Home Blog Page 268

Rajkot : ગોંડલ ચોકડી પાસે અકસ્માત, ટ્રકની અડફેટે આવતા બાઈક ચાલકનું મોત

0

રંગીલા રાજકોટમાં ટ્રાફિકથી સતત ધમધમતી ગોંડલ ચોકડી પાસે આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રક ચાલકે બાઈક સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

ગોંડલ ચોકડી પાસે સર્જાયેલા આ અકસ્માતના જે CCTV ફૂટેજ સામે આવ્યા છે, તે જોઈને હચમચી જવાય તેવા છે. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ટ્રક ચાલક કેટલી બેદરકારીથી વાહન ચલાવી રહ્યો હતો અને તેને કારણે નિર્દોષ બાઈક ચાલકનો ભોગ લેવાયો છે. અકસ્માત થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ ટક્કર એટલી જોરદાર હતી કે યુવકે સ્થળ પર જ દમ તોડી દીધો હતો.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને CCTV ફૂટેજના આધારે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. ગોંડલ ચોકડી જેવા વ્યસ્ત વિસ્તારમાં વારંવાર થતા અકસ્માતોને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Top News : પ્રીમિયમ પેટ્રોલ બાદ ઈન્ડસ્ટ્રીયલ ડીઝલ પણ થયું મોંઘું, એકઝાટકે 22 રૂપિયાનો વધારો!

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વભરમાં ઓઈલ અને ગેસને લઈને ચિંતા વધી છે. એવામાં ભારતમાં પ્રીમિયમ પેટ્રોલ અને ઈન્ડસ્ટ્રીયલ ડીઝલના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. ભારતની ઓઈલ કંપનીઓએ ભારતમાં ઈન્ડસ્ટ્રીયલ ડીઝલના ભાવમાં 22 રૂપિયાનો વધારો કર્યો છે.

ઇન્ડસ્ટ્રિયલ ડીઝલનો ભાવ રૂ. 87.57થી વધીને રૂ. 109.59 થઈ ગયો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)એ ઇન્ડસ્ટ્રિયલ ડીઝલની કિંમત રૂ. 87.67 થી વધારીને રૂ. 109.59 પ્રતિ લિટર કરી દીધી છે. આ ભાવ વધારાની સીધી અસર ઉદ્યોગ, ટ્રાન્સપોર્ટ અને વીજ ઉત્પાદન ખર્ચ પર પડશે. જેના કારણે મોંઘવારી વધશે, જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સાં પર પડશે.

ઇન્ડસ્ટ્રિયલ ડીઝલનો ઉપયોગ સામાન્ય ગાડીઓમાં નહીં, પરંતુ ફેક્ટરીઓ અને કારખાનાઓમાં ઔદ્યોગિક કામો માટે કરવામાં આવે છે. તેને ઇન્ડસ્ટ્રિયલ અથવા બલ્ક ડીઝલ તરીકે વેચવામાં આવે છે. આ ડીઝલ પર કોઈ સબસિડી હોતી નથી. ફેક્ટરીઓ, શોપિંગ મોલ્સ, ડેટા સેન્ટર્સ અને તે મોટી બિલ્ડિંગો જે વીજળી જવા પર મોટા જનરેટર પર ચાલે છે, ત્યાં ઇન્ડસ્ટ્રિયલ ડીઝલનો ઉપયોગ થાય છે. આ સિવાય JCB, બુલડોઝર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં વપરાતી હેવી મશીનોમાં પણ તેનો ઉપયોગ થાય છે.

જોકે ઇન્ડસ્ટ્રિયલ ડીઝલનો ઉપયોગ સામાન્ય ગાડીઓમાં નથી થતો, પરંતુ તેના ભાવ વધારાની અસર સામાન્ય જીવન પર ચોક્કસ જોવા મળશે, કારણ કે તેનાથી કંપનીઓનો ખર્ચ વધશે અને તેનો બોજ ગ્રાહકો પર નાખવામાં આવી શકે છે.

ભારતમાં 20 માર્ચ, 2026 થી પ્રીમિયમ પેટ્રોલની કિંમતોમાં વધારો થયો છે. તેલ કંપનીઓના જણાવ્યા અનુસાર, BPCL ના ‘Speed’, HPCL ના ‘Power’ અને IOCL ના ‘XP95’ પેટ્રોલના ભાવમાં લિટર દીઠ રૂ. 2.09 થી રૂ. 2.35 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જોકે, હાલના તબક્કે સામાન્ય (Regular) પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરને પાર કરી ગયા છે. સાથે સાથે ડોલર સામે રૂપિયા ઓલ ટાઈમ લો પર લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે. ભારતની ઓઈલ કંપનીઓ માટે આયાત મોંઘી બની છે.

Business : Zomato ફૂડ ઓર્ડર પર પ્લેટફોર્મ ફીમાં 19%નો વધારો, જાણો આજથી કેટલો વધુ ચાર્જ ચૂકવવો પડશે?

0

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષની અસર હવે માત્ર સરહદો પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તેની અસર સામાન્ય માણસના રસોડા અને ખિસ્સા પર પણ જોવા મળી રહી છે.

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષની અસર હવે માત્ર સરહદો પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તેની અસર સામાન્ય માણસના રસોડા અને ખિસ્સા પર પણ જોવા મળી રહી છે. એકતરફ ગેસ સપ્લાયમાં આવેલા વિક્ષેપને કારણે ભારત સરકારે કોમર્શિયલ ગેસ સપ્લાય બંધ કરીને ઘરેલુ પુરવઠાને પ્રાથમિકતા આપી છે, ત્યારે બીજી તરફ ફૂડ ડિલિવરી ક્ષેત્રની દિગ્ગજ કંપની ઝોમેટો (Zomato) એ તેની પ્લેટફોર્મ ફીમાં મોટો વધારો ઝીંકી દીધો છે.

ઝોમેટોએ તેના પ્લેટફોર્મ પરથી ફૂડ ઓર્ડર કરવા માટેની ફીમાં 19%નો વધારો કર્યો છે. આજથી એટલે કે 20 માર્ચ, 2026 થી અમલી બનેલા નવા દરો મુજબ, હવે ગ્રાહકોએ દરેક ઓર્ડર પર ₹14.90 પ્લેટફોર્મ ફી ચૂકવવી પડશે. અગાઉ આ ફી ₹12.50 હતી. એટલે કે હવે દરેક ઓર્ડર પર સીધો ₹2.40 નો બોજ વધ્યો છે. આ ચાર્જ રેસ્ટોરન્ટના ભાવ, ડિલિવરી ચાર્જ અને GST ઉપરાંતનો રહેશે.

નોંધનીય છે કે આ વધારો એવા સમયે આવ્યો છે જ્યારે મધ્ય પૂર્વમાં યુદ્ધને કારણે એલપીજી (LPG) સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. ગેસના મર્યાદિત પુરવઠાને કારણે સરકારે કોમર્શિયલ સિલિન્ડરના વેચાણ પર નિયંત્રણો લાદ્યા છે. આ આર્થિક દબાણ અને ઓપરેશનલ ખર્ચ વધવાને કારણે ઝોમેટો જેવી કંપનીઓ ગ્રાહકો પાસેથી વધુ ચાર્જ વસૂલી રહી છે.

જો આપણે ઝોમેટોના પ્લેટફોર્મ ફીના ઇતિહાસ પર નજર કરીએ, તો વર્ષ 2023માં કંપની માત્ર ₹2 ફી વસૂલતી હતી. જોકે, છેલ્લા એક વર્ષમાં કંપનીએ તબક્કાવાર રીતે અનેક વખત ફીમાં વધારો કર્યો છે. હવે આ ફી વધીને ₹14.90 સુધી પહોંચી ગઈ છે. જે લોકો વારંવાર ઓનલાઇન ફૂડ ઓર્ડર કરે છે, તેમના
દરેક ઓર્ડર પર વધારાના ૧૫ રૂપિયા ચૂકવવા એ સામાન્ય મધ્યમ વર્ગના ગ્રાહકો માટે આંચકા સમાન છે. ખાસ કરીને જ્યારે ગેસ અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને હોય, ત્યારે બહારથી જમવાનું મંગાવવું હવે મોંઘો સોદો બની રહ્યો છે.

Surat : રિક્ષામાં પેસેન્જર બની બેસતી અને કટરથી ઘરેણાં ચોરતી ગેંગ ઝડપાઈ, 12.5 લાખનો મુદ્દામાલ કબ્જે

0

સુરતમાં રિક્ષામાં મુસાફરી કરતી વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી તેમના દાગીના ચોરતી ગેંગનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે એક મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં રિક્ષામાં મુસાફરી કરતી વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી તેમના દાગીના ચોરતી એક ખતરનાક ગેંગનો સુરત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે એક મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જેમણે શહેરના પોશ વિસ્તારોમાં આચરલા 14 જેટલા ગુનાઓની કબૂલાત કરી છે.

આ ગેંગ અત્યંત સાતરી રીતે ચોરીને અંજામ આપતી હતી. ગેંગની સભ્ય ગૌરી નામની યુવતી પોતાના ત્રણ વર્ષના માસૂમ બાળકને સાથે રાખી રિક્ષામાં બેસતી હતી. રિક્ષામાં જગ્યા કરવાના બહાને તે વૃદ્ધ મહિલાઓની નજીક જતી અને તેમની નજર ચૂકવી દેતી હતી. આ દરમિયાન ગેંગના અન્ય સાગરીતો કટરનો ઉપયોગ કરીને મહિલાઓના ગળામાંથી સોનાની ચેન કે અન્ય કિંમતી ઘરેણાં કાપી લેતા હતા. આ ટોળકીમાં પાલીતાણાથી આવેલો શંકર નામનો શખ્સ પણ મુખ્ય ભૂમિકા ભજવતો હતો.

ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ગેંગે સુરતના જહાંગીરપુરા, પાલ અને અડાજણ જેવા વિસ્તારોમાં અનેક મહિલાઓને શિકાર બનાવી છે. આરોપીઓએ અત્યાર સુધીમાં 14 જેટલી ચોરીની ઘટનાઓ કબૂલી છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલા કુલ 12.5 લાખ રૂપિયાના સોનાના ઘરેણાં જપ્ત કર્યા છે.

Entertainment : શ્રીદેવીએ ખરીદેલી પ્રોપર્ટી માટે બોની, જાહ્નવી હાઈકોર્ટમાં

0

મુંબઇ : ચેન્નઈમાં શ્રીદેવીના નામની પ્રોપર્ટી પર કેટલાક લોકોએ દાવો કરી દેતાં આ અંગે ચાલી રહેલા કાનૂની વિવાદમાં બોની કપૂર, જાહ્નવી કપૂર, તથા ખુશી કપૂર મદ્રાસ હાઈકોર્ટમાં પહોંચ્યાં છે.આ ૪.૭ એકર જમીન શ્રીદેવીએ ૧૯૮૮માં ખરીદી હતી. પરંતુ તેના પર ચંદ્રબાનુ નામની એક મહિલા તથા તેનાં બે સંતાનોએ દાવો કર્યો હતો. તેમણે ૨૦૨૫માં આ જમીન પર પોતાનો વારસાઈ હક્ક હોવાનું જણાવ્યું હતું. બોની કપૂરે તેમના આ દાવા સામે સ્થાનિક કોર્ટમાં અપીલ કરી હતી પરંતુ કોર્ટે તે ફગાવી દેતાં હવે બોનીએ હાઈકોર્ટનું શરણું લીધું છે.

બોની કપૂર દ્વારા અગાઉ એવી દલીલ કરાઈ હતી કે તેમણે આ જમીન જેમની પાસેથી ખરીદી હતી તે પરિવારની વ્યક્તિએ એક પત્ની હયાત હોવા છતાં પણ બીજાં લગ્ન કર્યાં હતાં. આ બીજાં લગ્ન કરનારી પત્ની કે તેમના સંતાનોનો આ વ્યક્તિની વારસાઈ મિલ્કતો પર કોઈ હક્ક બનતો નથી. તેમણે ૧૯૮૮માં આ મિલ્કત માટે વેચાણ ખત રજિસ્ટર કરાવ્યું હતું અને તેનાં ૩૭ વર્ષ પછી અચાનક આ લોકોએ આ પ્રોપર્ટી પર દાવો માંડયો છે તે ખોટું છે.

Sports : 7 ખેલાડી જેમની ઈજાએ IPL રમનારી ટીમોનું ટેન્શન વધાર્યું, 4 તો ટુર્નામેન્ટ બહાર થઈ ગયા

0

IPL 2026 શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ક્રિકેટ રસિકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ ઇજાગ્રસ્ત ખેલાડીઓની યાદી સતત વધતી જઇ રહી છે. અત્યાર સુધીમાં કુલ 7 ખેલાડીઓ ઇજાગ્રસ્ત હોવાના અહેવાલો સામે આવ્યા છે, જેમાંથી 4 ખેલાડીઓ તો આખી સીઝનમાંથી બહાર થઈ ગયા છે.

4 ખેલાડીઓ આખી સીઝન નહીં રમી શકે

હર્ષિત રાણા (KKR): કોલકાતા નાઇટ રાઇડર્સના આ સ્ટાર બોલરને દક્ષિણ આફ્રિકા સામેના T20 વર્લ્ડ કપ 2026 ના વોર્મ-અપ મેચ દરમિયાન ઇજા થઈ હતી. BCCI ના વાર્ષિક એવોર્ડ્સ (Naman Awards) માં તેઓ લાકડીનો ટેકો લઇને ચાલતો જોવા મળ્યો હતો, જે દર્શાવે છે કે તેઓ આખી સીઝન રમી શકશે નહીં.

નાથન એલિસ (CSK): ચેન્નાઈ સુપર કિંગ્સના CEO કાશી વિશ્વનાથને પુષ્ટિ કરી છે કે હેમસ્ટ્રિંગની ઇજાને કારણે એલિસ IPL 2026 માં જોવા મળશે નહીં.

સેમ કરન (RR): રાજસ્થાન રોયલ્સ માટે આ મોટો ફટકો છે. ગ્રોઈન ઇજાને કારણે ઇંગ્લેન્ડનો આ ઓલરાઉન્ડર આ વર્ષે મેદાન પર ઉતરી શકશે નહીં.

જેક એડવર્ડ્સ (SRH): સનરાઇઝર્સ હૈદરાબાદે જેને 3 કરોડમાં ખરીદ્યો હતો તે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર પણ અજ્ઞાત ઇજાને કારણે આખી સીઝન રમી શકે તેમ નથી.

શરૂઆતની મેચોમાં નહીં જોવા મળે આ ખેલાડી

પેટ કમિન્સ (SRH): ઓસ્ટ્રેલિયાનો આ દિગ્ગજ કેપ્ટન શરૂઆતની મેચોમાં જોવા નહી મળે. તેની ગેરહાજરીમાં ઈશાન કિશનને સનરાઇઝર્સ હૈદરાબાદનો કેપ્ટન બનાવાયો છે.

જોશ હેઝલવુડ (RCB): રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને પ્રથમ ટાઇટલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર હેઝલવુડ ઇજામાંથી રિકવર થઈ રહ્યો છે. જો કે તે શરૂઆતની મેચોમાં જોવા નહી મળે.

લોકી ફર્ગ્યુસન (PBKS): ન્યુઝીલેન્ડનો આ ફાસ્ટ બોલર ઇજા નહીં પરંતુ પારિવારિક કારણોસર પ્રથમ સાત મેચો માટે ઉપલબ્ધ રહેશે નહીં.

ખાસ કરીને સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ માટે પ્લેઇંગ-11 સેટ કરવામાં મોટી મુશ્કેલી પેદા થઇ છે. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ મહત્વના બોલરો અને ઓલરાઉન્ડરો ગુમાવવા એ કોઈપણ ટીમ માટે રણનીતિક રીતે મોટું નુકસાન છે.

Iran Israel War : ઇરાન સાથે જંગ વચ્ચે PM મોદીની મિડલ ઇસ્ટ ડિપ્લોમસી, 5 દેશના નેતાઓ સાથે શું થઇ વાતચીત?

0

ઈરાન પર ઇઝરાઇલ અને અમેરિકાના સંયુક્ત સૈન્ય હુમલાને 20 દિવસ વીતી ગયા છે. ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વિશ્વમાં ઊર્જા સંકટ જેવી સ્થિતિ ઊભી થઈ છે.ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો છે, જ્યાંથી વિશ્વના લગભગ 20 ટકા ઊર્જા આયાત-નિકાસ થાય છે. આ પરિસ્થિતિને કારણે ભારતના ઘણા શહેરોમાં LPG સિલિન્ડરને લઈને ભય અને ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પરિસ્થિતિ વચ્ચે ભારત સરકારે કૂટનીતિક સ્તરે પોતાની સક્રિયતા વધારી છે. નરેન્દ્ર મોદીની મિડલ ઈસ્ટ ડિપ્લોમેસીનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે તેમણે એક જ દિવસે પાંચ દેશોના ટોચના નેતાઓ સાથે ફોન પર વાતચીત કરી.ઈરાન યુદ્ધ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ કતાર, ફ્રાન્સ, જોર્ડન, ઓમાન અને મલેશિયાના નેતાઓ સાથે ચર્ચા કરી. તેમણે પશ્ચિમ એશિયામાં ઊભી થયેલી પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી અને એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થયેલા હુમલાની કડક નિંદા કરી.

પ્રધાનમંત્રી મોદીએ અલગ-અલગ ટેલિફોનિક વાતચીતમાં પ્રદેશમાં જલ્દી શાંતિ, સુરક્ષા અને સ્થિરતા સ્થાપિત કરવા માટે સંવાદ અને કૂટનીતિની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે હોર્મુઝ જળમાર્ગમાં સુરક્ષિત અને મુક્ત અવરજવર જાળવી રાખવાની પણ જરૂરિયાત જણાવી.તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી શેર કરતાં જણાવ્યું કે તેમણે કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ થાની સાથે વાત કરી અને તેમને તથા કતારની જનતાને ઈદની શુભેચ્છા પાઠવી. ભારતે એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થયેલા હુમલાની કડક નિંદા કરી અને કતાર સાથે એકતા દર્શાવી.

સાથે જ, પ્રધાનમંત્રી મોદીએ કતારમાં રહેલા ભારતીયોની સંભાળ માટે આભાર વ્યક્ત કર્યો અને પ્રદેશમાં જલ્દી શાંતિ સ્થાપિત થવાની આશા વ્યક્ત કરી. તેમણે જોર્ડનના પ્રયત્નોની પણ પ્રશંસા કરી, જેણે આ વિસ્તારમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત પાછા લાવવા મદદ કરી.

Dang : સાપુતારા માલેગાંવ ઘાટ પર ટેમ્પોની બ્રેક ફેઈલ થતા સર્જાયો અકસ્માત, ડ્રાઈવરનો આબાદ બચાવ

0

સાપુતારા માલેગાંવ ઘાટમાં બેંગ્લોરથી રાજકોટ જતી લાઈટિંગ સામાનની આઈસર બ્રેક ફેઈલ થતા પલટાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો છે.રાજ્યના પ્રસિદ્ધ હિલ સ્ટેશન સાપુતારાના માલેગાંવ ઘાટમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. બેંગ્લોરથી રાજકોટ તરફ જઈ રહેલો એક આઈસર ટેમ્પો બ્રેક ફેઈલ થઈ જવાને કારણે પલટી મારી ગયો હતો. આ અકસ્માતમાં ટેમ્પોમાં ભરેલા મોંઘા લાઈટિંગના સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે, જોકે સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો છે.

ઘટનાની માહિતી અનુસાર, લાઈટિંગ માટેનો કિંમતી સામાન ભરીને એક આઈસર ટેમ્પો બેંગ્લોરથી રાજકોટ જઈ રહ્યો હતો. જ્યારે આ ટેમ્પો સાપુતારા ઉતરીને માલેગાંવ ઘાટ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક ટેમ્પોની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. ઢાળવાળા રસ્તા પર બ્રેકે કામ ન કરતા ડ્રાઈવરે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. ટેમ્પો અન્ય વાહનો સાથે ન અથડાય તે માટે ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી ટેમ્પોને રોડ સાઈડની ભેખડ સાથે અથડાવી દીધો હતો, જેને કારણે ટેમ્પો પલટી ખાઈ ગયો હતો.

Gujarat : આગાહી વચ્ચે ગીર પંથકમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ-ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો ચિંતાતુર

0

રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. આજે (20મી માર્ચે) ગીર પંથકના વાતાવરણમાં પલટો આવતા ઉના, ગીર ગઢડા અને તાલાલા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. કમોસમી વરસાદને પગલે અનેક માર્ગો પર નદીઓની જેમ પાણી વહેતા થયા હતા. જ્યારે માળીયા હાટીના તાલુકાના અકાળા, કાલીંભડા અને વિરડી સહિતના ગામોમાં અડધો ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીના પાકને અસર થઈ છે.

ગીર સોમનાથ જિલ્લો જે કેસર કેરી માટે જાણીતો છે, ત્યાં સિઝનના પ્રારંભે જ કમોસમી વરસાદ પડતા બગીચાના માલિકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. તૈયાર થઈ રહેલા આંબાના મોર અને નાની કેરીઓ ખરી જવાની શક્યતાને પગલે ખેડૂતો ભારે મુંઝવણમાં મુકાયા છે.

હવામાન વિભાગ અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હજુ આગામી 24 કલાક રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 કલાક બાદ વરસાદી માહોલ ઓસરતા જ ધીમે-ધીમે 3થી 5 ડિગ્રી તાપમાન વધશે અને ફરીથી કાળઝાળ ગરમી પડશે.

ગત બે દિવસ દરમિયાન તીવ્ર પવન અને ગાજવીજ સાથે પડેલા વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની અને વીજ પુરવઠો ખોરવાઈ જવાની ઘટનાઓ બની છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ખેતરોમાં ઉભેલા પાકોને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

Ahmedabad : બોપલ-આંબલી સ્ટેશન પર શરૂ થશે ‘રેલવે કોચ રેસ્ટોરન્ટ’, 64 લોકો બેસી શકશે

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા રેલવેના વારસા અને આધુનિક મહેમાનગતિના સંગમ સમાન એક અનોખો પ્રોજેક્ટ આગામી એપ્રિલ મહિનામાં બોપલ-આંબલી રેલવે સ્ટેશન પર શરૂ થવા જઈ રહ્યો છે. ‘ઓન ધ ટ્રેક રેસ્ટ્રો એન્ડ કાફે’ નામની આ રેસ્ટોરન્ટ એક રિફર્બિશ્ડ ટ્રેનના કોચ અને તેની સાથે જોડાયેલી ખુલ્લી જગ્યામાં તૈયાર કરવામાં આવશે, જેમાં કુલ 154 મહેમાનો માટે બેસવાની વ્યવસ્થા હશે.

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ એર-કન્ડિશન્ડ કોચમાં 64 લોકો બેસી શકશે, જે મુસાફરોને ટ્રેનના ડબ્બામાં બેસીને જમવાનો અહેસાસ કરાવશે. જ્યારે બાકીની બેઠકો બહારના ખુલ્લા વિસ્તારમાં રાખવામાં આવશે. આ સુવિધા માત્ર રેલવે મુસાફરો માટે જ નહીં, પરંતુ આસપાસના રહીશો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનશે, જે મોડી રાત્રિના આઉટિંગ અને કેઝ્યુઅલ ડાઇનિંગ માટે નવો વિકલ્પ પૂરો પાડશે.

આ મલ્ટી-ક્યુઝિન રેસ્ટોરન્ટ 24 કલાક કાર્યરત રહેશે, જેનાથી આ વિસ્તારમાં ‘નાઇટ કલ્ચર’ને વેગ મળવાની આશા છે. જે લોકો ઉતાવળમાં હોય તેમના માટે દિવસ-રાત ટેક-અવે કાઉન્ટરની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. આ પ્રોજેક્ટ અમદાવાદ ડિવિઝનની વ્યાપક યોજનાનો એક ભાગ છે, જે હેઠળ મહેસાણા, ભુજ, ગાંધીધામ અને સાબરમતી જેવા મુખ્ય સ્ટેશનો પર પણ આવી ‘રેલ કોચ રેસ્ટોરન્ટ્સ’ શરૂ કરવાનું આયોજન છે.

આ કોન્સેપ્ટ હેઠળ, નકામા થયેલા ટ્રેનના કોચને થીમ-આધારિત ડાઇનિંગ સ્પેસમાં રૂપાંતરિત કરવામાં આવે છે, જેથી લોકો મુસાફરી કર્યા વિના ટ્રેનની મુસાફરી જેવો આનંદ માણી શકે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવાની સાથે રેલવે માટે વધારાની આવક ઊભી કરવાનો છે. દરેક રેસ્ટોરન્ટમાં આધુનિક રસોડું હશે અને મેનુમાં સ્થાનિક વાનગીઓ તેમજ ભારતીય અને આંતરરાષ્ટ્રીય વાનગીઓનો સમાવેશ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે દિલ્હી, મુંબઈ અને ઈન્દોર જેવા શહેરોમાં આ મોડલ પહેલેથી જ સફળ રહ્યું છે. ગુજરાતમાં પણ નવેમ્બર 2023માં રાજકોટમાં ‘ટ્રેકસાઇડ તડકા’ નામની આવી જ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી હતી. આ તમામ પ્રોજેક્ટ્સ પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) મોડલ હેઠળ ચલાવવામાં આવશે. જો આ પહેલને સારો પ્રતિસાદ મળશે, તો રેલવે આગામી સમયમાં રાજ્યના અન્ય સ્ટેશનો પર પણ આ સુવિધાનો વિસ્તાર કરશે.