વિવિધ બહાના હેઠળ ઘટાડીને 6 દિવસના સરેરાશ 46.83 ગ્રામ કરી દેવામાં આવતા ભારે આશ્ચર્ય ફેલાયું છે. આ સ્થિતિમાં, ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહ્ન ભોજન કર્મચારી મંડળ દ્વારા અલ્પહારની રકમ વિદ્યાર્થીદીઠ 5 રૂપિયાથી વધારીને 7 રૂપિયા કરવાની પ્રબળ માંગણી કરવામાં આવી છે.

Surat : સુરત મ્યુનિ. કમિશનર રસ્તા પર ઉતર્યા : BRTS કોરિડોરમાં વાહન ચલાવતા વાહન ચાલકોને પાઠ ભણાવ્યો

0

સુરત મ્યુનિ. કમિશનર દ્વારા વિવિધ ઝોનમાં સરપ્રાઈઝ વિઝીટ કરી સફાઈ અભિયાન કરી રહ્યાં છે તે દરમિયાન માટે પર્વત પાટિયાથી પુણા કેનાલ રોડ સુધીના BRTS કોરિડોરમાં કેટલાક વાહનો ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા જોવા મળ્યા હતા. મ્યુનિ. કમિશનરે સ્થળ પર જ તાત્કાલિક કાર્યવાહી કરતાં સંબંધિત વાહનચાલકોને રોકી ટ્રાફિક શિસ્તનું મહત્વ સમજાવી પાઠ ભણાવ્યો હતો. BRTS કોરિડોરમાં ગેરકાયદેસર પ્રવેશ કરવાથી જાહેર પરિવહન વ્યવસ્થામાં અવરોધ ઊભો થાય છે અને અકસ્માતની શક્યતા વધે છે. હવે પછી જો આવી ભૂલ થશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી તાકીદ કરી છે.

આજે સવારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા વરાછા ઝોન-એ વિસ્તારમાં ચાલી રહેલા સફાઈ અભિયાનની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. તેમની મુલાકાત દરમિયાન પર્વત પાટિયાથી પુણા કેનાલ રોડ સુધીના BRTS કોરિડોરમાં કેટલાક વાહનો ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા જોવા મળ્યા હતા. BRTS કોરિડોરમાં કેટલાક બેદરકાર અને બેફામ વાહન ચાલકો નિયમોની ખુલ્લેઆમ ધજાગરા ઉડાવી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા ઝડપાયા હતા. આ દ્રશ્ય જોઈ મ્યુનિ. કમિશનર એમ.નાગરાજને કડક વલણ અપનાવી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોને અટકાવીને તેમને જાહેરમાં જ ટ્રાફિક શિસ્તનો પાઠ ભણાવવામાં આવ્યો હતો. BRTS કોરિડોર કોઈ સામાન્ય માર્ગ નથી, પરંતુ શહેરના જાહેર પરિવહનના છે. તેમાં ગેરકાયદેસર પ્રવેશ કરવો માત્ર નિયમોનો ભંગ નથી, પરંતુ આખી વ્યવસ્થાને ખોરવી નાંખે છે. બસોની અવરજવર અટકવાથી હજારો મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે અને આવા બેદરકાર વાહનચાલકોના કારણે ગંભીર અકસ્માત સર્જાવાની ખતરો પણ ઊભો થાય છે. છતાં કેટલાક લોકો પોતાની સુવિધા માટે શહેરની સુરક્ષા સાથે ખેલ કરે છે, જે ગંભીર બાબત છે તેવું કહ્યું હતું.

મ્યુનિ. તંત્રએ તાકીદ કરી છે કે, હવે BRTS કોરિડોરમાં ગેરકાયદેસર પ્રવેશ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવશે. નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવશે, કેમેરા સર્વેલન્સ વધારવામાં આવશે અને જરૂર પડે ત્યાં સીધી કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે. શહેરમાં નિયમોનો ભંગ કરીને બેફામ રીતે વાહન ચલાવનારાઓ માટે આ ચેતવણી સમાન છે કે હવે શિસ્ત જાળવો નહીં તો કાર્યવાહી માટે તૈયાર રહો.

Banaskantha : પાલનપુરમાં મહિલાએ ધર્મના ભાઈની પત્નીની હત્યા કરી લાશને કોથળામાં પેક કરી ફેંકી દીધી

0

બનાસકાંઠાના પાલનપુરમાં માનવતાને લજવતી અને કાળજું ધ્રુજાવી દે તેવી હત્યાની ઘટના સામે આવી છે. ધર્મના ભાઈ બનાવી વર્ષો સુધી વિશ્વાસ કેળવ્યા બાદ, એક મહિલાએ તેના સાગરિતો સાથે મળીને પોતાના જ ‘ભાઈ’ની પત્નીની હત્યા કરી હતી. 79 તોલા સોનું અને 2 લાખ રૂપિયા પરત ન આપવા પડે તે માટે આ આખું ખૂની ખેલ ખેલાયું હતું.

પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા વસંત આકેડીવાલાની પત્ની શાંતિબેન આકેડીવાલા ગત 22મી માર્ચની સાંજે દૂધ લેવા નીકળ્યા બાદ રહસ્યમય રીતે ગુમ થયા હતા. પરિવારે ભારે શોધખોળ કરી પરંતુ કોઈ પત્તો લાગ્યો નહોતો. આ દરમિયાન 26મી માર્ચની વહેલી સવારે આબુ હાઇવે પર ઇન્કમટેક્સ ઓફિસ સામે આવેલા એક બંધ શોરૂમના ભોંયરામાંથી શાંતિબેનનો મૃતદેહ કોથળામાં પેક કરેલી હાલતમાં મળી આવતા સનસનાટી મચી ગઈ હતી.

આ મામલે પોલીસ તપાસમાં જે વિગતો બહાર આવી છે તે ચોંકાવનારી છે, મુખ્ય આરોપી રેખા તેજા રાઠોડ છેલ્લા 15 વર્ષથી વસંતભાઈના પરિવાર સાથે જોડાયેલી હતી અને વસંતભાઈને ધર્મના ભાઈ માની રાખડી બાંધતી હતી. એક વર્ષ અગાઉ રેખાએ પશુપાલનનો ધંધો કરવા માટે વસંતભાઈ પાસેથી તબક્કાવાર 79 તોલા સોનાના દાગીના અને 2 લાખ રોકડા લીધા હતા. શાંતિબેન અવારનવાર દાગીનાની ઉઘરાણી કરતા હોવાથી રેખાએ તેમને રસ્તેથી હટાવવાનું નક્કી કર્યું.

જેથી તેણે 22મી માર્ચની રાત્રે તેના ફર્નિચરની દુકાને દાગીના અને રોકડ લેવા બોલાવ્યા હતા. જ્યાં પહેલેથી હાજર રેખા તેજા રાઠોડ, તેજા દેવા રાઠોડ, રોહિત મકવાણા અને વિષ્ણુ વાલ્મિકીએ શાંતિબેનને પ્રસાદમાં ઘેનની ગોળીઓ આપી હતી, બાદમાં કલચ વાયરથી ગળે ટૂંપો આપીને હત્યા કરી હતી. મૃતદેહનો નિકાલ કરવા પહેલા દેલવાડા લઈ ગયા, પરંતુ ત્યાં લોકોની અવરજવર હોવાથી અંતે આબુ હાઇવે પર અવાવરૂ શોરૂમના ભોંયરામાં લાશ ફેંકી દીધી.

શાંતિબેન ગુમ થયા ત્યારે આરોપી રેખા પણ પરિવાર સાથે તેમને શોધવાનો ઢોંગ કરતી હતી. જોકે, પોલીસે સીસીટીવી ચેક કરતા શાંતિબેન રેખાની દુકાને જતા દેખાયા હતા, પરંતુ ત્યાંથી બહાર નીકળતા જોવા મળ્યા નહોતા. શંકા જતાં પોલીસે કડક પૂછતાછ કરી અને રેખા ભાંગી પડી, તેણે સમગ્ર હત્યાકાંડની કબૂલાત કરી હતી.

હત્યામાં સંડાવાયેલા રેખા તેજાભાઈ રાઠોડ (મુખ્ય સૂત્રધાર), તેજાભાઈ રાઠોડ, રોહિત મકવાણા અને વિષ્ણુ વાલ્મિકી સામે ગુનો દાખલ કરી તેમની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Entertainment : અજય દેવગન ને મોટો ઝટકો! 3 વર્ષ પહેલાં આવેલી સુપરહિટ ફિલ્મ સામે કાનૂની જંગ, હાઈકોર્ટ પહોંચ્યો મામલો!

0

બોલીવુડ અભિનેતા અજય દેવગનની આગામી ફિલ્મની બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શરૂઆતમાં માર્ચમાં રિલીઝ થવાની હતી, પરંતુ ધમાલ 4 જૂનમાં રિલીઝ થવાની તારીખ પાછળ ઠેલાઈ ગઈ છે. ડિસેમ્બરમાં રેન્જર રિલીઝ થવાની યોજના ચાલી રહી છે. ગોલમાલ 5 પર કામ શરૂ થઈ ગયું છે, અને રોહિત શેટ્ટીએ તેની જાહેરાત કરી છે. જ્યારે તે પોતાની ફિલ્મોમાં વ્યસ્ત છે, ત્યારે અભિનેતા એક મોટી મૂંઝવણનો સામનો કરી રહ્યો છે. એવું જાણવા મળ્યું હતું કે અજય દેવગન કાનૂની મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે, કારણ કે મૂળ તમિલ ફિલ્મ કૈથીના નિર્માતાઓએ બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.

અજય દેવગનની ભોલા એક એક્શન થ્રિલર ફિલ્મ છે જે 2023 માં રિલીઝ થવાની છે. અજય દેવગન દ્વારા પોતે દિગ્દર્શિત, તેને અજય દેવગન ફિલ્મ્સ, રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ, ટી-સિરીઝ ફિલ્મ્સ અને ડ્રીમ વોરિયર પિક્ચર્સ દ્વારા સંયુક્ત રીતે પૈસા લગાવ્યા હતા. તે 2019 ની તમિલ ફિલ્મ કૈથીની રિમેક છે. આ ફિલ્મમાં અજય દેવગન, તબ્બુ, દીપક ડોબરિયાલ, સંજય મિશ્રા, ગજરાજ રાવ અને વિનીત કુમાર અભિનય કરે છે. હવે, આખો મામલો આ ફિલ્મમાં ફસાઈ ગયો છે.

એક વેબસાઇટે અહેવાલ આપ્યો છે કે મૂળ તમિલ ફિલ્મ કૈથીના નિર્માતાઓએ બોમ્બે હાઇકોર્ટનો સંપર્ક કર્યો છે. તેણે અજય દેવગણ પર ભોલાના રિમેક અધિકારો અંગેના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. આ સમગ્ર વિવાદ ડ્રીમ વોરિયર પિક્ચર્સ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો, જે કંપની કૈથીનું નિર્માણ કરતી હતી. અહેવાલો અનુસાર, કંપની દાવો કરે છે કે 2019 ની હિટ ફિલ્મના કોપીરાઇટ અને રિમેક અધિકારો તેમની પાસે જ છે. જો કે, પ્રોડક્શન હાઉસે અગાઉ હિન્દી રિમેક માટે કરાર કર્યા હતા, જે પાછળથી ભોલા બની ગયા. મેકર્સનો આરોપ છે કે રિમેક અધિકાર કરાર સંબંધિત કેટલીક નાણાકીય જવાબદારીઓ પૂર્ણ કરવામાં આવી નથી. માત્ર થોડી રકમ ચૂકવવામાં આવી છે, જ્યારે બાકીની સંમત રકમ બાકી છે, જેમાં ફિલ્મની કમાણી સાથે જોડાયેલા વધારાના હપ્તાઓ અને ચલ ચુકવણીઓનો સમાવેશ થાય છે.

મૂળ નિર્માતાઓએ આ મામલાને ઉકેલવા માટે અનેક પ્રયાસો કર્યા, પરંતુ અહેવાલ મુજબ કોઈ જવાબ ન મળતાં સમગ્ર મામલો વધુ વકર્યો. ત્યારબાદ તેમણે વ્યાજ સાથે બાકી રકમની માંગણી કરતી કાનૂની નોટિસ ફટકારી. તેમણે ચેતવણી પણ આપી કે જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય, તો કરાર સમાપ્ત કરવામાં આવશે અને અધિકારો રદ કરવામાં આવશે. જ્યારે વિવાદ ઉકેલાયો નહીં, ત્યારે ડ્રીમ વોરિયર પિક્ચર્સે કાનૂની કાર્યવાહી કરી. તેઓએ પહેલા નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) નો સંપર્ક કર્યો, જ્યાં ટ્રિબ્યુનલે તેમની અરજી ફગાવી દીધી. હવે, નિર્માતાઓએ બોમ્બે હાઈકોર્ટમાં કોમર્શિયલ બૌદ્ધિક સંપદા કેસ દાખલ કર્યો છે, જ્યાં તેમણે સ્ટે ઓર્ડરની માંગ કરી છે.

Rajkot : રાજકોટના ધોરાજી પોલીસ સ્ટેશનની મુલાકાતે ફિલ્મ સ્ટાર જોન અબ્રાહમ, ધોરાજીમાં ‘ફોર્સ 3’નું ચાલે છે શૂટિંગ

0

રાજકોટના ધોરાજી પોલીસ સ્ટેશનની મુલાકાતે ફિલ્મ સ્ટાર જોન અબ્રાહમ પહોંચ્યા હતા અને તેમણે પોલીસ સ્ટેશન પહોંચી પીઆઈ સાથે અને અન્ય સ્ટાફ સાથે વાતો કરી હતી, મૂવીના શુંટિગ દરમિયાન સમય કાઢીને જોન પહોંચ્યા હતા પોલીસ સ્ટેશન.

રાજકોટ જીલ્લાના ધોરાજી પોલીસ સ્ટેશનની મુલાકાત લેતા ફિલ્મ સ્ટાર જોન અબ્રાહમ અને ધોરાજીમાં ફોર્સ 3 મૂવીનું વીડિયો શૂટિંગ માટે આવ્યા હતા, જોન અબ્રાહમે ધોરાજી સિટી પોલીસ સ્ટેશનની લીધી મુલાકાત અને ધોરાજી પોલીસ સ્ટાફ, પીઆઈ, એસ પી સહિતનાઓ સાથે જોને ફોટો પડાવ્યો હતો.

રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં બોલિવૂડની આગામી મેગા એક્શન ફિલ્મ ‘ફોર્સ 3’ નું શૂટિંગ ચાલી રહ્યું છે. ધોરાજીના ઐતિહાસિક અને લોકેશન-ફ્રેન્ડલી વિસ્તારોમાં ચાલી રહેલા આ શૂટિંગ વચ્ચે ફિલ્મના મુખ્ય અભિનેતા અને બોલીવૂડ સુપરસ્ટાર જોન અબ્રાહમના આગમનથી સ્થાનિકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી, રોડ પર શુંટિંગ દરમિયાન લોકોના ટોળા પણ ઉમટયા હતા અને પોલીસ બંદોબસ્તની વચ્ચે ફોર્સ 3 મુવીનું શૂટિંગ ચાલી રહ્યું છે.

ફોર્સ’ ફ્રેન્ચાઇઝીની ત્રીજી કડીના કેટલાક મહત્વપૂર્ણ દ્રશ્યો ધોરાજી અને તેની આસપાસના વિસ્તારો ફિલ્મમાં આવી રહ્યા છે. આ વ્યસ્તાની વચ્ચે પણ જોન પોલીસ સ્ટેશન અને લોકોને મળ્યા હતા, ધોરાજી સિટી ઐતિહાસિક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ફિલ્મ શૂટિંગ દરમિયાન સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં સ્થાનિક પોલીસનો ખૂબ જ મોટો સહયોગ રહ્યો છે.

National : પુરીના જગન્નાથ મંદિર નું રહસ્ય આવ્યું સામે,મંદિર નીચે પ્રાચીન શહેર હોવાની સંભાવના

0

પુરીના જગન્નાથ મંદિર સાથે જોડાયેલી એક ચોંકાવનારી માહિતી સામે આવી છે.અહેવાલો મુજબ મંદિરના નીચે એક પ્રાચીન શહેર હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે,જે ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ સર્વેક્ષણ દરમિયાન શોધાયું હોવાનો દાવો કરવામાં આવે છે.સંશોધન દરમિયાન વૈજ્ઞાનિકોને જમીન નીચે કેટલીક ચોંકાવનારી રચનાઓ જોવા મળી છે, જેને આધારે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે અહીં એક પ્રાચીન વસાહત રહેલી હોઈ શકે છે.આ સંશોધન બાદ પુરી શહેરના ઇતિહાસને લઈને નવા સવાલો ઉભા થયા છે.

રિપોર્ટ્સ મુજબ સંશોધકોને એક એવી રચના પણ જોવા મળી છે. કે જેમાં મંદિરને સમુદ્ર સાથે જોડતી ગુપ્ત સુરંગ હોવાની સંભાવના છે.જો આ દાવો સાચો સાબિત થાય, તો તે ઇતિહાસ અને પુરાતત્વ માટે મોટી શોધ બની શકે છે. જોકે આ અંગે હજુ સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી…જેથી અને સવાલો ઉભા થયા છે.

પુરીનું જગન્નાથ મંદિર હિંદુ ધર્મના ચારધામ યાત્રામાંથી એક મહત્વપૂર્ણ સ્થળ ગણવામાં આવે છે.દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવે છે,ખાસ કરીને રથ યાત્રા દરમિયાન ભક્તોની ભારે ભારે ભીડ ઉમટે છે.લોકો તાની કેટલીક મન્નતો પૂરી કરવા આવે છે આ મંદિરે. જગન્નાથ મંદિર તેના અનેક રહસ્યો માટે પણ જાણીતું છે.મંદિર પર ફરકતી ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાતી હોવાનું કહેવાય છે,જે લોકો માટે આશ્ચર્ય જગાવે છે.તેમજ દરરોજ પૂજારી 200 ફૂટથી વધુની ઊંચાઈ પર ચઢીને ધ્વજ બદલે છે. જે એક અનોખી પરંપરા માનવામાં આવે છે.

Surat : પાડોશીના ત્રાસથી કંટાળી મહિલાનો આપઘાતનો પ્રયાસ, સોશિયલ મીડિયા પર વીડિયો મૂકી પીધું ફીનાઈલ

0

લસકાણામાં પાડોશીના સતત ત્રાસથી કંટાળીને એક મહિલાએ ફિનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. મહિલાએ પોતે ફીનાઈલ પીતા પહેલાનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.

શહેરના લસકાણા વિસ્તારમાં પાડોશીના સતત ત્રાસ અને પોલીસની કથિત નિષ્ક્રિયતાથી કંટાળીને એક મહિલાએ ફિનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. આ ચોંકાવનારી ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે મહિલાએ પોતે ફીનાઈલ પીતા પહેલાનો એક દર્દનાક વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.

મળતી માહિતી મુજબ, લસકાણામાં રહેતી આ મહિલા લાંબા સમયથી પાડોશમાં રહેતી અલ્પા ટાંક અને તેના ભાઈ નિલેશ પરમાર દ્વારા આપવામાં આવતા ત્રાસથી પરેશાન હતી. મહિલાનો આક્ષેપ છે કે આ લોકો તેને સતત હેરાન કરી રહ્યા હતા અને માનસિક ત્રાસ આપી રહ્યા હતા. આ ત્રાસ સહન ન થતા આખરે મહિલાએ અંતિમ પગલું ભરવાનું નક્કી કર્યું હતું.

મહિલાએ સોશિયલ મીડિયા પર મૂકેલા વીડિયોમાં માત્ર પાડોશીઓ જ નહીં, પરંતુ લસકાણા પોલીસની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. મહિલાએ આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા તેને ન્યાય આપવાને બદલે હેરાન કરવામાં આવતી હતી અથવા તેની રજૂઆતો સાંભળવામાં આવતી ન હતી. આ વીડિયોમાં મહિલા પોતાની આપવીતી જણાવતા રડી પડી હતી અને ત્યારબાદ ફીનાઈલ પી લીધું હતું.

ઘટનાની જાણ થતા જ મહિલાને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ, સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા જ સુરત પોલીસ હરકતમાં આવી છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને મહિલાના આક્ષેપોમાં કેટલી સત્યતા છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે.